શૅર્સ કે પ્રૉપર્ટીઝ : કૅપિટલ ગેઇન્સ ટૅક્સની આંટીઘૂંટી સમજી લેજો

24 July, 2024 09:10 AM IST  |  Mumbai | Kanu J Dave

આમ તમે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સના દાયરામાં આવતા હો તો શૅર આજે વેચો કે માર્ચ એન્ડ પહેલાં વેચો, શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ૨૦ ટકાના દરે તમારે ભરવો જ પડવાનો છે

પ્રતીકાત્મક તસવીર

આજના બજેટમાં કૅપિટલ માર્કેટને લગતી જે જાહેરાતો આવી એમાં કૅપિટલ ગેઇન્સ ટૅક્સ અને સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT)ની વિગતો સમજવા બજારનો વર્ગ આતુર હોય એ સ્વાભાવિક છે. અત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫ ચાલી રહ્યું છે અને આ જાહેરાતો એ વર્ષ માટેની જ છે એટલે શૉર્ટ ટર્મમાં ૫ાંચ ટકા વધારે ટૅક્સ ભરવો પડે એ માટે હમણાં વેચવાની છટકબારી રહી નથી, કેમ કે આ વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૪થી શરૂ થઈ ચૂક્યું છે. આમ તમે શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સના દાયરામાં આવતા હો તો શૅર આજે વેચો કે માર્ચ એન્ડ પહેલાં વેચો, શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ૨૦ ટકાના દરે તમારે ભરવો જ પડવાનો છે. આ બજેટ પાસ થાય એ પછી આ સીધા કરવેરા વિશેનાં નોટિફિકેશન બહાર પડે એ પછી એનો અમલ થતો હોય છે, પણ નાણાકીય વર્ષ ઑલરેડી શરૂ થઈ ચૂક્યું હોવાથી ઇન્ટરિમ બજેટમાં આવેલા આ ફેરફારો પ્રમાણે ટૅક્સ ચૂકવવો જ પડશે. એથી જ સરકારી પ્રવક્તાએ આજથી જ અમલ છે એવું મોઘમ ઇશારો કરી જણાવ્યું હતું. બીજો મુદ્દો ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) પરનો STT બમણો કરાયાનો છે. ૧ ઑક્ટોબરથી એનો અમલ કરાશે એટલે હમણાં તો ખેલંદાઓ ઑપ્શનમાં પહેલાંની જેમ જ રમી શકે છે.

પ્રૉપર્ટીઝ પર લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ  ૨૦ ટકાથી ઘટાડીને ૧૨.૩૦ ટકા કરાયો છે, પણ એની સામે ઇન્ડેક્સેશનના લાભમાં ફેરફાર કરાયા છે. ૨૦૦૧ પહેલાં ખરીદેલી પ્રૉપર્ટીને આવો લાભ મળવાનું ચાલુ રહેશે, પરંતુ ૨૦૦૧ પછી ખરીદાયેલી પ્રૉપર્ટી માટે જે કૅપિટલ ગેઇન્સ વેચતી વખતે થાય એનો ૧૨.૩૦ ટકા જેટલો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડશે અને આવી પ્રૉપર્ટી પર ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે.

ભાડૂતો અને રીડેવલપમેન્ટ

જોકે પ્રૉપર્ટી પરના લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સના ફેરફારો મુંબઈમાં તેમ જ અન્ય શહેરોમાં મધ્યમ વર્ગના ભાડૂતોને ૨૦૦૧ પછી રીડેવલપમેન્ટને કારણે માલિકીના ધોરણે મળેલી પ્રૉપર્ટી તે વેચે ત્યારે પ્રૉપર્ટીના ૨૦૦૧ના વૅલ્યુએશન અને વેચાણ વખતની કિંમતના ડિફરન્સમાંથી થયેલા નફામાંથી ૧૨.૩૦ ટકા જેવી મોટી રકમ લાંબા ગાળાના કૅપિટલ ગેઇન્સ તરીકે આપવી પડે તો એ વાત ગરીબ મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને જરૂર ભારે પડશે. આ મુદ્દે સરકારે વિચાર કરીને આ વર્ગનું હિત જળવાય એવો રસ્તો કાઢવો જોઈએ, કેમ કે આવા લોકોને જિંદગીમાં રીડેવલપમેન્ટના પગલે આવા લાભ જિંદગીમાં એકાદ વાર જ મળતા હોય છે. 

business news union budget share market stock market national stock exchange bombay stock exchange sensex nifty