17 December, 2024 08:26 AM IST | Mumbai | Anil Patel
શૅરબજારની પ્રતીકાત્મક તસવીર
BSE અને CDSL નવાં શિખર બતાવી સુધારામાં બંધ: સનફાર્મા ગ્રુપની સ્પાર્ક વૉલ્યુમ સાથે ઝળકી, ન્યુલૅન્ડ લૅબમાં ૫૩૩ની ખરાબી: સ્કાય ગોલ્ડ શૅરદીઠ ૯ બોનસમાં એક્સ-બોનસ થતાં ઉપલી સર્કિટમાં: ઇન્ટરિમ માટે બોર્ડ-મીટિંગ પૂર્વે વેદાન્ત નવા શિખરે જઈ નરમ બંધ: વૉકહાર્ટ નવું બેસ્ટ લેવલ હાંસલ કરી ૧૩૧ રૂપિયા ઊંચકાયો: જયકૉર્પ ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર: બિટકૉઇન નવી સર્વોચ્ચ સપાટી સાથે સુધારામાં: નારાયણ મૂર્તિએ ફરી પાછું ૭૦ કલાકનું વળગણ જાહેર કર્યું
નારાયણ મૂર્તિને ચેડાં કાઢવાની આદત પડી ગઈ છે. આમેય આ માણસની જે ઉંમર છે એ જોતાં આ સાહજિક છે. મૂર્તિબાબાએ ફરી એક વાર ૭૦ કલાકનો ચીપિયો પછાડ્યો છે. દેશને આગળ લાવવો હોય તો સપ્તાહમાં ૭૦ કલાક કામ ફરજિયાત કરો. નારાયણ મૂર્તિને દેશ આટલો બધો વહાલો હોય તો ૫૦ કરોડનો બીજો લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ આ વયે શા માટે લીધો? દેશપ્રેમનાં ગાણાં ગાતાં આ માણસ પાસે આશરે ચાર લાખ કરોડની સંપત્તિ છે. ભલા માણસ, ખરેખર દેશદાઝ હોય તો પૂરી નહીં, ૫૦ ટકા તો દાનમાં આપી દે. સવાલ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાનો નથી, પગારનું શું? દેશ સુધારવાની વાતો કરનારી જમાત, ખાસ કરીને કૉર્પોરેટ જમાતે સૌથી પહેલાં પોતે સુધરવાની જરૂર છે. ઇન્ડિયા ટુડેનો તાજેતરનો એક રિપોર્ટ કહે છે છેલ્લાં ૪ વર્ષમાં કૉર્પોરેટ સેક્ટરનો નફો વધીને ૪ ગણો થયો છે, પરંતુ વેતન ત્યાંનું ત્યાં જ છે. મતલબ કે લોકો પાસે જેટલા કલાક કામ કરાવો છો એનું તો પૂરતું વેતન આપવું નથી અને હાલી નીકળ્યા છે ૭૦ કલાક કામ કરાવવા, ત્રાસ છે આવાઓનો.
ઍની વે, ૧૮મીએ અમેરિકન ફેડની બેઠક છે. વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નક્કી મનાય છે. તાઇવાનના નામકે વાસ્તે સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારોએ સપ્તાહની શરૂઆત નરમાઈથી કરી છે. ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ એકથી સવા ટકો તો હૉન્ગકૉન્ગ એક ટકા નજીક બગડ્યું હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસમાં જોવાયું છે. પાકિસ્તાની શૅરબજાર તેજીના ગાંડપણમાં ૧,૧૬,૬૮૧ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી રનિંગમાં ૧૪૭૦ પૉઇન્ટ વધીને ૧,૧૬,૧૨૯ દેખાતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ૧,૦૬,૫૪૨ ડૉલરની ઑલટાઇમ હાઈ બનાવી આ લખાય છે ત્યારે અઢી ટકા વધી ૧,૦૪,૫૭૩ ડૉલર ચાલતો હતો. ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૩૩ પૉઇન્ટ નીચે, ૮૨,૦૦૦ ખૂલી છેવટે ૩૮૪ પૉઇન્ટ ઘટી ૮૧,૭૪૮ તથા નિફ્ટી ૧૦૦ પૉઇન્ટની નરમાઈમાં ૨૪,૬૬૮ બંધ થયો છે. બજાર આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં હતું. શૅર આંક ઉપરમાં ૮૨,૧૧૬ અને નીચામાં ૮૧,૫૫૧ દેખાયો હતો. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નબળાઈ સામે રોકડું અડધો ટકો પ્લસ હતું. નિફ્ટી રિયલ્ટી ત્રણ ટકા તથા નિફ્ટી મીડિયા દોઢ ટકો મજબૂત હતા. મેટલ, ઑઇલ-ગૅસ, આઇટી તથા ટેક્નૉલૉજીઝ જેવા સેક્ટોરલ અડધાથી પોણો ટકો કટ થયા હતા. બૅન્ક નિફ્ટી આગલા લેવલે યથાવત હતો તો પીએસયુ બૅન્ક નિફટી અડધો ટકો પ્લસ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૨૫ શૅર વધ્યા છે. માર્કેટ બ્રેડ્થ થોડી પૉઝિટિવ હતી. NSE ખાતે વધેલા ૧૫૧૫ શૅર સામે ૧૩૨૯ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૬૪,૦૦૦ કરોડ જેવા વધારામાં ૪૬૦.૦૬ લાખ કરોડ રહ્યું છે.
