26 June, 2023 03:12 PM IST | Mumbai | Jitendra Sanghvi
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગયે અઠવાડિયે મીડિયા (પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક) વડા પ્રધાન મોદીની અમેરિકાની મુલાકાતના અને તેમને મળેલ માનમરતબાના અહેવાલોથી છવાયેલાં રહ્યાં. મોદીની ડિપ્લોમસીએ તેમની વિશ્વના નેતા તરીકે અને ભારતની ‘કમિટી ઑફ નેશન્સ’માં આગવી ઓળખ ઊભી કરી હોવાને લીધે અમેરિકાની કૉન્ગ્રેસ (પાર્લમેન્ટનાં બન્ને હાઉસ)ની સંયુકત બેઠકને બીજી વખત સંબોધવાનું માન તેમને મળ્યું છે. આ સાથે મોદી આવું માન મેળવનાર ત્રીજા વિશ્વના દેશોના પ્રથમ નેતા બન્યા છે.
મોદીની આ મુલાકાતે અમેરિકા અને ભારતના સંરક્ષણ, અવકાશ, ટેલિકૉમ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને સ્વચ્છ ઊર્જા જેવાં અનેક ક્ષેત્રોના સંબંધો વધુ ગાઢ બનાવીને એક નવા સ્તર પર પહોંચાડ્યા છે અને એ પણ નેહરુના સમયથી આજદિન સુધી ચાલુ રહેલ ભારત-રશિયાના દ્વિપક્ષી સંબંધોને આંચ ન આવે એ રીતે. અમેરિકાની ધરતી પર પણ રશિયા-યુક્રેન બાબતે તેમણે બાઇડન કરતાં જુદું વલણ લીધું છે.
આ મુલાકાત દરમ્યાન પાકિસ્તાન અને ચીનનાં નામ લીધાં સિવાય આતંકવાદને ડામવા માટે આકરાં પગલાં લેવાનું વિશ્વના હિતમાં છે એવો સ્પષ્ટ સંદેશો મોદીએ આ દેશોને આપ્યો છે. ભારત એના સાર્વભૌમત્વ (સરહદ અને જમીન) બાબતે લેશમાત્ર સમાધાન નહીં કરે એ ફરી એક વાર તેમનાં ભાષણોમાં સ્પષ્ટ કર્યું છે.
સંરક્ષણ ક્ષેત્રના કરારથી ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા યુગનો પ્રારંભ
અલબત્ત, આ મુલાકાતથી અને ધંધા-ઉદ્યોગના અગ્રણીઓ સાથેની તેમની મીટિંગોને કારણે ભારતમાં બિલ્યન્સ ઑફ ડૉલરનું વિદેશી મૂડીરોકાણ આવશે એનો ઉલ્લેખ કરવાની ભાગ્યે જ જરૂર હોય. વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી અમેરિકન કંપની ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં ભારતમાં સેમીકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન શરૂ કરશે. જેટ એન્જિનના ઉત્પાદન માટે ટ્રાન્સફર ઑફ ટેક્નૉલૉજીના કરાર સાથે સંરક્ષણ ક્ષેત્રના આપણા દ્વિપક્ષીય સંબંધોની નવી શરૂઆત થશે.
ચીનના સ્લોડાઉન અને સુરક્ષાના નામે ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ પરની ચીનની સરકારની પકડ મજબૂત બની રહી હોવાના સંદર્ભમાં મોદીની અમેરિકાની મુલાકાત પછી અનેક અમેરિકન કંપનીઓ તેમના ચીનના ઑપરેશન બંધ કરીને ભારત ભણી નજર દોડાવે તો નવાઈ નહીં.
ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના કૂદકે ને ભૂસકે થઈ રહેલા વિકાસને કારણે ઇન્ડિગોએ ૫૦૦ નવાં વિમાનો ખરીદવાનો ઑર્ડર (૫૦ બિલ્યન ડૉલર) ફ્રાન્સની ઍરબસ કંપનીને આપ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો સિંગલ ઑર્ડર છે. ચાર મહિના પહેલાં ઍર ઇન્ડિયાએ ૪૭૦ વિમાનો ખરીદવાનો ઑર્ડર (૧૨૦ બિલ્યન ડૉલર) અમેરિકાની બોઇંગ કંપનીને આપ્યો હતો. આવા જમ્બો ઑર્ડરો સ્લોડાઉન અને મંદીનો સામનો કરી રહેલ ફ્રાન્સ અને અમેરિકામાં પણ રોજગારીની તકો વધારીને જે-તે દેશના અર્થતંત્રને બૂસ્ટર ડોઝ આપી શકે. ઉપરાંત, આવા જંગી ઑર્ડરો ભારતમાં વિસ્તરી રહેલ સેવાના ક્ષેત્રની સાક્ષી પૂરે છે.
મોદીની મુલાકાતને કારણે અમેરિકન કંપનીઓનું મૂડીરોકાણ તો ભારતમાં આવશે જ, પણ સાથે-સાથે ભારતની મહાકાય કંપનીઓનું અમેરિકા ખાતેનું મૂડીરોકાણ પણ વધશે, એ આ દ્વિપક્ષી સંબંધોની વિશેષતા છે. આજ કારણે આ સંબંધો લાંબા ગાળાના અને ટકાઉ પણ બની રહેશે.
વૈશ્વિક ભાવવધારો ધીમો પડ્યો, પણ ભાવવધારા સામેની લડત ચાલુ છે
વિશ્વના અર્થતંત્રની વાત કરીએ તો ફેડરલ રિઝર્વે વ્યાજના દરનો વધારો સ્થગિત કર્યા પછી પણ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે (બીઓઈ) ગયે અઠવાડિયે ફરી એક વાર વ્યાજના દર વધાર્યા છે તો પીપલ્સ બૅન્ક ઑફ ચીને ફરી એક વાર આ દર ઘટાડ્યા છે.
ભારતના અર્થતંત્ર અને સ્ટૉક માર્કેટ સામે ટૂંકા ગાળાનું સૌથી મોટું જોખમ ‘અલ નીનો’ (જેને કારણે ચોમાસું નબળું રહી શકે)નું છે. આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રનો દેખાવ નબળો રહે તો આપણા આર્થિક વિકાસનો દર ઘટે.
દરમ્યાન રિઝર્વ બૅન્કના એક અભ્યાસ પ્રમાણે વર્તમાન ભાવવધારો અને અપેક્ષિત ભાવવધારો ઘટાડીને જ ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારી શકાય.
તાજેતરના રાષ્ટ્રીય વિકાસના આંકડા સ્પષ્ટ રીતે સૂચવે છે કે ભાવવધારાને કારણે ખાનગી વપરાશ ખર્ચ ઘટે છે. પરિણામે કંપનીઓનું વેચાણ ઘટે છે અને એટલે નવી ઉત્પાદનક્ષમતા વધારવા માટેનું ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ ઘટે છે.
ભારતમાં રિયલ વ્યાજના દર (ભાવવધારા માટે ઍડ્જસ્ટ કર્યા પછીના) પૉઝિટિવ છે એટલે ફુગાવાને ડામવા માટે હાલપૂરતા એમાં વધારો કરવાની જરૂર નથી. તો બીજી તરફ નબળા ચોમાસાને કારણે વર્ષના ઉત્તરાર્ધમાં કૃષિ પેદાશોના ભાવ વધી શકે એ સંદર્ભમાં હાલ વ્યાજના દર ઘટાડી શકાય એમ પણ નથી. કદાચ થોડા સમય માટે આ ઘટાડો થંભાવી દેવો પણ પડે.
વિશ્વની જુદી-જુદી કેન્દ્રવર્તી બૅન્કોના અધ્યક્ષોનાં નિવેદન પ્રમાણે હાલમાં ભાવવધારો ધીમો પડ્યો છે એ વાત ખરી, પણ ભાવવધારા સામેની લડાઈ હજી ચાલુ જ છે પછી એ ફેડરલ રિઝર્વ હોય, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા હોય, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ હોય કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હોય.
