21 February, 2023 02:46 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અદાણીમાં ધોવાણનો સિલસિલો જારી, ૧૮ દિવસમાં કુલ ૧૦.૯૪ લાખ કરોડ રૂપિયાનો ધુમાડો : એનએમડીસી સ્ટીલ લિસ્ટિંગમાં ઉપલી સર્કિટે બંધ, ઈકેઆઇ એનર્જી દસ ટકાની તેજીમાં ૬૮૮ થયો : સેરા સૅનિટરી ઑલટાઇમ હાઈ થઈ આઠ ટકા કે ૪૮૨ રૂપિયા ઊછળી ૬૪૩૦ બંધ, સોનાટા સૉફ્ટવેર નવા શિખરે : શિલ્પા મેડિકૅર ૮.૪ ટકા તૂટી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર : સિપ્લામાં છ ટકાની ખરાબી : અલ્ટ્રાટેકની આગેકૂચ : મારુતિ ૧૧૭ના ઘટાડે સેન્સેક્સમાં ટૉપ લૂઝર
સોમવારે મોટા ભાગનાં એશિયન બજારો સાંકડા કે સીમિત સુધારામાં બંધ થયાં છે. એક ચાઇનીઝ માર્કેટ બે ટકાથી વધુની તેજીમાં ૩૨૯૦ થયું છે. સિંગાપોર અડધો ટકો તથા ઇન્ડોનેશિયા નહીંવત્ નરમ હતા. હૉન્ગકૉન્ગ પોણા ટકાથી વધુ પ્લસ હતું. યુરોપ રનિંગમાં નેગેટિવ બાયસમાં દેખાતું હતું. ઘરઆંગણે સેન્સેક્સ ૧૧૦ પૉઇન્ટ પ્લસમાં ખૂલી છેવટે ૩૧૧ પૉઇન્ટ ઘટીને ૬૦,૬૯૧ બંધ થયો છે. નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ ઘટી ૧૭,૮૪૫ હતો. પ્રારંભિક સુધારામાં સેન્સેક્સ ઉપરમાં ૬૧,૨૯૦ વટાવી ગયો હતો. જોકે ત્યાર પછી ઘટાડાની ચાલમાં નીચામાં ૬૦,૬૦૭ થયો હતો. બન્ને બજારોનાં મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. આઇટી ઇન્ડેક્સ અડધા ટકાની આસપાસ પ્લસ થયો છે. ઑઇલ-ગૅસ, એનર્જી, બૅન્કિંગ, ફાઇનૅન્સ જેવા બેન્ચમાર્ક પોણાથી સવા ટકો ઢીલા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૭૩૯ શૅરની સામે ૧૩૦૩ જાતો ઘટેલી હતી.
એએસએમ ટેક્નૉલૉજીસ ૪૨૨ વટાવી સવા ટકાના ઘટાડે ૪૧૫ રહ્યો છે. કૃતિ ઇન્ડ. ૧૬.૮ ટકા, સુપર હાઉસ ૧૯.૫ ટકા, ડીસીએક્સ સિસ્ટમ્સ ૧૩ ટકા, લુમેક્સ ઑટો ૧૦.૮ ટકા, સુમિટોમો કેમિકલ્સ ૧૧.૩ ટકા ઊંચકાયા હતા. ઇકેઆઇ એનર્જી તાજેતરની ખરાબી બાદ એક વધુ ઉપલી સર્કિટમાં ૧૦ ટકા ઊછળી ૬૮૮ હતો. એનએમડીસીના ડી-મર્જરમાંથી અસ્તિત્વમાં આવેલી એનએમડીસી સ્ટીલ લિસ્ટિંગમાં ૩૦ ઉપર ખૂલીને પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૩૨ નજીક બંધ થયો છે, જ્યારે પેરન્ટ કંપની એનએમડીસી ૧.૮ ટકાના ઘટાડે ૧૧૯ રહ્યો છે.