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ તળિયે જઈ ઉપલી સર્કિટમાં ૯૩૭૭ રૂપિયા ઊછળ્યો
નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૯ ટકા તો સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો વધી ટૉપ ગેઇનર બન્યા છે સામે ટાઇટન બે ટકા, ટીસીએસ ૧.૩ ટકા, અદાણી પોર્ટ્સ ૧.૪ ટકાની નબળાઈમાં વર્સ્ટ પર્ફોર્મર હતા. ટેક મહિન્દ્ર, ઇન્ફી, NTPC, અલ્ટ્રા ટેક, ભારતી ઍરટેલ, JSW સ્ટીલ, ભારત પેટ્રો, તાતા કન્ઝ્યુમર, હિન્દાલ્કો એકથી સવા ટકો ઘટ્યા છે. બજાજ ફાઇનૅન્સ, ઍક્સિસ બૅન્ક, પાવર ગ્રીડ, HDFC લાઇફ સામાન્ય સુધર્યા હતા. રિલાયન્સ અડધા ટકા નજીક ઘટી ૧૨૬૮ હતો.
સનફાર્મા ગ્રુપની સ્પાર્ક ૨૯ ગણા વૉલ્યુમે ૨૪૧ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી પોણાનવ ટકાની તેજીમાં ૨૩૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતી. જિંદલ વર્લ્ડવાઇડ સાડાદસ ટકા ઊછળી ૪૨૭ અને વકરાંગી ૧૦ ટકાના જમ્પમાં ૩૧ નજીક હતો. વૉકહાર્ટની ડ્રગના ક્લિનિકલ ટ્રાયલને લીલી ઝંડી મળતાં ભાવ ૬ ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૫૩૬ના બેસ્ટ લેવલે જઈ ૯.૪ ટકા કે ૧૩૧ રૂપિયાની મજબૂતીમાં ૧૫૨૮ રહ્યો છે. વર્ષ પહેલાં શૅર ૩૭૬ હતો. રોકડામાં ફેરકેમ ઑર્ગેનિક્સ, ઓરિયેન્ટ સેરાટેક, આલ્ફા જિયો, એક્નિટ ઇન્ડસ્ટ્રીઝ, ટિપ્સ ફિલ્મ્સ, ડોનિયર ઇન્ડ. જેવા શૅર ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટમાં ગયા હતા. નવા ઇટાલિયન પરફ્યુમના લૉન્ચિંગનો કરન્ટ આગળ ધપાવતાં સિયારામ સિલ્ક ૭ ગણા કામકાજે ૧૧૬૦ના શિખરે જઈ ૧૭ ટકા કે ૧૬૫ રૂપિયાની છલાંગ મારી ૧૧૩૪ થયો છે. જયકૉર્પ પોણાસાત ટકા, એન્જલ વન ૪.૮ ટકા, બેક્ટર ફૂડ્સ સાડાચાર ટકા, લૅન્ડમાર્ક લીઝર ચાર ટકા, એલટી ફૂડ્સ સાડાત્રણ ટકાના ઘટાડે ‘એ’ ગ્રુપ ખાતે મોખરે હતા. ન્યુલૅન્ડ લૅબ ૩.૫ ટકા કે ૫૩૩ રૂપિયા બગડી ૧૪,૭૮૧ હતો. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ રિ-લિસ્ટિંગ પછી ૧,૭૮,૧૫૮ની સૌથી નીચી સપાટી બનાવી પાંચ ટકા કે ૯૩૭૭ રૂપિયાના બાઉન્સબૅકમાં ૧,૯૬,૯૧૧ બંધ આવ્યો છે. ૮ નવેમ્બરે અહીં ૩,૩૨,૩૯૮ની વિક્રમ સપાટી બની હતી.