અમેરિકાને મંદી કરતાં ભાવવધારાનો ડર વધારે છે
ઉપભોક્તા માટેનો વપરાશ ખર્ચ વધવાને લીધે અને મૂડીરોકાણના વધારાના સુધારેલા આંકડાને કારણે અમેરિકાએ તેના ત્રીજા અને ચોથા ક્વૉર્ટરના આર્થિક વિકાસનો દર સુધાર્યો છે. એ અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર સ્થગિત થશે (અગાઉના અંદાજ પ્રમાણે એ દર ઘટવાનો હતો) અને ડિસેમ્બર ક્વૉર્ટરમાં જ ઘટશે. બીજી તરફ ફૂડ અને એનર્જી સિવાયના ભાવવધારાના આંકમાં ઝડપી વધારો થશે.
ફેડરલ રિઝર્વ પણ આમ જ વિચારે છે એટલે ૨૦૨૪ની શરૂઆતમાં વ્યાજના દર ઘટાડાય એ પહેલાં ૨૦૨૩ના અંત સુધી વ્યાજના દર બે વાર વધારાશે. લેબર માર્કેટ મજબૂત રહેશે એટલે કે રોજગારી વધશે અને બેરોજગારીનો વધારો ધારણા કરતાં ઓછો રહેશે.
બ્રિટન વધી રહેલી મોંઘવારીથી ત્રસ્તઃ વ્યાજના દર ફરી એક વાર વધાર્યા
બ્રિટનમાં મે મહિનામાં ભાવવધારાનો દર (૮.૭ ટકા) અપેક્ષા પ્રમાણે ઘટ્યો નથી, પણ આગલા મહિનાના સ્તરે ટકી રહ્યો છે જે G7 દેશોનો સૌથી મોટો છે (ઑક્ટોબર ૨૦૨૨માં આ દર ચાર દાયકાનો ઊંચો ૧૧.૧ ટકા હતો). કોર ઇન્ફ્લેશનમાં વધારો થયો છે (એપ્રિલ મહિનાના ૬.૮ ટકામાંથી ૭.૧ ટકા), જે ૩૦ વર્ષનો સૌથી ઊંચો છે. આમ બીજા વિકસિત દેશોની અપેક્ષાએ બ્રિટનનો ભાવવધારો વધુ લાંબા સમય માટે મચક આપતો ન હોય એવું પુરવાર થયું છે અને એટલે જ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે અપેક્ષા (૨૫ બેસિસ પૉઇન્ટ) કરતાં વધુ પ્રમાણમાં (૫૦ બેસિસ પૉઇન્ટ) વ્યાજના દર વધાર્યા છે. આ વધારો અગાઉના અઠવાડિયાના ૨૫ બેસિસ પૉઇન્ટના વધારા પછીનો બૅક-ટુ-બૅક વધારો છે. આ સાથે બ્રિટનનો પાંચ ટકાનો વ્યાજનો દર એપ્રિલ ૨૦૦૮ પછીનો સૌથી મોટો છે.
ભાવવધારો અને સતત વધી રહેલા વ્યાજના દરને કારણે બ્રિટિશ સરકારનું દેવું ઝડપથી વધતું રહીને જીડીપીના ૧૦૦ ટકાને પાર કરી ગયું છે. આ દેવું ૧૯૬૧ પછીનું સૌથી મોટું છે. આ કારણે આવતા વર્ષની ચૂંટણીના સંદર્ભમાં કરવેરા ઘટાડવાનું બ્રિટનના વડા પ્રધાન રીશી સૂનકનું સ્વપ્ન ફળીભૂત નહીં થાય. બ્રિટનમાં ફિસ્કલના પ્રથમ બે મહિના (એપ્રિલ-મે)માં બજેટ ખાધ ૪૩ બિલ્યન પાઉન્ડ રહી છે જે ગયા વરસ કરતાં બે ગણીથી પણ વધુ છે.
ભારતમાં ભાવવધારાનો સંભવિત ઘટાડો રિયલ વ્યાજના દરના વધારામાં પરિણમી શકે
અપેક્ષા પ્રમાણે આવતા ત્રણ-ચાર ક્વૉર્ટરમાં ભાવવધારાનો દર ઘટવા માંડે તો રિયલ વ્યાજના દર વધવા માંડે એટલે રિઝર્વ બૅન્ક વ્યાજના દર જાળવી રાખે (અને ઘટાડે નહીં) તો પણ પ્રૅક્ટિસમાં એને કડક મૉનિટરી પૉલિસી કહી શકાય.
