એક્સપાયરીમાં શૉર્ટ કવરિંગથી સુધારો આવી ગયો, હવે શું?

03 January, 2025 07:41 AM IST  |  Mumbai | Kanu J Dave

24,400 આસપાસ નિફ્ટી પોરો લઈ શકે: આંતરરાષ્ટ્રીય બજારો રાબેતા મુજબ ખૂલ્યાં એની અસર મહત્ત્વની

પ્રતીકાત્મક તસવીર

આઇશર આઠ ટકા ઊછળ્યો; એફઆઇઆઇની નેટ વેચવાલી ચાલુ, ડીમાર્ટનું ત્રિમાસિક અપડેટ સો સો, અશોક લેલૅન્ડ, ટીવીએસ મોટરનાં વાહનો વેચાણના આંકડાની અસર, માર્કેટ બ્રેડ્થ સારી, કૅપિટલાઇઝેશન પણ વધ્યું

ઑટો અને ફાઇનૅન્સ શૅરોની આગેવાની હેઠળ જાન્યુઆરીમાં 2025ની પ્રીબજેટ રૅલી આગળ વધી હતી. નિફ્ટી વિકલી ઑપ્શનની એક્સપાયરીમાં વેચાણો કપાતાં સુધારાને વેગ મળ્યો હતો. નિફ્ટી 1.88 ટકા વધી 24,188 થઈ ગયો, એના ચાર પ્રતિનિધિ શૅરોમાં તો 5 ટકા પ્લસનો ગેઇન જોવા મળ્યો હતો. સામે પક્ષે ઘટનારા બે શૅરોમાં એક ટકાથી પણ ઓછો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી ફિફ્ટી 24,188ના પુરોગામી બંધ સામે 23,783 ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સતત સુધારામાં 24,226નો હાઈ બનાવી 23,751નો દિવસનો લો ભાવ રાખી અંતે ગઈ કાલના 0.41 ટકા ઉપરાંત બીજા 1.88 ટકાના સુધારાએ દૈનિક 445 પૉઇન્ટ્સ વધી 24,188 બંધ રહ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસે પણ સુધારાની જુગલબંધીમાં સાથ આપ્યો હતો. આ ઇન્ડેક્સના વીસેવીસ શૅરો સુધારા સાથે વિરમ્યા હતા. 23,619ના પ્રીવિયસ બંધ સામે 23,632 ખૂલી એ જ લેવલને દિવસનું લો રાખી વધીને 24,046 થઈ સત્રાંતે 24,006ના સ્તરે બંધ રહેતાં 1.64 ટકા, 386 પૉઇન્ટ્સની વૃદ્ધિ સાથે ક્લોઝ થયો હતો. નિફ્ટી બૅન્ક 1.07 ટકા વધ્યો એના તમામ 12 શૅરો ગ્રીનમાં બંધ રહ્યા હતા. 51,672 અને 50,992 વચ્ચે રમીને આ લોકપ્રિય આંક 51,605.55 બંધ હતો. નિફ્ટી નેક્સ્ટ 50 સવા ટકો વધ્યો એના 50માંથી 42 શૅરો વધ્યા હતા. ક્લોઝિંગમાં 69,103 આસપાસ હતો. આ ઇન્ડેક્સે 855 પૉઇન્ટ્સનો વન-ડે સ્કોર કર્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટનો સુધારો 1.24 ટકા, પ્રમાણ 160 પૉઇન્ટ્સ અને બંધ 13,095નું હતું. નિફ્ટીના સાપ્તાહિક ઑપ્શન એક્સપાયરીમાં વેચાણો કપાવાના કારણે ગઈ કાલે જણાવેલ 23,800નું લેવલ ક્રૉસ કરી એની ઉપર બંધ આવ્યું હતું. 23,940 ક્રૉસ કરી નિફ્ટીએ એની ઉપર બંધ આપ્યું છે. જોકે તેજી થતી હોય ત્યારે દૈનિક હાઈ ભાવની ઍવરેજોને રેસિસ્ટન્સ તરીકે અને લો ભાવની ઍવરેજોને સપોર્ટ તરીકે મહત્ત્વ આપવું જોઈએ એવી માન્યતા મુજબ રેસિસ્ટન્સ લેવલ 60 દિવસની ઍવરેજનું 24,400નું સ્તર ગણાય અને સપોર્ટ 23,800 આસપાસનું 15 દિવસની ઍવરેજનું સ્તર ગણાય. નિફ્ટીના 50માંથી 48, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 42, મિડકૅપ સિલેક્ટના 25માંથી 23, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્સિસિસના 20માંથી 20 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 12 શૅરો સુધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈનો સેન્સેક્સ 1436 પૉઇન્ટ્સ ઊછળી 1.83 ટકાના ગેઇને 79,943ના સ્તરે અને બૅન્કેક્સ 1.11 વધી, 643 પૉઇન્ટ્સ પ્લસ થઈ 5855ના સ્તરે વિરમ્યા હતા. સેન્સેક્સના 30માંથી 29 અને બૅન્કેક્સના 10માંથી 8 શૅરો વધ્યા હતા. સેન્સેક્સનો સનફાર્મા અને બૅન્કેક્સના બૅન્ક ઑફ બરોડા અને યસ બૅન્ક રેડમાં બંધ હતા. સેન્સેક્સ અને નિફ્ટીના કૉમન પ્રતિનિધિ બજાજ ફાઇનૅન્સ 6 ટકા વધી 7773 રૂપિયા, બજાજ ફીનસર્વ 8 ટકાના ગેઇને 1700 અને મારુતિ સાડાપાંચ ટકા સુધરી 11,837 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. જોકે આ કૉમન પ્રતિનિધિ કરતાં પણ વધુ સારો દેખાવ સાડાઆઠ ટકા, 417 રૂપિયા વધી 5303ના બંધભાવ સાથે આઇશર મોટરે નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2024માં કંપનીએ 11,575 મોટરસાઇકલ્સની નિકાસ કરી ડિસેમ્બર 2023ની તુલનાએ 90 ટકાનો વધારો નોંધાવ્યો હતો. એ જોકે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મળીને ઓવરઑલ ગ્રોથ 25 ટકાનો રહ્યો હતો. નવમાસિક ધોરણે 6,85,059 નંગનું કુલ વેચાણ થતાં 6 ટકાનો ગ્રોથ જોવાયો હતો. જોકે એક્સપોર્ટ્સના હિસાબે નવમાસિક ગ્રોથ 35 ટકાનો થયો હોવાની નોંધ લઈ બજારે વાર્ષિક અંદાજ બાંધી શૅરના ભાવને સાડાઆઠ ટકા ઉછાળી વધાવી લીધો હતો.

