સેન્સેક્સ પ્રથમ વાર ૮૦,૦૦૦ દેખાયો, વર્ષાન્તે ૮૭,૦૦૦નો આંક અપેક્ષિત, નિફ્ટી નવા શિખરે

04 July, 2024 09:33 AM IST  |  Mumbai | Anil Patel

બૅન્ક નિફ્ટી ૯૨૧ પૉઇન્ટ ઊછળી નવી ટોચે

પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સ ૫૪૫ પૉઇન્ટ વધ્યો એમાં છ બૅન્ક શૅરનો ફાળો ૪૯૫ પૉઇન્ટનો : બૅન્ક નિફ્ટી ૯૨૧ પૉઇન્ટ ઊછળી નવી ટોચે : હિંડનબર્ગના પરોક્ષ હુમલા વચ્ચે અદાણીના શૅર બે-અસર, કોટક બૅન્ક બાઉન્સબૅક થઈ : એમક્યૉરર અને બંસલ વાયરનાં ભરણાં પ્રથમ દિવસે જ છલકાઈ ગયાં, નેફ્રો કૅરમાં પ્રીમિયમ સતત જોરમાં : પાકિસ્તાની શૅરબજાર ૭૬૯ પૉઇન્ટના જમ્પમાં ૮૦,૩૨૨ની વિક્રમી સપાટીએ બંધ : વૉકહાર્ટ વન-વે તેજીમાં

ઑલટાઇમ હાઈની હારમાળા આગળ વધી રહી છે. બુધવારે સેન્સેક્સ ૮૦,૦૭૪ની વિક્રમી સપાટી બનાવી ૫૪૫ પૉઇન્ટ વધીને ૭૯,૯૮૭ની ટોચે બંધ થયો છે. નિફ્ટીએ ૨૪,૩૦૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૧૬૩ પૉઇન્ટની આગેકૂચમાં ૨૪,૨૮૬નું શિખર આપ્યું છે. બજારનું માર્કેટકૅપ ૩.૨૪ લાખ કરોડના ઉમેરામાં હવે ૩૪૫.૪૩ લાખ કરોડ રૂપિયાના નવા શિખરે પહોંચ્યું છે. મૌજુદા રંગ જોતાં વિશ્લેષકો છ માસમાં એટલે કે વર્ષાન્ત સુધીમાં ૮૭,૦૦૦નો સેન્સેક્સ જોવા માંડ્યા છે. સ્મોલકૅપ અને બ્રૉડર માર્કેટ નવી ટૉપ સાથે પોણા ટકા જેવું વધીને બંધ થયું છે. મિડકૅપ એક ટકાના સુધારે નવી ટોચે ગયું છે. બન્ને બજારના બહુમતી ઇન્ડાઇસિસ પ્લસ હતા. સેન્સેક્સ નિફ્ટીના ૦.૭ ટકાના વધારા સામે બૅન્ક નિફ્ટી ૫૩,૨૫૭ની વિક્રમી સપાટી બનાવી ૧.૮ ટકા કે ૯૨૧ પૉઇન્ટ ઊછળી ૫૩,૦૮૯ બંધ થયો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી નવી ટૉપ સાથે બે ટકા ઊંચકાયો છે. બૅન્કિંગની હૂંફમાં ફાઇનૅન્સ બેન્ચમાર્ક નવું શિખર મેળવી દોઢ ટકા અપ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૪ ટકા સુધર્યો છે. તાજેતરની મજબૂતી બાદ આઇટી ઇન્ડેક્સ મામૂલી સુધારામાં રહ્યો છે.

સેન્સેક્સમાં ૭૦,૦૦૦નું લેવલ ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ હાંસલ થયું હતું. ત્યાંથી ૮૦,૦૦૦ થવામાં એણે કામકાજના ૧૩૮ દિવસ લીધા છે. ૧૦,૦૦૦ પૉઇન્ટનો આટલો ઝડપી વધારો અગાઉ ક્યારેય જોવાયો નથી. જ્યારે ૭૫,૦૦૦થી ૮૦,૦૦૦ સુધીની ૫૦૦૦ પૉઇન્ટની સફર બજારે ૫૭ દિવસમાં પૂરી કરી છે જે થર્ડ ફાસ્ટેસ્ટ જમ્પ છે. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સેન્સેક્સ ૬૦ની પાર થયો ત્યારે ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ સુધીની મજલ માત્ર ૨૮ દિવસમાં સર થઈ હતી જે એક રેકૉર્ડ છે. બાય ધ વે, સેન્સેક્સને ૧૦,૦૦૦થી ૪૦,૦૦૦ થતાં ૧૯ વર્ષ લાગ્યાં હતાં, પરંતુ ૪૦,૦૦૦થી ૮૦,૦૦૦ થવામાં માત્ર પાંચેક વર્ષ તેણે લીધા છે.

બજાર માટે નજીકનું ટ્રીગર કંપની પરિણામ અને બજેટ છે. કૉર્પોરેટ પરિણામ એકંદર સારા રહેવાના વરતારા થઈ રહ્યા છે. બજેટમાં ‘ઓલુ આવશે, પેલુ આવશે, પાન-સોપારી, પાનનાં બીડાં... હોંકે પેલ્લુ’ની વાર્તાઓ મંડાઈ રહી છે. વિદેશી રોકાણકારો હજી જોઈએ એવા મૂડમાં નથી આવ્યા, પરંતુ તેમની આક્રમક વેચવાલી અટકી છે. આ બધું તો ઠીક, બીજી એક ખાસ વાત છે. ૪૦૦ પારનું વાજિંત્ર વગાડતી બીજેપી ૨૪૦ પર અટકી ગઈ છે. સરકાર બનાવવા અને ચલાવવા સાથી પક્ષોની રહેમ પર આવી ગઈ છે. આ સંજોગોમાં ખરેખર તો બજાર ઝડપથી નહીં તોય ધીમી રાહે ઘટાડાતરફી બનવું જોઈએ, પણ તો પછી સરકારની કમજોરી છતી થઈ જાય, સ્થિરતાની વાતોની મુઠ્ઠી ખૂલી જાય. મુઠ્ઠી બંધ રહે એમાં જ સરકારની આબરૂ સલામત છે. સરકાર કોઈ પણ ભોગે બજારને ધમધમતું રાખવા માગે છે. વાત સમજાય છેને?

મુંબઈની કેસી ઇન્ડસ્ટ્રીઝ આઠેક મહિનામાં ૧૦,૦૦૦થી વધીને ૬૫,૦૦૦, શુક્રવારે બોનસ અને શૅરવિભાજન અમલી

પટના બિહારની આદિત્ય વિઝને ૧૦ના શૅરનું એકમાં વિભાજન જાહેર કર્યું છે. આ જાહેરાત પૂર્વે શૅર ગઈ કાલે અઢી ટકા વધીને ૪૫૯૩ બંધ રહ્યો છે. ઑપરેટરનો ખેલ જોરમાં છે. ન્યુમોનિયા તથા યુરિનલ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ માટેના બે મહત્ત્વના ઍન્ટિ-બાયોટિક્સનું લૉન્ચિંગ નજીકમાં હોવાથી વૉકહાર્ટ તેજીની ચાલમાં ૯૪૩ના નવા શિખરે જઈ સવાપાંચ ટકા વધી ૮૮૭ વટાવી ગઈ છે. ૨૬ ઑક્ટોબરે ભાવ ૨૧૩ના તળિયે હતો. જીપીટી ઇન્ફ્રા શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ૧૫૦ની નવી ટૉપ બનાવી સવાબે ટકા વધી ૧૪૭ ઉપર રહી છે. મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતેની કેસી (Kaycee) ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ના શૅરના ૧૦માં વિભાજન તથા એક શૅરદીઠ ૪ બોનસમાં શુક્રવારે એક્સ બોનસ કમ એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે બે ટકા વધી ૬૫,૫૨૬ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ થયો છે. ૨૬ ઑક્ટોબરે અહીં ૧૦,૪૦૦ની બૉટમ બની હતી. મુંબઈની શાહ ફૅમિલીની વેર્ટોઝ ઍડ્વર્ટાઇઝિંગ પણ શુક્રવારે ૧૦ના શૅરના એકમાં વિભાજન તથા શૅરદીઠ એક બોનસમાં બોનસ કમ સ્પ્લિટ બાદ થવાની છે. શૅર ગઈ કાલે પોણાબે ટકા ઘટી ૭૧૬ નજીક હતો. કંપની ૨૦૧૭ના નવેમ્બરની મધ્યમાં ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૧૭૧૧ લાખનો SME ઇશ્યુ લાવી હતી. ત્યાર પછી જાન્યુઆરી ૨૦૨૦માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. આ એનું બીજું બોનસ છે. થાણેની વર્થ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ૫ ટકાની તેજીની સર્કિટે ૪૬ ઉપર બેસ્ટ લેવલે બંધ રહી છે. 

