ચાંદીના ભાવ સતત પાંચમા દિવસે ઘટ્યા : પાંચ દિવસમાં ૫૫૮૮ રૂપિયા તૂટ્યા

06 June, 2024 08:36 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ ઘટતાં રેટકટના ચા​ન્સિસ વધતાં સોના-ચાંદીમાં મજબૂતી

પ્રતીકાત્મક તસવીર

સોનાનો ભાવ આગામી બે વર્ષમાં વધીને ૨૮૦૦ ડૉલર અને ૨૦૨૪ના અંતે ૨૬૦૦ ડૉલરની સપાટીએ પહોંચવાની આગાહી યુનાઇટેડ બૅન્ક ઑફ ​​સ્વિટ્ઝરલૅન્ડે કરી હતી. બૅન્કે ૨૦૨૪માં સોનાના ભાવ અગાઉના વર્ષથી આઠ ટકા વધીને ઍવરેજ ૨૩૬૫ ડૉલર રહેવાની આગાહી કરી હતી. અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ અને ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઘટતાં રેટકટના ચા​ન્સિસ સતત વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સુધર્યાં હતાં.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૭ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૦૭ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ સતત પાંચમા દિવસે ઘટ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીનો ભાવ ૫૫૮૮ રૂપિયા એટલે કે છ ટકા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ૦.૧ ટકા વધીને ૧૦૪.૨૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનું લગભગ નક્કી હોવાથી એની અસરે યુરો સામે ડૉલરને મજબૂતી મળી હતી, પણ અમેરિકાના એક પછી એક ડેટા નબળા આવી રહ્યા હોવાથી સપ્ટેમ્બરમાં રેટકટના ચા​ન્સિસ સતત વધી રહ્યા છે.

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જૂનમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૪૦.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૧.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૫.૨ પૉઇન્ટની હતી. ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સતત ૩૪મા મહિને નેગેટિવ ટેરિટરીમાં રહ્યો હતો. અમેરિકન પબ્લિકનું પર્સનલ ફાઇનૅન્શિયલ આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૫૧.૩ પૉઇન્ટથી ઘટીને ૪૭.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જ્યારે ગવર્નમેન્ટ ઇકૉનૉમિક પૉલિસી પર પબ્લિકના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ પણ ૩૮.૫ પૉઇન્ટથી ઘટીને ૩૬.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે આગામી છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૩૫.૭ પૉઇન્ટથી વધીને ૩૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો.

અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ એપ્રિલમાં ૨.૯૬ લાખ ઘટીને ૮૦.૫૯ લાખે પહોંચ્યા હતા જે ૩૯ મહિનાના સૌથી ઓછા હતા. માર્કેટની ધારણા ૮૩.૪ લાખ નંબર્સની હતી. અમેરિકામાં હેલ્થકૅર, સોશ્યલ અસિસ્ટન્ટ, ગવર્નમેન્ટ એજ્યુકેશન સેક્ટરમાં જૉબ ઘટી રહ્યા છે, જ્યારે પ્રાઇવેટ એજ્યુકેશન સેક્ટરમાં જૉબ ઝડપથી વધી રહ્યા છે. અમેરિકામાં નોકરીઓ ગુમાવનારાઓની સંખ્યા એપ્રિલમાં વધીને ૩૫ લાખે પહોંચી હતી જે માર્ચમાં ૩૪ લાખ હતી. ખાસ કરીને બિઝનેસ અને પ્રોફેશનલ સેક્ટરમાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા વધી હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્શન અને સોના-ચાંદીના ભાવને સીધો સંબંધ છે, કારણ કે અગાઉ જ્યારે ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ હતા ત્યારે તેમની કૉન્ટ્રોવર્શિયલ અને અગ્રેસિવ પૉલિસીને કારણે સોનાના ભાવ સતત વધતા રહ્યા હતા. ૨૦૨૦ના પ્રેસિડન્ટ ઇલેક્શનમાં અમેરિકાના જે છ રાજ્યોમાં બાઇડન જીત્યા હતા એ તમામ છ રાજ્યોમાં હાલ ડોનલ્ડ ટ્રમ્પ આગળ ચાલી રહ્યા હોવાથી નવેમ્બરમાં યોજાનારા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ડોનલ્ડ ટ્રમ્પના જીતવાના ચાન્સ વધારે છે. અમેરિકાની અગ્રણી એજન્સીના સર્વે અનુસાર બાઇડન ૨૦૨૦માં સારી એવી લીડથી જીત્યા હતા એવાં છ રાજ્યોમાંથી એરિઝોનામાં ટ્રમ્પ ચાર પૉઇન્ટથી, જ્યૉર્જિયામાં ૪.૮ પૉઇન્ટથી, મિસિગનમાં અડધો પૉઇન્ટ, નેવેડામાં ૫.૪ પૉઇન્ટ, પેનેસેલ્વિનિયામાં ૨.૩ પૉઇન્ટ અને વિસિકોનમાં ૦.૧ પૉઇન્ટથી ટ્રમ્પ આગળ હોવાથી હાલના તબક્કે ટ્રમ્પનો ઘોડો વિનમાં હોવાથી સોનામાં લૉન્ગ ટર્મ તેજીના ચાન્સ ઊજળા છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૧,૯૮૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૧,૬૯૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૮,૫૩૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price business news