ઇન્ફોસિસના બખેડામાં બજાર ૫૨૦ પૉઇન્ટ ડાઉન, ઑગસ્ટ-૨૦૨૦ પછીની લાંબી સુધારાની ચાલને બ્રેક

18 April, 2023 02:08 PM IST  |  Mumbai | Anil Patel

રિલાયન્સનાં પરિણામ ૨૧મીએ, શૅર અડધો ટકો સુધર્યો, અદાણીના ૧૦માંથી ૭ શૅર પ્લસ : એક્ઝિકોન ઇવેન્ટ્સ તથા ઇન્ફિનિયમ ફાર્માનાં પ્રોત્સાહક લિસ્ટિંગ, ખરાબ બજારમાં ભારત ઍગ્રિફર્ટ સુધર્યા : માર્કેટ બ્રેડ્થમાં ભારે રસાકસી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નબળાં પરિણામો સાથે હૉરિબલ ગાઇડ​ન્સિસને લઈ ઇન્ફોસિસ ૯.૪ ટકાના કડાકામાં ટૉપ લૂઝર, સેન્સેક્સને ૪૧૪ પૉઇન્ટનો માર : ઇન્ફી સાથે આઇટી અને ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ખુવારી સાથે નવા ઐતિહાસિક તળિયે : લાર્સન ટેક્નૉ અને લાટિમ ખરડાતાં લાર્સન પણ બે ટકા બગડ્યો, આઇટીસીમાં નવું બેસ્ટ લેવલ બન્યું : રિલાયન્સનાં પરિણામ ૨૧મીએ, શૅર અડધો ટકો સુધર્યો, અદાણીના ૧૦માંથી ૭ શૅર પ્લસ : એક્ઝિકોન ઇવેન્ટ્સ તથા ઇન્ફિનિયમ ફાર્માનાં પ્રોત્સાહક લિસ્ટિંગ, ખરાબ બજારમાં ભારત ઍગ્રિફર્ટ સુધર્યા : માર્કેટ બ્રેડ્થમાં ભારે રસાકસી 

હૉન્ગકૉન્ગ ચાઇનાની આગેવાનીમાં સોમવારે લગભગ તમામ અગ્રણી એશિયન બજારો પ્લસમાં રહ્યાં છે. એકમાત્ર ઇન્ડોનેશિયા અડધો ટકો માઇનસ હતું. હૉન્ગકૉન્ગ ૧.૭ ટકા અને ચાઇના દોઢ ટકા નજીક મજબૂત હતાં. અન્યત્ર નહીંવતથી સાધારણ સુધારો હતો. યુરોપ રનિંગમાં નહીંવતથી અડધા ટકાની આસપાસ ઉપર દેખાયું છે. ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક તરફથી વ્યાજદર યથાવત્ રાખવાની સાથે બૅન્કોને ૨૫ અબજ ડૉલરનો લિ​ક્વિડિટી સપોર્ટ પૂરો પાડવાનો નિર્ણય લેવાયો એનાથી ચાઇના અને હૉન્ગકૉન્ગનાં શૅરબજાર પોરસાયાં છે. બ્રૅન્ટક્રૂડ ૮૫-૮૬ ડૉલરની રેન્જમાં મજબૂત રહ્યા છે. 

