17 February, 2023 02:05 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અદાણીમાં ધોવાણ ધીમું પડ્યું, ૧૦માંથી ૬ શૅર બીજા દિવસે પણ સુધર્યા : પ્રારંભિક મજબૂતી જાળવી રાખવામાં રિલાયન્સ નિષ્ફળ : ઓએનજીસીના જોરમાં ઑઇલ-ગૅસ તથા એનર્જી ઇન્ડેક્સ પ્લસમાં જોવાયા : ઈકેઆઇ એનર્જીમાં સતત ચોથી નીચલી સર્કિટ લાગી, પેસ ઈ-કૉમર્સમાં ઑલટાઇમ બૉટમ : બીએફ ઇન્વેસ્ટમેન્ટમાં ખરાબી અટકી, મેટલ ઇન્ડેક્સના તમામ શૅર વધ્યા
આગલા દિવસની પીછેહઠ બાદ ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજારો પૉઝિટિવ ઝોનમાં બંધ હતાં. સાઉથ કોરિયન કૉસ્પી ઇન્ડેક્સ બે ટકા નજીક, સિંગાપોર એકાદ ટકો તથા જપાન હૉન્ગકૉન્ગ તાઇવાન પોણા ટકાની આસપાસ પ્લસ હતા. થાઇલૅન્ડ અડધો ટકો સુધર્યું છે. ચાઇનીઝ માર્કેટ એક ટકો તો ઇન્ડોનેશિયા સામાન્ય ઘટાડે બંધ હતું. યુરોપ સુધારાની આગેકૂચમાં સાધારણથી પોણા ટકા સુધી રનિંગમાં ઉપર દેખાતું હતું. ઘરઆંગણે સુધારાની હૅટ-ટ્રિકમાં બજાર ૨૯૦ પૉઇન્ટ જેવી ગૅપમાં ઉપર ખૂલી તરત ૬૧૬૮૨ની ઇન્ટ્રા-ડે ટોચે ગયું હતું. ત્યાર પછી ધીમા ઘસારે નીચામાં ૬૧૯૯૭ થઈ અંતે ૪૪ પૉઇન્ટ વધીને ૬૧૩૧૯ બંધ આવ્યું છે. નિફ્ટી ૨૦ પૉઇન્ટના સુધારે ૧૮૦૩૬ હતો. રોકડું તથા બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું હોવાથી માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે વધેલા ૧૧૨૫ શૅરની સામે ઘટેલી જાતો ૮૯૭ હતી. બન્ને બજારોના મોટા ભાગના બેન્ચમાર્ક પ્લસમાં હતા. આઇટી, રિયલ્ટી, હેલ્થકૅર, કૅપિટલ ગુડ્સ, મેટલ જેવા ઇન્ડાઇસિસ નોંધપાત્ર વધ્યા છે. પાવર યુટિલિટી ઑટો, બૅન્કિંગ, ફાઇનૅન્સ નામજોગ પ્લસ-માઇનસ થયા છે.
વિન્ડફૉલ ટૅક્સમાં વધ-ઘટની સરકારની પખવાડિક રમતમાં આ વખતે ટૅક્સમાં સારોએવો ઘટાડો જાહેર થતાં ઓએનજીસી ૩ ગણા કામકાજે ઉપરમાં ૧૫૬ વટાવી ૫.૭ ટકાના ઉછાળે ૧૫૬ રહ્યો છે. ઑઇલ ઇન્ડિયા પરિણામની તેજી આગળ વધારતાં ૫.૨ ટકા ઊંચકાઈને ૨૬૦ હતો. ઑઇલ ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૬ ટકા કે ૧૦૭ પૉઇન્ટ વધ્યો એમાં ઓએનજીસીનો ફાળો ૨૦૫ પૉઇન્ટનો હતો. મતલબ કે ટૅક્સકટની સરકારી જાહેરાત અન્ય ઑઇલ-ગૅસ શૅરોમાં ઝમક લાવી શકી નથી. એનર્જી ઇન્ડેક્સ અડધો ટકો કે ૩૫ પૉઇન્ટ સુધર્યો એમાંય ઓએનજીસીનું પ્રદાન ૫૧ પૉઇન્ટનું હતું.
ટેક મહિન્દ્ર બૅક-ટુ-બૅક ટૉપ ગેઇનર, રિલાયન્સ આગલા લેવલે યથાવત્
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૫ શૅર સુધર્યા છે. ટેક મહિન્દ્ર બૅક-ટુ-બૅક પાંચ ટકા પ્લસના જમ્પમાં ૧૧૩૧ બંધ આપીને ટૉપ ગેઇનર રહ્યો છે. નેસ્લે બમણા કામકાજે ૧૯૮૦૦ નજીક જઈ દોઢ ટકા કે ૩૧૬ રૂપિયા ઊંચકાઈ ૧૯૫૬૨ થયો છે. તાતા સ્ટીલ દોઢ ટકા વધ્યો હતો. નિફ્ટી ખાતે ટેક મહિન્દ્ર તથા ઓએજીસી વધવામાં મોખરે હતા. અપોલો હૉસ્પિટલ્સ ૩.૩ ટકાની આગેકૂચમાં ૪૬૪૦ રહી છે. ડિવીઝ લૅબ ૧.૯ ટકા વધ્યો છે. ટીસીએસ, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટર, એનટીપીસી પોણાથી સવા ટકા સુધર્યા હતા. રિલાયન્સ આગલા દિવસની મજબૂતી બાદ ઉપરમાં ૨૪૬૩ દેખાડી હાંફી જતાં ૨૪૩૦ નજીક જૈસે-થે બંધ આવ્યો છે. કામકાજ સરેરાશ કરતાં દોઢાં હતાં. સેન્સેક્સ ખાતે બજાજ ફાઇ, મહિન્દ્ર અને હિન્દુસ્તાન યુનિલીવર પોણાએક ટકા નજીકની નરમાઈમાં મોખરે હતા. નિફ્ટી ખાતે ભારત પેટ્રો. ૧.૫ ટકા અને બજાજ ફાઇ. એક ટકો ડાઉન થયા છે.
કેસર ઇન્ડિયા ૪ ગણા વૉલ્યુમે ૨૦ ટકા જેવી તેજીમાં ૧૬૦ થયો છે. અમલ લિમિટેડ ૧૫ ટકા ઊછળી ૨૬૯ હતો. ગોદાવરી ડ્રગ્સ ૧૬ ટકાની છલાંગ મારીને ૮૮ દેખાયો છે. સામે જેટ ઇન્ફ્રા ૧૫.૪ ટકા, કોઠારી પ્રોડક્ટ્સ ૧૦.૬ ટકા, ઈકેઆઇ એનર્જી ૧૦ ટકાની નીચલી સર્કિટમાં બંધ હતા. રિલાયન્સ જેમાં સહપ્રમોટર્સ છે એ આલોક ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકાના ઘટાડે ૧૨ના નવા તળિયે બંધ રહી છે. અમદાવાદના પંકાયેલા ધરણેન્દ્ર ગ્રુપના સીધી લીટીના વારસદારની પેસ ઈ-કૉમર્સમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૯ની અંદરનું નવું ઑલટાઇમ બૉટમ બન્યું છે. ઇશ્યુ શૅરદીઠ ૧૦૩ના ભાવે આવ્યો હતો.
આ પણ વાંચો: Stock Market:ગ્લોબલ માર્કેટમાં નબળાઈના કારણે માર્કેટ લપસ્યું,Sensex 300એ તૂટ્યો
અદાણીને રાહત, માર્કેટ કૅપમાં માત્ર ૨૫૬૪ કરોડનો નાનો ઘટાડો
અદાણી ગ્રુપ માટે ગુરુવાર થોડોક વધુ રાહતદાયી નીવડ્યો છે. ગ્રુપના ૧૦માંથી ૬ શૅર સુધર્યા છે. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટર. એક ટકો નજીકની આગેકૂચમાં ૧૭૯૫ બંધ રહી છે. અદાણી પોર્ટ્સ દોઢ ટકો વધીને ૫૭૭, અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૮, અદાણી વિલ્મર પાંચ ટકાની તેજીની સર્કિટે ૪૧૭, અંબુજા સિમેન્ટ એક ટકાના સુધારામાં ૩૪૮ તથા એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૦૭ બંધ થયા છે. સામે પક્ષે અદાણી ટોટલ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૨૫ના અને અદાણી ટ્રાન્સમિશન નીચલી સર્કિટે ૯૬૬ના નવા તળિયે જઈ ૪.૯ ટકા ગગડી ૯૬૭ બંધ હતા. અદાણી ગ્રીન નીચલી સર્કિટે ૫૯૧નું નવું બૉટમ બનાવી ૦.૭ ટકાના ઘટાડામાં ૬૧૬ રહી છે. એસીસી અડધા ટકાની પીછેહઠમાં ૧૮૪૧ હતો.
હિંડનબર્ગના એક જ રિપોર્ટની અસરથી છેલ્લા ૧૫ દિવસમાં માર્કેટ કૅપની રીતે ૧૦.૫૬ લાખ કરોડ રૂપિયાની અભૂતપૂર્વ કે વિક્રમી ખુવારી બાદ ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૨૫૬૪ કરોડનો નાનો ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા ૧૬ દિવસ દરમ્યાન આ કેવળ ત્રીજી વખત માર્કેટ કૅપ વધ્યું છે. મોનાર્ક નેટવર્થ અને ક્વિન્ટ ડિજિટલ ગઈ કાલે લગભગ ફ્લૅટ હતા. અદાણીની કુલ ખુવારી હવે ૧૦,૫૯,૦૫૭ કરોડ રહે છે.
