બજેટની આવકવેરા સંબંધિત નોંધપાત્ર જોગવાઈઓ

07 February, 2023 03:03 PM IST  |  Mumbai | Paresh Kapasi

રોકડમાં રૂપાંતરિત કરવાનું શક્ય હોય કે ન હોય એ મૂલ્યનાં બેનિફિટ કે પર્ક્વિઝિટ બિઝનેસમાં કે પ્રોફેશન દ્વારા પ્રાપ્ત થતાં હોય તો એને બિઝનેસની આવક તરીકે કરવેરો લાગુ પડે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાણાપ્રધાને જાહેર કરેલા વર્ષ ૨૦૨૩-’૨૪ના કેન્દ્રીય બજેટમાં કરાયેલી કેટલીક નોંધપાત્ર જોગવાઈઓ વિશે આજે આપણે વાત કરીશું.

૧) રોકડમાં પ્રાપ્ત થયેલા બેનિફિટ્સ અને પર્ક્વિઝિટ્સ માટે લાગુ પડતો કરવેરો (કલમ ૨૮)

હાલ રોકડમાં રૂપાંતરિત કરવાનું શક્ય હોય કે ન હોય એ મૂલ્યનાં બેનિફિટ કે પર્ક્વિઝિટ બિઝનેસમાં કે પ્રોફેશન દ્વારા પ્રાપ્ત થતાં હોય તો એને બિઝનેસની આવક તરીકે કરવેરો લાગુ પડે છે.
હવે કાયદાની જોગવાઈ પાછળનો આશય સ્પષ્ટ થાય એ હેતુથી કહેવામાં આવ્યું છે કે રોકડમાં અથવા રોકડ સિવાયના સ્વરૂપે અથવા આંશિક રીતે રોકડમાં કે આંશિક રીતે રોકડ સિવાયના સ્વરૂપમાં કોઈ બેનિફિટ કે પર્ક્વિઝિટ પ્રાપ્ત થયાં હોય તો એને બેનિફિટ્સ અને પર્ક્વિઝિટ્સની ગણતરીમાં સામેલ કરવામાં આવશે.

૨) પ્રાથમિક ખર્ચના અમોર્ટાઇઝેશન માટેની શરતમાં છૂટ (કલમ ૩૫ડી)

બિઝનેસ શરૂ કરવા પહેલાં ફિઝિબિલિટી રિપોર્ટ, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કે પછી બજારનો સર્વે કરવા કે એન્જિનિયરિંગ સેવાઓ વગેરે માટે કરદાતા દ્વારા જાતે અથવા સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ)ની માન્યતા ધરાવતી એન્ટિટી દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એનું અમોર્ટાઇઝેશન પાંચ વર્ષના સમયગાળામાં કરી શકાય છે.

ઉક્ત પ્રક્રિયાને સરળ બનાવવા માટે સીબીડીટીની માન્યતાપ્રાપ્ત એન્ટિટી હોવી જોઈએ એવી શરત દૂર કરવામાં આવી છે. હવે કરદાતાએ નિર્ધારિત ફૉર્મમાં અને નિર્ધારિત રીતે ખર્ચની વિગતો પૂરી પાડીને અમોર્ટાઇઝેશન માટે ક્લેમ કરવાનો રહેશે.

૩. એમએસએમઈને સમયસર પેમેન્ટ મળે એ માટેની જોગવાઈ (કલમ ૪૩બી)

કલમ ૪૩બી હેઠળ કોઈ એક નાણાકીય વર્ષમાં થયેલા કેટલાક ખર્ચનું વાસ્તવિક ખર્ચ થયો હોય એટલા જ પ્રમાણમાં ડિડક્શન લઈ શકાય છે, પછી ભલે એ પેમેન્ટ ડ્યુ ડેટ પછી કરવામાં આવ્યું હોય. જોકે સંબંધિત વર્ષ માટેનું રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખર્ચની વિગતો પૂરી પાડવાની હોય છે.

હવે એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે જો માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ ઍક્ટ, ૨૦૦૬ની કલમ ૧૫માં જણાવવામાં આવેલી મુદતની અંદર ખર્ચ કરવામાં આવ્યો હશે તો જ એમએસએમઈને ચૂકવવાપાત્ર એ ખર્ચનું ડિડક્શન લઈ શકાશે. આમ, એ નાણાકીય વર્ષ માટેનું રિટર્ન ભરવાની ડ્યુ ડેટની પહેલાં જ ચુકવણી કરવામાં આવી હશે તો પણ ડિડક્શન મેળવવા માટે કલમ ૧૫ની શરતનું પાલન થવું જરૂરી છે.

૪. નિશ્ચિત લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન માટેનું ડિડક્શન લેવાની મર્યાદા (કલમ ૫૪ અને ૫૪એફ)

જે કિસ્સામાં રહેણાક પ્રૉપર્ટીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય અને કરદાતાએ કરવેરાના કાયદા હેઠળ દર્શાવાયેલી સમયમર્યાદાની અંદર નવી રહેણાક પ્રૉપર્ટીમાં રોકાણ કર્યું હોય એ કિસ્સો

તથા રહેણાક પ્રૉપર્ટી સિવાયની કોઈ પણ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હોય અને કરદાતાએ કરવેરાના કાયદા હેઠળ દર્શાવાયેલી સમયમર્યાદાની અંદર નવી રહેણાક પ્રૉપર્ટીમાં રોકાણ કર્યું હોય એ કિસ્સો એમ, ઉક્ત બન્ને પ્રકારના કિસ્સામાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનનું ડિડક્શન મહત્તમ ૧૦ કરોડ રૂપિયા સુધીનું જ મળશે. આ જોગવાઈ વ્યક્તિગત અને એચયુએફ કરદાતાને લાગુ પડે છે. 

એ ઉપરાંત, જો કરદાતા જે નાણાકીય વર્ષમાં ઍસેટ ટ્રાન્સફર થઈ હોય એ વર્ષમાં અથવા એ વર્ષનું રિટર્ન ફાઇલ કરવાની તારીખ સુધીમાં કૅપિટલ ગેઇન/નેટ કન્સિડરેશનની સંપૂર્ણ રકમનું રોકાણ કરી શક્યા ન હોય તો કરદાતાને કૅપિટલ ગેઇન/નેટ કન્સિડરેશનનું રોકાણ કૅપિટલ ગેઇન્સ અકાઉન્ટ સ્કીમમાં કરવાનો વિકલ્પ પણ મળે છે. આ સ્થિતિમાં પણ કૅપિટલ ગેઇન્સ અકાઉન્ટ સ્કીમમાં જમા કરવાની રકમ મહત્તમ ૧૦ કરોડ રૂપિયા હશે.

business news union budget nirmala sitharaman finance ministry income tax department