04 November, 2024 08:24 AM IST | Mumbai | Jayesh Chitalia
શેરબજારની પ્રતીકાત્મક તસવીર
શૅરબજારની લાંબી-સળંગ તેજી, સ્ટૉક્સ અને ઇન્ડેક્સની નવી-નવી ઊંચાઈ, વિવિધ નવા વિક્રમો જોયા-માણ્યા બાદ તાજેતરમાં પહેલી વાર કરેક્શનનો કડક આંચકો તેમ જ વૉલેટિલિટીનો ચકરાવો બજારે જોયો અને ફીલ પણ કર્યો. ગણતરીના દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીના આંકડામાં કેવાં ગાબડાં પડ્યાં એ જોયા બાદ લાખો રોકાણકારોના મનમાં સવાલો થયા હશે, ખાસ કરીને નવા-યુવા રોકાણકારોના મનમાં. બજાર આમ અચાનક એકધારું ગબડે કે તૂટે પણ ખરું? આપણને તો એમ કે બજાર માત્ર વધે જ. આવો સવાલ જેને થાય એવો વર્ગ બહુ મોટો છે, જેમણે માત્ર તેજી અને બજારની ઊંચાઈ જ જોઈ હતી; કરેક્શનના આંચકા જોયા નહોતા. જેથી આ દિવાળી દરમ્યાન ઇન્વેસ્ટર્સ વર્ગને આ બહુ મહત્ત્વનો પાઠ જોવા-શીખવા મળ્યો છે, જેને તેમણે દિવાળી-ગિફ્ટ ગણવી જોઈએ. જો આ ગિફ્ટને તેઓ બરાબર સમજી લેશે તો આગામી સમયમાં બજાર કેવું પણ રહે, તેઓ સંપત્તિસર્જન તરફ આગળ વધશે. સંભવતઃ એમ ન પણ થયું તો કમસે કમ સંપત્તિ-વિસર્જનને તો ચોક્કસ ટાળી શકશે.
ચાલો, આ નવા વરસે એનાં કારણો અને ગુણો સમજીએ. સમયના પરિવર્તન સાથે દરેક બચતકારે-રોકાણકારે રોકાણસંબંધી સમજણને વિકસાવવી બહુ જ જરૂરી છે, અન્યથા તેમની ભૂલ થવાની શક્યતા ખૂબ વધી શકે છે. યાદ રહે, હવે સમય બદલાવામાં બહુ લાંબો સમય લેતો નથી, પરંતુ ઝડપથી બદલાય છે. બીજું, હવેનો સમય ગ્લોબલ અસરોથી મુક્ત રહી શકતો નથી. ગઈ દિવાળી-૨૦૨૩ના સમયનું બજાર જોઈ લો, યાદ કરો. એ પછી બે-બે વર્ષ વધુ પાછળ જાઓ. આમ કુલ પાંચેક વર્ષ પાછળ વળીને જોઈ લીધું? કોવિડનો કપરો સમય પણ યાદ કરી લીધો? હવે વિચારો શૅરબજાર ક્યાં સુધી નીચે જઈને આવ્યું અને ક્યાં સુધી સતત ઉપર જતું ગયું.
ગ્લોબલ સ્તરે કેવી ઘટનાઓ બની
છેલ્લાં પાંચેક વર્ષની બજારની આ વધઘટ અથવા ટ્રેન્ડ જોયા બાદ હવે વૈશ્વિક સ્તરે (જિયોપૉલિટિકલ), ભારતીય અર્થતંત્રના મોરચે અને રાજકીય સ્તરે બનેલી મહત્ત્વની ઘટનાઓ યાદ કરો. કોવિડ વખતે આખું વિશ્વ સદીના સૌથી મોટા આંચકા-આઘાતમાં ગરકાવ થયું હતું. ક્યારે અને કઈ રીતે એમાંથી બહાર આવશે એવી કલ્પના પણ કઠિન હતી, જ્યારે કે વિશ્વ આખું ધારણા કરતાં વહેલું બહાર આવી ગયું અને ખાસ તો આપણું અર્થતંત્ર સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઊભરીને બહાર આવ્યું, જે ગતિ એણે આજે પણ જાળવી રાખી છે. આર્થિક વિકાસના મોરચે ભારત આજે વિશ્વમાં ઉત્તમ કે બહેતર સ્થાન ધરાવે છે. આ દરમ્યાન રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ, અમેરિકન ક્રાઇસિસ, ભારતમાં લોકસભાની ચૂંટણી અને એનાં ધારણા કરતાં અલગ પરિણામ, રાજકીય સમાધાનો સહિત અનેકવિધ ઘટનાઓનો સામનો કરવાનો આવ્યો. એમ છતાં ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ કોઈ પણ પ્રકારનાં ગંભીર સ્કૅમ-ગરબડ-ગોટાળા-કોભાંડથી મુક્ત રહ્યાં. વિકાસની ગતિ એકધારી ઊંચાઈ તરફ આગળ વધી.
