પૅનિક જેવો ટાઇમ આવે ત્યારે પેશન્સ ધરવાનો સમય ગણાય

13 January, 2025 07:59 AM IST  |  Mumbai | Jayesh Chitalia

વિશેષ ટિપ- જ્યારે તમે નિયમિતપણે રોકાણ કરો છો ત્યારે લાલસા કે ભય તમારા નિર્ણયને અસર કરી શકતાં નથી, તમે માર્કેટની દરેક સ્થિતિનો લાભ લઈ શકો છો.

પ્રતીકાત્મક તસવીર

વાઇરસની ચિંતા ઘટી તો હવે વિકાસદરની ચિંતા વધી છે. ગ્લોબલ સંજોગોની અને વિદેશી રોકાણકારોના પ્રવાહ વિશેની અસર ચાલુ છે. માર્કેટ બેરિશ મૂડમાં ચાલી રહ્યું હોવાથી કરેક્શનની ગાડી રિકવરીની ગાડી કરતાં આગળ ચાલે છે, વૉલેટિલિટી અકબંધ છે. જોકે જેઓ ખરા અર્થમાં રોકાણકાર છે તેમના માટે આ બેસ્ટ બાય ટાઇમ ગણાય 

ગયા સોમવારે માર્કેટને કોવિડસમાન નવા વાઇરસની સંભાવનાના ભયનો જબ્બર ઝટકો લાગ્યો હતો, જેમાં આગલા સપ્તાહની રિકવરી એક જ દિવસમાં ભૂંસાઈ ગઈ હતી એટલું જ નહીં, સોમવારના એક જ દિવસમાં દસ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થઈ ગયું હતું. બીજા દિવસે વાઇરસના અહેવાલ વિશે સ્પષ્ટતા જાહેર થઈ અને પૅનિક થવાની જરૂર નથી પણ અલર્ટ રહેવું જરૂરી છે એમ કહેવાયું એટલે માર્કેટ કંઈક અંશે રિકવર થયું. અલબત્ત, માર્કેટ તૂટવાના કારણમાં અર્થતંત્રના વિકાસની ગતિ ધીમી પડતી હોવાની વાતો પણ જવાબદાર હતી, પણ બજેટ એનો જવાબ આપી દેશે એવી આશા અવશ્ય રાખી શકાય. આ કહેવાનો કે સમજાવવાનો આશય એ જ કે બજારના આવા કોઈ પણ કડાકાને ભયમાં પરિવર્તિત થવા દેવાય નહીં, બલકે એનાં કારણો સમજીને એને કઈ રીતે તકમાં ફેરવી શકાય એ વિશે વિચારવાનો અભિગમ અપનાવાય.

પરિપક્વ બની રહેલા ઇન્વેસ્ટર્સ

વૉરેન બફેટ જેવા ગ્લોબલ ઇન્વેસ્મેન્ટ-ગુરુ એટલે જ કહેતા હોય છે કે આપણે બીજા કરતાં વધુ સ્માર્ટ બનવાનું નથી, આપણે માત્ર બીજાઓ કરતાં વધુ શિસ્તબદ્ધ બનવાનું હોય છે. મજાની વાત એ છે કે ભારતીય રીટેલ ઇન્વેસ્ટર વર્ગ સમય અને અનુભવ સાથે વધુ પરિપક્વ બનતો જાય છે. છેલ્લા અમુક મહિનામાં ચોક્કસ અને સતત કરેક્શન બાદ પણ રીટેલ-નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માર્ગે પોતાનું રોકાણ વધારતા રહ્યા છે. હકીકતમાં અભ્યાસ કહે છે કે છ ટકા જેવા કરેક્શનમાં પણ SIPનું પ્રમાણ અગાઉ કરતાં વધ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૨થી લઈ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં ૩૬ મહિનાઓમાંથી ૧૪ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ રહ્યા છતાં આ સમયગાળામાં SIPનો પ્રવાહ ૭૦ ટકા વધ્યો હતો. હાલ માર્કેટ તૂટે કે ઘટે એમ છતાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ વધે છે; સ્મૉલકૅપ, મિડકૅપ અને થીમેટિક ફન્ડ્સમાં રોકાણ-પ્રવાહ વૃદ્ધિ પામ્યો છે. નવેમ્બરમાં ફન્ડ્સની ઇ​ક્વિટી યોજનાઓમાં ૩૫,૦૦૦ કરોડ રૂપિયા આવ્યા હતા, જેની સામે ડિસેમ્બરમાં ૪૧,૦૦૦ કરોડ રૂપિયા જમા થયા છે.  

