29 November, 2024 07:41 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અર્થતંત્ર ડામાડોળ હોવા છતાં પાકિસ્તાની શૅરબજાર એક લાખ પૉઇન્ટ ઉપર નવા શિખરે, આર્જેન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ વર્ષમાં ૧૮૦ ટકા ઊછળીને બાવીસ લાખ પૉઇન્ટની પાર : HDFC બૅન્ક ઑલટાઇમ હાઈ થઈને પાછી પડી, ઇન્ફી સાડાત્રણ ટકા ખરડાઈ સેન્સેક્સમાં વર્સ્ટ પર્ફોર્મર : NTPC ગ્રીન લિસ્ટિંગ પછી નવા શિખર સાથે મજબૂત, પેટીએમ સતત પાંચમા દિવસે વધીને વર્ષની ટોચે : રાજપૂતાના બાયોડીઝલનો SME ઇશ્યુ ૭૧૯ ગણા પ્રતિસાદ સાથે પૂરો
લાખેણા થવાની રેસમાં બિટકૉઇન સામે છેવટે પાકિસ્તાની શૅરબજારે બાજી મારી લીધી છે. કરાચી ઇન્ડેક્સ ૯૯,૨૬૯ના આગલા બંધ સામે ગઈ કાલે એક લાખની ઉપર, ૧,૦૦,૫૪૦ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૯૪૦ પૉઇન્ટ ઊછળીને ૧,૦૦,૨૦૯ના શિખરે જોવાયો છે. ૨૭ સપ્ટેમ્બરે સેન્સેક્સ ૮૫,૯૭૮ની સર્વોચ્ચ સપાટીએ ગયો ત્યારે પાકિસ્તાની બજાર ૮૧,૨૯૨ હતું. લાગતું હતું કે આપણું બજાર બહુ ઝડપથી લાખનું થઈ જશે, પરંતુ અહીં માર્કેટ કરેક્શન ઝોનમાં આવી ગયું છે, પાકિસ્તાની આખલાદોડ વણથંભી રહી છે. ટ્રમ્પના વિજય બાદ બિટકૉઇને વેગીલી તેજીમાં બાવીસ નવેમ્બરે ૯૯,૫૧૮ ડૉલરની વિક્રમી સપાટી બનાવી ત્યારે પાકિસ્તાની બજાર ૯૯,૬૨૩ના શિખરે ગયું હતું. એ વખતે લાગતું હતું કે બિટકૉઇન લાખેણી રેસ જીતી જશે, પરંતુ બિટકૉઇન ત્યાર પછી ઢીલો પડ્યો છે. કરાચી ઇન્ડેક્સ આગળ નીકળી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન નીચામાં ૯૨,૯૦૦ ડૉલર અને ઉપરમાં ૯૭,૩૩૬ ડૉલર થઈ રનિંગમાં અડધા ટકાના ઘટાડે ૯૫,૪૯૬ ડૉલર દેખાયો છે. બાય ધ વે, પાકિસ્તાની બજાર છેલ્લા એક વર્ષમાં ૬૩ ટકા વધ્યું છે. જોકે આર્જેન્ટિનાના શૅરબજારનો માર્વેલ ઇન્ડેક્સ એક વર્ષમાં ૧૭૯ ટકા ઊછળી ૨૨,૦૫,૨૪૫ બુધવારે બંધ થયો છે. તાજેતરમાં ૨૫ નવેમ્બરે એમાં ૨૨,૬૮,૯૮૮ની ઑલટાઇમ હાઈ બની હતી, જ્યારે ૨૦૨૩ની ૩૦ નવેમ્બરે એ ૭,૬૬,૬૨૦ની વર્ષની નીચી સપાટીએ હતો. પાકિસ્તાન તેમ જ આર્જેન્ટિના બન્નેનાં અર્થતંત્ર ડામાડોળ છે પણ શૅરબજારમાં અભૂતપૂર્વ તેજી ચાલી રહી છે. કહાની કા સબક? શૅરબજારને અર્થતંત્રનું બેરોમીટર માનશો નહીં.
દરમ્યાન ગુરુવારે મોટા ભાગનાં અગ્રણી એશિયન બજાર નરમ હતાં. હૉન્ગકૉન્ગ સવા ટકો, ઇન્ડોનેશિયા અને ચાઇના અડધો ટકો ઘટ્યાં છે. જૅપનીઝ નિક્કી અડધા ટકાથી વધુ તો સિંગાપોર પોણો ટકો પ્લસ હતું. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર દેખાયું છે. લંડન ફુત્સી નહીંવત સુધારામાં હતો. અમેરિકા ખાતે જીડીપી ગ્રોથ અને ફુગાવાના આંકડા પછી ફેડ-રેટમાં ઘટાડાની ગતિ મંદ પડવાની ગણતરી સેવાય છે. ક્રૂડના મામલે ઑપેકની બેઠક ઢીલમાં પડી છે, હવે એ પાંચ ડિસેમ્બરે મળશે. ટ્રમ્પના આગમનથી ટ્રેડ રિસ્ક વધી જતાં સાઉથ કોરિયાની મધ્યસ્થ બૅન્કે વ્યાજદરમાં અણધાર્યો ઘટાડો જાહેર કર્યો છે.
ઘરઆંગણે ડેરિવેટિવ્ઝમાં નવેમ્બર સિરીઝ નિફ્ટીમાં ૩૬૧ પૉઇન્ટના ધબડકા સાથે ૨૩,૯૧૪ના બંધમાં પૂરી થઈ છે. સેન્સેક્સ આગલા બંધથી નજીવા સુધારામાં ૮૦,૨૮૧ ખુલ્યા બાદ ઉપરમાં ૮૦,૪૪૭ થયા બાદ તરત રેડ ઝોનમાં સરી પડ્યો હતો. બજાર નીચામાં ૭૮,૯૧૯ બતાવી ૧૧૯૦ પૉઇન્ટની ખરાબીમાં ૭૯,૦૪૪ બંધ રહ્યું છે. માર્કેટકૅપ ૧.૫૦ લાખ કરોડના ઘટાડે ૪૪૨.૯૮ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીની દોઢ ટકા જેવી ખુવારી સામે સ્મૉલકૅપ બેન્ચમાર્ક અડધા ટકા નજીક પ્લસ હતો. બ્રૉડર માર્કેટ પોણો ટકો નરમ હતું. બન્ને બજારના લગભગ તમામ સેક્ટોરલ માઇનસ થયા છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૩ શૅરના ઘટાડા સાથે ૯૮૭ પૉઇન્ટ કે સવાબે ટકા કપાયો છે. એની પાછળ ટેક્નૉલૉજી બેન્ચમાર્ક બે ટકા ડૂલ હતો. ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઇનૅન્સ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી એકથી દોઢ ટકો ડાઉન હતા. અદાણી એનર્જી શૅરની હૂંફમાં યુટિલિટીઝ ઇન્ડેક્સ અડધો ટકો તો પીએસયુ બૅન્ક નિફ્ટી એકાદ ટકો વધ્યો છે. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. NSEમાં વધેલા ૧૫૩૭ શૅર સામે ૧૨૪૫ જાતો ઘટી છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો કે ૩૯૫ પૉઇન્ટ ઘટ્યો છે.
