ધિરાણ નીતિની પૂર્વસંધ્યાએ બજાર ૫૮૩ પૉઇન્ટ આગળ વધ્યું, એચડીએફસી ટ‍્વિન્સ લાઇમલાઇટમાં

06 April, 2023 02:13 PM IST  |  Mumbai | Anil Patel

ઍપ્ટેક નવી ઊંચી સપાટીએ, લાર્સન ટેક્નૉની બેવડી સદી : અબોટ, ન્યુલૅન્ડ, ડૉ. રેડ્ડીઝ નવા બેસ્ટ લેવલે 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો વર્ષમાં ૫૬ ટકા તૂટીને ૨૮૫ના ઑલટાઇમ તળિયે : ક્રૂડ મજબૂત, સોનું નવી સર્વોચ્ચ સપાટી બનાવવાની તૈયારીમાં: અદાણીના ૧૦માંથી ૭ શૅર ડાઉન, રિલાયન્સ સાધારણ નરમ : તાતા ઇન્વે. પોણાદસ ટકા ઊછળ્યો, પોષકમાં ૩૩ વર્ષે બોનસની હવા જામતાં શૅર ૬૫૧ રૂપિયા ઊંચકાયો : જિંદલ ડ્રિલિંગમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી, અતુલ ઑટો ૮.૫ ટકાના જમ્પમાં નવા શિખરે બંધ : બૅન્કિંગના ૩૭માંથી ૨૭ શૅર ડાઉન, ફાઇનૅન્સ મજબૂત : ઍપ્ટેક નવી ઊંચી સપાટીએ, લાર્સન ટેક્નૉની બેવડી સદી : અબોટ, ન્યુલૅન્ડ, ડૉ. રેડ્ડીઝ નવા બેસ્ટ લેવલે 

વ્યાજદરની સમીક્ષા માટે રિઝર્વ બૅન્કની ત્રણ દિવસની બેઠક ચાલુ છે, પરિણામ ગુરુવારે આવશે. બજાર વર્તુળો અને આર્થિક પંડિતો રેપોરેટમાં નવો ૦.૨૫ ટકાનો વધારો નક્કી માની રહ્યા છે. દરમ્યાન વર્લ્ડ બૅન્ક તરફથી ૨૦૨૩-’૨૪ના નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વિકાસદર ઘટીને ૬.૩ ટકા રહેવાનો વરતારો અપાયો છે. જોકે આ સાથે ફુગાવો પણ ઘટીને સાડાપાંચ ટકાએ આવી જવાનો એનો અંદાજ છે. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક તરફથી પણ નવા ચાલુ નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરાયો છે. સેન્સેક્સ બુધવારે આગેકૂચમાં ૫૯,૬૮૯ બંધ થયો છે. બજાર નીચામાં ૫૯,૦૯૪ અને ઉપરમાં ૫૯,૭૪૭ થયું હતું. નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ વધી ૧૭,૫૫૭ બંધ આવ્યો છે. માર્કેટ બ્રેડ્થ રાબેતા મુજબ સ્ટ્રૉન્ગ હતી. એનએસઈમાં ૧૫૭૬ શૅર પ્લસ તો સામે ૫૧૨ જાતો ઘટી છે. બન્ને બજારોનાં મોટા ભાગનાં ઇન્ડાઇસિસ વધ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકા જેવા વધારા સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૧ ટકા મજબૂત હતો. આઇટી, ટેક્નૉલૉજીસ, ટેલિકૉમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનૅન્સ, એફએમસીજી, સ્કૉલ કૅપ જેવા બેન્ચમાર્ક એક-દોઢ ટકો પ્લસ થયા છે. પાવર યુટિલિટી, પીએસયુ બૅન્ક, ઑટોમાં અડધાથી પોણા ટકાની નરમાઈ હતી. 

અમેરિકન જૉબડેટાનો વસવસો વિશ્વબજારોમાં દેખાયો છે. ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં નવા વધારાથી વેગળી રહી છે, પણ ન્યુ ઝીલૅન્ડની રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં સીધો અડધો ટકાનો વધારો કરીને ચોંકાવી દીધા છે. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ, ચાઇના અને તાઇવાનીઝ બજાર રજામાં હતાં. જૅપનીઝ નિક્કી પોણાબે ટકા તથા થાઈ માર્કેટ દોઢ ટકો ઘટ્યું છે. સાઉથ કોરિયન બજાર અડધો ટકો સુધર્યું છે. સિંગાપોર સાધારણ પ્લસ હતું. પાકિસ્તાન ખાતે ફુગાવો ૫૦ વર્ષની ટોચે પહોંચી ગયા પછી ત્યાંનું ચલણ, પાકિસ્તાની રૂપી ડૉલર સામે ૨૮૫ના ઑલટાઇમ તળિયે ગયો છે. વર્ષ પૂર્વે રેટ ડૉલરદીઠ ૧૮૩ પાક. રૂપીનો હતો. બોલે તો એક વર્ષમાં ૫૫.૭ ટકાનો કડાકો. જોકે કરાચી શૅરબજાર રનિંગમાં ૩૦ પૉઇન્ટના સુધારે ૩૯,૭૧૭ દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૮૫ ડૉલરની ઉપર તો નાયમેક્સ ક્રૂડ ૮૧ ડૉલર નજીક મજબૂત હતા. સોનું નવી ઑલટાઇમ હાઈ બનાવવાના મૂડમાં હાજરમાં ૨૦૨૭ ડૉલર તો કોમેક્સ ગોલ્ડ ૨૦૪૩ ડૉલરે પહોંચી ગયું છે. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ હતું. 