આ સાથે માર્કેટ-વૅલ્યુએશન પણ ઊંચાં ગયાં અને માર્કેટ કૅપિટલાઇઝેશને નવા વિક્રમ બનાવ્યા. શૅરબજાર ઉપરાંત IPO માર્કેટ પણ સતત ખીલતી રહી, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) કંપનીઓના IPOએ પણ નવા રેકૉર્ડ હાંસલ કર્યા. રોકાણકારોની સંખ્યા અને ડીમૅટ અકાઉન્ટસના નંબર કરોડોમાં વધ્યા. ઇન્વેસ્ટર્સ વર્ગનો પ્રવાહ, વિશ્વાસ અને જાગૃતિ પણ વૃદ્ધિ પામ્યાં. ફૉરેન-ગ્લોબલ ઇન્વેસ્ટર્સના ભારતીય ઇકૉનૉમી-માર્કેટમાં વિશ્વાસ-આકર્ષણ સતત વધતાં રહ્યાં.
કેટલીક બદીઓ પણ જોવાઈ
આ બધાંની સામે માર્કેટમાં કેટલીક બદીઓ પણ આવી કે વધી. ભાવોની આડેધડ વૃદ્ધિ, ચોક્કસ કેસોમાં પ્રાઇસ-મૅનિપ્યુલેશન, નબળાં કે પોકળ IPOનાં ખોટાં આકર્ષણ-ગરબડ, તેજીનો અતિરેક, અનેક સ્ટૉક્સમાં ઓવર-વૅલ્યુએશન, ડેરિવેટિવ્ઝના સોદાઓમાં સટ્ટાનો અતિરેક અને રોકાણકારોના નુકસાનનો પણ અતિરેક નોંધવામાં આવ્યો. નિયમનતંત્ર વધુ સક્રિય અને સખત બન્યું. જોકે આ સાથે ઇન્વેસ્ટર્સ વર્ગમાં અવેરનેસ અને સ્માર્ટનેસ પણ વધતી રહી છે જે ભારતીય બજારને એક પરિપક્વ માર્કેટ તરફ લઈ જઈ રહી છે. એથી જ આજે કરેક્શનના દોરમાં પણ માર્કેટ સમતુલા જાળવી રહ્યું છે.
લાંબા ગાળાના લાભ સમજો
હવે તમે જ વિચારો, શૅરબજાર લાંબા ગાળામાં શું કરે છે અને ટૂંકા ગાળામાં શું? જો તમે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ બજારમાં મજબૂત સ્ટૉક્સમાં નાણાં મૂકી રાખ્યા હોય તો એમાં કેવું વળતર મળે છે એ જોઈ-સમજી શકાય છે અને ટૂંકા ગાળામાં કેવી વૉલેટિલિટીનો સામનો કરવાનો આવે છે એ પણ સમજી શકાય છે. હવે એ પણ વિચારો કે કરેક્શન આવ્યું જ ન હોત અને હજી પણ બજાર માત્ર ઊંચાઈ તરફ જ આગળ વધતું હોત તો? શું એ ઊંચા ભાવોએ તમે ખરીદીની તક ઉપાડત? હિંમત કરત? જોખમ લેત? મોટે ભાગે નહીં. ખરેખર તો બજાર કરેક્શનની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે કરેક્શન આવે તો ખરીદીની તક મળે, અન્યથા મોટા ભાગના સ્ટૉક્સ મોંઘા થઈ ગયા હતા. આમ શૅરબજારમાં આ સમયમાં આવેલા કરેક્શને રોકાણકારોને સમજણની સાથે-સાથે ખરીદીની તકની દિવાળી-ગિફ્ટ આપી ગણાય.
હવે માર્કેટનું ધ્યાન ક્યાં રહેશે?
હાલ માર્કેટનું ધ્યાન જે બાબતો પર રહ્યા કરશે એમાં મહારાષ્ટ્રની ચૂંટણી, ચીનની ગતિવિધિ, જપાનના ડેવલપમેન્ટ, અમેરિકન ઇલેક્શનનાં પરિણામ, ભારત સરકારના અને રિઝર્વ બૅન્કનાં નવાં પગલાં, કૉર્પોરેટ સેક્ટરના ડેવલપમેન્ટ, જિયોપૉલિટિકલ સિચુએશન, યુદ્ધના સંજોગો વગેરેનો સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ સૉલિડ બુલિશ ટ્રિગર ઍક્ટિવ બને નહીં ત્યાં સુધી માર્કેટમાં વધઘટ થયા કરશે. સ્ટૉક માર્કેટે વિક્રમી તેજી જોઈ, પરંતુ હાલ એકધારી મંદીની શક્યતા જણાતી નથી, કેમ કે ભારતમાં સ્થાનિક સંસ્થાઓ-મ્યુચ્યુઅલ ફન્ડ્સના રોકાણનો પ્રવાહ સાતત્યપૂર્ણ અને મજબૂત રહ્યો છે. ફૉરેન ઇન્વેસ્ટર્સના આક્રમક વેચાણ બાદ પણ આપણી માર્કેટ ટકી રહે છે કે સાવ તૂટી જતી નથી એનું કારણ પણ અર્થતંત્રની અને સ્થાનિક રોકાણની શકિત તેમ જ વિશ્વાસ છે.
પાંચ વર્ષમાં સેન્સેક્સ-નિફ્ટી ક્યાંથી ક્યાં?
છેલ્લાં પાંચ વર્ષમાં દિવાળી સમયે સેન્સેક્સ અને નિફ્ટીનાં લેવલ ૨૦૧૯ની દિવાળીમાં સેન્સેક્સ ૩૯,૨૦૦ અને નિફ્ટી ૧૧,૬૦૦, ૨૦૨૦ની દિવાળીમાં અનુક્રમે ૪૩,૬૦૦ અને ૧૨,૭૦૦, ૨૦૨૧માં ૫૯,૦૦૦ અને ૧૮,૦૦૦, ૨૦૨૨માં ૫૯,૦૦૦ અને ૧૭,૦૦૦, ૨૦૨૩માં ૬૫,૦૦૦ અને ૧૯,૫૦૦ની આસપાસ રહ્યાં હતાં; જ્યારે ૨૦૨૪માં સેન્સેક્સ ૭૯,૦૦૦-૮૦,૦૦૦ અને નિફ્ટી ૨૪,૦૦૦ આસપાસ રહ્યા છે. જોકે આ જ વર્ષે સેન્સેક્સ ૮૬,૦૦૦ ઉપર અને નિફ્ટી ૨૬,૦૦૦ આસપાસ જઈ પાછો ફર્યો છે જે એક ધારી તેજી બાદ આવેલા કરેક્શનનું પરિણામ છે. હવે વિચારો, બજારનો ગ્રોથ પાંચ વર્ષમાં કેવો થયો છે? હજી પાંચ વર્ષ પાછળ જશો તો આ વૃદ્ધિ વધુ ઊંચી જોવા મળશે. ઇન-શૉર્ટ, લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના ફળની સાબિતી માર્કેટ સતત આપતું રહ્યું છે. રોકાણકારોએ લાલસાનો અંધકાર દૂર કરવા ધીરજ અને વિવેકનો ઉજાસ પોતે જ લાવવો જોઈશે.