મારુતિ, એચડીએફસી, સિપ્લા, અદાણી એન્ટર ટૉપ લૂઝરમાં મોખરે
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૨ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર સુધર્યા છે. અલ્ટ્રાટેક ૭૪૮૯ની નવી ટૉપ બતાવી ૧.૮ ટકાની આગેકૂચમાં ૭૪૨૭ બંધ આપી લાઇમલાઇટમાં રહ્યો છે. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા વધી ૧૧૪૪ હતો. ડિવીઝ લૅબ અઢી ટકા વધી ૨૯૦૨ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સામે યુએસ એફડીએના સપાટે ચડતાં સિપ્લા ૧૧ ગણા કામકાજે નીચા ૯૫૬ થઈ છ ટકા તૂટી ૯૬૪ના બંધમાં નિફ્ટી ખાતે ખરાબીમાં મોખરે હતો. શિલ્પા મેડિકૅર પણ ૮.૪ ટકાના ધોવાણમાં ૨૭૧ રહ્યો છે. અદાણી એન્ટર ૫.૯ ટકા બગડી ૧૬૧૯ બંધ આવ્યો છે. એચડીએફસી, ઓએનજીસી, ભારત પેટ્રો, કોટક બૅન્ક, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યુમર્સ, નેસ્લે એકથી બે ટકા માઇનસ થયા છે. રિલાયન્સ પ્રારંભિક સુધારાને ભૂંસી નીચામાં ૨૪૧૦ થઈ એક ટકો ઘટી ૨૪૧૫ બંધ હતો.
હિન્દુસ્તાન ઝિંક તરફથી વેદાન્તાની ઝિન્કની ઍસેટ્સ કે બિઝનેસ ત્રણેક અબજ ડૉલરમાં હસ્તગત કરવાની યોજના કંપનીમાં ૩૦ ટકા ભાગીદાર એવી સરકારે વાંધો લેતાં અટવાઈ પડી છે. મતલબ કે હિન્દુ ઝિંક પાસેથી ત્રણ અબજ ડૉલર મેળવીને પોતાનું દેવું ઘટાડવાનો વેદાન્તાનો મનસૂબો પાર નહીં પડે. હિન્દુસ્તાન ઝિંક ગઈ કાલે પોણો ટકો ઘટી ૩૨૧ તથા વેદાન્તા એક ટકો ઘટી ૩૧૦ બંધ હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ અદાણી એન્ટરના ભારમાં પોણો ટકો ઘટ્યો છે, જ્યારે બીએસઈનો મેટલ બેન્ચમાર્ક જૈસે-થે રહ્યો છે. સંવર્ધન મધરસન ઇન્ટરનૅશનલ દ્વારા ૪૮૦૦ કરોડ રૂપિયામાં વિદેશી કંપની એસએએસ ઑટો સિસ્ટમ્સનો ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત આવતાં ભાવ ઉપરમાં ૮૪ વટાવી ૩ ટકાની મજબૂતીમાં ૮૨ બંધ આવ્યો છે મારુતિ સુઝુકી અને એચડીએફસી ૧.૩ ટકા ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર હતા. મારુતિ ૧૧૭ની ખરાબીમાં ૮૬૯૦ રહ્યો છે.
અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં વધુ ૨૪,૯૮૦ કરોડ રૂપિયાનું ધોવાણ
હિંડનબર્ગ રિપોર્ટને પગલે અદાણી ગ્રુપમાં શરૂ થયેલી ખુવારી અટકવાનું નામ લેતી નથી. ગઈ કાલે ગ્રુપના ૧૦માંથી ૩ શૅર વધ્યા છે. ત્રણ શૅર નીચલી સર્કિટમાં ગયા છે. ત્રણ શૅરમાં નવાં નીચાં બૉટમ બન્યાં છે. સરવાળે ગ્રુપના માર્કેટ કૅપમાં વધુ ૨૪,૯૮૦ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આ સાથે છેલ્લા ૧૮ દિવસ દરમ્યાન અદાણી ગ્રુપને કુલ મળીને ૧૦,૯૪,૪૭૩ કરોડ રૂપિયાનો મરણતોલ ફટકો પડી ચૂક્યો છે.