અહીં ફરી એક વાર યાદ કરવું જોઈશે કે હવે પછી બજારને બજેટના સંકેતો ચલાવશે અને બજેટ બાદ એની જાહેરાત ચલાવશે. એ પહેલાં ટ્રમ્પ સત્તા પર આવવાની સાથે કેવાં પગલાં ભરે છે અને કેવા સંકેત આપે છે એ પરિબળો પણ માર્કેટને અસર કરશે. આમાં ફૉરેન ઇન્વેસ્ટર્સનો રસ તેમ જ અભિગમમાં કેવો ફરક પડે છે એ સમજવાનું રહેશે. બાય ધ વે, હાલમાં ચાલી રહેલા વાઇરસ-પ્રકરણની વાતો, અફવા, સમજ-ગેરસમજ કે કલ્પિત ભયના નામે બજાર ક્યારેક ખુશી કે ક્યારેક ગમનાં દર્શન કરાવી શકે છે. આ અસરને કેટલી ગંભીર ગણવી એ રોકાણકારોએ પોતાના વિવેકને આધારે નક્કી કરવાનું રહેશે. આમ પણ બજાર વાસ્તવિકતા કરતાં કાલ્પનિક સમાચારોને તરત રીઍક્ટ કરી નાખે છે, જોકે એ રીઍક્શન ટૂંકા ગાળાનાં-એક-બે દિવસનાં હોય છે. આવા પ્રસંગોમાં પણ જેમને સમજણપૂર્વક તક ઉપાડતાં આવડે તો લાભ થઈ શકે. આવા સમયમાં તક ન બનાવો તો કંઈ નહીં, પરંતુ પૅનિકમાં વેચાણ થઈ જાય તો ન ધારેલું કે બિનજરૂરી નુકસાન પણ થઈ શકે છે.

અભ્યાસ-વિશ્વાસ હોય તો આગળ વધો

હવે વીતેલા સપ્તાહની બજારની ચાલ પર નજર કરીએ તો આગલા શુક્રવારે સપ્તાહના અંતે સેન્સેક્સ ૭૯,૨૨૦ બંધ રહ્યો હતો, જેની સામે ગયા શુક્રવારે સેન્સેક્સ ૭૭,૪૦૦ બંધ રહ્યો હતો. માર્કેટના ટ્રેન્ડને જોઈએ તો એ ઝાઝો ઊંચે જઈ શકતો નથી, વધે કે તરત કરેક્શન આવી જાય છે. આમ રિકવરી સામે કરેક્શનનું વર્ચસ વધુ રહે છે. બજારની ચાલમાં ચંચળતા પણ વધી છે. ગયા સપ્તાહના સ્મૉલ અને મિડકૅપ ઇન્ડેક્સ પર નજર કરીએ તો કાફી ધોવાણ નોંધાયું છે. આમાં નબળા સ્ટૉક્સના રોકાણકારોએ મોટે ભાગે લૉસ બુક કરવાની નોબત આવી શકે છે. બાકી લાર્જકૅપમાં રિકવરીની અને લાંબા ગાળાની આશા ચોક્કસ રાખી શકાય. ક્વૉર્ટર્લી પરિણામની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી હવે સિલે​ક્ટિવ સ્ટૉક્સ એની કામગીરીના આધારે પણ વધઘટ કરે એવું બની શકે, એની અસર સેક્ટર પર પણ જોવા મળી શકે. ઇકૉનૉમિક ગ્રોથની ગતિ ધીમી પડવાના અહેવાલ સાથે માર્કેટની તેજીની ગતિ અને સે​ન્ટિમેન્ટ પણ સ્લો થઈ ગયાં છે. બાય ધ વે, જે રોકાણકારોને ભારતના અર્થતંત્રની ગ્રોથ-સ્ટોરીમાં વિશ્વાસ હોય અને આ વિશ્વાસ માટે તેમનો યોગ્ય અભ્યાસ પણ હોય તો (અર્થાત્ આ વિશ્વાસ આંધળો ન હોવો જોઈએ) હવેના સમયમાં જ્યારે-જ્યારે બજારમાં મોટાં કરેક્શન-કડાકા આવે ત્યારે સિલેક્ટિવ અને સ્માર્ટ બની મજબૂત ફન્ડામેન્ટલ્સ આધારિત સ્ટૉક્સ જમા કરતાં જવું જોઈએ. 

અચાનક ભાવ ઊછળવા લાગે તો?

તેજી દરમ્યાન જો કોઈ સ્ટૉક્સ અચાનક ચાલવા લાગે, ઊછળવા લાગે તો સમજી લેવું કે કોઈ રમત કરી રહ્યું છે અને એ રમતના કુંડાળામાં સીધા-સાદા રોકાણકારોને ફસાવવાની ચાલ રમાશે, આ કુંડાળામાં જેઓ પ્રવેશ કરશે તેઓ બહાર નીકળશે ત્યારે મોટે ભાગે નુકસાનનો બોજ લઈને નીકળશે. આવા સ્ટૉક્સના આકર્ષક સમાચાર વહેતા થઈ જાય ત્યારે આકર્ષાઈ જવાને બદલે ચેતવાનું હોય. આવા સ્ટૉક્સ વિશેની ખરી માહિતી મેળવવી અઘરી નથી. એના ભૂતકાળના ભાવોની રેન્જ, કામગીરી, કરન્ટ ટ્રૅક-રેકૉર્ડ બધું જ એક્સચેન્જની વેબસાઇટ પરથી સહેલાઈથી મળી જાય છે. મોટી ખોટથી બચવું હોય તો આટલી નાની મહેનત તો કરવી પડે દોસ્તો. 

business business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange