10 January, 2023 03:00 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પરિણામ પૂર્વે ટીસીએસ સેન્ચુરી ફટકારીને ૩૩૨૦ નજીક બંધ, અન્ય આઇટી હેવી વેઇટ્સ પણ જોરમાં : રિલાયન્સ બમણા વૉલ્યુમ સાથે ૨૦૦ પાર ગયો ને બજારને સર્વાધિક ૧૭૯ પૉઇન્ટ આપ્યા : એનડીટીવી સિવાય અદાણી ગ્રુપના બાકીના પોણો ડઝન શૅર પ્લસમાં, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની : થર્ડ ક્વૉર્ટરની જ્વેલરી બિઝનેસની રેવન્યુમાં સારો વધારો છતાં ટાઇટન ટૉપ લૂઝર બન્યો, કલ્યાણ જ્વેલર્સ ઝળક્યો : વોડાફોન નવા તળિયે ગયો
ગયા શુક્રવારે અમેરિકન આર્થિક ડેટા ઘણા સારા આવ્યા છે, પરંતુ એનાથી અર્થતંત્ર ઠંડું પડી રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત વર્તાય છે. આથી અમેરિકન મધ્યસ્થ બૅન્ક વ્યાજદરમાં વધારાના મામલે હવે આકરું વલણ છોડી ધીમી રાહે કામ લેવા માડશે એવો આશાવાદ બન્યો છે. એની અસરમાં ડાઉ ઇન્ડેક્સ બે ટકાથી વધુની મજબૂતી સાથે બંધ થયો હતો. આ ઓવરનાઇટ રૅલીને અનુસરતાં વિશ્વબજારોમાં નવા સપ્તાહના શ્રી ગણેશ મજબૂતી સાથે થયા છે. સોમવારે તમામ અગ્રણી એશિયન બજારો પૉઝિટિવ ઝોનમાં બંધ થયાં છે. સાઉથ કોરિયા તથા તાઇવાન અઢી ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ બે ટકાની નજીક, થાઇલૅન્ડ એક ટકો અને અન્યત્ર અડધા-પોણા ટકાનો વધારો નોંધાયો છે. ચાઇનાએ કોવિડના નવા ઉત્પાત વચ્ચે પણ તેની ઝીરો-કોવિડ પૉલિસીનો ત્યાગ કર્યો છે. આંતરરાષ્ટ્રીય આવનજાવન માટે સરહદો ખોલી છે.
ઘરઆંગણે કેન્દ્રીય બજેટ આડે ત્રણેક સપ્તાહ બચ્યાં છે. ટીસીએસનાં પરિણામ બંધ બજારે આવવાનાં હતાં. એની સાથે કંપની પરિણામોની મોસમનો આરંભ થવાનો છે. બજારે આમેય સળંગ ત્રણ દિવસની નરમાઈ સાથે ૨૦૨૩ના વર્ષનું પ્રથમ સપ્તાહ માઇનસ ઝોન સાથે પૂરું કર્યું હતું. એટલે ટેક્નિકલ ધોરણે પ્રત્યાઘાતી સુધારો પાકી ગયેલો હતો એ મુજબ ગઈ કાલે સેન્સેક્સ ૮૪૭ પૉઇન્ટ ઊંચકાઈને ૬૦,૭૪૭ તથા નિફ્ટી ૨૪૨ પૉઇન્ટના જમ્પમાં ૧૮,૧૦૧ બંધ થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ ઘટ્યો જે એકમાત્ર અપવાદ હતો. બાકીનાં તમામ સેક્ટોરલ સોમવારે વધીને બંધ આવ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીના એકાદ ટકાના સુધારાની સામે આઇટી-ટેક્નૉલૉજી બેન્ચમાર્ક અઢી ટકા ઊંચકાયો છે. પાવર, યુટિલિટી, એનર્જી, મેટલ, કૅપિટલ ગુડ્સ, ઑટો જેવા ઇન્ડેક્સ માર્કેટ આઉટ પર્ફોર્મર બન્યા છે. ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર ગુડ્સ બેન્ચમાર્ક સૌથી ઓછો, અડધા ટકાની નજીક પ્લસ હતો. સુધારાનો વ્યાપ પ્રમાણમાં સારો હોવાથી માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈ ખાતે ૧૨૪૨ શૅર પ્લસ તો ૮૩૦ જાતો માઇનસ થઈ છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ૯૯૦ પૉઇન્ટ પ્લસ થયો હતો. બીસીએલ ઇન્ડ., ભારત ગિયર્સ, શ્રીરામ ઍસેટ્સ મૅનેજમેન્ટ, મંગલમ્ સીડ્સમાં ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. જેટ ઇન્ફ્રાવેન્ચર્સ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૬૪ બંધ થયો છે.
મહિન્દ્ર બન્ને બજારમાં ટૉપ ગેઇનર, અદાણીના ૧૦માંથી ૯ શૅર વધ્યા
સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૨૭ તથા નિફ્ટીના ૫૦માંથી ૪૩ શૅર વધ્યા છે. મહિન્દ્ર સાડાત્રણ ટકાથી વધુના જોરમાં ૧૩૧૦ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. એસબીઆઇ લાઇફ, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ટીસીએસ, એચસીએલ ટેક્નો ત્રણથી સવાત્રણ ટકા સ્ટ્રૉન્ગ હતા. યુપીએલ, ઇન્ફી વિપ્રો, ટેક મહિન્દ્ર, ભારતી ઍરટેલ, ઍક્સિસ બૅન્ક, તાતા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દુ. યુનિલીવર પોણાબેથી પોણાત્રણેક ટકા વધીને બંધ હતા. માર્કેટ લીડર રિલાયન્સ બમણા કામકાજે ૨૬૦૨ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨.૩ ટકાની તેજીમાં ૨૫૯૬ ઉપરના બંધમાં બજારને સર્વાધિક ૧૭૯ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે.
ટાઇટનના જ્વેલરી ડિવિઝને ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૧ ટકાનો બહેતર ગ્રોથ મેળવ્યો હોવા છતાં શૅર પોણાબે ગણા વૉલ્યુમે નીચામાં ૨૪૭૧ બતાવી બે ટકાથી વધુ બગડી ૨૪૮૩ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સામે કલ્યાણ જ્વેલર્સે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૩ ટકાનો રેવન્યુ ગ્રોથ મેળવ્યો છે, પણ શૅર ૧૨૮ નજીક જઈ ચાર ટકાના જમ્પમાં ૧૨૫ બંધ આવ્યો છે. તાતા સ્ટીલનું ભારત ખાતેનું ઉત્પાદન સવાચાર ટકા વધ્યું છે, યુરોપ ખાતેનું પ્રોડક્શન સવાછ ટકા ઘટ્યું છે. શૅર ૧.૬ ટકા વધીને ૧૧૭ વટાવી ગયો છે. ભારતી ઍરટેલમાં સીએલએસએ તરફથી ૧૦૪૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યૂ જારી થયો છે. શૅર દોઢા વૉલ્યુમે ૨.૭ ટકા ઊંચકાઈ ૮૧૮ દેખાયો છે.
અદાણી ગ્રુપ ખાતે અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, અદાણી પાવર દોઢ ટકો, અદાણી ટ્રાન્સ. ૩.૮ ટકા, અદાણી ગ્રીન ત્રણેક ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી વિલ્મર ત્રણ ટકા, એસીસી બે ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો, અદાણી એન્ટર પોણો ટકો પ્લસ હતા. ગ્રુપના દસમાંથી માત્ર એનડીટીવી ત્રણ ટકા ઘટી ૩૦૯ નીચે બંધ થયો છે.
પરિણામના આશાવાદે આઇટીમાં ઝમક, વોડાફોન ઐતિહાસિક તળિયે
ગઈ કાલે સોમવારે આઇટી જાયન્ટ ટીસીએસનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવવાનાં હતાં. શૅર ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૩૨૮ થઈ ૩.૪ ટકા કે ૧૦૮ રૂપિયા ઊંચકાઈ ૩૩૨૦ બંધ આપી બજારને ૯૭ પૉઇન્ટ ફળ્યો છે. ૧૨મીએ એચસીએલ ટેક્નો તથા ઇન્ફીનાં અને ૧૩મીએ વિપ્રોનાં રીઝલ્ટ છે. ઇન્ફી સવાયા કામકાજે ૧૪૮૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકાની તેજીમાં ૧૪૮૪ તથા એચસીએલ ટેક્નો ચાર ગણા વૉલ્યુમે ૧૦૭૧ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ ૩.૪ ટકા ઊંચકાઈ ૧૦૬૮ બંધ થયા છે. વિપ્રો અઢી ટકા વધી ૩૯૨ હતો. ટેક મહિન્દ્ર ત્રણ ટકા નજીક વધ્યો છે. લાટિમ અઢી ટકા અપ હતો. આઇટી હેવી વેઇટ્સ સાથે સાઇડ કાઉન્ટર્સ પણ ડિમાન્ડમાં હોવાથી આંક અઢી ટકા કે ૭૧૧ પૉઇન્ટ પ્લસ થયો છે. અત્રે ૬૦માંથી ૪૧ શૅર વધ્યા હતા. ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૧ ટકા, બિરલા સૉફ્ટ ૩.૬ ટકા, ૬૩ મૂન્સ ૨.૬ ટકા, પર્સિસ્ટન્ટ ૩.૮ ટકા, કોફોર્જ ૨.૭ ટકા મજબૂત હતા. આઇટીની હૂંફ સાથે તેજસ નેટ ૩.૭ ટકા, આઇનોક્સ લિઝર ૨.૯ ટકા, પીવીઆર બે ટકા, ભારતી ઍરટેલ ૨.૭ ટકા, તાતા કમ્યુ. દોઢ ટકા, તાન્લા પોણો ટકો વધતાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨૮માંથી ૨૦ શૅરની આગેકૂચમાં ૨.૬ ટકા પ્લસ થયો છે. ભારતી ઍરટેલનો પાર્ટપેઇડ શૅર ૩.૭ ટકાની તેજીમાં ૪૩૮ હતો. વોડાફોનમાં ફન્ડ રેઇઝિંગનો મામલો ઘોંચમાં પડ્યો છે. કંપનીના અસ્તિત્વને લઈ ફરીથી નિરાશા વધવા માંડી છે. શૅર બમણા કામકાજે ૭.૩૫ની વર્ષની બૉટમ બનાવી ૪.૪ ટકાની ખરાબીમાં ૭.૪૫ બંધ આવ્યો છે. ટેલિકૉમમાં એમટીએનએલ ૩.૩ ટકા, ઑન મોબાઇલ ૨.૩ ટકા વધ્યા હતા. બાય ધ વે, તાતા ઍલેક્સી ગઈ કાલે સરેરાશ કરતાં ૩૦ ટકાના કામકાજમાં ૦.૩ ટકા જેવા સુધારામાં ૬૨૧૨ રહ્યો છે. એફલી, સુબેક્સ, ઓરિઅન પ્રો સિગ્નિટી પોણાથી દોઢ ટકો જેવા નરમ હતા.
બૅન્કિંગમાં સુધારાની ચાલ
બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૮ શૅર વધ્યા છે. જોકે બૅન્ક નિફ્ટ ૧૨માંથી ૧૨ શૅર સુધરવા છતાં ૩૯૪ પૉઇન્ટ કે ૦.૯ ટકા જેવો પ્રમાણમાં ઓછો વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સથવારે ૧.૧ ટકા અપ હતો. આઇડીબીઆઇ આગલા દિવસની તેજી બાદ સોમવારે ૬૨ની નવી ઐતિહાસિક ટૉપ બનાવી અડધો ટકો ઘટી ૫૯ થયો છે. કામકાજ અઢી ગણું હતું. ઇન્ડ્સઇન્ડ બૅન્ક, સીએસબી બૅન્ક, બંધન બૅન્ક, કૅનેરા બૅન્ક, જેકે બૅન્ક, ઍક્સિસ બૅન્ક બેથી ત્રણ ટકા મજબૂત હતી. ઍક્સિસ બૅન્ક બે ટકા, કોટક બૅન્ક ૧.૪ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૧ ટકા વધ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૪ ટકા વધી ૮૭૪ હતી. એચડીએફસી બૅન્ક સામાન્ય વધી છે. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક ૨.૭ ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક સવાબે ટકા, સિટી યુનિયન બૅન્ક બે ટકા ડાઉન હતા. ફિનો પેમેન્ટ બૅન્ક સાડાછ ટકાની તેજીમાં ૨૬૭ વટાવી ગઈ છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૯૬ શૅર પ્લસ દેખાડી પોણો ટકો વધ્યો છે. ટૂરિઝમ ફાઇ. કૉર્પોરેશન સાત ગણા કામકાજે ૯૩ના નવા શિખરે જઈ ૮.૯ ટકાના જમ્પમાં ૯૦ થયો છે. ઉજ્જીવન ફાઇ. ૫.૫ ટકા, મેક્સ વેન્ચર્સ સવાબે ટકા, પીએનબી હાઉસિંગ ૩.૮ ટકા, લાર્સન ફાઇ. સવાપાંચ ટકા, રેપ્કો હોમ ચાર ટકા મજબૂત હતા. એલઆઇસી અડધો ટકો સુધરી ૭૧૧ હતો. જનરલ ઇન્શ્યૉરન્સ ત્રણ ટકા, એસબીઆઇ લાઇફ ૨.૯ ટકા, પેટીએમ ૨.૪ ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ ૨.૨ ટકા વધ્યા છે. એચડીએફસી લાઇફ અડધો ટકો નરમ હતો. પૉલિસી બાઝાર એક ટકો વધ્યો છે. બીએફ ઇન્વેસ્ટમેન્ટ જે સ્વૈચ્છિક ડિલિસ્ટિંગના આશાવાદે ૪ જાન્યુઆરીએ ૪૬૨ના શિખર ગયો હતો એ આ યોજના પડતી મૂકવાની બોર્ડની જાહેરાત પછી ગગડતો રહી ગઈ કાલે નીચામાં ૩૬૨ થઈ અઢી ટકાની નબળાઈમાં ૩૬૫ થયો છે.
પાવર, યુટિલિટી, એનર્જી, મેટલ બેન્ચમાર્ક માર્કેટ આઉટ પર્ફોર્મર
પાવર ઇન્ડેક્સ ૧.૮ ટકા, યુટિલિટી બેન્ચમાર્ક ૧.૬ ટકા, એનર્જી ઇન્ડેક્સ ૧.૪ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૧ ટકા તથા મેટલ ઇન્ડેક્સ દોઢ ટકા મજબૂત હતા. અત્રે એજીસ લૉજિસ્ટિક્સ, પનામા પેટ્રો, કૉન્ફિડેન્સ પેટ્રો, રિલાયન્સ ઇન્ફ્રા, અદાણી ટ્રાન્સમિશન્સ, અદાણી ગ્રીન, ગુજ. ઇન્ડ. પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, નાલ્કો, સેઇલ, વેદાન્ત, અદાણી ટોટલ જેવી જાતો બેથી પોણાચાર ટકા ઊંચકાઈ હતી. સામે હિન્દુ. પેટ્રો., જેપી પાવર, નાવા લિમિટેડ, કેસ્ટ્રોલ એકથી બે ટકો નરમ હતા.
લાર્સન ૧.૬ ટકા વધી ૨૧૨૦ના બંધમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૨૫૪ પૉઇન્ટ ફળ્યો છે. આ આંક ૨૪માંથી ૧૭ શૅરના સુધારામાં ૧.૩ ટકા કે ૪૨૬ પૉઇન્ટ પ્લસ હતો. સીજી પાવર ત્રણ ગણા વૉલ્યુમે ૨૯૧નું બેસ્ટ લેવલ બતાવી ૭.૨ ટકાની તેજીમાં ૨૮૯ થયો છે. કાર્બોરેન્ડમ યુનિવર્સલ અઢી ટકા સુધર્યા છે. પ્રાજ ઇન્ડ. ત્રણ ટકા અને ટીમકેન ઇન્ડિયા ૨.૩ ટકા નરમ હતા. ભારત ફોર્જ દોઢ ટકા વધી ૮૮૪ થયો છે. ઑટો ઇન્ડેક્સ ૩૩૬ પૉઇન્ટ વધ્યો છે. મહિન્દ્ર ૩.૬ ટકાની તેજીમાં ૧૩૧૦ હતો. અશોક લેલૅન્ડ અઢી ટકા, તાતા મોટર્સ ૧.૯ ટકા, મધરસન ૨.૩ ટકા, ક્યુમિન્સ ઇન્ડિયા ૧.૪ ટકા અપ હતા. હીરો મોટોકૉર્પ, બાલક્રિશ્ના ઇન્ડ, મારુતિ સુઝુકી, ટીવીએસ મોટર્સ વધ-ઘટે બંધ થયા છે.
બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક ૨૦૪ પૉઇન્ટ કે ૦.૯ ટકા સુધર્યો છે. અત્રે ૯૬માંથી ૫૪ શૅર પ્લસ હતા. ન્યુરેકા ૪.૭ ટકા, મોરપેન લૅબ ૪.૩ ટકા, થાયરોકૅર ૨.૮ ટકા બગડ્યા છે. મેડીકા મેન ૫.૫ ટકા ઊંચકાઈ ૮૮૦ થયો છે. મેક્સ હેલ્થકૅર ચાર ટકા મજબૂત હતો. સનફાર્મા, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લૅબ, લુપિન પોણાથી સવા ટકો અને ઝાયડ્સ લાઇફ સવાબે ટકા વધ્યા હતા.