માર્ચમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવો ઘટીને ૫.૭ ટકાની અંદર ૧૫ માસના તળિયે ગયા પછી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની રીતે પણ ફુગાવો સતત ૧૦મા મહિને ઘટી ૧.૩૪ ટકાની ઑક્ટોબર ૨૦૨૦ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. જોકે ફુગાવાના આ સરકારી આંકડા બહુ સિરિયસલી લેવા જેવા નથી. સામાન્ય માણસને ખબજ છે કે મોંઘવારીનો ખરેખર માર કેટલો છે. શૅરબજાર ૬૦,૪૩૧ના આગલા બંધથી સહેજ નરમ ૬૦,૩૮૬ ખૂલ્યા પછી ઉપરમાં ૬૦,૪૦૮ થઈ ૯૮૯ પૉઇન્ટના ધબડકામાં ૫૯,૪૪૨ બતાવી અંતે ૫૨૦ પૉઇન્ટ ખરડાઈ ૫૯,૯૧૧ બંધ થયો છે. નિફ્ટી નીચામાં ૧૭,૫૭૪ દેખાડી ૧૨૧ પૉઇન્ટ બગડી ૧૭,૭૦૭ રહ્યો છે.  ઇન્ફોસિસનાં નબળાં પરિણામોની અસરમાં આઇટી અને ટેક્નૉલૉજી સેક્ટરની ખુવારી સમગ્ર બજારને નડી છે. આ સાથે શૅરબજારમાં સળંગ નવ દિવસની ઑક્ટોબર ૨૦૨૦ પછીની એટલે કે ત્રીસેક મહિનાની મોટી આગેકૂચ હાલ પૂરતી અટકી છે. 

સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકાના ઘટાડાની સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણ ટકા મજબૂત હતો. રિયલ્ટી એનર્જી, ઑઇલ-ગૅસ, એફએમસીજી જેવા બેન્ચમાર્ક એકાદ ટકાની આસપાસ પ્લસ હતા. સામે આઇટી ઇન્ડેક્સ ૪.૮ ટકા કે ૧૩૪૭ પૉઇન્ટ તૂટ્યો છે. એના ભારમાં ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ૪.૬ ટકા બગડ્યો છે. નિફ્ટી ફાર્મા ૦.૬ ટકા અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા નરમ હતા. રોકડું તેમ જ મિડકૅપ પ્રમાણમાં સારું રહ્યાં છે. માર્કેટ બ્રેડ્થ રસાકસીમાં હતી. એનએસઈમાં ૧૦૨૦ શૅર પ્લસ તો ૧૦૪૬ જાતો ઘટી છે. 

મુંબઈની એ​ક્ઝિકોન ઇવેન્ટસ શૅરદીઠ ૬૪ની ઇશ્યુ પ્રાઇસ સામે પાંચ ટકાના લિ​સ્ટિંગ ગેઇનમાં ૬૭ ઉપર ગુજરાતના સોજિત્રાની ઇ​ન્ફિનિયમ ફાર્માકેમ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ૯.૫ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૮ નજીક મૉસ યુટિલિટી તથા સનકોડ ટેક્નૉલૉજીઝનું લિ​સ્ટિંગ થવાનું છે. 

આઇટીસી નવા શિખરે, નેસ્લે ૭૮૫ રૂપિયા ઊછળી ટૉપ ગેઇનર 

સોમવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર પ્લસ હતા. નેસ્લે ઉપરમાં ૨૦,૪૦૬ થઈ ચાર ટકા કે ૭૮૫ રૂપિયાની મજબૂતીમાં ૨૦,૨૫૯ બંધ રહી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પાવરગ્રીડ સવાબે ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૪ ટકા, કોટક બૅન્ક દોઢેક ટકા, એશિયન પેઇન્ટ્સ એક ટકા, અલ્ટ્રાટેક સવા ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે બ્રિટાનિયા પોણાબે ટકા, એસબીઆઇ લાઇફ ૧.૩ ટકા, ગ્રાસિમ સવા ટકા, કોલ ઇન્ડિયા ૧.૮ ટકા પ્લસ હતા. રિલાયન્સનાં પરિણામો ૨૧ એપ્રિલે છે. શૅર અડધા ટકાના સુધારામાં ૨૩૬૭ હતો. 

