13 December, 2024 08:08 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
એસીસી અને અંબુજાને બાદ કરતાં અદાણીના ૧૧માંથી ૯ શૅર વધીને બંધ : પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ નવા શિખર સાથે લાખેણી કંપની બની : ટ્રમ્પના આગમનથી ઈલૉન મસ્ક અને ટેસ્લાને ટેસડા, સવા મહિનામાં મસ્કની સંપિત્ત ૧૮૩ અબજ ડૉલર એટલે કે ૧૫.૫૩ લાખ કરોડ રૂપિયા વધીને ૪૪૭ અબજ ડૉલરના શિખરે : સરકારની નાલ્કો સાડાસાત ટકા ગગડી, તાતાની નેલ્કો છ ટકાની તેજીમાં ઑલટાઇમ હાઈ : ફૅક્ટરીમાં આગના પ્રકરણને ડાઉનપ્લે કરવા ઘાંઘા બનેલા મૅનેજમેન્ટને લીધે ગોપાલ સ્નૅક્સનો શૅર ગગડ્યો
વિશ્વના નંબર વન ધનકુબેર ઈલૉન મસ્કનો સિતારો જબરી બુલંદી પર છે. આ માણસની નેટવર્થ બુધવારે એક જ દિવસમાં ૬૨.૮ અબજા ડૉલર અર્થાત્ આશરે ૫.૩૩ લાખ કરોડ રૂપિયાના વિશ્વવિક્રમી ઉછાળા સાથે ૪૪૭ અબજ ડૉલર એટલે કે લગભગ ૩૮ લાખ કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. બુધવારે મસ્કની નેટવર્થમાં જે ૬૨.૮ અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે એમાં સ્પેસ એક્સમાંના હોલ્ડિંગના આંશિક વેચાણ મારફત ઊભા થયેલા ૫૦ અબજ ડૉલરનો સિંહફાળો છે. બાય ધ વે પાંચમી નવેમ્બરે ઈલૉન મસ્કની સંપત્તિ ૨૬૪ અબજ ડૉલર હતી. છેલ્લા સવા મહિનામાં એમાં ૧૮૩ અબજ ડૉલર એટલે કે ૧૫.૫૩ લાખ કરોડ રૂપિયાનો અગર તો ૬૯ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. ટ્રમ્પનો વિજ્ય અમેરિકાને કેટલો મજબૂત બનાવશે એની ખબર બહુ મોડી પડશે, પરંતુ હાલ તો મસ્કને જબ્બર જલસા થઈ ગયા છે. જેફ બેઝોસ વિશ્વમાં હાલમાં ૨૪૯ અબજ ડૉલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. ૯૭ અબજ ડૉલરના આંકડા સાથે અદાણી ૧૯મા ક્રમે છે. બુધવારે મસ્કની ટેસ્લાનો શૅર ૪૨૫ ડૉલર નજીક ઑલટાઇમ હાઈ બનાવી ૬ ટકા વધીને ૪૨૪.૭૭ ડૉલર બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૨૦૦ ડૉલર અને સવા મહિના પહેલાં પાંચમી નવેમ્બરે ૨૫૧ ડૉલર હતો. ટેસ્લાનું માર્કેટકૅપ અત્યારે ૧.૩૩ લાખ કરોડ ડૉલર અર્થાત્ ૧૧૨.૮૫ લાખ કરોડ રૂપિયા થયું છે. બાય ધ વે આપણા દેશની નંબર વન રિલાયન્સનું માર્કેટકૅપ હાલ ૧૭ લાખ કરોડ આસપાસ છે. અમેરિકાની એકલી ટેસ્લા બરાબર કેટલી રિલાયન્સ થાય એ હવે તમે જ ગણતરી માંડી લો. ઈલૉન મસ્કની સ્પેસ એક્સનું વૅલ્યુએશન ૩૫૦ અબજ ડૉલરનું મુકાય છે.
બિટકૉઇન છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૯૭૯૦૦ ડૉલરના બૉટમથી વધીને ઉપરમાં ૧૦૧૯૦૪ ડૉલર થયા બાદ રનિંગમાં ૧૦૦૮૪૫ ડૉલર દેખાયો છે. પાંચમી ડિસેમ્બરે અહીં ૧૦૩૮૧૦ ડૉલરની સર્વોચ્ચ સપાટી બની હતી. પાકિસ્તાનનું કરાચી શૅરબજાર ૧૧૩૬૧૨ની નવી ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં અઢી ટકા કે ૨૭૧૭ પૉઇન્ટની આગેકૂચમાં ૧૧૩૫૨૭ હતું. ફુગાવાના આંકડા આવ્યા પછી અમેરિકન ફેડ ડિસેમ્બરની પૉલિસી મીટિંગમાં વ્યાજદર ઘટાડશે એવી ધારણા પ્રબળ બની છે. નૅસ્ડૅક ઇન્ડેક્સ ૨૦૦૫૬ના શિખરે જઈ પોણાબે ટકાની મજબૂતીમાં ૨૦૦૩૩ નજીક બંધ થયો છે. ઇકૉનૉમીને સતેજ કરવા ચાઇનીઝ લીડર્સની મહત્ત્વની બેઠકને લઈ મોટા ભાગનાં એશિયન બજાર ગુરુવારે પ્લસ હતા. હૉન્ગકૉન્ગ તથા જપાન સવા ટકા નજીક, સાઉથ કોરિયા દોઢ ટકાથી વધુ, ચાઇના પોણા ટકા ઉપર, સિંગાપોર તથા તાઇવાન અડધા ટકા આસપાસ વધ્યા હતા. ઇન્ડોનેશિયા એકાદ ટકો નરમ હતું. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી પૂર્વે યુરોપનાં બજાર રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ જણાયાં છે. રશિયન ઑઇલ ઉપર નવા અંકુશ લાદવાની અમેરિકાની હિલચાલમાં બ્રેન્ટ ક્રૂડ ૭૪ ડૉલર નજીક મજબૂત દેખાયું છે.
સ્મૉલકૅપ નવી ટોચે જઈ નરમ, ૬૩ મૂન્સમાં તેજીનો વિરામ
ગુરુવારે સેન્સેક્સ આગલા બંધથી ૫૦ પૉઇન્ટ જેવો નીચે, ૮૧૪૭૭ નજીક ખૂલી સડસડાટ વધી ઉપરમાં ૮૧૬૮૧ થયો હતો અને ત્યાંથી સતત ઘસાતો રહી ૮૧૨૧૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી છેવટે ૨૩૬ પૉઇન્ટની કમજોરીમાં ૮૧૨૯૦ રહ્યો છે. નિફ્ટી ૯૩ પૉઇન્ટની નરમાઈમાં ૨૪૫૪૯ બંધ થયો છે. જૂજ અપવાદ બાદ ગણતાં બજારનાં તમામ સેક્ટોરલ માઇનસ હતાં. નિફ્ટી મીડિયા સવાબે ટકા, FMCG અને ઑઇલ ગૅસ બેન્ચમાર્ક એકાદ ટકા આસપાસ, ઑટો તેજ જ પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો કપાયા છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૫૭૮૨૮ની નવી ટૉપ બતાવી એક ટકાની નરમાઈમાં ૫૭૧૨૫ બંધ આવ્યો છે. બ્રૉડર માર્કેટ તથા મિડકૅપ અડધા ટકા જેવું ઢીલું હતું. સરવાળે ખરડાયેલી માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૮૯૬ શૅરસામે બમણાથી વધુ, ૧૯૦૪ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૩૦ લાખ કરોડ રૂપિયાના ઘટાડામાં ૪૫૮.૧૬ લાખ કરોડ રહ્યું છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ અતિ ટૂંકા ગાળામાં ૧૮ ટકા વધી ગયો હોવાથી અહીં પ્રૉફિટ બુકિંગનું ખાસ્સું જોર હતું. ૯૪૫માંથી અહીં ફક્ત ૧૯૦ શૅર પ્લસ હતા. સેન્ટમ ઇલેક્ટ્રૉનિક્સ ૧૪ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૩૩ના ઉછાળે ૧૯૯૯ વટાવી ગયો હતો. સરકારની ૫૧ ટકા માલિકીની નાલ્કો પાંચ ગણા કામકાજે સાડાસાત ટકા ગગડી ૨૩૧ના બંધમાં અહીં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ફૅક્ટરીમાં આગ લાગી હોવાના સમાચાર અને આ અહેવાલ ખાસ બહાર ન આવે એ માટે કંપની મૅનેજમેન્ટની દાદાગીરીની વાતો વહેતી થતાં રાજકોટની ગોપાલ સ્નૅક્સ નવ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૦૭ થઈ છેવટે સાતેક ટકા તૂટી ૪૨૧ બંધ થઈ છે. બ્લીસ જીવીએસ સવાચૌદ ટકા, સ્ટાર સિમેન્ટ્સ સવાનવ ટકા, શાલે હૉટેલ્સ નવ ટકાથી વધુ, MTNL સાડાસાત ટકા, સસ્તા સુંદર ૭ ટકા ઊંચકાઈ છે. શિલ્પા મેડી સાત ટકા તો દિશમાન સાડાસાત ટકા કપાઈ હતી.
ટૉસ ધ ડાઉનના SME ઇશ્યુને રીટેલમાં ૧૫૫૧ ગણો રિસ્પૉન્સ
સાઉથની એમરલ્ડ ટાયરનો શૅરદીઠ ૯૫નો ભાવ અને ગ્રેમાર્કેટમાં ૮૫ના પ્રીમિયમવાળો SME IPO ગઈ કાલે ૧૮૦ ખૂલી ઉપલી સર્કિટે ૧૮૯ ઉપર બંધ થતાં અહીં આશરે ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ટૉસ ધ કૉઇન કુલ ૧૦૨૬ ગણા તો જંગલ કૅમ્પસ કુલ ૪૦૨ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ અનુક્રમે ૨૦૦ તથા ૬૦ રૂપિયાનું છે. મેઇન બોર્ડમાં આરઝેડ ઘરાનાની લૂટમાર ઇશ્યુ પ્રાઇસ સાથે કુલ ૨૪૯૮ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ ગુરુવારે લાવી છે. ભરણું પ્રથમ દિવસે ૧.૪ ગણા નજીક ભરાઈ ગયું છે. પ્રીમિયમ ઘટીને ૩૭૫ બોલાય છે. વિશાલ મેગામાર્ટનો ૮૦૦૦ કરોડનો ઇશ્યુ અત્યાર સુધીમાં ૧.૬ ગણો, સાંઈ લાઇફ સાયન્સિસનો સવા ગણો તથા મોબિક્વિકનો ૨૧.૫ ગણો છલકાઈ ચૂક્યો છે. વિશાલમાં ગ્રેમાર્કેટ ખાતે ૧૭, સાંઈ લાઇફમાં ૨૪ તથા મોબિક્વિકમાં ૧૫૬નું પ્રીમિયમ ક્વોટ થાય છે. SME સેગમેન્ટમાં પુણેની સુપ્રીમ ફૅસિલિટીનો ઇશ્યુ અત્યાર સુધીમાં ૭.૭ ગણો તથા પર્પલ સેલ્સનો IPO ૨૮.૫ ગણો ભરાઈ ગયો છે. બન્ને ભરણાં આજે બંધ થશે. સુપ્રીમમાં હાલ ૨૪ રૂપિયા તથા પર્પલમાં ૫૦ રૂપિયાનું પ્રીમિયમ છે. બરોડાની યશ હાઈ-વૉલ્ટેજનો શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૧૧૦ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે ત્રણ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધીને ૧૧૦ બોલાવા માંડ્યું છે. બાય ધ વે, ટૉસ ધ કૉઇનનો ઇશ્યુ કુલ ૧૦૨૬ ગણો છલકાયો છેલ, પણ એમાં રીટેલ પૉર્શન તો ૧૫૫૧ ગણો પ્રતિસાદ મેળવી ગયું છે જે વિક્રમ કહી શકાય.
ઇન્ફી, ટેક મહિન્દ્ર, HCL ટેક્નૉ, વિપ્રોની સાથે આઇટી ઇન્ડેક્સમાં નવું બેસ્ટ લેવલ
ફેડ રેટમાં ઘટાડાની વધેલી આશા, નૅસ્ડૅકની મજબૂતી તથા ડૉલર સામે રૂપિયામાં નવા નીચા વર્સ્ટ લેવલથી પોરસાઈ આઇટી ઇન્ડેક્સ ૪૫૭૧૬ની સર્વોચ્ચ સપાટી નોંધાવી પોણા ટકા નજીક કે ૨૮૯ પૉઇન્ટની આગેકૂચમાં ૪૫૪૨૯ બંધ હતો. એના ૫૬માંથી જોકે ૨૨ શૅર જ પ્લસ હતા. ઇન્ફોસિસ ૧૯૯૯ નજીકની ઑલટાઇમ હાઈ બાદ એકાદ ટકો વધીને ૧૯૮૭ બંધ આવી બજારને ૫૬ પૉઇન્ટ ફળી છે. ટેક મહિન્દ્ર ૧.૭ ટકા વધી ૧૭૯૦ની નવી ટોચે બંધ આપી સેન્સેક્સમાં બેસ્ટ ગેઇનર હતી. વિપ્રો ૩૧૪ની વિક્રમી સપાટી દેખાડી ૩૦૯ના લેવલે યથાવત્ હતો. HCL ટેક્નૉલૉજીઝ ૧૯૪૯ નજીક સર્વોચ્ચ સપાટી બતાવી સામાન્ય સુધારે ૧૯૩૬ નજીક સરકી છે. TCS અડધા ટકાથી વધુ સુધર્યો છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૬૫૦૬ના શિખરે જઈ દોઢ ટકો વધી ૬૪૩૦ બંધ રહેતાં એનું માર્કેટકૅપ એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. તાતાની નેલ્કો ૧૪૯૫ની નવી ઊંચી સપાટીએ ગયું છે. તાતાની નેલ્કો ૧૪૯૫ની નવી ઊંચી સપાટી બનાવી ૬ ટકાના ઉછાળે ૧૪૭૪ રહી છે. ૬૩ મૂન્સ ૯૬૩ની નવી મલ્ટિયર ટૉપ હાંસલ કરી પ્રૉફિટ બુકિંગમાં પાંચ ટકાની નીચલી સર્કિટે ૮૭૩ બંધ થતાં અહીં તેજીનો અલ્પવિરામ જોવા મળ્યો છે.
નિફ્ટી ખાતે અદાણી એન્ટર બે ટકા નજીક અને ભારતી ઍરટેલ દોઢ ટકાથી વધુના સુધારે મોખરે હતી. ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો તો અદાણી પોર્ટ્સ પોણો ટકો અપ હતી. NTPC પોણાત્રણ ટકા અને હિન્દુસ્તાન યુનિલીવર સવાબે ટકા વધી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યા છે. હીરો મોટોકૉર્પ, કોલ ઇન્ડિયા, ભારત પેટ્રો, એસબીઆઇ લાઇફ, તાતા મોટર, અપોલો હૉસ્પિટલ્સ, તાતા કન્ઝ્યુમર, લાર્સન, કોટક મહિન્દ્ર, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, HDFC લાઇફ તથા બ્રિટાનિયા સવાથી બે ટકો બગડી હતી. રિલાયન્સ સવાયા વૉલ્યુમે એક ટકો ખરડાઈને ૧૨૬૪ નીચેના બંધમાં બજારને ૮૪ પૉઇન્ટ નડી છે. અદાણીના અન્ય શૅરોમાં અદાણી પાવર ચાર ટકા, અદાણી એનર્જી સવાત્રણ ટકા, અદાણી ગ્રીન ૬ ટકાથી વધુ, અદાણી ટોટલ પોણાબે ટકા મજબૂત હતી. ગ્રુપના ૧૧માંથી બે શૅર, એસીસી અને અંબુજા સિમેન્ટ્સ એક-એક ટકો નરમ હતા. ન્યુલૅન્ડ લૅબ મોટા બ્લૉકડીલની અસરમાં પોણાછ ટકા કે ૯૭૪ના ધબડકામાં ૧૫૯૭૫ બંધ થઈ છે. સ્કાય ગોલ્ડ ૪૬૮૦ની ઑલટાઇમ હાઈ બનાવી સવાચાર ટકા કે ૧૯૫ની ખરાબીમાં ૪૩૧૪ હતી. PNGS ગાર્ગી પણ પોણાચાર ટકા ખરડાઈ ૧૩૮૦ રહી છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૦૩૮૩ રૂપિયાના કડાકામાં ૧૯૭૨૫૬ બંધ આવી છે.