વ્યાપક વેચવાલી સાથે બજાર સળંગ પાંચમા દિવસે ડૂલ : ૭૯,૦૦૦ પણ તૂટશે

26 October, 2024 07:34 AM IST  |  Mumbai | Anil Patel

પરિણામની તેજી આગળ ધપાવતાં કિર્લોસ્કર ન્યુમૅટિક એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાની શૅરબજાર અવિરત આખલાદોડમાં ૯૦,૦૦૦ની ઉપર ગયું : સેન્સેક્સ વધુ ૬૬૩ પૉઇન્ટ બગડ્યો, રોકાણકારોના ૬.૮૦ લાખ કરોડ રૂપિયા ગાયબ : ઇન્ડસઇન્ડ બૅન્ક ૧૮.૫ ટકાના ચાર વર્ષના મોટા ધબડકામાં બજારને ૧૩૬ પૉઇન્ટ નડ્યો : બોનસની રેકૉર્ડ-ડેટ માથે હોવા છતાં રિલાયન્સમાં સતત નરમાઈ : સાત દિવસમાં સ્મૉલકૅપ ઇન્ડેક્સ નવ ટકા અને મિડકૅપ સાત ટકાથી વધુ ગગડ્યા : બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, FMCG અપવાદ : પરિણામની તેજી આગળ ધપાવતાં કિર્લોસ્કર ન્યુમૅટિક એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો : પૂનાવાલા ફિનકૉર્પ ૮૬૦ કરોડ રૂપિયાના નફામાંથી ૪૭૧ કરોડ રૂપિયાની ખોટમાં આવી જતાં કડાકા સાથે દોઢેક વર્ષની નીચી સપાટીએ  : એફકૉન્સ પ્રથમ દિવસે ૧૪ ટકા ભરાયો, પ્રીમિયમ ઘટીને ૩૩ થયું

ઘરઆંગણે બજારમાં બગાડ ચાલુ છે. સેન્સેક્સ સળંગ પાંચમા દિવસની નરમાઈમાં ૬૬૩ પૉઇન્ટ ખરડાઈ શુક્રવારે ૭૯,૪૦૨ તથા નિફ્ટી ૨૧૮ પૉઇન્ટ ગગડી ૨૪,૧૮૧ બંધ થયા છે. થોડાક પૉઝિટિવ ઝોનમાં ખૂલ્યા બાદ શૅરઆંક ઉપરમાં ૮૦,૨૫૩ થયા બાદ લપસણીની ચાલમાં ત્યાંથી ૧૧૧૫ પૉઇન્ટ કપાઈ નીચામાં ૭૯,૧૩૮ની અંદર ઊતરી ગયો હતો. નિફ્ટી નીચામાં ૨૪,૦૭૪ની અંદર દેખાયો છે. આ ટ્રેન્ડ જોતાં સેન્સેક્સમાં ૭૯,૦૦૦ અને નિફ્ટીમાં ૨૪,૦૦૦નાં લેવલ બહુ ઝડપથી તૂટશે એમ લાગે છે. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૬.૮૦ લાખ કરોડ ધોવાઈ ૪૩૬.૯૯ લાખ કરોડે આવી ગયું છે. સેન્સેક્સ નિફ્ટી પોણા ટકાથી વધુની નરમાઈ સામે મિડકૅપ ઇન્ડેક્સ દોઢ ટકો અને સ્મૉલકૅપ બેન્ચમાર્ક અઢી ટકા સાફ થયો છે. આ બન્ને ઇન્ડેક્સ સાત દિવસમાં અનુક્રમે ૭ ટકા અને ૯ ટકાથી વધુ કપાઈ ગયા છે. બ્રૉડર માર્કેટ સવા ટકો ખરાબ હતું. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસ થયાં છે. આઇટીસી તથા હિન્દુસ્તાન યુનિલીવર જેવા જૂજ અગ્રણી શૅરના સુધારાને કારણે FMCG ઇન્ડેક્સ ૭૭માંથી ૫૮ શૅર ઘટવા છતાં અડધો ટકો પ્લસ હતો. એનર્જી, ઑઇલ-ગૅસ, ટેલિકૉમ, પાવર, યુટિલિટીઝ, ઑટો, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ નિફ્ટી મીડિયા, નિફ્ટી મેટલ, પીએસયુ બૅન્ક જેવાં ઇન્ડાઇસિસ બેથી ત્રણ ટકા લથડ્યાં હતાં. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ સવાબે ટકા કે ૧૮૨૨ પૉઇન્ટ તો નિફ્ટી લગભગ પોણાત્રણ ટકા કે ૬૭૩ પૉઇન્ટ ડૂલ થયા છે. માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ ચાલુ રહેતાં ગઈ કાલે NSE ખાતે વધેલા ૫૧૯ શૅર સામે ૨૨૯૨ જાત ડાઉન હતી.