આ પણ વાંચો  : માર્કેટ મોમેન્ટમની ઉપેક્ષા કરીને કરેક્શનની તકો પાસે અપેક્ષા રાખો

ઇન્ફોસિસ ૯.૪ ટકા કે ૧૩૦ રૂપિયાના ધબડકામાં ૧૨૫૮ની નવી ઐતિહાસિક બૉટમે બંધ આપીને બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર થયો છે. ટેક મહિન્દ્ર ૫.૩ ટકા, એચસીએલ ટેક્નૉ ૨.૭ ટકા, લાર્સન બે ટકા, એનટીપીસી બે ટકા, વિપ્રો ૧.૮ ટકા, એચડીએફસી ટ્વિન્સ ૧.૬ ટકા, ટીસીએસ ૧.૬ ટકા કટ થયા હતા. આઇટીસી ૪૦૨ના નવા શિખરે જઈ સવા ટકો વધી ૪૦૦ રહ્યો છે. અદાણીના ૧૦માંથી ૭ શૅર વધ્યા છે. અદાણી એન્ટર ૦.૪ ટકા, અદાણી પોર્ટ્સ સાધારણ, અદાણી પાવર નહીંવત્, અદાણી ટ્રાન્સ. એક ટકાની નજીક, અદાણી ગ્રીન સવાબે ટકા, અદાણી ટોટલ સાડાત્રણ ટકા, એસીસી ૦.૯ ટકા પ્લસ હતા. સામે એનડીટીવી દોઢ ટકા, અંબુજા સિમેન્ટ અડધો ટકો અને અદાણી વિલ્મર એક ટકાની નજીક નરમ હતા. 

રોકડામાં પ્રીસિઝન કૅમશાફટ, પોકરણ તથા સીલમૅટિક ઇન્ડિયા ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા. એચએલઈ ગ્લાસકોટ ૧૪.૬ ટકા, કેઆઇઓસીએલ ૧૪ ટકા અને વૅલિઅન્ટ ઑર્ગે. ૮.૧ ટકાના ઉછાળે એ-ગ્રુપ ખાતે ઝળક્યા છે. ઇન્ફી બાદ નૅશનલ સ્ટાન્ડર્ડ્સ સવાઆઠ ટકા તૂટી ૫૩૪૮ના બંધમાં એ-ગ્રુપ ખાતે સેકન્ડ વર્સ્ટ લૂઝર બન્યો હતો. 

ઇન્ફીના મારમાં આઇટી અને ટેક્નૉ બેન્ચમાર્ક ઐતિહાસિક નીચા સ્તરે 

નબળાં પરિણામો સાથે ખરાબ ગાઇડ​ન્સિસને પગલે આઇટી અગ્રણી ઇન્ફોસિસ સાડાસાત ગણા કામકાજમાં બીએસઈ ખાતે નીચામાં ૧૨૧૯ થઈ ૯.૪ ટકા તૂટી ૧૨૫૮ તથા એનએસઈ ખાતે નીચામાં ૧૧૮૫ બનાવી ૯.૪ ટકા બગડી ૧૨૫૮ બંધ આપી સેન્સેક્સને ૪૧૪ પૉઇન્ટ નડ્યો છે. આ કાઉન્ટર વધઘટે હવે ૧૦૦૦ની આસપાસ જવાની શક્યતા છે. ઇન્ફીના માર્કેટકૅપમાં ગઈ કાલે ૫૪,૧૩૯ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. ઇન્ફીના ધબડકા પાછળ સમગ્ર આઇટી સેક્ટર ગગડ્યું છે. આઇટી ઇન્ડેક્સ ૨૬,૩૧૪ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી ૪.૭ ટકા કે ૧૩૪૭ પૉઇન્ટ લથડી ૨૬,૮૮૮ની અંદર બંધ હતો. અહીં ૫૯માંથી ૧૨ શૅર સુધર્યા હતા. ઇમુદ્રા ૯.૨ ટકા, બ્લૅક બૉક્સ ૬.૪ ટકા, તાન્લા પ્લૅટફૉર્મ સવાછ ટકા, કન્ટ્રોલ પ્રિન્ટ ૪.૮ ટકા અને નેલ્કો સાડાત્રણ ટકા મજબૂત હતા. આઇટી ઇન્ડેક્સને ઇન્ફી ૮૫૯ પૉઇન્ટ નડ્યો છે. આ સિવાય લાટિમ ૬.૮ ટકા કે ૩૧૪ રૂપિયા, સોનાટા સૉફ્ટવેર ૫.૬ ટકા, ટેક મહિન્દ્ર સવાપાંચ ટકા, બ્રાઇટકૉમ પાંચ ટકા, ઝેનસાર સવાચાર ટકા, એચસીએલ ટેક્નૉ પોણાત્રણ ટકા, ટીસીએસ દોઢ ટકો, વિપ્રો પોણાબે ટકા, પર્સિસ્ટન્ટ ચાર ટકા ડુલ થયા છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૦.૭ ટકા માઇનસ હતો. ઑપ્ટિમસ સાડાપાંચ ટકા તૂટી ઍરટેલ, તાતા કૉમ્યુ., ઝી એન્ટર પોણાથી બે ટકા ઘટતાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૧૨,૦૬૪ની નવી બૉટમ બતાવી ૪.૬ ટકા ખરડાઈ ૧૨,૨૮૨ નજીક બંધ હતો. જીટીપીએલ હેથવે ખરાબ પરિણામ પાછળ સાડાનવ ટકા તૂટીને ૧૦૨ થયો છે. નેટવર્ક ૧૮ પોણાચાર ટકા, ટીવી-૧૮ દોઢ ટકા અને તેજસ નેટ સવા ટકો અપ હતા. 

એચડીએફસી બૅન્કને સારાં પરિણામ ફળ્યાં નહીં, સરકારી બૅન્કો ડિમાન્ડમાં 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅર પ્લસમાં આપી ૧૩૦ પૉઇન્ટ વધી ૪૨,૨૬૨ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની આગેકૂચમાં ત્રણ ટકાથી વધુ ઊંચકાયો છે. બૅ​ન્કિંગના ૩૭માંથી માત્ર છ શૅર નરમ હતા. ઍ​ક્સિસ બૅન્ક ૮૬૪ના લેવલે ફલૅટ હતો. કરૂર વૈશ્ય બૅન્ક ૨ ટકા ઘટી ૧૬૬૭ હતો. પંજાબ સિંધ બૅન્ક સાત ગણા કામકાજે સવાસોળ ટકા ઊછળી ૩૨ વટાવી ગયો છે. આઇઓબી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, સીએસબી બૅન્ક, આરબીએલ બૅન્ક ચારથી આઠ ટકા ઊંચકાયા છે. સ્ટેટ બૅન્ક બે ટકા, કોટક બૅન્ક ૧.૩ ટકા, ઇન્ડ્સઇન્ડ ૧.૪ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સામાન્ય સુધર્યા હતા. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૯૫ શૅરના સુધારા વચ્ચે લગભગ ફ્લૅટ હતો. એસડીએફસી ૧.૬ ટકા નરમ, બજાજ ફિનસર્વ જૈસે થે અને બજાજ ફાઇ. એકાદ ટકો પ્લસ હતા. લોન આપવા માટે અનુચિત કે ઑટો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ તેમ જ રીકવરી માટે ભાડૂતી ગુંડા રોકી દાદાગીરી કરવા બદલ આજકાલ સોશ્યલ મિડિયા ઉપર બજાજ ફાઇનૅન્સ સામે ભારે રોષ દેખાય છે. કંપની સુધરી જાય તો સારું, બજાજ ગ્રુપને આવા ધંધા શોભે નહીં. અગાઉ આઇઆઇએફએલ વેલ્થ મૅનેજમેન્ટ તરીકે ઓળખાતી હતી એ ૩૬૦ વન વામ ગઈ કાલે ૯૭ ગણા જંગી વૉલ્યુમે નીચામાં ૩૯૬ થઈ ૫.૯ ટકા ગગડી ૪૦૩ બંધ આવી છ. એલઆઇસી એક ટકો ઘટી ૫૪૪ હતી. લાર્સન ટેક્નૉ ૨.૮ ટકા તૂટી ૩૪૩૧ અને લાર્સન માઇન્ડ ટ્રી કે લાટિમ ૬.૮ ટકા કે ૩૧૪ના કડાકામાં ૪૩૩૧ બંધ થતાં પેરેન્ટ કંપની લાર્સન બે ટકા બગડી ૨૨૧૭ બંધ રહી છે. હેલ્થકૅરમાં વિમતા લૅબ, યુનિકેમ, રેઇનબો, વીનસ રેમેડીઝ, આઇઓએલ કેમિ, આરપીજી લાઇફ ૪થી ૬.૮ ટકા મજબૂત હતા.

ભારત ઍગ્રિફર્ટના રિસૉર્ટ ડિવિઝનનું વિસ્તરણ 

ભારત ઍગ્રિફર્ટ ઍન્ડ રિયલ્ટી તરફથી એના વાડા પાલઘર ખાતેની ૧૫૦ એકર જમીનમાંથી ૧૦ એકર લૅન્ડમાં પથરાયેલા રિસૉર્ટ્સ ડિવિઝનનું વિસ્તરણ હાથ ધરાયું છે. અહીં ૪૦ થીમ બેઝડ રૂમ છે, એની ક્ષમતા બેવડાવી ૪૦ રૂમની કરાશે, જેમાંથી ૧૨ રૂમનું વિસ્તરણ પૂરું થઈ ચૂક્યું છે. બાકીની ૨૮ રૂમ વર્ષાન્ત પહેલાં કાર્યન્વિત થશે. આ ઉપરાંત એક બૅ​ન્ક્વિટ હૉલ અને બે નવી રેસ્ટોરાં પણ અહીં બનાવાશે. વૈતરણા નદીના કાંઠે આવેલા આ રિસૉર્ટના વિસ્તરણની જોગવાઈ આંતરિક સાધન-સર્જનમાંથી થઈ રહી છે. સમગ્ર રિસૉર્ટની વીજ-જરૂરિયાત બહુધા સોલર પાવર મારફત પૂરી કરવા વિચારાયું છે. પ્રોજેક્ટ પૂરો થતાં રિસૉર્ટ ડિવિઝનનું ટર્નઓવર વધીને ૧૬થી ૧૮ કરોડ રૂપિયા થવાની અને એની બૉટમલાઇન ચારથી સાડાચાર કરોડ રૂપિયા રહેવાની ધારણા છે. સોલર પેનલ નાંખવાથી અહીં વીજખર્ચમાં વર્ષે ૧૧૦ લાખ રૂપિયાની બચત થશે એ અલગ. શૅર સોમવારે ખરાબ બજારમાં ઉપરમાં ૧૨૨ થઈ ૨.૪ ટકા વધી ૧૧૮ બંધ આવ્યો છે. 

હૅલ્ડન ગ્લાસ પોણાત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૭૫ થઈ સવાચાર ટકા વધી ૭૩.૬૦ બંધ આવ્યો છે. ફેસ વૅલ્યુ એકની છે. માર્ચના અંતિમ સપ્તાહમાં પ્રમોટર્સે દોઢ લાખ શૅરથી વધુનો માલ ઓપન માર્કેટમાંથી ખરીદી હો​લ્ડિંગ વધારી ૫૮.૧ ટકા કર્યું છે. અગાઉ જ્યારે પ્રમોટર્સે હો​લ્ડિંગ વધાર્યું ત્યારે ભાવ ૫૦ ટકા વધી ગયો હતો. લાગે છે કે આગામી બે મહિનામાં આ કાઉન્ટર ત્રણ આંકડે જશે. 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex infosys nifty