લાર્સન ૪ ટકાની તેજીમાં બંધ થયો, એચડીએફસી-ટ‍્વિન્સમાં ઝમક

બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર વધ્યા છે. લાર્સન ૨૨૬૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ચાર ટકાની તેજીમાં ૨૨૫૭ બંધ આપી બજારને ૯૧ પૉઇન્ટ ફળ્યો છે. એચડીએફસી બૅન્કના થાપણ અને ધિરાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. પરિણામ ૧૫મીએ છે. શૅર ૨.૭ ટકાની મજબૂતીમાં ૧૬૫૪ બંધ થતાં સેન્સેક્સને સર્વાધિક ૧૬૯ પૉઇન્ટ મળ્યા હતા. એચડીએફસી ૩ ટકા ઊંચકાઈ ૨૭૦૫ બંધ થતાં એમાં બીજા ૧૨૫ પૉઇન્ટનો ઉમેરો થયો હતો આઇટીસી, ટીસીએસ, ટાઇટન, સનફાર્મા, એચડીએફસી લાઇફ, કો ઇન્ડિયા, હિન્દુ. યુનિલીવર, એચસીએલ ટેક્નૉ જેવી જાતો એકથી બે ટકા વધી છે. રિલાયન્સ ૦.૩ ટકા જેવો મામૂલી ઘટી ૨૩૨૫ હતો. સેન્સેક્સ ખાતે ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક સવા ટકો, એનટીપીસી એક ટકો, સ્ટેટ બૅન્ક પોણો ટકો, મહિન્દ્ર સવા ટકો નરમ હતા. નિફ્ટી ખાતે આઇશર મોટર્સ ૨.૪ ટકા બગડી ૨૯૩૪ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. 

અદાણી ગ્રુપના ૧૦માંથી ૭ શૅર ઘટ્યા છે. અદાણી એન્ટર ૧.૧ ટકા ઘટી ૧૬૯૮, અદાણી પાવર સાધારણ ઘટાડે ૧૯૦, અદાણી ટ્રાન્સમિશન ચારેક ટકા ગગડી ૯૧૧ નજીક, અદાણી ગ્રીન પોણાત્રણ ટકા ખરડાઈ ૮૧૪, અદાણી ટોટલ ૨.૮ ટકા બગડીને ૮૨૩, એસીસી પોણો ટકો ઘટીને ૧૬૯૩ તથા એનડીટીવી અડધા ટકાની નરમાઈમાં ૧૮૫ બંધ હતો. જ્યારે અંબુજા સિમેન્ટ ૧.૪ ટકા, અદાણી વિલ્મર નહીંવત્ અને અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા નજીક પ્લસ હતા. 

ધાની સર્વિસિસ સવાસત્તર ટકાની તેજીમાં ૩૪.૭૫ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. તાતા ઇન્વે. ૯.૮ ટકા કે ૧૭૩ રૂપિયાના ઉછાળે ૧૯૪૧ તો પોષક લિમિટેડ ૯.૪ ટકા કે ૬૫૧ના જમ્પમાં ૭૫૮૪ બંધ હતા. રોકડામાં જિંદલ ડ્રિલિંગ, કૅપિટલ ટ્રસ્ટ, બ્લૅક રોઝ, અડૂર મલ્ટી પ્રોડક્ટ્સ, નંદન ડેનિમ, આર્ચિડ પ્લાય, ટ્રાન્સપેક્સ એન્ટર., રૂબી મિલ્સ, જગન લેમ્પ્સ, જિંદલ ફોટો, કાંચી કપૂરમ, કાયા લિમિટેડ, કેસર એન્ટર જેવી જાતો ૨૦-૨૦ ટકા ઊંચકાઈને બંધ થઈ છે. 

વિન્ડફૉલ ટૅક્સની રાહત ઑઇલ શૅરોમાં કરન્ટ લાવી ન શકી

વિન્ડફૉલ ટૅક્સના મામલે પખવાડિક સમીક્ષાની રમતમાં સરકારે ક્રૂડ ઉત્પાદનના કિસ્સામાં આ ટૅક્સ ટનદીઠ ૩૫૦૦ રૂપિયા હતો એ ઘટાડી આ વખતે ઝીરો કરી નાખ્યો છે, જ્યારે ડીઝલ પરની નિકાસ જકાત લિટરદીઠ એક રૂપિયાથી ઘટાડીને ૫૦ પૈસા કરી નખાઈ છે. આની સારી અસર ખાસ દેખાઈ નથી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સહેજ ઘટ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગૅસ ૫.૫ ટકા ઊંચકાઈ ૪૪૩ હતો. ઓએનજીસી, ભારત પેટ્રો, ઇન્ડિયન ઑઇલ અડધો ટકો ઘટ્યા છે. જિંદલ ડ્રિ‌લિંગ ૨૦ ટકાના જમ્પમાં ૨૯૭ થયો છે. હિન્દુ. ઑઇલ એકસ્પ્લોરેશન ૪.૬ ટકા તો મહાનગર ગૅસ ચાર ટકા અપ હતા. ઑઇલ ઇન્ડિયા પોણો ટકો વધ્યો છે. ઓએનજીસી અડધો ટકો ડાઉન હતો. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૫ શૅરના સુધારામાં ૨.૧ ટકા કે ૭૧૮ પૉઇન્ટ વધ્યો છે, જેમાં લાર્સનનું પ્રદાન ૬૪૬ પૉઇન્ટ હતું. એલ્જી ઇક્વિપમેન્ટ્સ ૭.૩ ટકા, ટીમકેન ૩.૬ ટકા, પ્રાજ ઇન્ડ. સવા ટકો, સેફલર બે ટકા પ્લસ હતા. સીજી પાવર, ભેલ, ભારત ફોર્જ પોણાબેથી અઢી ટકા ઘટ્યા છે. ઑટો બેન્ચમાર્ક ૧૬માંથી ૧૦ શૅરના ઘટાડામાં અડધો ટકો નરમ હતો. અશોક લેલૅન્ડ ૪.૪ ટકા, આઇશર બે ટકા, મારુતિ અડધો ટકો, મહિન્દ્ર સવા ટકો ડાઉન હતા. તાતા મોટર્સ અડધો ટકો વધી ૪૨૬ થયો છે. ટીવીએસ મોટર્સ તથા બજાજ અડધો ટકો વધ્યો હતો. ઑટો એન્સિલિયરી શૅરો બહુધા લાઇમલાઇટમાં હતા. ઉદ્યોગની ૧૧૪ જાતોમાંથી ૮૩ શૅર વધ્યા છે. ઑટોમોટિવ સ્ટૅમ્પિંગ ૨૦ ટકાની તેજીમાં ૩૫૪ થઈ ૧૫.૬ ટકાના ઉછાળે ૩૪૧ બંધ રહ્યો છે. ભારત ગિયર્સ ૧૨૫ થઈ ૮ ટકાની તેજીમાં ૧૧૮ હતો.  

એચડીએફસી બૅન્કના જોરમાં બૅન્ક નિફ્ટી વધીને બંધ થયો 

બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૭ શૅર નરમ હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરની નબળાઈ વચ્ચે પણ ૧૮૬ પૉઇન્ટ જેવો વધ્યો છે. એચડીએફસી બૅન્ક હેવી વેઇટેજને લઈ બૅન્ક નિફ્ટીને સપોર્ટ આપવામાં ઘણી સહાયક બની છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે પોણો ટકો માઇનસ હતો. જેકે બૅન્ક, સીએસબી બૅન્ક, કર્ણાટકા બૅન્ક, બંધન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા એકથી પોણાબે ટકા સુધર્યા છે. સામે આરબીએલ, સિટી યુનિયન, કરૂર વૈશ્ય, ફેડરલ બૅન્ક, યુકો બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, ઇક્વિટાસ બૅન્ક દોઢથી ૩.૬ ટકા ડાઉન હતા. ઍક્સિસ બૅન્ક ૦.૪ ટકા નરમ તો કોટક બૅન્ક આટલો જ પ્લસ હતો. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૪ શૅરના સુધારે એકાદ ટકો વધ્યો છે. મેક્સ વેન્ચર્સ ૧૨.૯ ટકાના ઉછાળે ૧૫૧ થયો છે. ધાની સર્વિસિસ ૧૭.૩ ટકા, સાટિન ક્રેડિટ નવ ટકા, જીએફએલ લિમિટેડ ૭.૫ ટકા, નાહર કૅપિટલ ૫.૧ ટકા, સ્ટાર હેલ્થ ૪.૯ ટકા, પીએનબી હાઉસિંગ ચાર ટકા, તાતા ઇન્વે. ૯.૮ ટકા, સુમિત સિક્યૉ. નવ ટકા વધ્યા હતા. કેપ્રિ ગ્લોબલ નરમાઈની ચાલ આગળ વધારતાં ૪.૫ ટકા ગગડી ૫૮૫ રહ્યો છે. વીએલએસ ફાઇ અઢી ટકા તો પૉલિસી બાઝાર ૩.૪ ટકા ઢીલા હતા. એલઆઇસી એક ટકો વધીને ૫૫૦ રહ્યો છે. બજાજ ફાઇ એક ટકો પ્લસ તો બજાજ ફીનસર્વ સાધારણ નરમ હતો. નાયકા બમણા કામકાજે ઉપરમાં ૧૩૯ બતાવી ૭.૯ ટકાના જમ્પમાં ૧૩૭ હતો. પૈસા લો ડિજિટલ, જીઆઇસી હાઉસિંગ, અરમાન ફાઇ, ધુનસેરી વેન્ચર્સ, જનરલ ઇન્શ્યૉરન્સ, ટૂરિઝમ ફાઇ. કૉર્પો, દૌલત અલ્ગો જેવાં કાઉન્ટર સાડાત્રણથી સવાચાર ટકા વધ્યાં છે. 