યમુના સિન્ડિકેટ બે દિવસમાં ૨૦,૦૦૦ રૂપિયા તૂટી ગયો

મુંબઈની સાકુમા એક્સપોર્ટ‍્સ શૅરદીઠ ચાર બોનસ જાહેર કરવા છતાં ક્વીપ રૂટ મારફત ૫૦૦ કરોડ ઊભા કરવાની યોજનાથી ભીંસમાં આવી છે. શૅર ગઈ કાલે ૧૧.૪ ટકા લથડી ૩૧ બંધ થયો છે. બે દિવસ પહેલાં સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૬૬,૯૯૯ની ઑલટાઇમ હાઈ બનાવનાર યમુના સિન્ડિકેટ ત્યાંથી ગગડતી રહી ગઈ કાલે નવેક ટકા કે ૪૫૯૯ના કડાકામાં ૪૭,૦૦૧ બંધ હતી. ‘એ’ ગ્રુપ ખાતે આગલા દિવસની હીરો જેકે પેપર પ્રૉફિટ બુકિંગમાં સવાપાંચ ટકા ગગડી ૬૦૧ નીચે ઊતરી ગઈ છે. કેસ્ટ્રોલ ઇન્ડિયા ૧૧ ગણા કામકાજે ૨૫૨ની ટોચે જઈ સાડાતેર ટકાની તેજીમાં ૨૪૩ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતી. અન્ય લુબ્રિકન્ટ કંપની સવિતા ઑઇલ સાડાસાત ટકા ઊછળી ૫૯૮ હતી. ખાતર ઉદ્યોગ ૨૫માંથી ૨૨ શૅરની આગેકૂચ સાથે ડિમાન્ડમાં જળવાઈ રહ્યો છે. ખૈતાન કેમિ. સાડાઆઠ ટકા, એરિસ ઍગ્રો સાડાસાત ટકા, એમપી ઍગ્રો પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતી. સિલેક્ટિવ લેવાલીમાં પેસ્ટિસાઇડ્સ તથા ઍગ્રોકેમ સેક્ટરમાં શિવાલિક રસાયણ ૧૭.૯ ટકા, રાલિસ ઇન્ડિયા સાત ટકા, ઇનસેક્ટિસાઇડ્સ ઇન્ડિયા સાડાત્રણ ટકા ઝળકી હતી. માથે પરિણામમાં ૨૦ ટકાના જમ્પમાં પછી વળતા દિવસે જીએમ બ્રુઅરીઝ ૯૫૦ની નવી ટૉપ બતાવી સાડાસોળ ટકાની તેજીમાં ૯૨૭ નજીક ગઈ છે. સાઉદી અરામ્કો તરફથી ૩૫,૦૦૦ કરોડના જંગી ઑર્ડરથી બે ટકા જેવો સુધરેલો લાર્સન વળતા દિવસે નહીંવત ઘટી ૩૬૧૫ બંધ રહ્યો છે. 

HDFC બૅન્ક બુલરન સાથે નવી ટોચે, રિલાયન્સમાં નરમ વલણ

હમણાં સુધી માર્કેટ અન્ડરપર્ફોર્મર રહેલી HDFC બૅન્ક છેલ્લા બેએક મહિનાથી જોરમાં છે. શૅર સપ્તાહમાં ચારેક ટકા અને મહિનામાં સાડાબાર ટકા વધ્યો છે અને ૧૯૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ ફરવા માંડ્યા છે. ભાવ ગઈ કાલે ૧૭૯૨ની ઑલટાઇમ હાઈ બનાવી સવાબે ટકા વધી ૧૭૬૮ના બંધમાં સેન્સેક્સ સર્વાધિક ૨૪૯ પૉઇન્ટ ફળ્યો છે. MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સની ઑગસ્ટમાં નવરચના થવાની છે એમાં આ શૅરનું વેઇટેજ હાલ છે એનાથી બમણું થવાની હવા ચાલે છે. જો આ શક્ય બને તો આશરે ૫૨૦ કરોડ ડૉલરનું નવું રોકાણ આ શૅરોમાં પ્રવાહિત થવાની ગણતરી છે. ગઈ કાલે ICICI બૅન્ક એકાદ ટકો, કોટક બૅન્ક ૨.૪ ટકા, ઍક્સિસ બૅન્ક બે ટકા, ઇન્ડ્સઇન્ડ ૧.૮ ટકા અને સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા વધતાં બજારને બીજા ૨૪૬ પૉઇન્ટ મળી ગયા હતા. બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૩૧ શૅર પ્લસ થયા છે. બંધન બૅન્ક, આરબીએલ બૅન્ક, ફેડરલ બૅન્ક સાડાત્રણથી સાડાચાર ટકા મજબૂત હતી.

સેન્સેક્સ ખાતે અદાણી પોર્ટ્સ અઢી ટકા અને નિફ્ટીમાં તાતા કન્ઝ્યુમર ૩.૭ ટકા ઊંચકાઈ મોખરે હતી. ટીસીએસ સવા ટકાની નરમાઈમાં ટૉપ લુઝર બની છે. રિલાયન્સ નીચામાં ૩૦૮૫ બનાવી પોણા ટકાના ઘટાડે ૩૧૦૫ રહી છે. અદાણી એન્ટર સવા ટકો, અદાણી પાવર અડધો ટકો, અદાણી એનર્જી સવા ટકો પ્લસ હતી. ગ્રુપના અન્ય શૅર લગભગ ફ્લૅટ હતા. ગ્રાસિમ ૨૭૭૦ના શિખરે જઈ નહીંવત ઘટાડે ૨૭૩૯ હતો. સ્ટ્રૉન્ગ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૪૭૮ શૅર સામે ૮૬૯ કાઉન્ટર નરમ હતાં. બાય ધ વે, પાકિસ્તાની શૅરબજાર ૮૦,૪૦૫ના શિખરે જઈ ૭૬૯ પૉઇન્ટ ઊછળી ૮૦,૩૨૨ની ટોચે બંધ આવ્યું છે. 

ડાઇન સ્ટેનનું તગડું લિસ્ટિંગ, વ્રજ આયર્નમાં ધારણા કરતાં કમજોર લિસ્ટિંગ ગેઇન

ગુજરાતણ નમિતા થાપરની એમક્યોરનો ૧૦ના શૅરદીઠ ૧૦૦૮ની અપર બૅન્ડ સાથેનો ૧૯૫૨ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧.૩ ગણો ભરાઈ જતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી ૩૧૦ થઈ ગયું છે. સબ્જેક્ટ-ટૂમાં ૩૩૦૦/૪૯,૫૦૦ના રેટ છે. બંસલ વાયર ઇન્ડ.નો પાંચના શૅરદીઠ ૨૫૬ની અપર બૅન્ડવાળો ૭૪૫ કરોડનો ઇશ્યુ પણ પ્રથમ દિવસે જ ૧.૯ ગણો છલકાયો છે. જોકે પ્રીમિયમ આગલા દિવસે ૬૬ હતું એ હાલ ૫૫ છે. મેઇન બોર્ડમાં રાયપુરની વ્રજ આયર્ન ૧૦ના શૅરદીઠ ૨૦૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૫૦ના પ્રીમિયમ સામે કમજોર લિસ્ટિંગમાં ૨૪૦ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૫૨ નજીક બંધ થતાં અત્રે ૨૧.૭ ટકા કે શૅરદીઠ ૪૫ રૂપિયાનું રિટર્ન મળ્યું છે. SME સેગમેન્ટમાં નવી દિલ્હીની ડાઇન સ્ટેન ટેક ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૭૦ના પ્રીમિયમ સામે ૨૪૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૫૨ બંધ થતાં અત્રે ૧૫૨ ટકાનું તગડું વળતર મળે છે. HDFC ફેમ દીપક પારેખના સપોર્ટવાળી નેફ્રો કૅરનો શૅરદીઠ ૯૦ના ભાવનો ૪૧૨૬ લાખ રૂપિયાનો SME ઇશ્યુ મારફાડ રિસ્પૉન્સમાં ૭૧૬ ગણો છલકાઈ ગયા પછી પ્રીમિયમ ઊછળતું રહ્યું છે. હાલ ૨૧૫ થઈ ગયું છે. લિસ્ટિંગ શુક્રવારે છે. દિલ્હી ખાતેની અંબે લૅબોરેટરીઝ ૧૦ના શૅરદીઠ ૬૮ની અપર બૅન્ડ સાથે ૪૪૬૮ લાખનો SME ઇશ્યુ ગુરુવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૭નું સંભળાય છે. 

business news share market stock market sensex nifty national stock exchange bombay stock exchange