25 December, 2024 06:54 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
તાતા કૅપિટલના ૧૫,૦૦૦ કરોડના આઇપીઓ પાછળ તાતા ગ્રુપના શૅરોમાં આવેલો ઊભરો છેવટે શમી ગયો : ડીમર્જરના કરન્ટમાં અંબર એન્ટરપ્રાઇઝિસ નવા બેસ્ટ લેવલે : માર્કેટકૅપમાં તાતા મોટર્સ હવે ઝોમાટોથી આગળ : ટીઆરએફ લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને સવાઅગિયાર ટકા વધી : અમદાવાદી સેનોરેસમાં પ્રીમિયમ વધીને ૨૩૦, યુનિમેકમાં ૫૧૦ રૂપિયા થયું : ક્રિસમસ નિમિત્તે દેશ-દુનિયાનાં બજાર આજે બંધ
ઘરઆંગણે આજે, બુધવારે બજાર ક્રિસમસની રજામાં છે. વિશ્વબજારો પણ લગભગ બંધ રહેવાનાં છે. સોમવારના ૫૦૦ પૉઇન્ટના સુધારાને આગળ ધપાવવાના મૂડમાં સેન્સેક્સ ૧૬૭ પૉઇન્ટ પ્લસમાં, ૭૮,૭૦૭ ખૂલી ઉપરમાં ૭૮,૮૭૭ વટાવી ગયો હતો. જોકે આ મજબૂતી શરૂઆતના એકાદ કલાક પૂરતી જ હતી. બજાર પછીથી ઘસાતું રહી નીચામાં ૭૮,૩૯૮ થઈ છેવટે ૬૭ પૉઇન્ટ ઘટીને ૭૮,૪૭૩ બંધ થયું છે. નિફ્ટી ૨૮ પૉઇન્ટ ઘટી ૨૩,૭૨૭ હતો. બજારના મોટા ભાગના સેક્ટોરલ માઇનસ હતા. FMCG, ઑટો, ઑઇલ-ગૅસ જેવા ઇન્ડેક્સ અડધો ટકો વધ્યા હતા. મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પીએસયુ બૅન્ક નિફ્ટી, પાવર, યુટિલિટીઝમાં અડધાથી એકાદ ટકાની નરમાઈ હતી. માર્કેટ બ્રેડ્થ થોડીક પૉઝિટિવ હતી. NSEમાં વધેલા ૧૪૪૩ શૅર સામે ૧૩૩૪ જાતો ઘટી છે. રિવાઇઝ્ડ ફીગર પ્રમાણે બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૪૪૧.૮૧ લાખ કરોડે યથાવત હતું.
મોટા ભાગનાં એશિયન બજારમાં સોમવારનો સુધારો આગળ વધ્યો છે. ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ એક ટકો, થાઇલૅન્ડ તથા સિંગાપોર અડધો ટકો અપ હતાં. જપાન, સાઉથ કોરિયા તેમ જ ઇન્ડોનેશિયા નહીંવતથી સાધારણ નરમ હતાં. યુરોપ ખાતે જર્મની રજામાં હતું. અન્યત્ર રનિંગમાં અડધા ટકા આસપાસ સુધારો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૩,૯૨૪ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૧૫,૦૩૬ થઈ રનિંગમાં ૧૫૬૧ પૉઇન્ટના ઘટાડે ૧,૧૨,૩૬૩ દેખાયું છે. બિટકૉઇન ૯૪,૭૫૦ ડૉલરના આગલા બંધ સામે છેલ્લા ૨૪ કલાકમાં નીચામાં ૯૨,૬૨૮ અને ઉપરમાં ૯૬,૩૮૬ ડૉલર બતાવી રનિંગમાં ૯૩,૭૯૯ ચાલતો હતો.
