06 July, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ક્રિપ્ટો એક્સચેન્જ એમટી ગોક્સ ઉપરાંત અમેરિકા અને જર્મનીની સરકારે બિટકૉઇનની વેચવાલી કરી એને પગલે શુક્રવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ વધુ તૂટી હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૫.૩૬ ટકા (૩૯૪૩ પૉઇન્ટ) ઘટીને ૬૯,૬૩૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૩,૫૭૫ ખૂલીને ૭૪,૭૭૨ની ઉપલી અને ૬૭,૨૬૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા, જેમાંથી કાર્ડાનો, પોલિગોન અને ચેઇનલિન્કમાં ૧૧થી ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. દરમ્યાન સાઉથ કોરિયાની ફાઇનૅન્શિયલ સુપરવાઇઝરી સર્વિસે ક્રિપ્ટો વ્યવહારો પર રિયલ ટાઇમ દેખરેખ રાખવા માટેની વ્યવસ્થા કરી છે. એમાં એક્સચેન્જો પરના શંકાસ્પદ કે અસાધારણ સ્વરૂપના સોદાને પકડી પાડવામાં આવશે.
બીજી બાજુ, નાઇજીરિયાએ વર્ચ્યુઅલ ઍસેટ્સના રોકાણકારો માટે સુરક્ષાનું વાતાવરણ નિર્માણ કરવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારી નિયમનકારી સંસ્થા–સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને કહ્યું છે કે વર્ચ્યુઅલ ઍસેટ સર્વિસ પ્રોવાઇડર્સે દેશમાં ફિઝિકલ કાર્યાલય ખોલવું જરૂરી બની રહેશે. તેઓ આવું કાર્યાલય ખોલશે તો જ એમને નિયમન હેઠળ આવરી લેવાશે અને તો જ તેઓ કામકાજ કરી શકશે.