07 April, 2023 11:37 AM IST | Mumbai | Anil Patel
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
વ્યાપક ધારણાથી વિપરીત રિઝર્વ બૅન્કે રેપોરેટ સાડાછ ટકાએ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. બીજું, ૨૦૨૩-’૨૪ માટે ૬.૪ ટકાના આર્થિક વિકાસદરના અંદાજને અપવર્ડ કરીને સાડાછ ટકાનો કરાયો છે. આ સાથે જ ઘરઆંગણે મે મહિનાથી શરૂ થયેલી વ્યાજદરમાં વધારાની સાઇકલ હવે અટકી છે. બાય ધ વે, તાજેતરમાં ઑસ્ટ્રેલિયન મધ્યસ્થ બૅન્ક તરફથી પણ વ્યાજદરમાં વધારો કરવાનું ટાળીને એક સુખદ આશ્ચર્ય અપાયું હતું. ઓપેક દ્વારા ઉત્પાદનકાપને પગલે ક્રૂડ ફરીથી જોરમાં આવ્યું છે. સપ્લાય વધુ ટાઇટ થાય તો ભાવ ૧૦૦ ડૉલર થવાની દહેશત છે. વિશ્વબૅન્ક તથા એશિયન ડેવલપમેન્ટ બૅન્ક તરફથી ચાલુ વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથનો અંદાજ તાજેતરમાં નીચે લઈ જવાયો છે. ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો હાલમાં પણ સાડાછ ટકાની નજીક છે. આ સંજોગોમાં રિઝર્વ બૅન્કનું પગલું ઘણાને જરા વિચિત્ર લાગે છે. વ્યાજદરમાં વધારો ન કરવાનો નિર્ણય એક ઉપર પૂર્ણવિરામ છે કે પછી મોંઘાં નાણાંની નીતિ મહિનાઓમાં પડી જશે.
ઍની વે, રિઝર્વ બૅન્કે હાલ તો બજારને મોટી રાહત આપી દીધી છે. શૅરઆંક આની અસરમાં નીચલા મથાળેથી સીધો ૪૩૦ પૉઇન્ટ ઉપરમાં ૫૯૯૫૦ થયો હતો. છેલ્લે બજાર ૧૪૪ પૉઇન્ટ વધીને ૫૯૮૩૩ બંધ આવ્યું છે. આ સળંગ પાંચમા દિવસની આગેકૂચ છે. નિફ્ટી ૪૨ પૉઇન્ટ વધી ૧૭૫૯૯ થયો છે. ગુરુવારે મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો ઢીલાં હતાં. સાઉથ કોરિયા દોઢ ટકા, જપાન સવા ટકો, તાઇવાન અને ઇન્ડોનેશિયા સામાન્ય ઘટ્યા છે. થાઇલૅન્ડ રજામાં હતું. ચાઇના ફ્લૅટ અને હૉન્ગકૉન્ગ સાધારણ સુધર્યું છે. યુરોપ રનિંગમાં નહીંવત્થી અડધા ટકા સુધી પ્લસ દેખાયું છે. ક્રૂડ અડધો-પોણો ટકો ઘટ્યું છે. બ્રેન્ટ ૮૪.૫૦ ડૉલર અને નાયમેક્સ ૮૦ ડૉલર રહ્યું છે. હાજર સોનું પણ નહીંવત્ ઘટાડે ૨૦૨૦ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ ૨૦૨૩ થયું છે. ૧૦ના શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસવાળો મેઇડન ફોર્જિંગ્સ ભાવોભાવ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૫૯.૮૫ થઈ ૪.૮ ટકાના લિસ્ટિંગ લૉસમાં ૬૦ બંધ આવ્યો છે.
