22 March, 2023 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બૅન્કિંગ સેક્ટરમાં જોખમોના કારણે ક્રૂડ તેલના ભાવ ઘટીને ૧૫ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયા હતા અને આ અઠવાડિયે અમેરિકા વ્યાજદરોમાં સંભવિત વધારાની પૂર્વે ઇંધણની માગમાં ઘટાડો થશે અને મંદીનું કારણ બની શકે છે.
બ્રેન્ટ ક્રૂડ તેલ મે વાયદો ૨.૩૨ ડૉલર અથવા તો ત્રણ ટકાથી પણ વધુ ઘટીને ૭૦.૬૫ ડૉલર પ્રતિ બેરલની સપાટી પર પહોંચ્યો હતો, જે ડિસેમ્બર ૨૦૨૧ પછીની સૌથી નીચી સપાટી છે. ક્રૂડ તેલના ભાવમાં ગયા અઠવાડિયે ઘટાડાની વાત કરીએ તો બ્રેન્ટ લગભગ ૧૨ ટકા ઘટ્યું હતું, જે ડિસેમ્બર પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.
નાયમેક્સ ક્રૂડ તેલ વાયદો પણ ૩.૨ ટકા ઘટીને ૬૪.૫૯ ડૉલરની સપાટી પર હતો, જેમાં ગયા સપ્તાહે ૧૩ ટકાનો ઘટાડો થયો હતો. ક્રૂડ તેલનો સાપ્તાહિક ઘટાડો એપ્રિલ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.
એક ઐતિહાસિક સોદો હોવા છતાં ક્રૂડ તેલમાં ઘટાડો આવ્યો છે, જેમાં યુબીએસ, સ્વિટ્ઝરલૅન્ડની સૌથી મોટી બૅન્ક, બૅન્કિંગ કટોકટીને ફેલાતા રોકવાના પ્રયાસમાં દેશની નંબર-ટૂ ધિરાણકર્તા ક્રેડિટ સુઈસને ખરીદશે.
આ જાહેરાત બાદ, યુએસ ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને અન્ય મુખ્ય સેન્ટ્રલ બૅન્કોએ બજારની પ્રવાહિતા વધારવા અને અન્ય બૅન્કોને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
નૅશનલ ઑસ્ટ્રેલિયા બૅન્કના કૉમોડિટી રિસર્ચના વડા બેડન મૂરે જણાવ્યું હતું કે ‘બજારનું ધ્યાન વર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની અસ્થિરતા અને ફેડ દ્વારા વધુ દરમાં વધારાની સંભાવના પર છે.
આ પણ વાંચો: દેશમાંથી તેલીબિયાં ખોળની નિકાસ ફેબ્રુઆરીમાં ૧૫૨ ટકા વધી
આગામી ઓપેક મીટિંગ બજાર માટેના દૃષ્ટિકોણ પર અન્ય સંભવિત ચાલ માટે અગત્યની છે. ભાવમાં વધુ ઘટાડાનું જોખમ ઓપેક ભાવોને ટેકો આપવા માટે ઉત્પાદનમાં વધુ ઘટાડો કરે એવી સંભાવના વધારે છે એમ મૂરેએ પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠનનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું.
ફેડરલ રિઝર્વ બાવીસમી માર્ચે વ્યાજદરોમાં ૨૫ બેસિસ પૉઇન્ટ્સનો વધારો કરે એવી અપેક્ષા છે. જોકે કેટલાક એક્ઝિક્યુટિવ્સ સેન્ટ્રલ બૅન્કને એની નાણાકીય નીતિને કડક બનાવવા માટે હાલ બ્રેક મારવાની વાત કરે છે.
ડૉલરની મજબૂતાઈ અને ક્રૂડ તેલના ભાવ વધુ ઘટતા અટક્યા હોવાથી રૂપિયામાં ઘસારાનો દોર યથાવત્ છે. જોકે આજે માત્ર બે પૈસાનો જ ડૉલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયામાં આગામી દિવસોમાં બેતરફી મૂવમેન્ટની સંભાવના વધારે છે.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૨.૫૫ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન ૮૨.૭૦૫૦ સુધી પહોંચીને દિવસના અંતે ૮૨.૬૬૫૦ પર બંધ રહ્યો હતો, જે આગલા દિવસે ૮૨.૬૪૫૦ પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી.
ફેડની બેઠકમાં વ્યાજદર વધારા વિશે શું નિર્ણય લેવાય છે એના પર સૌની નજર છે. ક્રૂડ તેલના આયાતકારો દ્વારા પણ ડૉલરની ખરીદી આજે વધારવામાં આવી હોવાથી ભારતીય કરન્સી બજારમાં ડૉલરનો પ્રવાહ ઘટ્યો હતો.