31 December, 2024 07:21 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
અદાણી વિલ્મરનો ૪૪ ટકા હિસ્સો વેચી અદાણી એન્ટરપ્રાઇઝ એક્ઝિટ લેશે : અદાણી એન્ટરપ્રાઇઝ ૧૮૨ રૂપિયાની તેજીમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર : એસ્ટ્રાઝેનેકા ૧૫ ટકા અને ફાઇઝર ૧૦ ટકા ઊછળી : બજાજ હોલ્ડિંગ્સ ૧૨૯૦ના જમ્પમાં બેસ્ટ લેવલે બંધ : ઝોમાટો સેન્સેક્સ ખાતે ઝળક્યો : દહેજ પ્લાન્ટની હોનારતમાં ગુજરાત ફ્લુરોકેમ બગડ્યો : આઇટીઆઇ લિમિટેડ ૧૫ ટકાની છલાંગ મારી ‘એ’ ગ્રુપમાં મોખરે : તાજેતરમાં લિસ્ટેડ લગભગ તમામ શૅર ખરડાયા : યુનિમેક ઍરોસ્પેસ આજે લિસ્ટિંગમાં જશે, ગ્રે માર્કેટમાં ૬૭૫નું પ્રીમિયમ
વિશ્વબજારોના ઢીલા વલણ વચ્ચે સોમવારે સેન્સેક્સ ૬૨ પૉઇન્ટ જેવો નરમ, ૭૮,૬૬૭ ખૂલી છેવટે ૪૫૧ પૉઇન્ટની નબળાઈમાં ૭૮,૨૪૮ અને નિફ્ટી ૧૬૮ પૉઇન્ટ ઘટીને ૨૩,૬૪૫ બંધ થયો છે. માર્કેટ ઢીલું ખુલ્યા પછી ક્રમશઃ સુધારાની ચાલમાં દિવસના મધ્ય ભાગે ઉપરમાં ૭૯,૦૭૩ નજીક ગયું હતું અને ત્યાંથી ક્રમશઃ ધોવાણમાં શૅર આંક નીચામાં ૭૮,૦૭૭ થઈ ગયો હતો. બજારના બહુમતી સેક્ટોરલ માઇનસ થયા છે. સેન્સેક્સ તથા નિફ્ટીની અડધા ટકા જેવી નરમાઈ સામે નિફ્ટી મીડિયા ૧.૯ ટકા, નિફ્ટી ઑટો દોઢ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, કૅપિટલ ગુડ્સ પોણાબે ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા, પાવર બેન્ચમાર્ક પોણો ટકો ડાઉન હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૫,૨૪૩ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સવા ટકો વધી ૪૫,૧૬૭ બંધ રહ્યો છે. નિફ્ટી ફાર્મા પણ ૨૦માંથી ૧૨ શૅરની હૂંફમાં એક ટકાથી વધુ મજબૂત હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૩૫૮ પૉઇન્ટ કે પોણા ટકા જેવો કટ થયો હતો. બીએસઈનો આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૩૩ શૅરની નરમાઈ વચ્ચે ૦.૩ ટકા જેવો તો નિફ્ટી આઇટી ૧૦માંથી ૬ શૅરના સુધારામાં ૨૫૦ પૉઇન્ટ કે ૦.૬ ટકા નજીક પ્લસ હતો.
એશિયા ખાતે ઇન્ડોનેશિયા અડધો ટકો અને ચાઇના તથા સિંગાપોર નહીંવત સુધર્યાં હતાં. સામે જપાન એક ટકો, તાઇવાન સાધારણ, હૉન્ગકૉન્ગ-થાઇલૅન્ડ, સાઉથ કોરિયા નહીંવત નરમ હતાં. યુરોપ રનિંગમાં નહીંવતથી સાધારણ નરમાશ બનાવતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ઉપરમાં ૯૫,૧૩૨ ડૉલરથી નીચામાં ૯૨,૮૫૦ ડૉલર થઈ રનિંગમાં સવા ટકાના ઘટાડે ૯૩,૮૩૩ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૧,૩૫૧ના આગલા બંધ સામે ઉપરમાં ૧,૧૫,૪૨૨ બનાવી ૪૦૨૯ પૉઇન્ટ ઊચકાઈ ૧,૧૫,૩૮૦ રનિંગમાં જોવાયું છે.