સોમવારે ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટર. ૫.૯ ટકા કે ૧૦૨ રૂપિયા તૂટીને ૧૬૧૯ રહી છે. અદાણી પોર્ટ્સ નહીંવત્ વધી ૫૮૦ હતો. અદાણી પાવર વધી ૫ ટકાની સર્કિટે ૧૬૩ થયો છે. અદાણી ટ્રાન્સ. પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮૭૪ના નવા તળિયે જઈ ત્યાં જ બંધ હતી. અદાણી ટોટલ પણ નીચલી સર્કિટે ૯૨૫ની દોઢ વર્ષની બૉટમ બનાવી પાંચ ટકા ગગડી ત્યાં જ બંધ હતો. અદાણી ગ્રીન પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૫૯૭ રહ્યો છે. અદાણી વિલ્મર બે ટકા ઘટીને ૪૨૯ હતો. એસીસી અડધો ટકો વધી ૧૮૫૧ તો અંબુજા સિમેન્ટ્સ ૩૫૩ના લેવલે જૈસે-થે જોવાયો છે. એનડીટીવી પોણા ચાર ટકા ડાઉન હતો. અદાણી સાથે સંકળાયેલી મોનાર્ક નેટવર્થ દોઢ ટકા વધી ૨૩૫ તો ક્વિન્ટ ડિજિટલ ૩.૩ ટકા વધીને ૯૯ રહી છે. બાય ધ વે, પતંજલિ ફૂડ્સ અઢી ટકા સુધરીને ૯૪૦ હતી.
બૅન્કિંગ અને ફાઇનૅન્સ નબળું, સ્ટાર હેલ્થ ૧૧ ટકા ઊછળ્યો
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૪૩૦ પૉઇન્ટ કે એક ટકા તથા પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નબળાઈમાં ૧.૧ ટકા કટ થયા છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૮ શૅર પ્લસ હતા. આઇડીબીઆઇ બૅન્ક ૨.૮ ટકા, યસ બૅન્ક ત્રણ ટકા, કરૂર વૈશ્ય બૅન્ક દોઢ ટકા, તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ૨.૪ ટકા વધીને બંધ હતા.
ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક ૫.૬ ટકાની તેજીમાં ૬૨ થયો છે. સેન્ટ્રલ બૅન્ક, સ્ટેટ બૅન્ક, કૅનરા બૅન્ક, આઇઓબી, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક એકથી ચાર ટકા ડાઉન હતા. કર્ણાટકા બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, જેકે બૅન્ક, કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઍક્સિસ બૅન્ક જેવી ખાનગી બૅન્કો એકથી સવાત્રણ ટકા ઘટી છે. સૂર્યોદય બૅન્ક ૨.૪ ટકા માઇનસ હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૯૩ શૅરની નરમાઈમાં ૦.૯ ટકા બગડ્યો છે. સ્ટાર હેલ્થ ૧૧ ટકા, ક્રેડિટ એક્સેસ ૫.૪ ટકા, પૈસાલો ડિજિટલ ૪.૩ ટકા પ્લસ હતા. બીએફ ઇન્વેસ્ટમેટ ૪.૪ ટકા ગગડી ૩૮૪ હતો, તાતા ઇન્વેસ્ટમેન્ટ ૪.૬ ટકા કપાયો છે.
આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૨ શૅરના સુધારા વચ્ચે ૧૫૭ પૉઇન્ટ જેવો પ્લસ હતો. સોનાટા સૉફ્ટવેર દસેક ગણા કામકાજે ૭૫૩ની નવી ટૉપ દેખાડી ૮.૩ ટકા ઊછળી ૭૩૭ હતો. હૅપ્પીએસ્ટ માઇન્ડ ૬.૬ ટકા, ન્યુક્લિઅસ સૉફ્ટવેર ૩.૬ ટકા, પર્સિસ્ટન્ટ ૩.૧ ટકા, માસ્ટેક ત્રણ ટકા અપ હતા. ઇન્ફી અડધો ટકો વધી ૧૫૯૩ તો ટીસીએસ સાધારણ ઘટી ૩૪૮૬ હતો. ટેક મહિન્દ્ર ૧.૪ ટકા વધ્યો છે. એચસીએલ ટેક્નો અડધો ટકો સુધર્યો હતો. વિપ્રો નજીવો વધીને ૪૦૭ રહ્યો છે. સનટીવી, સ્ટરલાઇટ ટેક્નૉ, નેટવર્ક ૧૮, તેજસનેટ, તાન્લા પ્લૅટફૉર્મ, ઇન્ડ્સ ટાવર, વોડાફોન, ટીવી-૧૮ અને તાતા ટૅલિ. પોણાથી સવાત્રણ ટકા ઘટવા છતાં આઇટીની હૂંફને કારણે ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૪૬ પૉઇન્ટ જેવો વધ્યો હતો.
અમલ લિમિટેડ એક્સ રાઇટ પૂર્વે સુધર્યો, વિન્ની ઓવરસીઝ તેજીની સર્કિટમાં
મુંબઈમાં દાદર-વેસ્ટ ખાતેની અમલ લિમિટેડ ૭૭ શૅરદીઠ ૨૪ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૧૭૦ના ભાવથી રાઇટ ઇશ્યુ કરી રહી છે. શૅર મંગળવારે એક્સ રાઇટ થવાનો છે. ભાવ ગઈ કાલે ૨.૭ ટકા વધી ૨૮૧ બંધ થયો છે. આઇઆરબી ઇન્ફ્રા ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૨૨મીએ એક્સ સ્પ્લિટ થશે. શૅર સોમવારે બે ટકા ઘટી ૨૮૩ હતો. વિન્ની ઓવરસીઝે ૧૦ શૅરદીઠ ૧૩ના પ્રમાણમાં બોનસ જાહેર કરેલું છે. શૅર ૨૪મીએ એક્સ બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે પાંચ ટકા ઊછળી ૨૯૧ બંધ રહ્યો છે. ગૅલેક્સી સર્ફકટન્ટ્સ ૧૮૦ ટકાના ઇન્ટરિમ ડિવિડન્ડમાં સોમવારે એક્સ ડિવિડન્ડ થયો છે. શૅર અડધા ટકાના ઘટાડે ૨૩૮૮ બંધ થયો છે, જ્યારે ઇસબ ઇન્ડિયા ૨૮૦ ટકાના ડિવિડન્ડમાં એક્સ ડિવિડન્ડ થયા પછી ગઈ કાલે નહીંવત્ વધીને ૪૦૯૬ બંધ આવ્યો છે.
હિન્દુ. યુનિલીવર દ્વારા વર્ષે ૧૨૭ કરોડ રૂપિયાનો વકરો કરાવતી અન્નપૂર્ણા અને કૅપ્ટન કૂક બ્રૅન્ડને ૬૦ કરોડ રૂપિયમાં સિંગાપોરની કંપનીને વેચી આટા તથા સૉલ્ટ બિઝનેસમાંથી એક્ઝિટ કરવાની જાહેરાત કરાઈ છે. શૅર નહીંવત્ ઘટીને ૨૫૧૧ બંધ થયો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ દ્વારા રાજકપૂરના ચેમ્બુર ખાતેનો બંગલો ખરીદી લેવાયો છે. એને તોડીને ત્યાં લક્ઝુરિયસ હાઉસ પ્રોજેક્ટ લૉન્ચ કરાશે. કંપની એમાંથી ૫૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવવા ધારે છે. બંગલો કેટલામાં લીધો એ આંકડો જણાવ્યો નથી. અગાઉ મે-૨૦૧૯માં રાજકપૂરનો આક. કે. સ્ટુડિયો પણ ગોદરેજ પ્રૉપર્ટીઝે જ ખરીદ્યો હતો. ગોદરેજના શૅર ગઈ કાલે એક ટકો ઘટી ૧૧૫૨ બંધ થયો છે.