આઇટી, ટેલિકૉમ તથા હેલ્થકૅર શૅરોમાં વ્યાપક સુધારો નોંધાયો 

ટીસીએસનાં પરિણામ ૧૨મીએ અને ઇન્ફીનાં રિઝલ્ટ ૧૩મીએ છે. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૮ શૅરની હૂંફમાં ૩૧૬ પૉઇન્ટ કે ૧.૧ ટકા વધ્યો છે. સુબેક્સ ૧૦.૩ ટકા, બ્રાઇટકૉમ દસ ટકા, સાઇબર ટેક સાત ટકા, થ્રી-આઇ ઇન્ફોટેક નવ ટકા, ક્વિકહીલ ૬.૨ ટકા, કોફોર્જ છ ટકા, કેલ્ટોન ટેક્નૉ પાંચ ટકા, સિયન્ટ છ ટકા મજબૂત હતા. લાર્સન ટેક્નૉ ૬.૪ ટકા કે ૨૧૮ રૂપિયાની તેજીમાં ૩૬૫૩ થયો છે. ટીસીએસ સવા ટકો વધી ૩૨૩૭ તો ઇન્ફી પોણો ટકો સુધરી ૧૪૨૩ બંધ હતો. લાટિમ બે ટકા, વિપ્રો અડધો ટકો, એચસીએલ ટેક્નૉ સવા ટકો વધ્યા છે. ઍપ્ટેક ૩૯૦ની ઐતિહાસિક ટૉપ બનાવી ૧.૮ ટકા વધી ૩૮૨ રહ્યો છે. સોનાટા સૉફ્ટવેર સવાબે ટકા, એફલી ૧.૭ ટકા, ન્યુ ક્લીઅસ ૧.૪ ટકા, ૬૩ મૂન્સ એક ટકો નરમ હતા. વોડાફોન, તાતા કમ્યુ, એમટીએનએલ, વિન્દય ટેલી, તેજસ નેટ, ઑન મોબાઇલ, તાતા ટેલી જેવી જાતો અડધાથી ચાર ટકા વધી છે. ભારતી ઍરટેલ સામાન્ય સુધર્યો હતો. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૭૪ શૅરના સથવારે અડધો ટકો સુધર્યો છે. યુનિકેમ લૅબ ૧૪.૪ ટકાની તેજીમાં ૩૩૦ થયો છે. આરતી ડ્રગ્સ, ન્યુલૅન્ડ લૅબ, હેસ્ટર બોયો, ટેક સોલ્યુશન્સ, ટારસન્સ, લિંકન ફાર્મા, ફર્મેન્ટા, સસ્તા સુંદર, કોપરાન, જગસનપાલ, એસએમએસ ફાર્મા ચારથી નવ ટકા મજબૂત હતા. અબોટ ઇન્ડિયા ૨.૮ ટકા કે ૬૨૪ રૂપિયા ઊંચકાઈ ૨૨,૮૬૦ વટાવી ગયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ ૪૬૯૪ની વર્ષની નવી ટૉપ બતાવી અડધો ટકો વધી ૪૬૮૫ હતો. ન્યુલૅન્ડ લૅબ ૨૦૧૫ના બેસ્ટ લેવલ બાદ ૪ ટકા વધી ૧૯૮૧ રહ્યો છે. ટીટીકે હેલ્થકૅર ૧૩૩૩ના શિખરે જઈને દોઢ ટકા વધી ૧૨૫૭ બંધ હતો. સનફાર્મા બે ટકા, ટૉરન્ટ ફાર્મા ૨.૧ ટકા, બાયોકન બે ટકા પ્લસ હતા. ૦૦૦૦૦

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty