રિલાયન્સની આગેવાની હેઠળ છેલ્લા કલાકના કરન્ટમાં શૅરબજારનો સુધારો આગળ વધ્યો

16 February, 2023 02:51 PM IST  |  Mumbai | Anil Patel

રિઝલ્ટના જોરમાં અપોલો હૉસ્પિટલ્સની ડબલ સેન્ચુરી, ફિનોલેક્સ કેબલ્સ ચાર વર્ષના શિખરે : ફ્રન્ટલાઇનના ભારમાં એફએમસીજી ઇન્ડેક્સ નરમ : માર્કેટ બ્રેડ્થમાં રસાકસી

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

અદાણીના ૬ શૅર સુધર્યા, ૪ જાતો મંદીની સર્કિટમાં રહી એટલે કુલ ધોવાણમાં ૧૩,૬૯૫ કરોડનો નવો ઉમેરો થયો : ઈકેઆઇ એનર્જી નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૩ દિવસમાં ૪૬૫ રૂપિયા તૂટી ૧૬ મહિનાના તળિયે : સતત ત્રીજા દિવસની ખરાબીમાં બીએફ ઇન્વેસ્ટમેન્ટ પોણાદસ ટકા ડૂલ : તેજસ નેટમાં બે આંકડાની તેજી, ઑન મોબાઇલ નવા તળિયે : રિઝલ્ટના જોરમાં અપોલો હૉસ્પિટલ્સની ડબલ સેન્ચુરી, ફિનોલેક્સ કેબલ્સ ચાર વર્ષના શિખરે : ફ્રન્ટલાઇનના ભારમાં એફએમસીજી ઇન્ડેક્સ નરમ : માર્કેટ બ્રેડ્થમાં રસાકસી

અમેરિકામાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ૬.૨ ટકાની ધારણા કરતાં વધુ ૬.૪ ટકા આવતાં ચાલુ વર્ષના ઉત્તરાર્ધથી ફેડ રેટમાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થવાની આશા વધુ ધૂંધળી બની છે. ડૉલર ઇન્ડેક્સ મજબૂત થયો છે. એના પગલે બુધવારે તમામ અગ્રણી એશિયન બજારો નરમ થયાં છે. સિંગાપોર, હૉન્ગકૉન્ગ, તાઇવાન અને સાઉથ કોરિયા તો એકથી દોઢ ટકો નબળાં હતાં. જોકે યુરોપ રનિંગમાં સાધારણથી એકાદ ટકો પ્લસ દેખાયું છે. ઘરઆંગણે સેન્સેક્સ પ્રારંભિક નરમાઈ બાદ લગભગ અઢી વાગ્યા સુધી સાંકડી રેન્જમાં ૬૧ની અંદર-બહાર થતો રહ્યો હતો. છેલ્લા કલાકના જોરમાં બજાર ૬૧,૩૫૨ વટાવી ૨૪૩ પૉઇન્ટની આગેકૂચમાં ૬૧,૨૭૫ બંધ થયું છે. નિફ્ટી ૮૬ પૉઇન્ટ ઊંચકાઈને ૧૮ની ઉપર, ૧,૮૦૧૬ નજીક જોવા મળ્યો છે. એફએમસીજી, પાવર, યુટિલિટી અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સની નરમાઈ બાદ કરતાં બજારનાં બાકીનાં સેક્ટોરલ વધ્યાં છે. રિયલ્ટી, ટેલિકૉમ, ઑટો, આઇટીમાં એકથી સવા ટકાનો સુધારો હતો. માર્કેટ બ્રેડ્થ સહેજ પૉઝિટિવ બની છે. એનએસઈમાં ૧૦૮૪ શૅર પ્લસ, તો ૯૨૮ જાતો નરમ રહી છે.

સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર પ્લસ હતા. ટેક મહિન્દ્ર પોણાછ ટકાની તેજી સાથે બન્ને બજારમાં મોખરે હતો. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ સાડાપાંચ ટકા, આઇશર ૪.૪ ટકા, ગ્રાસિમ દોઢ ટકો પ્લસ હતા. તાતા સ્ટીલ, મહિન્દ્ર, ભારતી, બજાજ ફિન સર્વ, હીરો મોટોકૉર્પ, દીવીસ લૅબ, તાતા કન્ઝ્યુમર, એચડીએફસી લાઇફ, એસબીઆઇ લાઇફ એકથી દોઢ ટકો વધ્યા છે. રિલાન્યસ સવાબે ટકાની મજબૂતીમાં ૨૪૩૦ બંધ આપીને બજારને સર્વાધિક ૧૬૦ પૉઇન્ટ ફળ્યો છે. કામકાજ પોણાબે ગણા હતાં. સનફાર્મા, હિન્દુ. યુનિલીવર, આઇટીસી એકથી સવા ટકાની નરમાઈમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતા. ઓએનજીસી તથા લાર્સન પોણા ટકાની આસપાસ ઢીલા થયા છે. 

ભારત ફોર્જને વિદેશી સબસિડિયરીઝની નબળી કામગીગી નડતાં શૅર નીચમાં ૮૧૧ થઈ ૪.૪ ટકા ગગડી ૮૩૫ હતો. ફિનો લેક્સ કેબલ્સ રિઝલ્ટના કરન્ટમાં ૬૯૭ની ૪ વર્ષની ટોચે જઈ ૧૨.૭ ટકાના જમ્પમાં ૬૭૨ બંધ આવ્યો છે. કોઠારી પ્રોડક્ટ્સ, ટેક્નૉ ક્રાફ્ટ ઇન્ડ, રસેલ ઇન્ડિયામાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. કીટેક્સ ગાર્મેન્ટ ૧.૨૭ ટકા તથા ઈકેઆઇ એનર્જી ૧૦ ટકાની નીચલી સર્કિટમાં બંધ હતા. 

અદાણીના ૧૦માંથી ૬ શૅર સુધર્યા, માર્કેટ કૅપ ૧૩,૬૯૫ કરોડ રૂપિયા ઘટ્યું

બુધવારે અદાણી ગ્રુપના ૧૦માંથી ૪ શૅર નરમ હતા. ૪ શૅરમાં ૫-૫ ટકાની મંદીની સર્કિટ લાગેલી હતી. ત્રણ જાતો નવાં નીચાં તળિયે ગઈ છે. ફ્લેગશિપ અદાણી એન્ટર દોઢ ટકાના વધારે ૧૭૭૮ રહી છે. એસીસી એક ટકો તો અંબુજા સિમેન્ટ ૨.૪ ટકા પ્લસ હતા. અદાણી પોર્ટ્સ પોણો ટકો વધીને ૫૬૯ રહ્યો છે, જ્યારે અદાણી પાવર પાંચ ટકા તૂટી ૧૪૧, અદાણી ટ્રાન્સ નીચલી સર્કિટે ૧૦૧૭, અદાણી ગ્રીન મંદીની સર્કિટે ૬૨૧ તથા અદાણી ટોટલ નીચલી ૫ ટકાની સર્કિટ ચાલુ રાખી ૧૦૭૯ બંધ હતા. અદાણી વિલ્મર એકાદ ટકો વધી ૩૯૭ તથા એનડીટીવી ૪.૭ ટકા વધી ૧૯૭ બંધ આવ્યો છે. આ સાથે ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૧૩,૬૯૫ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા ૧૫ દિવસમાં ગ્રુપના માર્કેટ કૅપમાં કુલ મળીને ૧૦,૫૬,૪૯૩ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. એક રિપોર્ટની અસર ગૌતમબાબુને હવે બરાબર સમજાઈ રહી છે. બે સપ્તાહમાં આ માણસ વિશ્વના બે નંબરી ધનકુબેરમાંથી ટૉપ પચીસની પણ બહાર ફંગોળાઈ ગયો છે. મોનાર્ક નેટવર્થ પોણા ટકાની નરમાઈમાં ૨૩૩ તથા ક્વિન્ટ ડિજિટલ ૨.૩ ટકાના સુધારામાં ૯૮ રહ્યો છે. બ્લડ કૅન્સરથી પીડાતા દરદીને નવા લોહીનું ટ્રાન્સફ્યુઝન ન મળે તો તેની હાલત જેવી અકળવિકળ થાય એવી હાલત હાલ અદાણી ગ્રુપના શૅરોની છે. 

તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ૫.૯ ટકા ગગડી નવા તળિયે

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરના ઘટાડા વચ્ચે ૦.૨ ટકા કે ૮૩ પૉઇન્ટ સુધર્યો થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૪ શૅરની નરમાઈમાં અડધા ટકા જેવો પ્લસ હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૩૭માંથી ૨૧ જાતો સુધરી હતી. બંધન બૅન્ક અઢી ટકા, જેકે બૅન્ક અઢી ટકા અને સાઉથ ઇન્ડિયન બૅન્ક બે ટકા મજબૂત હતી. સામે ફિનો પેમેન્ટ બૅન્ક, આરબીએલ બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, યુકો બૅન્ક, ઉજ્જીવન બૅન્ક એક ટકાથી લઈ બે ટકા ઘટી છે. ફ્રન્ટલાઇનમાં કોટક બૅન્ક એકાદ ટકો વધી ૧૭૮૫ હતી. ઍક્સિસ બૅન્ક અને એચડીએફસી બૅન્ક ૦.૩ ટકાની આસપાસ નરમ તો સ્ટેટ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સાધારણથી અડધો ટકો વધી બંધ હતા.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૮૩ શૅરના સુધારા વચ્ચે ૧૯ પૉઇન્ટ જેવો સહેજ વધ્યો હતો. જનરલ ઇન્શ્યૉરન્સ પરિણામ પાછળ ત્રણ ગણા કામકાજે ૧૦.૮ ટકા ઊંચકાઈ ૧૫૭ હતો. ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૫.૯ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૫.૮ ટકા, જીઆઇસી હાઉસિંગ ૩.૮ ટકા, કૅર રેટિંગ અઢી ટકા, ક્રેડિટ એક્સેસ ૩.૨ ટકા વધ્યા છે. બીએફ ઇન્વેસ્ટમેન્ટ ખરાબીની હૅટ-ટ્રિકમાં નીચામાં ૩૯૮ બતાવી ૯.૮ ટકા ખરડાઈ ૩૯૯ રહ્યો છે. અહીં ૧૩ ફેબ્રુઆરીએ ઇન્ટ્રા-ડેમાં ૫૫૮નું બેસ્ટ લેવલ બન્યું હતું. એમસીએક્સ ૪ ટકા બગડી ૧૩૪૮ થયો છે. એચડીએફસી પોણો ટકો નરમ તો બજાજ ફિન સર્વ દોઢેક ટકો અને બજાજ ફાઇ. સાધારણ પ્લસ હતા. એલઆઇસી અડધો ટકો સુધરી ૬૦૧ હતો. આદિત્ય બિરલા સનલાઇફ ૩૯૮ની ઑલટાઇમ બૉટમ બતાવી ૪૦૦ના સ્તરે ફ્લૅટ હતો. સ્ટાર હેલ્થ અડધો ટકો ઘટ્યો છે. તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક પરિણામ પાછળ ૪૨૩ના ઑલટાઇમ તળિયે જઈ ૫.૯ ટકા તૂટીને ૪૩૦ બંધ થયો છે. 

પરિણામ પાછળ આઇશર મોટર્સ ૧૪૪ રૂપિયા વધીને બંધ થયો

આઇટી બેન્ચમાર્ક નરમ ખૂલ્યા બાદ નીચલા મથાળેથી ક્રમશ: સતત મજબૂતીમાં ૫૩૦ પૉઇન્ટ ઊંચકાઈ અંતે ૨૮૮ પૉઇન્ટ કે એક ટકો વધ્યો છે. અત્રે ૬૦માંથી ૩૮ શૅર પ્લસ હતા. બ્રાઇટકૉમ ૧૧.૬ ટકાની તેજીમાં ૨૬ થયો છે. ડેટામૅટિક્સ ૫.૨ ટકા, આર. એસ. સિસ્ટમ્સ ૪.૬ ટકા, બિરલા સૉફ્ટ બે ટકા, મેપમાય ઇન્ડિયા ૨.૮ ટકા અપ હતા. ફ્રન્ટલાઇનમાં ટેક મહિન્દ્ર પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૦૭૫ થઈ ૫.૮ ટકાની તેજીમાં ૧૦૭૧ બંધ હતો. વિપ્રો તથા એચસીએલ ટેક્નૉ પોણા ટકાની આસપાસ અને લાટિમ સવાબે ટકા વધ્યા છે. ઇન્ફી સામાન્ય તો ટીસીએસ અડધો ટકો સુધર્યા હતા. રામકો સિસ્ટમ્સ ૮.૪ ટકા લથડી ૨૦૮ થયો છે. ટેલિકૉમ ક્ષેત્રે તેજસ નેટ ૧૦.૩ ટકા ઊછળી ૫૯૧ રહ્યો છે. એમટીએનએલ ૫.૫ ટકા મજબૂત હતો. ભારતી ઍરટેલ સવા ટકો, ઇન્ડ્સ ટાવર ૧.૪ ટકા અને વોડાફોન પોણો ટકો સુધર્યા છે. ઑન મોબાઇલ ૭૧ના નવા તળિયે જઈ ત્રણ ટકા બગડી ૭૨ થયો છે.

આઇશર ૪.૫ ટકા, ટીવીએસ મોટર્સ અઢી ટકા, મહિન્દ્ર સવા ટકો, હીરો મોટોકૉર્પ ૧.૧ ટકા, તાતા મોટર્સ પોણો ટકો, મારુતિ પોણો ટકો, બજાજ ઑટો અડધો ટકો પ્લસમાં બંધ થતાં ઑટો ઇન્ડેક્સ ૩૨૭ પૉઇન્ટ કે એક ટકો મજબૂત થયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરના સુધારામાં સવા ટકો વધ્યો છે. ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઑબેરૉય રિયલ્ટી, બ્રિગેડ એન્ટર. ડીએલએફ, પ્રેસ્ટિજ એસ્ટેટ પોણાથી ૩.૩ ટકા તથા ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ત્રણ ટકા ઊંચકાયા છે. ડીબી રિયલ્ટી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૬ નજીક ગયો છે. સનટેક રિયલ્ટી સામાન્ય સુધરીને ૩૦૯ હતો. મહિન્દ્ર લાઇફ પોણો ટકો ઘટ્યો છે. 

ટૉરન્ટ પાવર ડબલ ડિજિટની તેજીમાં, સિમેન્સમાં નવી વિક્રમી સપાટી

પાવર તથા યુટિલિટીઝ ઇન્ડેક્સ મુખ્યત્વે અદાણીના શૅરોના ભારમાં કમજોર હતા. ટૉરન્ટ પાવરે ૮૮ ટકાના વધારામાં ૬૯૫ કરોડનો ત્રિમાસિક નફો મેળવી શૅરદીઠ ૧૩ રૂપિયાના સ્પેશ્યલ સહિત કુલ ૨૨ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કરતાં ભાવ ૨૯ ગણા કામકાજે ૧૦.૪ ટકા ઝળકી ૫૦૪ બંધ થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા, જેપી પાવર, કેપીગ્રીન, નવ લિમિટેડ, વારિ રિન્યુએબલ ત્રણથી ૪.૫ ટકા મજબૂત હતા. સિમેન્સ ૩૨૪૮ની નવી ટોચે જઈ ૩.૩ ટકા કે ૧૦૪ રૂપિયાના જમ્પમાં ૩૨૨૯ થયો છે. જેએસડબ્લ્યુ એનર્જી બે ટકા તો એબીબી સવાબે ટકા અપ હતા. હેલ્થકૅર બેન્ચમાર્ક પ્રારંભિક નરમાઈ પચાવી ૬૬ પૉઇન્ટ જેવો સાધારણ વધીને બંધ રહ્યો છે. અપોલો હૉસ્પિટલ્સ પરિણામની પાછળ સવાનવ ગણા કામકાજે ૪૫૧૦ વટાવી ૫.૨ ટકા કે ૨૨૦ રૂપિયા તેજીમાં ૪૪૮૬ થયો છે. બ્લીસ જીવીકે ૭.૮ ટકા, એનજીએલ ફાઇન ૨.૯ ટકા, ન્યુલૅન્ડ લૅબ ત્રણ ટકા, લિંકન ફાર્મા ૨.૭ ટકા મજબૂત હતા. હાઇકલ સવાપાંચ ટકા ગગડી ૩૦૯ હતો. સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્લૅન્ડ ફાર્મા, ઝાયડ્સ લાઇફ, મેટ્રોપોલિસ જેવી જાણીતી જાતો વત્તેઓછે અંશે નરમ હતી. એફએમસીજી બેન્ચમાર્ક ૮૧માંથી ૫૩ શૅર સુધરવા છતાં ૫૭ પૉઇન્ટ જેવો ઘટીને બંધ આવ્યો છે. ગોડફ્રે ફિલિપ્સ ૫ ટકા ઊછળી ૧૭૫૭ હતો. ઝાયડ્સ વેલનેસ ૩.૪ ટકા ઊંચકાયો છે. ફ્રન્ટલાઇનમાં આઇટીસી ૧.૧ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર સવા ટકો, ઇમામી ૨.૨ ટકા ડાઉન હતા. નેસ્લે પરિણામ પૂર્વે ૧૬૩ રૂપિયા કે ૦.૯ ટકા વધી ૧૯,૨૪૬ બંધ રહ્યો છે. પિકાડેલી શુગર સાત ટકા અને અવધ શુગર પાંચ ટકા મજબૂત હતા. રાવલગાંવ ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૩૬૭૫ હતો. 

business news share market stock market national stock exchange bombay stock exchange reliance nifty sensex