બહુમતી એશિયન બજાર શુક્રવારે પ્લસ હતાં. જોકે સુધારો બહુધા નાનો હતો. ચાઇના, હૉન્ગકૉન્ગ અને તાઇવાન અડધા ટકા આસપાસ વધ્યાં છે. યુરોપ મિશ્ર વલણમાં રનિંગમાં નહીંવત્ વધઘટ બતાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર મારફાડ તેજીમાં ૯૦,૫૯૩ની નવી ઑલટાઇમ હાઈ બતાવી ૧.૪ ટકા કે ૧૨૨૫ પૉઇન્ટની આગેકૂચમાં ૯૦,૧૭૧ થયું છે.

પ્રાઇમરી માર્કેટમાં ગોદાવરી બાયો રિફાઇનરી એના આખરી દિવસે ૧.૯ ગણો રિસ્પૉન્સ મેળવવામાં સફળ થતાં ઇશ્યુ પાર પડ્યો છે. ગ્રે માર્કેટમાં પચીસવાળું પ્રીમિયમ ગગડતું રહી હાલ પાંચ રૂપિયા બોલાય છે. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૩૩ ચાલે છે. સોમવારે SME IPO પ્રીમિયમ પ્લાસ્ટ લિ​સ્ટિંગમાં જવાનો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૯ રૂપિયા છે.

એનર્જી શૅરોમાં ખરાબી, હિન્દુસ્તાન પેટ્રો આઠ ટકા તૂટીને મોખરે

બ્રોકિંગ ફર્મ શેરખાને રામક્રિશ્ન ફૉર્જિંગ્સમાં ૧૧૧૧ની ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે સવાચાર ટકાની ખરાબીમાં ૯૦૯ બંધ થયો છે. MCX પોણાત્રણ ટકા કે ૧૮૫ની નરમાઈમાં ૬૪૬૨ હતો. ૬૩ મૂન્સ ચારેક ટકા બગડી ૪૫૬ થયો છે, જ્યારે BSE લિમિટેડ નીચામાં ૩૯૯૩ બનાવી ૬ ટકા કે ૨૬૨ના ધોવાણમાં ૪૦૬૩ની અંદર જોવાયો છે. આગલા દિવસે ૨૦ ટકાની તેજી દાખવનાર કૅર રેટિંગ્સ ગઈ કાલે ૧૪૬૪ નજીક નવી મ​​લ્ટિયર ટૉપ બતાવી છેવટે પોણો ટકો ઘટીને ૧૩૯૯ હતો.

ડીસીબી બૅન્કનાં પરિણામ સારાં આવ્યાં છે. નફો ૨૩ ટકા વધ્યો છે. શૅર સાડાપાંચ ટકાની મજબૂતીમાં ૧૧૬ને વટાવી ગયો છે. આઇડીબીઆઇ બૅન્કે ૩૯ ટકાના વૃદ્ધિદરથી ૧૮૩૬ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ કરતાં શૅર ચાર ગણા વૉલ્યુમે ૭૮ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૮૪ નજીક જઈ દોઢ ટકાના સુધારામાં ૮૨ ઉપર બંધ થયો છે. બૅન્ક ઑફ બરોડા પરિણામ પહેલાં સવાબે ટકા ઘટીને ૨૩૯ હતો. મહિન્દ્ર હૉલિડેઝનો નફો ૩૫ ટકા ગગડી પોણા૧૪ કરોડ આવતાં શૅર નીચામાં ૩૫૨ થયા બાદ બાઉન્સ બૅન્કને કારણે નહીંવત્ ઘટાડે ૩૬૬ નજીક બંધ થયો છે.

રિઝર્વ બૅન્ક તરફથી ઍ​ક્સિસ બૅન્કમાં મૅનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ તરીકે અમિતાભ ચૌધરીની પુનઃ વરણીને મંજૂરી અપાઈ છે જે ત્રણ વર્ષ માટેની છે. ઍ​ક્સિસ બૅન્કનો શૅર ઉપરમાં ૧૨૦૧ થઈ પોણાબે ટકા વધીને ૧૧૮૭ વટાવી ગયો છે. એનર્જી ઇન્જેક્સમાં ૨૯માંથી ૨૮ શૅર માઇનસ હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ સર્વાધિક આઠ ટકા લપસીને ૩૭૨ હતો. ચેન્નઈ પેટ્રો તથા
MRPL સાડાછથી પોણાસાત ટકા ડૂલ થયા છે. ઑઇલ ઇન્ડિયા સાડાચાર ટકા કપાયો હતો. 

ઇન્ડિગો નફામાંથી ખોટમાં આવ્યો, સોમવારે વધુ ગગડશે

કિર્લોસ્કર ન્યુમૅટિક પરિણામનું જોર જાળવી રાખતાં ૧૫૧૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાદસ ટકાની આગેકૂચમાં ૧૪૬૭ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતો તો પૂનાવાલા ફિનકૉર્પ ૮૬૦ કરોડ રૂપિયાના નેટ નફામાંથી ૪૭૧ કરોડ રૂપિયાની ચોખ્ખી ત્રિમાસિક ખોટમાં આવતાં ભાવ ૨૮૬ની દોઢ વર્ષની બૉટમ બતાવી ૧૭ ટકા નજીકની ખુવારીમાં ૨૯૭ ઉપર બંધ થયો છે. PNB હાઉસિંગ ૨૩ ટકાના વધારામાં ૪૭૦ કરોડનો નફો કરતાં પ્રારંભિક તેજીમાં ૧૧ ટકા ઊછળી ૧૦૩૫ થયો હતો. પાછળથી દોઢ ટકાના સુધારામાં ૯૪૬ રહ્યો હતો. બિકાજી ફૂડ્સનો નફો પોણાપંદર ટકા વધી ૬૮ કરોડ રૂપિયાને વટાવી જતાં ભાવ ઉપરમાં ૯૧૮ થયા બાદ ઘસાઈને સવાત્રણ ટકા વધીને ૮૬૩ બંધ હતો.

કૉલગેટ પામોલિવે ૧૬ ટકાના વધારામાં ૩૯૫ કરોડ રૂપિયા નફો કર્યો છે જે બજારની અપેક્ષા કરતાં ઓછો રહેતાં શૅર સવાચાર ટકા કે ૧૩૪ રૂપિયા ગગડી ૩૦૮૧ જોવાયો છે. ગૅસ ડિસ્ટ્રિબ્યુટર્સ મહાનગર ગૅસ ત્રણ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સાડાત્રણ ટકા, આઇઆરએમ એનર્જી અઢી ટકા, ગુજરાત ગૅસ પોણાબે ટકા કટ થયા છે. ગૅસ ઑથૉરિટી તરફથી ગૅસ કંપનીઓનાં ૭૩ સેક્ટરના CGD નેટવર્કને કૉમન કરીઅર બનાવવાનું નક્કી થયું છે. જેનો અમલ થતાં આ કંપનીઓનું જે-તે સેક્ટરમાંનું નેટવર્ક એમનું ખુદનું નહીં રહે, પણ તમામ કંપની એનો ઉપયોગ કરવાને પાત્ર બની જશે. આથી સંબંધિત કંપનીની નફાશક્તિ ઘટશે.

રેડિકો ખૈતાનનો નફો પચીસ ટકા વધી ૮૧ કરોડ રૂપિયા થતાં શૅર ૨૫૨૫ના શિખરે જઈ છેવટે પોણાબે ટકા ઘટી ૨૨૫૩ બંધ થયો છે. ઇ​ન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશને ૧૮૯ કરોડના અગાઉના ત્રિમાસિક નફા સામે આ વખતે ૯૮૭ કરોડ રૂપિયાની જંગી ખોટ કરી છે. રિઝલ્ટ બજાર બંધ થયા પછી આવ્યા હોવાથી આની અસર સોમવારે દેખાશે. શૅર ગઈ કાલે પરિણામ પહેલાં ત્રણ ટકા ઘટીને ૪૩૮૩ બંધ થયો હતો.

મોટા ભાગના વિશ્લેષકો ઇન્ડસઇન્ડ બૅન્કને ડાઉનગ્રેડ કરી રહ્યા છે ત્યારે મોતીલાલ ઓસવાલે બાય કૉલ આપ્યો

ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા નફામાં ૩૯ ટકાના ઘટાડા સાથે નબળાં પરિણામ જાહેર થયાં એના પગલે શૅર ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમે ૧૦૨૫ની વર્ષની બૉટમ બનાવી ૧૮.૫ ટકા કે ૨૩૭ રૂપિયાના ચારેક વર્ષના મોટા કડાકામાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની ૧૦૪૧ના બંધમાં બજારને ૧૩૬ પૉઇન્ટ નડ્યો છે. મોટા ભાગના વિશ્લેષકો શૅરને ડાઉન ગ્રેડ કરવા માંડ્યા છે ત્યાં મોતીલાલવાળાએ ૧૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. વિદેશી બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી લાર્સનને ડી-ગ્રેડ કરતાં ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૪૦૦૦ કરાઈ છે. શૅર સવા ટકા બગડી ૩૩૨૮ બંધ હતો. ભારત પેટ્રોનાં પરિણામ બજાર બંધ થવાની મિનિટો પહેલાં જ આવ્યાં હતાં. નફો ૭૨ ટકા ઘટ્યો છે. શૅર પોણાપાંચ ટકા ખરડાઈ ૩૦૬ રહ્યો છે. યુબીએસે હીરો મોટોકૉર્પમાં ૩૩૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી સેલનો કૉલ આપ્યો છે. શૅર પોણાત્રણ ટકા ઘટી ૪૯૭૩ થયો છે. મહિન્દ્ર, NTPC, કૉલ ઇન્ડિયા સવાત્રણથી ચારેક ટકા તો અદાણી એન્ટર પોણા પાંચ ટકા અને શ્રીરામ ફાઇનૅન્સ ૪.૭ ટકા ધોવાયા હતા. અદાણીના અન્ય શૅરમાં અદાણી પોર્ટ્સ પોણાત્રણ ટકા, અદાણી પાવર બે ટકા, અદાણી એનર્જી પાંચ ટકા, અદાણી ગ્રીન ત્રણેક ટકા, અદાણી ટોટલ સવાચાર ટકા, અદાણી વિલ્મર પોણાપાંચ ટકા, અંબુજા સિમેન્ટ્સ એક ટકો, એનડીટીવી ૩.૭ ટકા, એસીસી પોણા ટકા નજીક તો સાંઘી ઇન્ડસ્ટ્રીઝ નહીંવત્ નરમ હતા.

આઇટીસીનાં પરિણામ સાવ સાધારણ છે. માર્જિન ઘટ્યું છે, પરંતુ હોટેલ બિઝનેસના ડીમર્જરનું ગાજર લટકે છે. શૅર સવાબે ટકા નજીક વધી ૪૮૨ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બની બજારને ૮૨ પૉઇન્ટ ફળ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવર આગલા દિવસની ખરાબી બાદ એક ટકો સુધર્યો છે. એની સાથે ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, મારિકો, વરુણ બેવરેજિસ જેવા જૂજ ચલણી શૅર પ્લસ થવાથી FMCG ઇન્ડેક્સને અડધો ટકો વધવાની જગ્યા થઈ ગઈ હતી. રિલાયન્સમાં શૅરદીઠ એક બોનસની
રેકૉર્ડ-ડેટ ૨૮ ઑક્ટોબર છે, પણ શૅર નરમ વલણ જાળવી રાખતાં એકાદ ટકો ઘટી ૨૬૫૫ બંધ થયો છે. ICICI બૅન્કનાં રિઝલ્ટ શનિવારે છે. શૅર નજીવો સુધરી ૧૨૫૫ હતો. JSW સ્ટીલ, તાતા મોટર્સ, સ્ટેટ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ટાઇટન, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, NTPC, ગ્રામિમ, ONGC, હિન્દાલ્કો, ટ્રેન્ટ, આઇશર જેવાં કાઉન્ટર્સ દોઢથી ત્રણ ટકા માઇનસ હતાં. ઇન્ફી અડધો ટકો નરમ તો HCL
ટેક્નૉલૉજી અને ટીસીએસ સામાન્ય સુધરામાં બંધ હતા. વિપ્રો પોણા ટકા નજીક ડાઉન હતો.

 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex