શું હાલમાં મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી સ્કીમ્સમાં પ્રૉફિટ-બુકિંગ કરવું જોઈએ?

15 December, 2022 03:37 PM IST  |  Mumbai | Jayesh Chitalia

લક્ષ્ય વિના રોકાણ કરવું અને લક્ષ્ય વિના રોકાણ ઉપાડી લેવાનું વાજબી નથી એ હકીકતને સમજીને ચાલવું જોઈએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તાજેતરમાં એક એવો અહેવાલ વહેતો થયો હતો કે બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણનું પ્રમાણ અને પ્રવાહ વધવા લાગ્યાં છે. જોકે હાલના સંજોગોમાં આ સિનારિયો બદલાય એવી શક્યતા છે. બૅન્કોની એફડી પર વધેલા વ્યાજદર બચતકારોને પુનઃ એફડી અને બૉન્ડ્સ કે ડેટ ફન્ડ તરફ આકર્ષી રહ્યા છે. ઇક્વિટી યોજનામાં પ્રૉફિટ-બુકિંગનું વલણ શરૂ થયું છે. જોકે આ એક કામચલાઉ તબક્કો હોઈ શકે. બાકી ઇક્વિટી યોજનાઓમાં ભરપૂર નાણાં આવતાં રહેશે. ખાસ કરીને એસઆઇપીમાં તો આવે જ છે અને હજી પણ આવશે. 

૪૦ લાખ કરોડ રૂપિયાને પાર

શૅરબજારમાં તેજીના ચોક્કસ તબક્કે રોકાણકારો પ્રૉફિટ બુક કરે એ સામાન્ય બાબત છે. આમ થવું પણ જોઈએ, પરંતુ આ પ્રૉફિટ કયાંક નાણાંની જરૂરિયાત હોય તો બુક કરવો બહેતર અથવા આ નફામાંથી કરેક્શન વખતે પુનઃ શૅરો ખરીદવા જોઈએ. અન્યથા શૅરો લાંબા ગાળા માટે રાખી મૂકવામાં જ વધુ સાર અને સાર્થકતા કહેવાય. આવું જ મ્યુચ્યુઅલ ફન્ડમાં પણ હોવું જોઈએ. તાજેતરમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની કુલ ઍસેટ્સનો આંકડો ૪૦ લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો, જે પ્રથમ વાર બન્યું છે, પરંતુ હજી આ આંકડાની રફતાર ઊંચે જવાની નક્કી છે. જોકે હાલમાં શૅરમાર્કેટની ઊંચાઈને લીધે અનેક લોકોએ ફન્ડ્સમાંથી પણ પ્રૉફિટ બુક કરવા નાણાં પરત લેવાનું પગલું ભર્યું છે.

તો એ ભૂલ હોઈ શકે 

પરિણામે નવેમ્બરમાં ઇક્વિટીની ઓપન એન્ડેડ યોજનાઓમાં આવતો નાણાપ્રવાહ ૭૫ ટકા ઘટ્યો છે. હજી ઑક્ટોબરમાં ઇક્વિટીમાં નાણાપ્રવાહ ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ આવ્યો હતો, જે આ નવેમ્બરમાં ઘટીને ૨૨૦૦ કરોડ આસપાસ પહોંચી ગયો હોવાનું નોંધાયું છે. અલબત્ત, આ પ્રવાહ નેગેટિવ થયો નથી. તેમ છતાં, કયાંક આમાં રોકાણકારો ભૂલ કરતા પણ હોઈ શકે અને કયાંક રોકાણકારોએ સ્માર્ટનેસ બતાવી હોવાનું પણ કહી શકાય. તેમનો પોર્ટફોલિયો કેટલો જૂનો, કેટલો મોટો અને કેટલો ડાઇવર્સિફાઇડ છે એના પર આ બાબત આધાર રાખે છે. બીજું, આ નાણાં ઉપાડ્યા બાદ અથવા એનું રોકાણ નહીં કરીને રોકાણકારોએ એ નાણાંનું શું કર્યું છે? જો એને બૅન્કોમાં યા એમ જ મૂકી રાખ્યાં છે તો એ એક ભૂલ હોઈ શકે. હા, એનો પોતાના નિર્ધારિત લક્ષ્ય માટે ઉપયોગ કર્યો હોય તો વાજબી અને ડહાપણ છે. જેમ લક્ષ્ય વિનાનું રોકાણ હોવું વાજબી નથી એમ લક્ષ્ય વિના રોકાણનો ઉપાડ પણ વાજબી ન રહે એવું બની શકે. 

એસઆઇપીમાં તેજી ચાલુ

મજાની વાત એ છે કે નવેમ્બરમાં એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) મારફત આવતા નાણાપ્રવાહે નવો રેકૉર્ડ કર્યો છે, જે પહેલી વાર મહિનામાં ૧૩,૩૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. ઑક્ટોબરમાં આ આંકડો ૧૩,૦૦૦ કરોડ રૂપિયા હતો. આનો અર્થ એ થાય કે નાની રકમમાં થતાં રોકાણમાં લોકોનો રસ જળવાઈ રહ્યો છે અને વધી પણ રહ્યો છે, જ્યારે ઓપન એન્ડેડ સ્કીમમાં રોકાણકારો શૅર જેવું વલણ અપનાવી રહ્યા છે, જેથી જ્યારે ફરી ખરીદી કરવી હોય તો ખરીદી શકે, પણ હાલ નફો ઊંચો મળતો હોય તો ઘરમાં લઈ લેવામાં સાર અને શાણપણ માને છે.

આ પણ વાંચો : સચિન અને ધોની કહે એટલે મ્યુચ્યુઅલ ફન્ડ સહી થઈ જાય?

ઉપાડ કેવા ફન્ડમાંથી?

નિષ્ણાતોના મતે ડૉલર ટર્મમાં પણ ભારતીય માર્કેટમાં સારી વૃદ્ધિ થઈ હોવાથી વિદેશી રોકાણકારો પ્રૉફિટ-બુકિંગ કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક નાના રોકાણકારોમાં હજી આશા ઊંચી છે, તેઓ ટીપે-ટીપે સરોવર ભરાયની કહેવતને અનુસરી રહ્યા છે. તાજેતરમાં લાર્જ કૅપ ફન્ડમાંથી નાણાંનો ઉપાડ થઈ રહ્યો છે, ફ્લેક્સિ-કૅપ ફન્ડમાંથી પણ ઉપાડ થઈ રહ્યો છે, હાઇબ્રિડ, બૅલૅન્સ-ઍસેટ ઍલોકેશન ફન્ડ અને આર્બિટ્રેજ ફન્ડમાંથી પણ ઉપાડ પ્રવાહ ચાલી રહ્યો છે, જ્યારે સ્મૉલ અને મિડ કૅપમાં ફન્ડ પ્રવાહ આવી રહ્યો છે. આ ઉપરાંત લિક્વિડ ફન્ડ અને ડેટ ફન્ડમાં નાણાપ્રવાહ વધ્યો છે. આમ સંજોગો અનુસાર રોકાણકારોના રોકાણ અભિગમ અને પ્રવાહ બદલાતા રહ્યા છે. ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ની કૅટેગરીમાં ઇક્વિટી ઇન્ડેક્સ ઈટીએફમાં નાણાપ્રવાહ આવી રહ્યો છે, જ્યારે કે ગોલ્ડ ઈટીએફમાં ભાવને આધારે પ્રૉફિટ-બુકિંગ થયું છે. 

business news jayesh chitalia