તાતા મોટર્સ બે ટકા નજીક વધી ૭૩૬ના બંધમાં બન્ને બજાર ખાતે મોખરે હતી. એ હવે ૨.૭૧ લાખ કરોડના માર્કેટકૅપ સાથે ઝોમાટોથી આગળ નીકળી ગઈ છે. ઝોમાટો નજીવા સુધારે ૨.૬૫ લાખ કરોડના માર્કેટકૅપ સાથે ૨૭૫ નજીક બંધ હતી. અન્યમાં અદાણી એન્ટરપ્રાઇઝ દોઢ ટકા નજીક, ભારત પેટ્રો એક ટકો તથા આઇશર અને આઇટીસી ૦.૯ ટકા વધ્યા હતા. પાવરગ્રીડ ૧.૬ ટકા જેવી નરમાઈમાં ૩૧૦ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. JSW સ્ટીલ, SBI લાઇફ, ટાઇટન, સ્ટેટ બૅન્ક, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, હિન્દાલ્કો, ગ્રાસિમ એકથી દોઢ ટકો ડાઉન હતા.
રિલાયન્સ નામપૂરતી સુધરી ૧૨૨૩ વટાવી ગઈ છે. એના ટેલિકૉમ બિઝનેસમાં ચાર માસ દરમ્યાન ૧૬૫ લાખ ગ્રાહક ઓછા થયા હોવાના માઠા સમાચારની હાલ કોઈ પ્રતિકૂળ અસર વરતાઈ નથી. ટીસીએસ અડધો ટકો પ્લસ તો ઇન્ફી પોણો ટકો માઇનસ થયા છે. અલ્ટ્રાટેકને ટેકઓવર માટે મળેલી મંજૂરી પાછળ આગલા દિવસે આઠ ટકા વધેલી ઇન્ડિયા સિમેન્ટ ગઈ કાલે બે ટકા સુધરી ૩૭૩ હતી. સ્ટાર સિમેન્ટ દોઢ ટકો ઘટી છે. મારુતિ સુઝુકી વધુ પોણા ટકાની નરમાઈમાં ૧૦,૭૩૫ થઈ છે. અદાણી પોર્ટ્સ પોણો ટકો, અદાણી પાવર દોઢ ટકા, એસીસી એક ટકા, અંબુજા દોઢ ટકો, સાંધી ઇન્ડ. દોઢ ટકો માઇનસ હતા. અદાણી વિલ્મર સવા ટકો તથા NDTV અડધો ટકો સુધરી છે.
તાતા કૅપિટલનો ભાવ અનલિસ્ટેડ માર્કેટમાં વધી ૯૭૫ થયો
તાતા કૅપિટલ ૧૫,૦૦૦ કરોડનો ઇશ્યુ લાવવા સક્રિય બની હોવાના અહેવાલ પાછળ તાતા ગ્રુપના કેટલાક શૅર ઝળક્યા છે. અનલિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ જે મિડ-નવેમ્બર ૨૦૨૩ સુધી ૪૬૦ આસપાસ સ્થિગત હતો એ વધતો રહી એપ્રિલમાં ૧૧૨૫ થયા બાદ હાલમાં ૯૭૫ ચાલે છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. તાજેતરમાં ૧૮ ડિસેમ્બરે ભાવ ૮૬૦ હતો, જ્યારે સોમવારે શૅર ૮૯૯ બોલાતો હતો. તાતા કૅપિટલના આઇપીઓની હિલચાલ ગઈ કાલે તાતા ઇન્વેસ્ટમેન્ટને સારી ફળી છે. ભાવ ૨૧ ગણા કામકાજમાં ઉપરમાં ૭૪૦૭ થઈ અંતે ચાર ટકા કે ૨૬૭ રૂપિયા વધી ૬૭૯૯ બંધ થયો છે. તાતા સ્ટીલ જેમાં પ્રમોટર્સ તરીકે ૩૪ ટકા પ્લસનું હોલ્ડિંગ ધરાવે છે એ તાતા ગ્રુપની અન્ય કંપની ટીઆરએફ લિમિટેડ ૩૭ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૦૩ બતાવી ૪૬૬ બંધ હતી. તાતા સ્ટીલ સામે એક ટકાની નરમાઈમાં ૧૪૦ હતી. તાતા કેમિકલ્સ ૧૧૦૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ત્રણ ટકા વધી ૧૦૬૭, તેજસ નેટ ઉપરમાં ૧૨૫૮ થઈ ત્રણ ટકા વધી ૧૨૨૫, રાલિસ ઇન્ડિયા ૩૦૧ થયા બાદ ૨.૮ ટકા વધી ૩૦૦, તાતા મોટર્સ ૭૪૫ દેખાડી બે ટકા વધી ૭૩૬, તાતા કમ્યુનિકેશન ૧૭૩૦ નજીક જઈ અડધો ટકો વધી ૧૭૨૧, તાતા પાવર ૪૦૫ વટાવી નજીવા ઘટાડે ૩૯૯, ટીસીએસ ઉપરમાં ૪૨૧૭ બતાવી અડધો ટકો વધી ૪૧૮૦, તાતા ટેક્નૉ ૯૨૩ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી બે ટકા વધી ૯૦૯, તાતા ઍલેક્સી ૭૦૧૨નો ઊંચો ભાવ દેખાડી અડધો ટકો ઘટી ૬૮૬૪, વૉલ્ટાસ ૧૭૦૨ વટાવી દોઢ ટકો ઘટી ૧૬૭૨, ટાઇટન ૩૪૧૭ નજીક જઈ એક ટકાની નરમાઈમાં ૩૩૬૩, ઇન્ડિયન હોટેલ્સ ૮૭૩ થયા બાદ સહેજ સુધરી ૮૬૩ બંધ રહી છે. તાતા કૅપિટલના ૧૫,૦૦૦ કરોડના મેગા ભરણાથી એમાં હિસ્સો ધરાવતી તાતા ગ્રુપની કેટલીક ટોચની કંપનીઓ લાભ ખાટશે એવી ધારણા પાછળ શરૂઆતમાં તાતા ગ્રુપના ઘણા શૅર વધ્યા હતા, પરંતુ પછી હોલ્ડિંગ પેટર્નમાં કોઈ નામ ન દેખાતાં મોટા ભાગની જાતો પાછી પડી હતી.
મુંબઈના ગાંવદેવીની નૉલેજ મરીન સાડાત્રણ વર્ષમાં ૩૭થી ૨૪૮૩ થઈ
સિજીલિટી ઇન્ડિયા પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૯ નજીક ઑલટાઇમ હાઈ થઈ ત્યાં જ બંધ રહી છે. કંપની નવેમ્બરના પ્રથમ સપ્તાહે ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી ૨૧૦૬ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ લાવી હતી. આર.ઝેડ. ઘરાનાની ઇન્વેન્યર્સ નૉલેજ સવા ટકો વધી ૧૯૨૩ રહી છે. તાજેતરમાં આર.ઝેડ. ઘરાનાની આ કંપની એકના શૅરદીઠ ૧૩૨૯ના ભાવથી ૨૪૯૮ કરોડનો ઇશ્યુ લાવી હતી. બન્નેનું બિઝનેસ મૉડલ લગભગ સરખું છે. ઇન્વેન્ચર્સ કરતાં સિજીલિટીમાં કરેલું રોકાણ મધ્યમથી લાંબા ગાળે વધુ ઊગી નીકળશે. અંબર એન્ટરપ્રાઇઝ તેના ઇલેક્ટ્રૉનિકસ બિઝનેસને ડી-મર્જ કરવા વિચારી રહી હોવાના અહેવાલમાં શૅર સતત બીજા દિવસે ઊછળી ૭૪૯૯ની ઑલટાઇમ હાઈ બતાવી ૫.૨ ટકા કે ૩૬૦ રૂપિયા વધી ૭૨૫૧ બંધ થયો છે.
મુંબઈના ગાંવદેવી-ઈસ્ટ ખાતેની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૧૦૧૨ લાખનો BSE SME ઇશ્યુ માર્ચ ૨૦૨૧માં લાવી હતી. ઇશ્યુ માંડ ત્રણ ગણો ભરાયો હતો. ૨૦૨૧ની બાવીસ માર્ચે લિસ્ટિંગમાં ભાવ ૩૮ બંધ થયો હતો. આ શૅર કશાક જાદુ કે કારીગીરી પાછળ વધતો રહી પાંચમી ડિસેમ્બરે ૨૪૮૩ના બેસ્ટ લેવલે ગયો. હવે કંપનીએ ૧૦ના શૅરનું પાંચમાં વિભાજન જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૨૯૪ થઈ અઢી ટકા વધી ૨૨૧૫ હતો. વર્ષ ૨૦૨૨-’૨૩માં ૧૯૪ કરોડની આવક પર ૪૬ કરોડના નફા સામે ગત વર્ષે ૧૩૯ કરોડની આવક પર ૨૭ કરોડ નફો કરનારી આ કંપનીનું માર્કેટકૅપ અત્યારે લગભગ ૨૪૦૦ કરોડનું છે. ડિવિડન્ડ આપતી નથી. પ્રમોટર્સ સિંધી છે. તેમની પાસે ૬૦.૭ ટકા શૅર છે. સેબી જાગશે? શક્તિ પમ્પ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૧૧ના શિખરે બંધ રહી છે. ૨૦૨૩ની ૨૮ ડિસેમ્બરે ભાવ ૧૬૨ના તળિયે હતો.
સોલર ૯૧નો આઇપીઓ સ્થગિત, BSE હવે તપાસ કરશે!
ગાઝિયાબાદની નેસ્ડાક કે નેકડાક ઇન્ફ્રા સ્ટ્રક્ચર ૧૦ના શૅરદીઠ ૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૫૦ના પ્રીમિયમ સામે ટનાટન લિસ્ટિંગમાં ૬૬ ખૂલી ઉપલી સર્કિટમાં ૭૦ નજીક જઈ ત્યાં જ બંધ થતાં એમાં ૧૦૦ ટકાનું રિટર્ન મળી ગયું છે. ૧૦ કરોડ રૂપિયાનો આ BSE SNE IPO કુલ ૨૨૧૦ ગણો છલકાયો હતો જે એક વિક્રમ છે. દરમ્યાન જયપુરની સોલર ૯૧ ક્લીનટેક ૧૦ના શૅરદીઠ ૧૮૫ની અપર બૅન્ડથી ૧૦૬ કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ જે આજે કરવાની હતી એને મીડિયામાં વ્યાપક ફરિયાદને લઈ BSEના સત્તાવાળાઓએ અટકાવી દીધો છે. સત્તાવાળા હવે એની તપાસ કરીને ઘટતું કરશે. સવાલ એ છે કે BSEના સાહેબોએ શું જોઈને આ ઇશ્યુને મંજૂરી આપી હતી? મંજૂરી આપતી વખતે તેમણે શું તપાસ કરી હતી?
ગઈ કાલે સેનોરેસ ફાર્મા કુલ ૯૮ ગણા, વેન્ટિવ હૉસ્પિટલિટી સાડાદસ ગણા અને કેરારો ઇન્ડિયા સવા ગણા પ્રતિસાદ સાથે પૂરાં થયાં છે. ગ્રે માર્કેટમાં સેનોરેસમાં ૨૩૦ અને વેન્ટિવમાં ૫૩નું પ્રીમિયમ ચાલે છે, તો યુનિમેક ઍરોસ્પેસ બીજા દિવસના અંતે કુલ ૧૯ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ વધીને ૫૧૦ થયું છે. આ ઇશ્યુ ગુરુવારે બંધ થશે. ગુરુવારે મુંબઈની આઇડેન્ટિકલ બ્રેઇન્સનું લિસ્ટિંગ છે. પ્રીમિયમ ૪૦ છે. આ ઉપરાંત ગુરુવારના રોજ નવી દિલ્હી ખાતેની અન્ય કે આન્યા પોલિટેક ઍન્ડ ફર્ટિલાઇઝર્સ બે રૂપિયાના શૅરદીઠ ૧૪ની અપર બૅન્ડમાં ૪૪૮૦ લાખનો NSE SME ઇશ્યુ કરવાની છે. ગ્રે માર્કેટમાં ત્રણ રૂપિયાથી પ્રીમિયમ શરૂ થયેલું છે. વર્ષ ૨૦૨૧-’૨૨માં ૯૨ કરોડની આવક પર ૭૦ લાખ નફો કરનારી આ કંપનીની રિઝર્વ ત્યારે માઇનસ ૯૭૬ લાખ રૂપિયા હતી. ગત વર્ષે કંપનીએ ૧૨૫ કરોડની આવક પર લગભગ એક કરોડ નજીક નેટ નફો બતાવ્યો છે. રિઝર્વ ૫૮૫ લાખ પ્લસમાં આવી ગઈ છે. કંપનીના માથે હાલ ૪૮ કરોડનું દેવું છે.