સેન્સેક્સ પોણાબે મહિના પછી નવા સર્વોચ્ચ શિખરે, નિફ્ટી બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈ, રોકડામાં સુધારો

15 September, 2023 01:50 PM IST  |  Mumbai | Anil Patel

બૅન્ક નિફ્ટી નવી વિક્રમી સપાટી સાથે સુધારામાં સૌથી મોખરે, મેટલ ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ થયો

પ્રતીકાત્મક તસવીર

ચાઇનીઝ ઇકૉનૉમ‌ી વધુ નહીં ખરડાય એવી આશા જાગતાં તમામ એશિયન બજારો વધીને બંધ, ક્રૂડ ૧૦ માસની ટોચે મજબૂત : જૂજ સેક્ટોરલના નહીંવત્ ઘટાડાને બાદ કરતાં બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ પ્લસ, માર્કેટ બ્રેડ્થ વધુ સ્ટ્રૉન્ગ બની : બૅન્ક નિફ્ટી નવી વિક્રમી સપાટી સાથે સુધારામાં સૌથી મોખરે, મેટલ ઇન્ડેક્સ લાઇફટાઇમ હાઈ થયો : વરલી ખાતેની જમીન ૫૨૦૦ કરોડમાં વેચતાં બૉમ્બે ડાઇંગ વૉલ્યુમ સાથે પાંચેક વર્ષની ઊંચી સપાટીએ : આયર્નઓરના ભાવવધારામાં એનએમડીસી નવી ટોચે : આર.આર. કેબલનો ઇશ્યુ ૧.૪ ગણો ભરાયો, ભરણું આજે બંધ થશે, ગ્રે માર્કેટમાં ૧૩૮નું બોલાતું પ્રીમિયમ

ઘણા દિવસ બાદ તમામ એશિયન શૅરબજાર વધીને ગુરુવારે બંધ થયાં છે. સાઉથ કોરિયા દોઢ ટકો, જપાન ૧.૪ ટકા, તાઇવાન સવા ટકાથી વધુ, સિંગાપોર તથા થાઇલૅન્ડ પોણો ટકો, ફિલિપીન્સ એક ટકો, ઑસ્ટ્રેલિયા અડધો ટકો, હૉન્ગકૉન્ગ અને ચાઇના સાધારણ સુધર્યાં છે. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી અડધા ટકા નજીક પ્લસ હતો, અન્યત્ર નહીંવત્ ઘટાડાની સ્થિતિ હતી. બ્રેન્ટ ક્રૂડ ૯૨.૫ ડૉલર ઉપર મજબૂત જણાયું છે. નવા ડેટાને જોતાં ચાઇનીઝ ઇકૉનૉમીની હાલત હવે વધુ નહીં ખરડાય એવી આશા જન્મી છે.

સળંગ નવ દિવસની આગેકૂચ બાદ ઘરઆંગણે સેન્સેક્સ ગઈ કાલે ૧૬૦ પૉઇન્ટ જેવો પ્લસમાં ૬૭,૬૨૭ ખૂલી બાવન પૉઇન્ટ વધીને ૬૭,૫૧૯ તથા નિફ્ટી ૩૩ પૉઇન્ટ વધી ૨૦,૧૦૩ બંધ થયો છે. ગુરુવારે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૬૭,૭૭૧ તથા નિફ્ટી ૨૦,૧૬૭ની નજીક ઑલટાઇમ હાઈ થયા હતા. બજારની મજબૂતી શરૂઆતના અડધા કલાક પૂરતી જ સીમિત હતી. ત્યાર પછી માર્કેટ ગણતરીની મિનિટોમાં જ માઇનસ ઝોનમાં દેખાયું હતું. પછીનો આખો દિવસ સાંકડી વધ-ઘટે ઉપર-નીચે થવામાં વીતી ગયો હતો. શૅર આંક નીચામાં ૬૭,૩૩૬ થયો હતો. મંગળવારે માર ખાધા પછી રોકડું એકંદર સારા સુધારાના પંથે છે. ગઈ કાલે પણ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ એક ટકા અને મિડ કૅપ બેન્ચમાર્ક પોણો ટકો અપ હતા. સ્મૉલ કૅપ ખાતે ૯૫૮માંથી ૭૧૮ શૅર વધીને બંધ થયા છે. બ્રૉડર માર્કેટ ૧૨૨ પૉઇન્ટ જેવું વધ્યું છે. નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મીડિયા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સાવ સાધારણ ઘટાડાને બાદ કરતાં બન્ને બૅન્ક નિફ્ટી ૫૦૩૨ની નવી વિક્રમી સપાટી બનાવી દોઢ ટકા, મેટલ બેન્ચમાર્ક ૧.૪ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧.૪ ટકા, પાવર-યુટિલિટી પોણાએક ટકા, ઑટો ઇન્ડેક્સ એકાદ ટકો, કૅપિટલ ગુડ્સ અને આઇટી બેન્ચમાર્ક અડધો ટકો, એનર્જી ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. એફએમસીજી તેમ જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બીએસઈ ખાતે લગભગ ફ્લૅટ બંધ થયો છે. માર્કેટ બ્રેડ્થની મજબૂતી વધતાં એનએસઈ ખાતે ગઈ કાલે ૧૫૦૨ શૅર વધ્યા હતા, સામે ઘટેલી જાતોની સંખ્યા ૫૩૭ જ નોંધાઈ છે. બજારનું માર્કેટ કૅપ ૧.૯૨ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં હવે ૩૨૨.૧૭ લાખ કરોડ વટાવી ગયું છે.

તાતા સ્ટીલ સવા વર્ષના શિખરે, રિલાયન્સ ફ્લૅટ, અદાણી સુસ્ત

ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૮ શૅર પ્લસ હતા. તાતા સ્ટીલ ૧૩૪ની સવા વર્ષની ટૉપ બનાવી ૧.૭ ટકા વધી ૧૩૨ હતો. મહિન્દ્ર સરેરાશ કરતાં અડધા વૉલ્યુમે અઢી ટકા વધી ૧૫૭૬ થયો છે. ટેક મહિન્દ્ર ૧.૬ ટકા, નેસ્લે ૧.૪ ટકા, પાવર ગ્રીડ એક ટકો અપ હતા. અલ્ટ્રાટેક ૮૭૦૪ના બેસ્ટ લેવલ બાદ અડધો ટકો વધી ૮૬૭૫ રહ્યો છે. નિફ્ટી ખાતે યુપીએલ ૩.૯ ટકા, હિન્દાલ્કો ત્રણેક ટકા, ઓએનજીસી ૨.૨ ટકા, આઇશર ૧.૮ ટકા ઝળકીને મોખરે હતા. ડિવીઝ લૅબ ૧.૮ ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકા, ભારત પેટ્રો ૦.૯ ટકા મજબૂત થયા છે. રિલાયન્સ આગલા લેવલથી ૧૦-૧૨ રૂપિયા ઉપર-નીચે થતો રહી અંતે નહીંવત્ ઘટાડે ૨૪૫૧ હતો. જિયો ફાઇ. એક ટકાના સુધારામાં ૨૪૩ હતો. અદાણી ગ્રુપમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ ૧.૭ ટકા, અદાણી ટોટલ એક ટકા, એનડીટીવી પોણો ટકો પ્લસ હતા. એસીસી સવા ટકો ઘટ્યો છે, બાકીના છ શૅર અતિ સાંકડી વધઘટે બંધ થયા છે.

સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ એક ટકો ઘટી ૩૨૩૯ હતો. આઇટીસી પોણો ટકો ઢીલો થયો છે. આ ઉપરાંત નિફ્ટીમાં કોલ ઇન્ડિયા પોણો ટકો, બ્રિટાનિયા પોણો ટકો, લાટિમ પોણો ટકો, તાતા કન્ઝ્યુમર અડધો ટકો ડાઉન થયા છે. સર્વેશ્વર ફૂડ શુક્રવારે શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થવાનો છે. ભાવ બે ટકા ઘટીને ૧૪૬ બંધ આવ્યો છે. જેબી કેમિકલ્સ બેના શૅરના એકમાં વિભાજનમાં સોમવારે એક્સ-સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે દોઢ ટકા વધી ૨૯૮૯ હતો. ટીન્ના રબર શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ અડધો ટકો ઘટી ૮૦૧ બંધ રહી છે.

સમી હોટેલ્સ અને ઝગલ પ્રીપેઇડના ઇશ્યુને સાધારણ પ્રતિસાદ, સમીનું પ્રીમિયમ ગગડ્યું

મુંબઈના વરલીની આર.આર. કેબલનો પાંચના શૅરદીઠ ૧૦૩૫ના ભાવનો ૧૯૬૪ કરોડનો ઇશ્યુ અત્યાર સુધીમાં કુલ ૧.૪ ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૩૮ રૂપિયા છે. ભરણું આજે, શુક્રવારે બંધ થશે. સતત ખોટ કરતી સમી હોટેલનો એકના શૅરદીઠ ૧૨૬ના ભાવનો ૧૩૭૦ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે સાત ટકા ભરાતાં પ્રીમિયમ ઘટી ૧૪ થયું છે. જ્યારે હૈદરાબાદી ઝગલ પ્રીપેઇડનો (એ પણ ખોટમાં જ છે) એકના શૅરદીઠ ૧૬૪ના ભાવનો ૫૬૩ કરોડનો ઇશ્યુ ગુરુવારે પ્રથમ દિવસે ૨૦ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૩૪ આસપાસ છે. અમદાવાદી ચાવડા ઇન્ફ્રાનો ૧૦ના શૅરદીઠ ૬૫ના ભાવનો ૪૩૨૬ લાખ રૂપિયાનો એનએસઈ એસએમઈ ઇશ્યુ ગઈ કાલે કુલ ૧૮૦ ગણો છલકાઈને પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૫૮ જેવું છે. મુંબઈના વસઈ-ઈસ્ટ ખાતેની કુંદન એડીફાઇસનો ૧૦ના શૅરદીઠ ૯૧ના ભાવનો ૨૫૨૨ લાખનો એસએમઈ ઇશ્યુ શુક્રવારે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૯.૭ ગણું ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટી ૨૧ આસપાસ આવી ગયું છે.

સિપ્લામાં પ્રમોટર્સ તરફથી તેમનો હિસ્સો વેચવા માટે શૅરદીઠ ૧૩૫૦ રૂપિયાનો ભાવ માગવામાં આવ્યો હોવાના અહેવાલ છે. શૅર એક ટકો વધી ૧૨૪૦ બંધ હતો. ઝી-સોનીના મર્જરને એનક્લેટ તરફથી અપાયેલી લીલી ઝંડી સામે ઍક્સિસ ફાઇનૅન્સ અપીલમાં ગઈ છે. ઝી એન્ટર નીચામાં ૨૬૮ થઈ એક ટકો ઘટીને ૨૭૩ નીચે બંધ રહી છે. ઝી મીડિયા દોઢ ટકો અને ડીશ ટીવી સાધારણ ઘટ્યા છે. આયર્નઓરના ભાવવધારાના પગલે એનએમડીસી બમણા વૉલ્યુમે ૧૫૧ના બેસ્ટ લેવલે જઈ સાડાપાંચ ટકા ઊછળી ૧૫૦ બંધ આવી છે. દરમ્યાન ગઈ કાલે શુગર શૅર જબરી ફેન્સીમાં હતા. ઉદ્યોગના ૩૫માંથી ૩૦ શૅર વધ્યા છે, જેમાંથી ૨૮ શૅર અઢી ટકાથી માંડીને સવાઅગિયાર ટકાની રેન્જમાં પ્લસ થયા છે. સંખ્યાબંધ જાતો નવી ટોચે ગઈ છે. ગઈ કાલે શક્તિ શુગર ૧૧.૩ ટકા, મગધ શુગર ૧૧ ટકા, ધામપુર શુગર ૧૦.૪ ટકા, દ્વારકેશ ૯.૮ ટકા, દાલમિયા શુગર સવાઆઠ ટકા, સિમ્ભોલી શુગર પોણાઆઠ ટકા, બજાજ હિન્દુસ્તાન સવાસાત ટકા, રાણા શુગર પોણાસાત ટકા, શ્રી રેણુકા અને ત્રિવેણી એન્જી સવાછ ટકા મજબૂત થઈ છે.

બૅન્કિંગના ૩૮માંથી ૩૦ શૅર વધ્યા, સેન્ટ્રલ બૅન્કમાં તેજીનો સૂસવાટો

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારામાં ૯૧ પૉઇન્ટ જેવો મામૂલી વધી ૪૬,૦૦૦ બંધ હતો, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરની તેજીમાં નવા બેસ્ટ લેવલે જઈ ૧.૬ ટકા ઊંચકાઈ વિક્રમી સપાટીએ બંધ થયો છે. બૅન્કિંગના ૩૮માંથી ૮ શૅર ડાઉન હતા. તામિલનાડુ બૅન્ક ૨.૮ ટકા અને યસ બૅન્ક એક ટકો ઘટી એમાં મોખરે હતી. સામે સેન્ટ્રલ બૅન્ક ૧૦.૭ ટકાના ઉછાળે ૪૪.૭૫, આઇઓબી ૫.૮ ટકા ઊંચકાઈ ૩૭, બૅન્ક ઑફ ઇન્ડિયા સાડાત્રણ ટકા વધી ૧૦૭, પીએનબી ૧.૬ ટકા વધીને ૭૪ નજીક, બૅન્ક ઑફ બરોડા દોઢ ટકો વધી ૨૧૨ નજીક, જેકે બૅન્ક એક ટકો વધી ૧૦૬ ઉપરના નવા શિખરે બંધ આવ્યા છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૯માંથી ૧૦૮ શૅરના સુધારામાં સાધારણ પ્લસ હતો. અત્રે જીઆઇસી હાઉસિંગ સવાસાત ટકા, પીએનબી હાઉસિંગ સાડાછ ટકા, આઇઆઇએફએલ સિક્યૉ. ૬.૪ ટકા, બીએફ ઇન્વેસ્ટમેન્ટ સાડાપાંચ ટકા, અબાન હોલ્ડિંગ્સ પોણાપાંચ ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સાડાચાર ટકા, મોનાર્ક સાડાચાર ટકા, જીઓજીત ફાઇ સવાચાર ટકા ઝળક્યાં હતાં. કેફીન ટેક ૪ ટકા ગગડી ૪૫૬ હતો. આઇટી ઇન્ડેક્સ ૩૩,૪૧૪ની વર્ષની નવી ટોચે જઈને અડધો ટકો કે ૨૧૦ પૉઇન્ટ વધી ૩૩,૨૧૫ હતો. અત્રે ૫૬માંથી ૪૩ શૅર વધ્યા છે. ટીસીએસ નહીંવત્ નરમ તો ઇન્ફી અડધા ટકાથી વધુ પ્લસ હતો. ઝેનસાર ટેક્નૉ પાંચ ટકા અને ડેટામૅટિક્સ સાડાચાર ટકા ઊંચકાયા છે. ટેલિકૉમમાં ઑપ્ટિમસ સાડાપાંચ ટકા ઊછળી ૩૩૫ વટાવી ગયો છે. ભારતી ૯૨૦ના બેસ્ટ લેવલ બાદ નામપૂરતો ઘટી ૯૧૫ની અંદર ગયો છે. કૅપિટલ ગુડ્સમાં સૂઝલોન પાંચ ટકા, પ્રાજ ઇન્ડ. ૩ ટકા, સોના કોમસ્ટાર ૨.૯ ટકા અપ હતા. પાવરમાં નૅશનલ હાયડ્રો આઠેક ટકા ઊછળી ૫૬ થયો છે. બાલક્રિશ્ના ઇન્ડ. ૪ ટકાની તેજીમાં ૨૪૯૬ બંધ આપી ઑટોમાં મોખરે હતો.

૩૧૦૦ કરોડનું માર્કેટ કૅપ ધરાવતી બૉમ્બે ડાઇંગ જમીન વેચીને ૫૨૦૦ કરોડ મેળવશે

ગઈ કાલે નસ્લી વાડિયા ગ્રુપના શૅર વૉલ્યુમ સાથે સારી ડિમાન્ડમાં હતા. બૉમ્બે ડાઇંગ તરફથી મુંબઈના વરલી ખાતે ૨૨ એકરની જમીન જૅપનીઝ સુમિટોમોની સબસિડિયરીને ૫૨૦૦ કરોડ રૂપિયામાં વેચવાનો સોદો થતાં આ શૅર સાત ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૮ ઉપર પાંચ વર્ષની નવી ટૉપ બનાવી છેલ્લે નવ ટકા વધી ૧૫૩ બંધ થયો છે. મઝાની વાત તો એ છે કે ગઈ કાલની તેજી પછી બૉમ્બે ડાઇંગનું માર્કેટ કૅપ ૩૧૬૨ કરોડ રૂપિયે પહોંચ્યું છે, એની સામે કંપનીએ માત્ર ૨૨ એકર જમીન વેચીને આનાથી ક્યાંય વધુ, ૫૨૦૦ કરોડ રૂપિયા ઊભા કરી લીધા છે. વાડિયા ગ્રુપ પાસે લગભગ ૭૦૦ એકર જેટલી જમીન મુંબઈની આસપાસ છે. વાડિયા ગ્રુપની અન્ય કંપની બૉમ્બે બર્મા ટ્રે‌ડિંગ કૉર્પો. ગઈ કાલે ૧૩૭૬ની જૂન ૨૦૨૧ પછીની ટૉપ બનાવી સવાપાંચ ટકાની મજબૂતીમાં ૧૨૬૮ થઈ છે. નૅશનલ પેરોક્સાઇડ પોણાત્રણ ગણા વૉલ્યુમે ઇન્ટ્રા-ડેમાં ૨૦૯૦ બતાવી ૪.૧ ટકા વધીને ૨૦૦૩ હતી. 

sensex nifty share market stock market business news