અદાણીના ૧૦માંથી ૧૦ શૅર પ્લસ, બજાજ ટ્વિન્સને ધિરાણનીતિ ફળી
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૩૦ શૅર પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ દોઢા કામકાજે ૫૯૫૬ થઈ ત્રણ ટકા કે ૧૭૦ રૂપિયા ઊંચકાઈ ૫૯૩૫ થયો છે. બજાજ ફિનસર્વ ૧.૮ ટકા વધી ૧૩૦૪ હતો. તાતા મોટર્સ અઢી ટકા અને એનો ડીવીઆર ૩.૨ ટકા મજબૂત હતા. સનફાર્મા ચાર આંકડે ૧૦૧૪ થઈ ૧.૪ ટકાની આગેકૂચમાં ૧૦૧૧ બંધ આવ્યો છે. ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૮ ટકા, મહિન્દ્ર ૧.૪ ટકા, સ્ટેટ બૅન્ક એક ટકા, એચડીએફસી ૦.૯ ટકા અને એની બૅન્ક પોણો ટકા વધ્યા છે. અદાણી એન્ટર ૩.૩ ટકા વધી ૧૭૫૪ના બંધમાં નિફ્ટી ખાતે લાઇમ લાઇટમાં હતો. એચડીએફસી લાઇફ ૧.૪ ટકા, ભારત પેટ્રોલિયમ સવા ટકો, એસબીઆઇ લાઇફ એક ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકો અપ હતા. રિલાયન્સ ૦.૭ ટકા નજીકના સુધારે ૨૩૪૧ થયો છે. સેન્સેક્સ ખાતે એચસીએલ ટેક્નૉ, ઍક્સિસ બૅન્ક, ટેક મહિન્દ્ર, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ટાઇટન એકાદથી પોણાબે ટકા નરમ હતા. ઓએનજીસી નિફ્ટી ખાતે દોઢ ટકા ઘટી ૧૫૦ હતો. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર એક ટકો વધી ૧૯૨, અદાણી ટ્રાન્સ. પાંચ ટકા ઊછળી ૯૫૬, અદાણી ગ્રીન પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૫૫, અદાણી ટોટલ પણ ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૮૬૪, અદાણી વિલ્મર ૩.૩ ટકા વધી ૪૦૯, એસીસી ૧.૪ ટકાના સુધારે ૧૭૧૩, અંબુજા સિમેન્ટ્સ ૦.૯ ટકા સુધરી ૩૮૩ તથા એનડીટીવી ઉપલી સર્કિટે પાંચ ટકા વધી ૧૯૪ વટાવી ત્યાં જ બંધ થયો છે. ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર ગુરુવારે વધ્યા છે. મોનાર્ક ૪.૮ ટકા વધી ૨૦૫ હતો.
એ-ગ્રુપ ખાતે વકરાંગી ૧૪.૨ ટકા, ધાની સર્વિસિસ ૧૭.૪ ટકા, બાર્બિક નેશન ૧૧.૮ ટકા ઝળક્યા છે. સાંડૂર મૅન્ગેનીઝ ૯.૨ ટકાની મજબૂતીમાં ૧૧૪૪ હતો. રોકડામાં કૅબ્સ બાયો, ટ્રાન્સપૅક્ટ, ઇન્ટરસૉફ્ટ ટેક્નૉ, રામા ફૉસ્ફૅટ્સ, રેમસન્સ ઇન્ડ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં હતા. ડીમાર્ટ ફેમ ઍવન્યુ સુપર માર્ટ્સનો ૨૦ ટકાનો ત્રિમાસિક રેવન્યુ ગ્રોથ ઓછો પડતાં શૅર નીચામાં ૩૪૮૫ થઈ ૪.૪ ટકા કે ૧૫૯ રૂપિયા ગગડીને ૩૪૯૫ બંધ આવ્યો છે.
ફ્રન્ટલાઇનમાં સુસ્તી વચ્ચે બૅન્કિંગમાં સાઇડ શૅર વધ્યા, હાઉસિંગ ફાઇ.માં ઝમક
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારા વચ્ચે ૪૨ પૉઇન્ટ જેવો મામમૂલી સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅર પ્લસમાં આપી ૦.૩ ટકા પ્લસ હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૩ શૅર પ્લસ અને ૨ શૅર જૈસે-થે હતા. ઇક્વિટાસ સ્મૉલ બૅન્ક પ્રોવિઝનલ ડેટા પ્રમાણે માર્ચ ક્વૉર્ટરમાં ૩૪ ટકાની થાપણવૃદ્ધિ અને ૩૬ ટકાની ધિરાણવૃદ્ધિ મેળવતાં ભાવ ત્રણ ગણા કામકાજે ૬ ટકા ઊછળી ૭૦ ઉપર થયો છે. આરબીએલ બૅન્ક ૨.૩ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૮ ટકા, એયુ બૅન્ક બે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૮ ટકા, ધનલક્ષ્મી ૨.૧ ટકા અપ હતા. સામે ડીસીબી બૅન્ક દોઢ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા એક ટકો, જેકે બૅન્ક એક ટકો માઇનસ હતા. ફેડરલ બૅન્ક સવા ટકો ઘટી છે. તામિલનાડૂ મર્કન્ટાઇલ અને યુકો બૅન્ક ફ્લૅટ બંધ થઈ છે.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૦૧ શૅરના સથવારે ૦.૬ ટકા આગળ વધ્યો છે. અહીં ધાની સર્વિસિસ ૧૭.૪ ટકા, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ૧૦.૪ ટકા, શૅર ઇન્ડિયા ૮.૭ ટકા, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ૭.૭ ટકા, મહિન્દ્ર ફાઇ. ૫.૩ ટકા, મુથૂટ ફાઇ ૩.૧ ટકા મજબૂત હતા. મુથૂટ કૅપિટલ ૪.૫ ટકા ઊછળી ૨૭૯ થયો છે. એલઆઇસી ૫૫૦ના લેવલે યથાવત્ હતો. પૉલિસી બાઝાર સવા ટકો નરમ, તો પેટીએમ પોણો ટકો વધ્યો છે. નાયકા આગલા દિવસની મજબૂતી અડધી કરતાં ૩.૬ ટકા ગગડી ૧૩૨ રહ્યો છે. આદિત્ય બિરલા સનલાઇફ સવા ટકાની આગેકૂચમાં ૩૪૦ અને સ્ટાર હેલ્થ ૨.૭ ટકા વધી ૫૬૮ થયો છે. આવાસ ફાઇ. ૨.૨ ટકા નરમ હતો. એસઆરજી હાઉસિંગ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૧ નજીક ગયો છે. જીઆઇસી હાઉસિંગ સવાબે ટકા, એલઆઇસી હાઉસિંગ અઢી ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ અડધો ટકો, એચડીએફસી ૦.૯ ટકા વધ્યા છે.
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં નવી ઑલટાઇમ હાઈ સાથે સુધારો
ફ્રન્ટલાઇનની પીછેહઠમાં આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૨૯ શૅરના ઘટાડે ૧૪૪ પૉઇન્ટ કે અડધો ટકો નરમ હતો. એચસીએલ ટેક્નૉ ૧.૭ ટકા, ટીસીએસ અડધો ટકો, ટેક મહિન્દ્ર એક ટકો, લાટિમ સવા ટકો, વિપ્રો ૦.૭ ટકા માઇનસ થયા છે. ઇન્ફી નજીવો ઘટીને ૧૪૨૨ હતો. વકરાંગી ૧૪.૨ ટકાની તેજીમાં ૧૯ નજીક હતો. બ્લૅક બૉક્સ ૭.૩ ટકા, સુબેક્સ સવાસાત ટકા, ઈ-મુદ્રા ૫.૪ ટકા, રામકો સિસ્ટમ્સ ૫.૫ ટકા, બ્રાઇટકૉમ પાંચ ટકા મજબૂત હતા. ૬૩ મૂન્સ ૪.૬ ટકા ગગડી ૧૭૩ રહ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૧૦ શૅરના સુધારા વચ્ચે ફ્લૅટ રહ્યો હતો. તાતા ટેલિ પાંચ ટકા વધ્યો છે. રાઉટ મોબાઇલ ચાર ટકા ખરડાઈ ૧૨૭૭ હતો. ભારતી અડધો ટકો વધી ૭૬૭ થયો છે. તાતા મોટર્સ, મહિન્દ્ર, અશોક લેલૅન્ડ, આઇશર, મારુતિ, ટીવીએસ મોટર્સના પોણાથી અઢી ટકાના સુધારામાં ઑટો ઇન્ડેક્સ એક ટકો પ્લસ હતો. આગલા દિવસે બે ટકાની તેજી દાખવનાર કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૩૫૫૪૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૨૫૧ પૉઇન્ટ કે પોણા ટકાની આગેકૂચમાં ૩૫૪૬૬ થયો છે. લાર્સન પોણો ટકો વધી ૨૨૭૫ હતો. લક્ષ્મી મશીન્સ ૪.૩ ટકા કે ૪૩૦ રૂપિયા ઊંચકાઈ ૧૦૪૪૫ થયો છે. ભેલ સેફલર, હિન્દુ. ઍરોનૉટિક્સ, ટિમકેન એકથી ૩.૭ ટકા મજબૂત હતા. રિઝર્વ બૅન્ક દ્વારા રેપોરેટ નહીં વધારાતાં રિયલ્ટી ઇન્ડેક્સ સર્વાધિક ૨.૯ ટકા ઊછળ્યો છે.
ટેસ્ટી બાઇટમાં ૯૯૬ રૂપિયાની મજેદાર તેજી, હેલ્થકૅર શૅર સુધર્યા
અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સ, અદાણી ટોટલની ઉપલી સર્કિટ સાથે અદાણી પાવર એક ટકાથી વધુ પ્લસ થવાની સાથે રિલાયન્સ પાવર સવાત્રણ ટકા, જેપી પાવર અઢી ટકા, વારિ રિન્યુઅલ બે ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવાચાર ટકા, પનામા પેટ્રો ૪ ટકા, મહાનગર ગૅસ અઢી ટકા, જીએસપીએલ પોણાત્રણ ટકા, ભારત પેટ્રો એક ટકો વધીને બંધ થતાં એનર્જી, પાવર અને યુટિલિટી ઇન્ડેક્સ અડધાથી એકાદ ટકા નજીક વધ્યા છે. ઑઇલ ઇન્ડિયા પોણાત્રણ ટકા અને ઓએનજીસી દોઢ ટકો ડાઉન હતા. મેટલ ઇન્ડેક્સ અડધો ટકો ઢીલો હતો, પણ વેદાન્તા પોણાત્રણ ટકા અને હિન્દુ. ઝિન્ક બે ટકા મજબૂત હતા. ટાઇટન એકાદ ટકો ઘટી ૨૫૪૮ બંધ થતાં એના ભારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો છે. શીલાફોમ સવાપાંચ ટકાની તેજીમાં ૧૦૬૩ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૪૦ શૅરના ઘટાડે ૬૬ પૉઇન્ટ કે ૦૪ ટકા નરમ હતો, પરંતુ ટેસ્ટીબાઇટ પોણાબાર ટકા કે ૯૯૬ રૂપિયાની તેજીમાં ૯૪૦૭ નજીક બંધ આવ્યો છે. અહીં હિન્દુ યુનિલીવર પોણો ટકો નરમ, તો આઇટીસી સાધારણ પ્લસ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૬૨ શૅરના સહારે પોણો ટકો વધ્યો છે. આરતી ડ્રગ્સ સવાઆઠ ટકાના ઉછાળે ૩૮૮ થયો છે. ન્યુરેકા સવાછ ટકા, એનજીએલ ફાઇન પોણાપાંચ ટકા, વિન્ડલાસ બાયો સાડાચાર ટકા, થેમિસ મેડિ ૪ ટકા મજબૂત હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ ૪૭૧૦ની નવી ટોચે જઈ સાધારણ વધી ૪૭૦૨, ઝાયડ્સ લાઇફ ૪૯૭ના નવા શિખરે જઈ નહીંવત્ સુધારે ૪૯૪, ન્યુલૅન્ડ લૅબ ૨૦૭૦ની નવી ટોચે જઈ ૩.૫ ટકા વધી ૨૦૫૯ બંધ હતા. સુપ્રિયા, અરબિંદો, ઇપ્કા, મૅક્સ હેલ્થકૅર, યુનિકેમ, જેબી કેમિકલ્સ સવાબેથી સાડાત્રણ ટકા પ્લસ હતા.