અદાણીના ૧૧માંથી ૫ શૅર પ્લસ, અદાણી ટોટલમાં સેંકડાનો ઉછાળો
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૯ અને નિફ્ટીના ૫૦માંથી ૪૬ શૅર માઇનસ થયા છે. સેન્સેક્સ ખાતે ઇન્ફોસિસ સાડાત્રણ ટકા ખરડાઈ ૧૮૫૭ના બંધમાં બજારને સર્વાધિક ૨૦૯ પૉઇન્ટ નડ્યો છે. HDFC બૅન્ક ૧૮૩૬ની ઑલટાઇમ હાઈ બતાવી એક ટકો ઘટી ૧૭૯૩ તો રિલાયન્સ પોણાબે ટકા ગગડી ૧૨૭૧ બંધ હતો. આ બન્ને જાતો બજારને કુલ ૨૪૫ પૉઇન્ટ ભારે પડી છે. મહિન્દ્ર ૩.૪ ટકા કે ૧૦૧ રૂપિયા, અદાણી પોર્ટ્સ ૨.૭ ટકા, બજાજ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, HCL ટેક્નૉ અઢી ટકા, ટાઇટન બે ટકા, ટેક મહિન્દ્ર ૨.૩ ટકા, NTPC બે ટકા, ટીસીએસ બે ટકા, નેસ્લે તથા ઍક્સિસ બૅન્ક દોઢ દોઢ સાફ થયા હતા. નિફ્ટીમાં SBI લાઇફ પાંચ ટકા તૂટી ટૉપ લૂઝર હતો. અન્યમાં HDFC લાઇફ ૩.૪ ટકા, ગ્રાસિમ બે ટકા, આઇશર બે ટકા, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા, તાતા કન્ઝ્યુમર બે ટકા, વિપ્રો ૧.૮ ટકા ખરડાયા હતા.
નિફ્ટી ખાતે અદાણી એન્ટરપ્રાઇઝ દોઢ ટકાની આગેકૂચમાં ૨૪૩૭ બંધ આપી વધવામાં મોખરે હતો. શ્રીરામ ફાઇનૅન્સ પોણો ટકો પ્લસ હતો. સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક અડધો ટકો સુધરીને ૮૩૯ હતો. અદાણી ગ્રુપના ૧૧માંથી પાંચ શૅર પ્લસ હતા. અદાણી ટોટલ સવાત્રણ ગણા વૉલ્યુમે ૧૦૯ રૂપિયા કે ૧૫.૭ ટકાની તેજીમાં ૮૦૩ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. અદાણી એનર્જી તેમ જ અદાણી ગ્રીન ૧૦-૧૦ ટકાની ઉપલી સર્કિટમાં, અદાણી પાવર સાત ટકા પ્લસ હતો. સામે NDTV બે ટકા, એસીસી પોણો ટકો, અંબુજા સિમેન્ટ્સ અડધો ટકો, સાંધી ઇન્ડ ૦.૪ ટકા, અદાણી વિલ્મર અડધો ટકો નરમ હતા. ૧૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં બુધવારે ૧૨૨ બંધ રહેલો NTPC ગ્રીન એનર્જી ગઈ કાલે ૧૩૨ની નવી ટૉપ બનાવી સાડાચાર ટકાની આગેકૂચમાં ૧૨૮ થયો છે. એન્વીરો ઇન્ફ્રાનું લિસ્ટિંગ આજે છે. ૧૪૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટ ખાતે ૫૬વાળું પ્રીમિયમ ઘટી હાલમાં ૪૮ આસપાસ બોલાય છે. સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો બેના શૅરદીઠ ૪૪૧ ભાવનો અતિ મોંઘો ૮૪૬ કરોડનો આઇપીઓ શુક્રવારે ખૂલશે પણ હાલ ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. લેમોસિક ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવનો NSE SME IPO શુક્રવારે લિસ્ટિંગમાં જશે. ગ્રે માર્કેટમાં હજી સુધી સોદા પડ્યા નથી. રાજપૂતાના બાયોડીઝલનો શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૪૭૦ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે કુલ ૭૧૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાઇનેટ વર્થ પોર્શન ૧૩૪૬ ગણો તો રીટેલ પોર્શન ૭૪૬ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૧૦૦ રૂપિયા ચાલે છે. જયપુરની અગરવાલ ટફન્ડ ગ્લાસ ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવે ગુરુવારે મૂડીબજારમાં આવી છે. ૬૨૬૪ લાખ રૂપિયાનો આ NSE SME IPO પ્રથમ દિવસે ૩૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ નવ રૂપિયાનું છે. કલકત્તાના સૉલ્ટલેક ખાતેની ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૮૩ની અપર બૅન્ડમાં ૯૮૫૮ લાખનો NSE SME ઇશ્યુ આજે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૧૪ રૂપિયાનું પ્રીમિયમ છે.
જીવન વીમા ક્ષેત્રના શૅરોની નબળાઈ વચ્ચે LIC સામા પ્રવાહે
પેટીએમ સતત પાંચમા દિવસની આગેકૂચમાં ૯૫૦ નજીક વર્ષની ટૉપ બનાવી એક ટકો વધી ૯૨૭ વટાવી ગયો છે. યુબીએસ તરફથી ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અપાયો છે. આદિત્ય વિઝનમાં નુવામાએ ૬૭૨ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી કરતાં ભાવ સાત ગણા વૉલ્યુમે પાંચ ટકા ઊચકાઈ ૪૮૬ થયો છે. લાઇફ ઇન્શ્યૉરન્સ સેગમેન્ટમાં SBI લાઇફ, HDFC લાઇફ, મેક્સ ફાઇ જેવી જાતો ખાસ્સી નબળી પડી હતી. સામે એલઆઇસી અઢી ટકા વધીને ૯૩૯ વટાવી ગયો છે. અજમેરા રિયલ્ટી ૧૧૨૦ના શિખરે જઈ પોણો ટકો વધી ૧૦૫૫ રહ્યો છે. ૧૨ ડિસેમ્બરે ભાવ ૩૯૯ના વર્ષના તળિયે હતો.
એડલવાઇસ ફાઇ સર્વિસિસ એની મ્યુચ્યુઅલ ફન્ડનો બિઝનેસ કરતી કંપનીમાંનો આંશિક હિસ્સો વેચવા સક્રિય હોવાના અહેવાલ પાછળ શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૪ નજીક બંધ આવ્યો છે. ૨૩ જુલાઈએ ભાવ ૫૯ના ઐતિહાસિક તળિયે ગયો હતો. તાજેતરમાં બાવીસ નવેમ્બરે ૨૨૨ના ઑલટાઇમ તળિયે ગયેલી મામા અર્થવાળી હોનેસા કન્ઝ્યુમર ગઈ કાલે ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૨૫૧ વટાવી ગયો છે. ઓલા ઇલેક્ટ્રિક આગલા દિવસના ઉછાળાને આગળ ધપાવતાં અઢી ગણા વૉલ્યુમે ૯૪.૫૦ નજીક સરક્યો છે. સ્વિગી લિમિટેડ ૫૧૭ના બેસ્ટ લેવલ બાદ પ્રૉફિટ બુકિંગમાં દોઢ ટકો ઘટી ૪૯૨ની અંદર હતો. ઑટો શૅરોમાં ખરડાયેલા માનસ વચ્ચે હ્યુન્દાઇ મોટર સાડાચાર રૂપિયાના નજીવા ઘટાડે ૧૯૦૨ ઉપર બંધ આવ્યો છે.
કેઈસી ઇન્ટરનૅશનલને ૧૭૦૪ કરોડનો ટર્નકી ઑર્ડર મળતાં શૅર ૧૦૯૫ની ટૉપ બતાવી પોણાત્રણ ટકા ઊચકાઈ ૧૦૫૨ થયો છે. ૬૩ મૂન્સ તરફથી એની સબસિડિયરી ટીકર લિમિટેડ દ્વારા શૅરદીઠ ૨૦ના ભાવે ૭૩૦ લાખ શૅરના પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફત ૧૪૬ કરોડ રૂપિયા ઊભા કરાયા હોવાની જાહેરાત કરાઈ છે. આના પગલે શૅર લગભગ બમણા કામકાજે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૬૩૧ બંધ રહ્યો છે. પાંચ જૂને ભાવ ૩૧૪ના વર્ષના તળિયે હતો.