20 December, 2024 06:36 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ફેડ દ્વારા રેટ-કટની રફ્તાર ધીમી રહેવાના આકલનથી વિશ્વબજારો માયૂસ : રિલાયન્સ વર્ષના તળિયે જવાની ઉતાવળમાં, એશિયન પેઇન્ટ્સ ઝંખવાતો રહી નવી મલ્ટિયર બૉટમે : હેવીવેઇટ્સની આગેવાનીમાં આઇટી ઇન્ડેક્સ ડાઉન, લાટિમ ૩૪૧ રૂપિયા કપાયો : મમતા મશીનરી પ્રથમ દિવસે ૧૬ ગણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળીને ૨૦૦ રૂપિયે : ખરાબ બજારમાં BSE લિમિટેડ નવા બેસ્ટ લેવલ સાથે ૧૫૯ રૂપિયા અપ : પુણેની સુપ્રીમ ફૅસિલિટી નીચલી સર્કિટ સાથે નવા તળિયે
અમેરિકન મધ્યસ્થ બૅન્ક, ફેડ તરફથી વ્યાજદરમાં સતત ત્રીજી વખત ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ધારણા મુજબનો છે, પરંતુ હવે પછી વ્યાજદરમાં ઘટાડાની રફ્તાર ધીમી હશે. ૨૦૨૫ના વર્ષમાં તબક્કાવાર કુલ મળીને અડધા ટકાના ઘટાડાની શક્યતા દર્શાવી છે જે ધારણા મુજબની નથી. વિશ્લેષકો અને બજારનનાં વર્તુળો આગામી વર્ષે કુલ મળીને એક ટકાનો ફેડ રેટ ઘટવાની આશા લઈને બેઠા હતા તેમને મોટો આંચકો લાગ્યો છે. એ જ પ્રમાણે બિટકૉઇનને સ્ટ્રૅટેજિક રિઝર્વમાં સ્થાન આપવાની ટ્રમ્પની હિલચાલ પણ બર આવે એમ લાગતું નથી. ફેડના ચીફ જેરોમ પૉવેલે મક્કમતાથી ટ્રમ્પના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું છે. આ શક્ય નથી. આની અસરમાં બિટકૉઇન બગડ્યો છે. શૅરબજારો રડમસ બન્યાં છે. ગુરુવારે તમામ અગ્રણી એશિયન બજાર માઇનસ હતાં. રાજકીય અસ્થિરતાની સાથે ડૉલર સામે એનું ચલણ વૉન દોઢ દાયકાના તળિયે જતાં સાઉથ કોરિયન શૅરબજાર બે ટકા સાફ થયું છે. ઇન્ડોનેશિયા બે ટકા નજીક, થાઇલૅન્ડ પોણાબે ટકા, તાઇવાન એક ટકો, જપાન તથા સિંગાપોર અડધો-પોણો ટકો, હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ તો ચાઇના સાધારણ નરમ હતું. યુરોપ પણ રનિંગમાં પોણાથી સવા ટકો ડૂલ થયું છે. બિટકૉઇન ૧૦૫૩૨૦ ડૉલરની ઊંચી સપાટીથી ગગડી નીચામાં ૯૮૮૪૩ ડૉલર થઈ રનિંગમાં બે ટકાના ઘટાડે ૧૦૧૮૦૦ ડૉલર આસપાસ દેખાયો છે. પાકિસ્તાની શૅરબજાર સતત બીજા દિવસની ખરાબીમાં રનિંગમાં પોણાત્રણ ટકા બગડીને ૧૦૮૦૦૩ હતું. મંગળવારે અહીં ૧૧૭૭૪૫ની ઑલટાઇમ બની હતી.
સેન્સેક્સ આગલા બંધથી ૧૦૫૩ પૉઇન્ટની ખરાબીમાં ૭૯૦૨૯ ખૂલી છેવટે ૯૬૪ પૉઇન્ટ બગડી ૭૯૨૧૮ તથા નિફ્ટી ૨૪૭ પૉઇન્ટના ધબડકામાં ૨૩૯૫૨ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૯૦૨૦ તથા ઉપરમાં ૭૯૫૧૬ દેખાયો હતો. બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં હતા. નિફ્ટી ફાર્મા અપવાદ તરીકે પોણાબે ટકા અને હેલ્થકૅર બેન્ચમાર્ચ એક ટકા પ્લસ હતો. સેન્સેક્સ નિફ્ટીની એક-સવા ટકા જેવી નરમાઈ સામે રિયલ્ટી, બૅન્કિંગ, ફાઇનૅન્સ, કૅપિટલ ગુડ્સ, મેટલ, પાવર, પીએસયુ ઇન્ડેક્સ પોણાથી સવા ટકો માઇનસ હતા. અમેરિકા ખાતે નૅસ્ડૅક ઇન્ડેક્સ સાડાત્રણ ટકા લથડીને બંધ થતાં ઘરઆંગણે આઇટી બેન્ચમાર્ક નીચામાં ૪૪૧૭૩ થઈ અંતે એક ટકા કે ૫૧૨ પૉઇન્ટ કપાઈને ૪૪૭૩૧ બંધ રહ્યો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નબળાઈમાં એક ટકા કે ૫૬૪ પૉઇન્ટ ડાઉન હતો. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ જળવાયેલી છે. NSEમાં વધેલા ૧૦૯૫ શૅર સામે ૧૭૦૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટ કૅપ ૨.૮૪ લાખ કરોડ ઘટીને હવે ૪૪૯.૭૬ લાખ કરોડે આવી ગયું છે. થોડા દિવસ પહેલાં અહીંથી જણાવ્યું હતું એમ ડૉલર સામે છેવટે રૂપિયો ૮૫ની ઉપર નવા વર્સ્ટ લેવલે ગયો છે. જો આમ જ રહ્યું તો ૨૦૨૫ના અંત સુધીમાં ડૉલર ૯૦ રૂપિયાનો અવશ્ય થશે. ડૉલર સામે રૂપિયાની ખાનાખરાબી અર્થતંત્રને વધુ ડામાડોળ કરશે અને ફુગાવો નાથવાનું મુશ્કેલ બનશે.
ઓરેકલ ઑલટાઇમ હાઈ, ૬૩ મૂન્સ ચાર આંકડાની પાર
સેન્સેક્સ ખાતે સન ફાર્મા સવા ટકો વધી સામા પ્રવાહે ટૉપ ગેઇનર હતો. નિફ્ટીમાં ડૉ. રેડ્ડીઝ લૅબ ચાર ટકા, સિપ્લા સવાબે ટકા અને ભારત પેટ્રો ૨.૨ ટકા મજબૂત હતી. અન્યમાં અપોલો હૉસ્પિટલ, SBI લાઇફ, શ્રીરામ ફાઇનૅન્સ, આઇશર અડધા ટકા આસપાસ સુધર્યા હતા. સામે બજાજ ફિન સર્વ અઢી ટકા, JSW સ્ટીલ સવાબે ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૨ ટકા, ગ્રાસિમ બે ટકાથી વધુ, ભારત ઇલેક્ટ્રિક પોણાબે ટકો, ICICI બૅન્ક ૧.૮ ટકાના ઘટાડે વર્સ્ટ પર્ફોર્મર હતા. એશિયન પેઇન્ટ્સમાં બે એક્ઝિક્યુટિવ્સે રાજીનામાં આપ્યાં છે. શૅર ૨૨૬૬ની મલ્ટિયર નવું બૉટમ બનાવી બે ટકાની ખરાબીમાં ૨૨૯૬ હતો. પિઅર ગ્રુપમાં એક્ઝોનોબલ ૨.૭ ટકા, બર્ગર પેઇન્ટ્સ ૧.૭ ટકા અને કન્સાઇ નેરોલેક દોઢ ટકા માઇનસ હતી, પણ શાલીમાર પેઇન્ટ્સ ૪.૭ ટકા તથા કામધેનુ વેન્ચર્સ ૩.૫ ટકા મજબૂત હતી.
રિલાયન્સ ૧૨૧૮ નીચેનું તેનું વર્ષનું બૉટમ તોડવાની તૈયારીમાં છે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૨૨૯ થઈ અંતે પોણાબે ટકા ગગડી ૧૨૩૦ બંધ થતાં બજારને ૧૩૨ પૉઇન્ટનો માર પડ્યો છે. HDFC બૅન્કની એક ટકા નબળાઈ સેન્સેક્સને ૧૧૬ પૉઇન્ટ તો ICICI બૅન્કની પોણાબે ટકા ખરાબી ૧૪૭ પૉઇન્ટ નડી છે.
આઇટી હેવી વેઇટસમાં ટીસીએસ દોઢ ટકો, ઇન્ફોસિસ દોઢ ટકા, HCL ટેકનો. સવા ટકા, ટેક મહિન્દ્ર સવા ટકો માઇનસ હતા. લાર્સન માઇન્ડ ટ્રી કે લાટિમ ૫.૨ ટકા કે ૩૪૧ રૂપિયા ડૂલ થઈ છે. વિપ્રો ૩૧૨ના લેવલે ફ્લૅટ હતો. આઇટીમાં સાર્વત્રિક નબળાઈ વચ્ચે વકરાંગી ૧૦ ટકા ઊછળી ૩૨ વટાવી ગઈ છે. ૬૩ મૂન્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ચાર આંકડે, ૧૦૩૨ની મલ્ટિયર ટોચે બંધ થયો છે. ઓરેકલ ૧૨૯૨૯ની ઑલટાઇમ ટૉપ બનાવી સવાત્રણ ટકા કે ૪૧૦ની તેજીમાં ૧૨૮૦૦ બંધ આવી છે. ભાવ વર્ષ પૂર્વે ૪૧૧૬ હતો.
ગાઝિયાબાદની નેકડાકનો SME IPO ૨૫૦૪ ગણો છલકાયો
ગુરુવારે મેઇન બોર્ડમાં પાંચ ભરણાં ખૂલ્યાં એમાંથી ત્રણ પ્રથમ દિવસે જ પાર થઈ ગયાં છે. ગુજરાતના સાણંદની મમતા મશીનરીનો શૅરદીઠ ૨૪૩ના ભાવનો ૧૭૯ કરોડનો નાનકડો IPO ૧૬.૫ ઘણો છલકાઈ જતાં પ્રીમિયમ ઊછળીને ૨૦૦ બોલાવા લાગ્યું છે. મુંબઈ ફોર્ટ ખાતેની ડેમ કૅપિટલ ઍડ્વાઇઝર્સનો બે રૂપિયાના શૅરદીઠ ૨૮૩ના ભાવનો ૮૪૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ૨.૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધીને ૧૭૦ થયું છે. તો બ્રાંદરાની ટ્રાન્સરેલ લાઇટિંગનો બેના શૅરદીઠ ૪૩૨ના ભાવનો ૮૩૯ કરોડનો ઇશ્યુ પણ ૨.૧ ગણો ભરાઈ જતાં પ્રીમિયમ ઊંચકાઈને ૧૭૭ થયું છે. બ્રાંદરાની અન્ય કંપની કૉન્કૉર્ડ એન્વિરો સિસ્ટમ્સનો પાંચના શૅરદીઠ ૭૦૧ના ભાવનો ૫૦૦ કરોડનો IPO પ્રથમ દિવસે કુલ ૬૦ ટકા ભરાયો છે. પ્રીમિયમનાં કામકાજ ૭૦ રૂપિયાથી શરૂ થયાં છે. જ્યારે સેલવાસની સનાતન ટેક્સટાઇલનો ૧૦ના શૅરદીઠ ૩૨૧ના ભાવનો ૫૫૦ કરોડનો IPO કુલ ૪૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ વધીને હાલમાં ૬૦ બોલાય છે. SMEમાં કેરલાની ન્યુ મલયાલમ સ્ટીલનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૪૧૭૬ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ૨.૩ ગણો ભરાયો છે. એના પગલે ૩૦નું પ્રીમિયમ શરૂ થઈ ગયું છે. નેકડાક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શૅરદીઠ ૩૪ના ભાવનો ૧૦ કરોડનો SME ઇશ્યુ એના આખરી દિવસે કુલ ૨૫૦૪ ગણો છલકાઈને પૂરો થયો છે, જે વિક્રમ છે. પ્રીમિયમ સુધરીને ૫૦ થયું છે. મુંબઈના ઓશિવારાની આઇડેન્ટિકલ બ્રેઇન્સનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૯૯૫ લાખનો NSE SME ઇશ્યુ આજે પૂરો થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૧૪૫ ગણું ભરાઈ ગયું છે. પ્રીમિયમ ૪૦ જેવું છે.
આરઝેડની ઇન્વેન્ચર્સ નૉલેજનું ટનાટન લિસ્ટિંગ
પિરામલ એન્ટરપ્રાઇઝમાં જેફરીઝ તરફથી ૮૨૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ જારી થતાં ભાવ નીચામાં ૧૧૪૩ બતાવી સવાછ ટકા ખરડાઈ ૧૧૪૭ બંધ થયો છે. ડીએલએફમાં ૯૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી CLSA દ્વારા બાયની ભલામણ વચ્ચે શૅર નજીવી નરમાઈમાં ૮૭૧ બંધ હતો. શૉપર્સ સ્ટૉપ લાર્જ બ્લૉકડીલ પાછળ ૬૬૯ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૨.૨ ટકા વધી ૬૪૦ રહ્યો છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ દ્વારા ઓઇલસર ખાતે ૧૦૪ કરોડમાં આશરે ૭૧ એકર જમીન ખરીદવામાં આવી છે. શૅર ઉપરમાં ૨૭૯૦ થયા બાદ એક ટકાની કમજોરીમાં ૨૬૯૦ હતો. ક્રાફ્ટ્સમૅન ઑટોમેશન ૫૯૦૦ નજીક જઈ ૧૧ ટકા કે ૫૫૮ની તેજીમાં ૫૬૬૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે હતો. એક્ઝોનોબલ સાતેક ટકા તથા ગ્રેવિટા ઇન્ડિયા ૬.૯ ટકા ઊચકાયા છે.
શુક્રવારથી ઝોમાટો સેન્સેક્સમાં JSW સ્ટીલના સ્થાને સામેલ થવાનો છે. શૅર ઉપરમાં ૨૯૮ નજીક જઈ દોઢ ટકો ઘટી ૨૯૨ બંધ થયો છે. એનું માર્કેટકૅપ હાલ ૨.૮૨ લાખ કરોડ છે જે તાતા મોટર્સના ૨.૭૮ લાખ કરોડ કરતાંય વધુ છે. તાતા મોટર્સ ગઈ કાલે ત્રણ ટકા બગડી ૭૫૬ બંધ હતો. સ્વિગી દોઢ ટકાની નરમાઈમાં ૫૭૭ હતો. ૬૩ મૂન્સ ચાર આંકડે જવાની ઉતાવળમાં છે. ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૯૦ની મલ્ટિયર ટૉપ બનાવી સાડાચાર ગણા વૉલ્યુમે સવાચાર ટકાની આગેકૂચમાં ૯૮૩ થયો છે.