હિંમતનગરની ધનલક્ષ્મી ક્રૉપમાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન
ગુજરાતના હિંમતનગરની ધનલક્ષ્મી ક્રૉપ શૅરદીઠ પંચાવનની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે છેલ્લે ૫૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૦૪ પ્લસ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૦ નજીક જઈ ત્યાં જ બંધ થતાં અત્રે લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મંગળવારે ટૉસ ધ કૉઇન તથા જંગલ કૅમ્પસનું લિસ્ટિંગ છે. ટૉસ ધ કૉઇનમાં ૧૮૨ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ૨૧૪ તો જંગલ કૅમ્પસમાં ૭૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૬૦નું પ્રીમિયમ બોલાય છે.
આરઝેડ ઘરાનાની ઇન્વેન્ચર્સ નૉલેજનો એકના શૅરદીઠ ૧૩૨૯ના ભાવનો ૨૪૯૮ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કુલ ૫૨.૭ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ સુધરીને ૪૨૧ ચાલે છે. બરોડાની યશ હાઈ વૉલ્ટેજનો શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૧૧૦ કરોડનો SME IPO કુલ ૧૮૨ ગણા રિસ્પૉન્સ સાથે પાર પડ્યો છે. પ્રીમિયમ ૧૩૫ જેવું બોલાય છે. હેમ્પ્સ બાયો અને ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલનાં ભરણાં આજે બંધ થશે. હેમ્પ્સમાં ૪૦ અને ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલમાં ૧૧૫ પ્રીમિયમ ક્વોટ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં હેમ્પ્સ કુલ ૧૯૬ ગણો તથા ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ૭૬ ટકા ભરાઈ ચૂક્યો છે. ગાઝિયાબાદ ખાતેની નેકડાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦ના શૅરદીઠ ૩૫ની અપર બૅન્ડમાં ૧૦ કરોડ રૂપિયાનો BSE SME IPO આજે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલ ૩૩ બોલાય છે. વિશાલ મેગા પાર્ટમાં ૧૯ રૂપિયા, સાંઈ લાઇફમાં ૭૦ રૂપિયા, મોબિક્વિકમાં ૧૬૫ રૂપિયા, પર્પલ યુનાઇટેડમાં ૭૫ રૂપિયા તથા સુપ્રીમ ફૅસિલિટીમાં ૨૪ રૂપિયાનું પ્રીમિયમ અત્યારે સંભળાય છે.
ગ્રોથ થિયરી વહેતી થતાં ટેક્સટાઇલ શૅર ડિમાન્ડમાં
NSEL પ્રકરણમાં ઇન્વેસ્ટર્સ ફોરમ સાથે વન ટાઇમ સેટલમેન્ટ થઈ જતાં ૬૩ મૂન્સ ગઈ કાલે એકંદર ડલ માર્કેટમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ મારી ૮૯૮ બંધ થયો છે. MCX બે ટકા કે ૧૩૨ની મજબૂતીમાં ૬૬૯૯ હતી. BSE લિમિટેડ ૫૭૩૬ની સર્વોચ્ચ સપાટી દેખાડી અડધો ટકો સુધરી ૫૬૬૪ નજીક રહી છે. CDSL પણ ૧૯૮૦ના શિખરે જઈ પોણો ટકો વધી ૧૯૫૮ હતી. સ્કાય ગોલ્ડ એક શૅરદીઠ ૯ બોનસ શૅરમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૪૬૬ નજીક રહ્યો છે. પીસી જ્વેલર્સ ૧૦ શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮.૩૫ બંધ આવ્યો છે. શીશ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એકમાં વિભાજનની પૂર્વસંધ્યાએ પોણાત્રણ ટકા વધી ૧૩૮ થયો છે. વેદાન્તા ચોથા ઇન્ટરિમ માટેની બોર્ડ મીટિંગ પૂર્વે ૫૨૭ની નવી ટૉપ બનાવી સવા ટકો ઘટી ૫૧૩ હતો.
ગઈ કાલે ટેક્સટાઇલ શૅરો ડિમાન્ડમાં હતા. ડોનિયર ઇન્ડ., સિયારામ સિલ્ક, મફતલાલ ઇન્ડ, જિંદાલ વર્લ્ડ વાઇડ, ઝોડિઆક ક્લોધિંગ્સ, શિવા મિલ્સ, સૂર્યલતા સ્પીનિંગ મિલ્સ, સૂર્યલક્ષ્મી કૉટન, અરવિંદ, ઇન્ડો કાઉન્ટ ઇન્ડ, હિંમતસીંધકા સીડ, વર્ધમાન ટેક્સટાઇલ્સ, એક્નિટ, પાયોનિઅર એમ્બ્રૉઇડરી, પીસીએમ પોલી, મરલ ઓવરસીઝ, અમર જ્યોતિ સ્પીનિંગ, પાયો ટેક્સ ઇત્યાદી જેવાં કાઉન્ટર પ્રમાણમાં સારાં એવાં આકર્ષણમાં હતાં.