આઇઓએલ કેમિકલ્સે ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન નક્કી કર્યું છે. શૅર ૪૩૨ વટાવ્યા બાદ દોઢ ટકો વધી ૪૧૬ હતો. ઓલા ઇલેક્ટ્રિકમાં માર્કેટિંગ તેમ જ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ પદાધિકારીઓએ અચાનક રાજીનામાં આપ્યાં છે. શૅર નીચામાં ૮૪ થઈ સાડાપાંચ ટકા ખરડાઈ ૮૫ રહ્યો છે. JSW એનર્જીની સબસિડિયરી JSW નિઓએ રીન્યુએબલ એનર્જી પ્લૅટફૉર્મ ઓટુ પાવરને ૧૪૭ કરોડ ડૉલરની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુથી હસ્તગત કરવાના કરાર કર્યા છે. આની અસરમાં JSW એનર્જીનો શૅર સાતેક ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૭૩ વટાવી ૩ ટકા વધી ૬૪૪ હતો. ગુજરાત ફ્લુરોકેમના દહેજ પ્લાન્ટમાં ગોઝારો અકસ્માત થયો છે. ૪ જણે જીવ ગુમાવ્યો છે. પ્લાન્ટ કામચલાઉ ધોરણે બંધ કરવો પડ્યો છે. શૅર સાડાત્રણ ગણા કામકાજે નીચામાં ૪૧૦૪ થઈ સવાછ ટકા કે ૨૭૭ રૂપિયા ગગડી ૪૧૧૯ બંધ હતો. અદાણી ટોટલ ગૅસ લગભગ છ ગણા વૉલ્યુમે ઉપરમાં ૭૮૧ વટાવી ૧૧.૨ ટકા કે ૭૬ રૂપિયાના જમ્પમાં ૭૫૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. બજાજ હોલ્ડિંગ્સ ૧૩,૨૨૧ની વિક્રમી સપાટી હાંસલ કરી ૧૧.૪ ટકા કે ૧૨૯૦ના ઉછાળે ૧૨,૫૯૩ થયો છે. ફાઇઝર ૧૦ ટકા કે ૪૮૮ રૂપિયાની તેજીમાં ૫૩૬૭ હતો. ગોડફ્રે ફિલિપ્સ ૪૬૪ રૂપિયા કે પોણાનવ ટકા અને થર્મેક્સ ૩૭૫ રૂપિયા કે સાડાઆઠ ટકા ગગડ્યા હતા.
ચંડીગઢની ઇન્ફો ફાર્મ અને અમદાવાદની ટેક્નિકેમ આજે મૂડીબજારમાં
કૅલેન્ડર વર્ષ ૨૦૨૪ના આખરી દિવસે આજે મંગળવારે બે ઇશ્યુ ખૂલવાના છે. મેઇન બોર્ડમાં ચંડીગઢની ઇન્ફો ફાર્મ ઇક્વિપમેન્ટ ૧૦ના શૅરદીઠ ૨૧૫ની અપર બૅન્ડમાં ૭૪૨૫ લાખની OFS સહિત કુલ ૨૬૦ કરોડ પ્લસનો આઇપીઓ કરશે. છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન આવક સામે ૧૫૬૦ લાખ નફો કરનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં ૭૪ કરોડની આવક પર અઢી કરોડ નજીક ચોખ્ખો નફો કર્યો છે. કંપનીનું દેવું ૨૪૫ કરોડ છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બેથી સાડાત્રણ રૂપિયા આસપાસ છે. છેલ્લાં ત્રણ વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૬૬ કરતાં વધુનો પીઇ સૂચવે છે. ગ્રે માર્કેટમાં આવી કંપનીનાય ૮૦ જેવા પ્રીમિયમ બોલાય છે. અમદાવાદી કેમિકલ્સ કંપની ટેક્નિકેમ ઑર્ગેનિક્સ ૧૦ના શૅરદીઠ પંચાવનની અપર બૅન્ડમાં ૨૫૨૫ લાખનો BSE SME IPO મંગળવારે કરશે. વર્ષ ૨૦૨૧-’૨૨માં કંપનીની આવક ૬૮ કરોડ જેવી હતી એ ઘટી ગત વર્ષે ૪૭ કરોડ રહી છે પણ નફો ૩૪૨ લાખથી ઊછળી ૪૭૩ લાખ નજીક પહોંચી ગયો છે. દેવું ૧૭ કરોડ જેવું છે. ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ પોણાત્રણ રૂપિયા આસપાસ છે. ગત વર્ષના સુપર પ્રૉફિટ પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૦નો પીઇ બતાવે છે. પ્રીમિયમ ૧૧ ચાલે છે.
અન્ય પૉલિકેમનો બેના શૅરદીઠ ૧૪ના ભાવનો ૪૪૮૦ લાખનો SME ઇશ્યુ કુલ ૪૩૭ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ થોડુંક વધીને પાંચ થયું છે. મુંબઈની સિટીકેમ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૨૬૦ લાખનો SME ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૧૭૩ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૩૧ ચાલે છે.
સેનોરેસમાં ૪૩ ટકા રિટર્ન, કેરારો ઇન્ડિયાનું ખરાબ લિસ્ટિંગ
સોમવારે ત્રણ આઇપીઓ લિસ્ટેડ થયા છે. ગુજરાતના સાણંદ ખાતેની સેનોરેસ ફાર્મા ૧૦ના શૅરદીઠ ૩૯૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં છેલ્લે બોલાતા ૨૮૪ના પ્રીમિયમ સામે ૫૯૪ ખૂલી ઉપરમાં ૬૦૯ તથા નીચામાં ૫૩૪ બતાવી ૫૫૮ બંધ થતાં એમાં ૪૨.૭ ટકા કે શૅરદીઠ ૧૬૭ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. પુણેની વેન્ટિવ હૉસ્પિટલિટી એકના શૅરદીઠ ૬૪૩ની મારફાડ ઇશ્યુ પ્રાઇસ તથા ૮૦ના પ્રીમિયમ સામે ૭૧૮ ખૂલી ઉપરમાં ૭૪૯ તથા નીચામાં ૭૦૧ થઈ ૭૦૪ બંધ થતાં એમાં સાડાનવ ટકા કે ૬૧ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે પુણેની અન્ય કંપની કેરારો ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૦૪ની ઇશ્યુ પ્રાઇસ સામે બિલો પાર, ૬૬૦ ખૂલી ઉપરમાં ૬૮૨ અને નીચામાં ૬૩૧ બતાવી ૬૩૬ બંધ રહેતાં એમાં ૯.૬ ટકાની કે શૅરદીઠ ૬૮ રૂપિયા લિસ્ટિંગ લોસ ગયો છે. કેરારો ઇન્ડિયાના આઇપીઓમાં ગ્રે માર્કેટ શરૂથી જ ઉદાસીન હતું. કોઈ કામકાજ શરૂ થયું નહોતું. બૅન્ગલોર નૉર્થ ખાતેની યુનિમેક ઍરોસ્પેસનો પાંચના શૅરદીઠ ૭૮૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ૫૦૦ કરોડનો ઇશ્યુ કુલ ૧૮૪ ગણો છલકાયો હતો, એનું લિસ્ટિંગ આજે છે. હાલ પ્રીમિયમ ૬૭૫ આસપાસ બોલાય છે. શરૂઆત ૪૦૫થી લઈ હતી.
શુક્રવારે લિસ્ટેડ થયેલાં ભરણાંમાં ગઈ કાલે ડેમ કૅપિટલ ૬૮૨ના શિખરે જઈ ૧૦.૩ ટકા તૂટી ૩૭૨, ટ્રાન્સરેલ લાઇટિંગ ૦.૪ ટકા સુધરી ૫૫૫, સનાતન ટેક્સટાઇલ ૩૫૯ના તળિયે જઈ ૫.૪ ટકા ગગડીને ૩૬૮, મમતા મશીનરી ૬૪૯ના બેસ્ટ લેવલે જઈ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૫૯૮ થઈને ત્યાં જ તો કોન્ફોર્ડ એન્વીરો ૭૪૫ની નવી બૉટમ બનાવી સવાનવ ટકા બગડી ૯૫૨ બંધ રહ્યા છે. SME કંપની ન્યુ મલયાલમ સ્ટીલ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૧નો નવો ભાવ દેખાડી ત્યાં જ રહી છે. આ ઉપરાંત ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ૫.૭ ટકા, ઇન્વેન્ચર્સ નૉલેજ ૪.૫ ટકા અને યશ હાઈ વૉલ્ટેજ પાંચ ટકા તૂટ્યા હતા.
આઇટીસી છઠ્ઠી જાન્યુઆરીથી એક્સ–ડીમર્જર થશે, શૅર સહેજ નરમ
આઇટીસીમાં હોટેલ બિઝનેસના ડીમર્જર માટેની રેકૉર્ડ ડેટ છઠ્ઠી જાન્યુઆરી છે એટલે આઇટીસીના ૧૦ શૅરદીઠ ડીમર્જરથી અસ્તિત્વમાં આવતી આઇટીસી હોટેલ્સનો એક શૅર મેળવવાની પાત્રતા ત્રીજી જાન્યુઆરીની રહેશે. આ તારીખે જેના નામે આઇટીસીના શૅર હશે તેને હોટેલ કંપનીનો શૅર મળશે. છઠ્ઠી જાન્યુઆરીએ શૅરબજારોમાં ખાસ પ્રી-ઓપનિંગ સેશન યોજાશે જેમાં ડીમર્જર પછી આઇટીસીના શૅરની પ્રાઇસ ડિસ્કવરી નક્કી થશે. આઇટીસીનો શૅર ગઈ કાલે ઉપરમાં ૪૮૧ અને નીચામાં ૪૭૬ થઈ અંતે સામાન્ય ઘટાડે ૪૭૭ બંધ થયો છે.
ગઈ કાલે એકંદર નબળા બજારમાં અદાણી એન્ટરપ્રાઇઝ ગ્રોથ સ્ટોરીની થીમમાં ઉપરમાં ૨૬૧૦ બતાવી સાડાસાત ટકા કે ૧૮૨ રૂપિયાની તેજીમાં ૨૫૯૨ બંધ આપી નિફ્ટીમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો હતો. અદાણી હોટેલ ૧૧ ટકા તો NDTV નહીંવત પ્લસ હતો. અદાણી ગ્રીન ૨.૪ ટકા પ્લસ હતો. અદાણી પોર્ટ્સ એક ટકો નરમ હતો. ગ્રુપના અન્ય શૅર સામાન્ય વધઘટે બંધ થયા છે. ઝોમાટો સેન્સેક્સમાં સામેલ થયા પછી પ્રથમ વાર સવાચાર ટકા સુધરી ૨૮૩ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. સન ફાર્મા, HCL ટેક્નૉ, સિપ્લા એકથી બે ટકો સુધર્યા હતા. નિફ્ટી ખાતે હિન્દાલ્કો અઢી ટકા અને સેન્સેક્સમાં તાતા મોટર્સ સવાબે ટકા બગડીને ઘટવામાં મોખરે હતા. ટ્રેન્ટ, વિપ્રો, મહિન્દ્ર, JSW સ્ટીલ, ભારત ઇલેક્ટ્રિક, ટાઇટન, હીરો મોટોકૉર્પ, બજાજ ઑટો, HDFC લાઇફ, ONGC, કોટક બૅન્ક, તાતા સ્ટીલ, સ્ટેટ બૅન્ક, NTPC, ટાઇટન, મહિન્દ્ર દોઢથી અઢી ટકા ઘટ્યા છે.
HDFC બૅન્ક એક ટકા ઘટી ૧૭૭૮ના બંધમાં બજારને સર્વાધિક ૧૨૪ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્કની એક ટકાની તથા ઇન્ફીની એક ટકાની નરમાઈથી એમાં બીજા કુલ ૧૩૭ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. TCS નજીવી નરમાઈમાં ૪૧૫૮ બંધ આવ્યો છે. માર્કેટ લીડર ગણાતી રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૨૧૧ રહી છે. સરકારની ૯૦ ટકા માલિકીની આઇટીઆઇ લિમિટેડ પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૩૮૯ વટાવી ૧૫.૪ ટકાની તેજીમાં ૩૭૮ બંધ આવી ‘એ’ ગ્રુપ ખાતે મોખરે હતી. એસ્ટ્રાઝેનેકા ૩૦ ગણા કામકાજે ૭૫૯૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૯૫૨ રૂપિયા કે ૧૫ ટકા ઊછળી ૭૩૨૮ હતો.