હાલમાં રિયલ ઇન્ટરેસ્ટ રેટ ૧.૫ ટકા જેટલા કહેવાય (૬.૫ ટકા રેપો રેટ માઇનસ ૫.૦ ટકા નજીકના ભવિષ્યનો ભાવવધારાનો દર). ક્રૂડ ઑઇલના નીચા ભાવો, વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓના નીચા ભાવો અને સપ્લાય ચેઇનના ભંગાણમાં થયેલ સુધારાને કારણે ભાવવધારાના જોખમમાં ઘટાડો થયો છે. સરકારે પુરવઠા બાજુના લીધેલ પગલાં, છેલ્લા એક વર્ષમાં વ્યાજના દરમાં કરાયેલ વધારાની થોડા સમયના ગૅપ પછી ભાવવધારા પરની સંભવિત અસર અને જથ્થાબંધ ભાવાંકના ઘટાડાની નજીકના ભવિષ્યમાં છૂટક ભાવવધારા પર પડનાર અસરને લીધે ભાવવધારો આવતા થોડા મહિનામાં હજી પણ ઘટી શકે.
૨૦૨૪-’૨૫માં ભાવવધારો ફિસ્કલ ૨૦૨૩-’૨૪ કરતાં ઓછો થાય અને નૉમિનલ રેપો રેટ જાળવી રખાય (ઘટાડો ન કરાય) તો રિયલ વ્યાજના દર વધે. રિયલ વ્યાજના દર હાલના ૧.૫ ટકા જેટલા રહે તો પણ માગમાં ઘટાડાની સંભાવના છે અને એટલે આર્થિક વિકાસના દર પર પણ એની અવળી અસર પડે એટલે સામાન્ય સંજોગોમાં રિયલ વ્યાજના દર એક ટકાથી વધુ રહેવા ન જોઈએ.
ભાવવધારા અને આર્થિક વિકાસના દર વચ્ચેનું સમતુલન ખોરવાઈ ન જાય એ માટે રિઝર્વ બૅન્કની નજર સતત રિયલ વ્યાજના દર પર રહેતી જણાય છે.
‘અલ નીનો’ની ચોમાસા પરની અસર નિર્ણાયક સાબિત થશે
હાલમાં રિયલ વ્યાજના દર પૉઝિટિવ છે એટલે ભાવવધારાને રોકવા માટે વ્યાજના દર વધારવાની તાત્કાલિક જરૂર નથી, પણ ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં કૃષિ પેદાશોના ભાવો વધવાની સંભાવનાને કારણે રિઝર્વ બૅન્ક થોડા સમય માટે વ્યાજના દર ઘટાડવાનું પણ ન વિચારે એમ બને.
‘અલ નીનો’ના સંદર્ભમાં વરસાદની વહેંચણી (દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં અને ચોમાસાના જુદા- જુદા મહિનાઓમાં) કૃષિ ક્ષેત્રના ઉત્પાદન અને ભાવો માટે નિર્ણાયક સાબિત થઈ શકે. ‘અલ નીનો’ ધારણા કરતાં અવળો ટર્ન લે તો ભાવવધારાની દિશા બદલાઈ શકે (ઘટી રહેલ ભાવો એકાએક વધવા પણ માંડે).
રિઝર્વ બૅન્કનો ફિસ્કલ ૨૦૨૪નો ભાવવધારાનો ૫.૧ ટકાનો અંદાજ (ચાર ટકાના લક્ષ્યાંક સામે) ચોમાસું નૉર્મલ રહેશે એવી ધારણાથી કરાયો હતો, પણ ચોમાસાની શરૂઆત જ વરસાદની ૩૦ ટકાથી વધુ ખાધ સાથે થઈ છે. મે મહિને ભાવવધારો ઓછો થવા છતાં ધાન્યનો ડબલ ડિજિટ ભાવવધારો, દૂધના ભાવમાં છેલ્લા ૧૦ મહિનાથી ચાલુ રહેલ છ ટકાનો વધારો અને ત્રણ વર્ષથી વધુ સમય માટે પાંચ ટકાથી વધુનો કોર ઇન્ફ્લેશન રિઝર્વ બૅન્ક માટે ચિંતાનો વિષય છે.