નિફ્ટી ટૉપ ફાઇવ ગેઇનર્સમાં ગુરુવારે ફાઇનૅન્શ્યલ સેક્ટરનો શ્રીરામ ફાઇનૅન્સ પણ હતો. સાડાચાર ટકાના વધારા સાથે 3051 રૂપિયા બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રતિનિધિ શૅરો સનફાર્મા 0.84 ટકા ડાઉન થઈ 1874 રૂપિયા અને પા ટકો ઘટી બ્રિટાનિયા 4785 રૂપિયા બંધ હતા. નિફ્ટી બૅન્કના ટૉપ પાંચેય ગેઇનર્સનો સુધારો દોઢથી ત્રણ ટકાની વચ્ચે રહ્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટના વૉલ્ટાસ સવાબે ટકા સુધરી 1830 રૂપિયા, અરબિંદો ફાર્મા 1.31 ટકા વધી 1352 રૂપિયા અને અશોક લેલૅન્ડ સવા ટકો સુધરી 223 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. મિડકૅપ સિલેક્ટનો અશોક લેલૅન્ડ સવાછ ટકા ઊછળી 236 રૂપિયાના લેવલે બંધ હતો. કંપનીએ જાહેર કરેલા વાહનોના વેચાણના આંકડા બજારની ધારણા કરતાં સારા આવ્યા હોવાથી આ સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીનો ચોલામંડલમ સવાસાત ટકા ઊછળી 1270 રૂપિયા થઈ ગયો હતો. શ્રી સિમેન્ટ સાડાચાર ટકા વધી 26,670 રૂપિયા અને ટીવીએસ મોટર્સ સવાચાર ટકા વધી 2508 રૂપિયાના સ્તરે બંધ હતા. ટીવીએસ મોટરે ડિસેમ્બરમાં સમગ્રતયા માસિક 7 ટકાનો, ટૂ-વ્હીલર્સનો 8 ટકાનો, સ્કૂટર્સનો 30 ટકાનો, ઇલેક્ટ્રિક વાહનોનો 79 ટકાનો અને એક્સપોર્ટમાં 22 ટકાનો ગ્રોથ થયો હોવાનું જણાવ્યું હતું.   

એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 447.40 (438.41) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 450.47 (444.43) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2911 ટ્રેડેડ શૅરોમાંથી 1824 તથા બીએસઈના 4086 ટ્રેડેડ શૅરોમાંથી 2339 વધ્યા હતા. એનએસઈ ખાતે 66 અને બીએસઈમાં 173 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 24 અને 25 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 149 શૅરો ઉપલી સર્કિટે અને 48 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.

FIIની નેટ લેવાલી, DIIની નગણ્ય લેવાલી
FIIની 1506 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહી હતી. DIIની પણ 22 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં સમગ્રતયા 1528 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. 

ડીમાર્ટ, હિન્દુસ્તાન ઝિન્કનું ત્રિમાસિક અપડેટ

ડીમાર્ટે (ઍવન્યુ સુપરમાર્ટ્સે) બજાર બંધ થયા પછી એક્સચેન્જને આપેલી માહિતીમાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ સ્ટૅન્ડ અલોન ધોરણે ધંધાકીય કામગીરી થકી સાડાસત્તર ટકાનો રહ્યો હોવાનું જણાવ્યું હતું. શૅર દોઢ ટકાના સુધારા સાથે 3615 બંધ હતો. હિન્દુસ્તાન ઝિન્કે ત્રીજા ત્રિમાસિકનું અપડેટ એક્સચેન્જોને બજાર બંધ થયા પછી આપ્યું એમાં કાચી ધાતુનું ખાણકામ 2 ટકા ઓછું થયું હોવાનું જણાવ્યું હતું. જોકે સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદનના પગલે ધાતુની આઉટપુટ 3 ટકા વધી હોવાનું અને રિફાઇન્ડ ઝિન્ક ઉત્પાદન 3 ટકાના ગ્રોથ રેટે સ્ટેબલ હોવાનું પણ જણાવ્યું હતું. બંધ ભાવ 454 રૂપિયા (+2.24 ટકા) હતો.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex