કોવિડના ભયને કારણે સર્જાયેલા કરેક્શનને તક બનાવવાની હિંમત કરવી પડે

26 December, 2022 03:20 PM IST  |  New Delhi | Jayesh Chitalia

યુએસ, યુરોપ સહિત અન્ય મુખ્ય માર્કેટમાં લાંબા સમયથી નબળાઈ તો હતી જ, ત્યાં ચીનમાંથી કોવિડનો કાળો હાઉ પુનઃ ઊભો થયો અને ઝડપથી ફેલાતો રહ્યો હોવાથી ગ્લોબલ સિનારિયો રંગ બદલી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

યુએસ, યુરોપ સહિત અન્ય મુખ્ય માર્કેટમાં લાંબા સમયથી નબળાઈ તો હતી જ, ત્યાં ચીનમાંથી કોવિડનો કાળો હાઉ પુનઃ ઊભો થયો અને ઝડપથી ફેલાતો રહ્યો હોવાથી ગ્લોબલ સિનારિયો રંગ બદલી રહ્યો છે, અર્થતંત્ર અને બજારોનું સ્વાસ્થ્ય ફરી કથળે એવા સંજોગો સાથે પડકાર ઊભો થયો છે, ભારતમાં હજી એટલો ભય નથી છતાં કરેક્શનને નક્કર કારણ મળી ગયું છે. હવે વ્યાજદર સાથે કોવિડના ડર પર સૌની નજર રહેશે

કોવિડનું ભૂત ફરી જગતભરમાં ધૂણવા લાગ્યું છે. આ વખતે કોવિડનું આક્રમણ અર્થતંત્ર અને બજાર પર કેવી અસર કરે છે એ જોવાનું રહેશે. અગાઉના લૉકડાઉનવાળા સમયમાં કોવિડને કારણે સર્જાયેલા સંજોગોમાં બજારમાં રોકાણકારો, વૉલ્યુમ, ભાવો, ઇન્ડેક્સ સતત વધતા રહ્યા હતા. આ સમયમાં ભારત સરકાર સતર્ક બનીને અત્યારથી અગમચેતીનાં પગલાં લઈ રહી છે, જે સારી બાબત છે. એમ છતાં ચીન, જપાન, સાઉથ કોરિયા, બ્રાઝિલ અને યુએસ જેવા દેશોમાં કોવિડનો ફેલાવો ભારતને એની અસરથી સાવ જ મુકત રાખે એવી શક્યતા ઓછી યા નહીંવત્ ગણાય. આમાં વળી ગ્લોબલ રિસેશનનો હાઉ અને વ્યાજદરના વધારાની વાસ્તવિકતા પણ ઊભાં જ છે. 

અગાઉના કોવિડનો સમયગાળો

નોંધનીય વાત એ છે કે યુએસના ચોક્કસ આર્થિક ડેટા ધારણા કરતાં સહજ સારા આવ્યા હોવા છતાં ગ્લોબલ સંકેત નબળા પડ્યા છે. દરમ્યાન કોવિડની ચિંતા કરેક્શનનું મજબૂત કારણ બનતી જાય છે.  ફાર્મા સિવાય તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. ૨૦૨૦-૨૧માં કોવિડ મહામારીના સમયગાળા દરમ્યાન મોટી સંખ્યામાં રીટેલ રોકાણકારો શૅરબજારમાં પ્રવેશ્યા હતા. પરિણામે એપ્રિલ ૨૦૨૦થી ઑક્ટોબર ૨૦૨૧ દરમ્યાન બજારમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. એ વખતે કોવિડ દરમ્યાન લોકો પાસે ઘરે રહેવા સિવાય અને આવક માટે બીજો કોઈ વિકલ્પ નહીં રહ્યો હોવાથી બહુ મોટા વર્ગે શૅરબજારમાં ઝંપલાવ્યું હતું. હવે કોવિડનો ખોફ ફરી ઊભો થવાની શક્યતા આકાર પામી રહી છે. ૨૦૧૯-૨૦-૨૧ના સંજોગોનું પુનરાવર્તન થવાના અણસાર શરૂ થયા છે.

માહોલ અને મૂડ બદલાયા

જ્યારે ઑક્ટોબર, ૨૦૨૧માં વૈશ્વિક અર્થતંત્રના સ્થૂળ નિર્દેશાંકો, જેવા કે ફુગાવો, તંગ આર્થિક સ્થિતિ, વ્યાજદરમાં વધારો અને કૉમોડિટીઝના વધતા ભાવોની અસરે ઇક્વિટી બજારમાં વૉલેટિલિટી વધી ગઈ ત્યારે નવા પ્રવેશેલા રોકાણકારોએ પ્રથમ વાર બજારના ઘટાડાને જોયો અને એમાંના ઘણા બહુ ગંભીર રીતે નુકસાનીમાં ઊતરી ગયા. જોકે એ પછી તો બજાર સુધર્યું અને બેન્ચમાર્ક શૅરઆંકો નવા શિખરે પહોંચ્યા હતા. શૅરોના ભાવ તબક્કાવાર વધતા રહ્યા એ સાથે નિયામક અને એક્સચેન્જીસે માર્જિન સહિતનાં વિવિધ નિયમો-નિયમનો કડક કરતાં રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર થઈ. બજાર અતિ વૉલેટાઇલ થતું ગયું અને ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને બૉન્ડ્સ જેવાં નિશ્ચિત વળતરવાળાં સાધનોમાં ૬-૭ ટકાથી અધિક વળતર મળવા લાગ્યું એટલે રીટેલ રોકાણકારોની સ્ટૉક માર્કેટમાં સામેલગીરી ઘટવા લાગી. જેમની જોખમ લેવાની ક્ષમતા ઓછી હોય એવા રોકાણકારો રવાના થવા લાગ્યા. આ બધા વચ્ચે છેલ્લા અમુક જ દિવસોમાં કોવિડના અહેવાલોને કારણે માહોલ અને મૂડ સાવ બદલાવા લાગ્યા છે.

સપ્તાહની શરૂઆત પૉઝિટિવ, પરંતુ...

ગયા સપ્તાહની શરૂઆત પૉઝિટિવ થઈ હતી, માર્કેટ ચાર દિવસના કરેક્શન બાદ ૪૬૮ પૉઇન્ટ રિકવર થયું હતું, પરંતુ મંગળવારે માર્કેટે ફરી કરેક્શનનાં દર્શન કરાવ્યાં. ગ્લોબલ અનિશ્રિતતા સતત માર્કેટને વૉલેટાઇલ રાખતી હોવાથી સ્ટૉક માર્કેટ વધુ જોખમી લાગવા માંડ્યું છે. વ્યાજદરના વધારા, ઇન્ફલેશન અને અનિશ્રિતતા સંદેહ ઊભાં કરી રહ્યાં હોવાથી રોકાણકારો સાવચેતીનો અભિગમ રાખી રહ્યા છે. મંગળવારે પુનઃ કરેક્શન બાદ બંધ થતી વખતે બજાર રિકવર થઈને માત્ર ૧૦૦ પૉઇન્ટ માઇનસ રહ્યું હતું. બુધવારથી કોવિડની ચિંતાનું દબાણ વધવાનું શરૂ થતા ઇન્ડેક્સમાં કરેક્શન કન્ટિન્યુ રહ્યું. સેન્સેક્સ ૬૩૫ અને નિફટી ૧૮૬ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા. સેન્ટિમેન્ટમાં બદલાવ આવવાનો આરંભ થયો.   

કોવિડના ડર અને વ્યાજના દર પર નજર

ગુરુવારે પણ માર્કેટ અનિશ્ચિતતા સાથે વધ-ઘટ કરતું જોવામાં આવ્યું. કોવિડના અહેવાલ ભય અને ચિંતા વધારતા રહ્યા છે. એના નજીકના ભૂતકાળના જખમો હજી તાજા જ છે. વધુમાં રિઝર્વ બૅન્કે વ્યાજદર વધારાના સંકેત આપતાં માર્કેટ વૉલેટાઇલ બન્યું અને સેન્સેક્સ ૨૪૧ અને નિફટી ૭૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન હજી પણ ઊંચાં લાગતાં હોવાથી માર્કેટને વધવા સામે પ્રૉફિટ-બુકિંગ આવી જાય છે. જોકે નોમુરાનું રિસર્ચ કહે છે કે ભારતની ગ્રોથ સ્ટોરી બહુ જ આશાસ્પદ છે, ખાસ કરીને ડેમોક્રેસી અને ડેમોગ્રાફી ભારતની સૌથી મોટી શક્તિ છે. 

નબળું સેન્ટિમેન્ટ સેન્સેક્સને નબળો પાડી શકે

જોકે સપ્તાહનો અંતિમ દિવસ માર્કેટમાં ભારે કરેક્શન સાથે બ્લૅક ફ્રાઇડે પુરવાર થયો હતો. સેન્સેક્સ ૯૮૧ પૉઇન્ટના કડાકા સાથે ૬૦ હજારની નીચે અને નિફટી ૩૨૧ પૉઇન્ટના ગાબડા સાથે ૧૮ હજારની નીચે પહોંચી ગયા હતા. જપાનનો ઇન્ફલેશન રેટ ૪૦ વરસની ઊંચી સપાટીએ પહોંચતાં નિક્કી ઇન્ડેક્સ પણ એક ટકો તૂટ્યો હતો. યુએસમાં હજી લાંબો સમય વ્યાજદર-વધારાનો દોર રહેશે એવા સંકેતે અને કોવિડના પેનિકને પરિણામે શૅરબજારે ૧૦૦૦ પૉઇન્ટનું ગાબડું પાડી દીધું હતું. એકંદરે છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ ૨૦૦૦ પૉઇન્ટ નીચે ઊતરી જતા મોટા પાયે મૂડીધોવાણ થયું હતું. અત્યારે તો રોકાણકારોની નાતાલ નેગેટિવ થઈ છે અને આગામી દિવસો અનિશ્રિતતાવાળા બન્યા છે. હાલ તો શૅર અને મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓની વૅલ્યુ ડાઉન થશે, જેમાં પૅનિક થવાને બદલે લાંબા ગાળા માટે નવી ખરીદીની તક બનાવી શકાય. અલબત્ત, આ માટે હિંમત જરૂરી બનશે, કેમ કે નબળાં સેન્ટિમેન્ટમાં સેન્સેક્સ પણ નબળો પડતો રહે તો નવાઈ નહીં.

અનુભવ હોવાથી સાવચેતી જરૂરી, પૅનિક થવાની નહીં

કોવિડના ફેલાવાનો ભય, શંકા અને ચિંતા ખરાં, પરંતુ આ વખતે કોવિડ અગાઉની જેમ ગંભીર અસર કરે એવી શકય્તા ઓછી છે, કારણ કે પહેલી વાર જ્યારે કોવિડ આવ્યો ત્યારે સમગ્ર વિશ્વ માટે એ પ્રથમ અને સાવ જ અજાણી આઘાતજનક ઘટના હતી, લોકો ડઘાઈ ગયા હતા, રોગ વિશે અને એના ઇલાજ વિશે કોઈને કંઈ જ ખબર નહોતી. એની વૅકિસન શોધવી પડી -બનાવવી પડી, એના પર રિસર્ચ થયાં, એ પછી બૂસ્ટર ડોઝ બન્યા. એમાં પણ આપણો દેશ સૌથી વધુ સક્રિય અને અનુભવી રહ્યો, જ્યારે કે હવે તો વિશ્વને પણ કોવિડનો અનુભવ છે. અલબત્ત, એ પછી પણ કયાંક તકલીફો-મુશ્કેલીઓ થઈ શકે છે. વડા પ્રધાને ગુરુવારે મીટિંગ કરીને આ વિષયમાં તંત્રને સતત સજાગ રહેવા સંબંધી સંદેશ-સૂચના જાહેર કરી હતી. ઇન શૉર્ટ, સાવચેતી આવશ્યક રહેશે, પણ બહુ પેનિક થવાની અને માર્કેટ તૂટી જવાની કે સતત મંદી ચાલુ રહેવાની વાતોથી દોરવાઈ જવાની જરૂર નથી. 

business news share market stock market bombay stock exchange national stock exchange sensex nifty jayesh chitalia