ફાઇનૅન્સ બૅન્કિંગમાં નરમ વલણ, વીએલએસ ફાઇ. ૭.૭ ટકા ગગડ્યો
ફાઇનૅન્સ બૅન્કિંગ ગઈ કાલે નબળા આંતરપ્રવાહમાં હતું. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડા વચ્ચે ૧૦૦ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના ઘટાડે ૮ પૉઇન્ટ જેવો પરચૂરણ માઇનસ હતો. બૅન્કિંગ ક્ષેત્રની ૩૭માંથી ૧૧ જાતો સુધરી છે. પીએનબી તથા સેન્ટ્રલ બૅન્ક જૈસે-થે હતી. ડીસીબી બૅન્ક અને તામિલનાડુ બૅન્ક ૪-૪ ટકા મજબૂત બની છે. સિટી યુનિયન બૅન્ક અઢી ટકા તો કર્ણાટકા બૅન્ક સવા ટકો પ્લસ હતી. આરબીએલ બૅન્ક, યસ બૅન્ક, ઍક્સિસ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, પંજાબ સિંધ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, એયુ બૅન્ક પોણાથી દોઢ ટકાની નજીક અને યુકો બૅન્ક ૨.૪ ટકા ડાઉન હતા. એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડ્સ ઇન્ડ, સ્ટેટ બૅન્ક નહીંવતથી સાધારણ નરમ હતા. કોટક બૅન્ક સહેજ વધીને ૧૭૮૯ રહી છે.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૫૯ શૅર પ્લસમાં આપી નહીંવત નરમ રહ્યો છે. કૅર રેટિંગ્સ છ ટકા જેવી તેજીમાં ૬૭૪ તથા હુડકો પોણાછ ટકા ઊંચકાઈને ૪૭ પર બંધ હતા. બીએફ ઇન્વેસ્ટમેન્ટ ખરાબીની હૅટ-ટ્રિક બાદ ૪ ટકા વધી ૪૧૬ થયો છે. પીએનબી હાઉસિંગ પોણાચાર ટકા અપ હતો. ઇકરા ત્રણ ટકા વધ્યો છે. વીએલએસ ફાઇ. ૭.૮ ટકા તૂટી ૧૬૮ થયો છે. આવાસ ફાઇ. પોણાચાર ટકા ખરડાઈ ૧૮૮૦ રહ્યો છે. એલઆઇસી નહીંવત સુધરી ૬૦૩ નજીક ગયો છે. પેટીએમ દોઢ ટકો અને નાયકા અઢી ટકા ડાઉન હતા.
ન્યુક્લિયસ સૉફ્ટવેર નવી ટોચે, તેજસ નેટમાં આગેકૂચ જારી
આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૫ શૅરના સુધારે સવા ટકો કે ૩૯૨ પૉઇન્ટ વધ્યો છે. ન્યુક્લિયસ સૉફ્ટવેર ૫૭૦ની નવી ટોચે જઈ પોણાચૌદ ટકાના જમ્પમાં ૫૪૦ રહ્યો છે. તાન્લા પ્લૅટફૉર્મ ૮.૯ ટકા, માસ્ટેક સાડાછ ટકા, ટેક મહિન્દ્ર ૫.૬ ટકા, રામકો સિસ્ટમ્સ તથા એમ્ફાસિસ પોણાપાંચ ટકા મજબૂત હતા. લાટિમ ૨૦૬ રૂપિયા કે ૪.૩ ટકા ઊછળી ૪૯૪૭ થયો છે. ટીસીએસ એક ટકો, વિપ્રો અડધો ટકો, ઇન્ફી સાધારણ સુધર્યા હતા. એચસીએલ ટેક્નૉ અડધો ટકો નરમ થયો છે. ટેલિકૉમમાં ડબલ હિજિટની તેજી બાદ તેજસ નેટ આઠ ટકાની મજબૂતીમાં ૬૩૮ બંધ રહ્યો છે. રાઉટ મોબાઇલ ૪.૫ ટકા વધ્યો છે. ભારતી અડધો ટકો તો વોડાફોન ૩.૩ ટકા કટ થયા હતા.
હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૬૮ શૅરના સથવારે ૦.૯ ટકા વધ્યો છે. શિલ્પા મેડી સવાદસ ટકા, ન્યુરેકા પોણાસાત ટકા, સ્પાર્ક પોણાછ ટકા, સુપ્રિયા લાઇફ પાંચ ટકા ઊંચકાયા હતા. સન ફાર્મા તથા ડૉ. રેડ્ડીઝ લૅબ નહીંવત વધઘટે સામસામા હતા. દસેદસ શૅર પ્લસમાં આપી મેટલ ઇન્ડેક્સ સવા ટકો વધ્યો છે. એપીએલ અપોલો ૭ ટકા ઊછળી ૧૩૨૦ થયો છે. કોલ ઇન્ડિયા, તાતા સ્ટીલ, નાલ્કો, સેઇલ, જિંદલ સ્ટીલ સવાથી સવાબે ટકા વધ્યા છે. શોભા, મહિન્દ્ર લાઇફ, ફિનિક્સ, ઑબેરૉય રિયલ્ટી, ડીએલએફ, પ્રેસ્ટિજ એસ્ટેટ બેથી સાડાત્રણ ટકા વધતાં રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૩ ટકા ઊંચકાયો છે.