સેન્સેક્સમાં ઑલટાઇમ હાઈનો બજારનો સિલસિલો અટક્યો, નિફ્ટીમાં પણ બેસ્ટ ક્લોઝિંગ, માર્કેટકૅપ સર્વોચ્ચ સપાટીએ

06 July, 2024 06:57 AM IST  |  Mumbai | Anil Patel

આખો દિવસ રેડ ઝોનમાં રહેલો સેન્સેક્સ છેલ્લી ઘડીએ ૨૦ મિનિટમાં ૬૦૦ પૉઇન્ટ વધી ગયો, કોઈ પણ કારણ વગર: બીટકૉઇન બગડીને ૫૪,૦૦૦ની અંદર ચાર મહિનાના તળિયે, ઇથર સાડાનવ ટકા તૂટ્યોઃ થાપણ અને ધિરાણદરના વસવસામાં HDFC બૅન્ક બગડીને બજારને ૫૧૭ પૉઇન્ટ નડી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

HDFC બૅન્કના ધબડકા પાછળ શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો તૂટ્યો છે. શુક્રવારે સેન્સેક્સ નીચામાં ૭૯૪૭૯ થઈ ૫૩ પૉઇન્ટની પીછેહઠમાં ૭૯૯૯૭ તથા નિફ્ટી ૨૨ પૉઇન્ટના સુધારામાં ૨૪૩૨૪ બંધ થયો છે. આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલી માર્કેટમાં પણ સ્મોલકૅપ અને મિડકૅપ બેન્ચમાર્ક નવી ઑલટાઇમ હાઈ બતાવી પોણો ટકો વધ્યા છે. બ્રૉડર માર્કેટ નવા શિખર બાદ સાધારણ પ્લસ હતું. હેલ્થકૅર ઇન્ડેક્સ બેસ્ટ લેવલે બનાવી એક ટકો, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૭૫૨૩૬ની વિક્રમી સપાટી દેખાડી દોઢ ટકો, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણાબે ટકા, પાવર ઇન્ડેક્સ સવા ટકો, FMCG બેન્ચમાર્ક એક ટકો, નિફ્ટી ફાર્મા સવા ટકો પ્લસ હતા. બૅન્ક નિફ્ટી નીચામાં ૫૨૨૯૦ થઈ ૪૪૩ પૉઇન્ટ કે પોણો ટકો બગડ્યો છે, પણ પીએસયુ બૅન્ક
નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે સવા ટકો વધ્યો છે. પીએસયુ ઇન્ડેક્સ ૧.૮ ટકા મજબૂત હતો. એની ૫૯માંથી ૪૮ જાતો વધીને બંધ રહી છે. બજારની નરમાઈ છતાં માર્કેટકૅપ ૨.૫૯ લાખ કરોડના ઉમેરામાં ૪૪૯.૮૯ લાખ કરોડની ટોચે ગયું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ સવા ટકો કે ૯૬૪ પૉઇન્ટ અને નિફ્ટી ૩૧૩ પૉઇન્ટ કે ૧.૩ ટકા વધી નવા શિખરે બંધ આવ્યો છે. 
એશિયન બજારો ગઈ કાલે મિશ્ર હતાં. સાઉથ કોરિયા સવા ટકો પ્લસ તો હૉન્ગકૉન્ગ એટલા જ ઘટાડે વધ-ઘટમાં મોખરે હતું. થાઇલૅન્ડ પોણો ટકો અપ તો સિંગાપોર પોણો ટકો ડાઉન થયું છે. પાકિસ્તાની બજાર ૮૦૬૨૭ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૮૦ પૉઇન્ટ ઘટી ૮૦૨૨૧ રહ્યું છે. યુરોપ રનિંગમાં સામાન્યથી લઈ પોણો ટકો વધેલું હતું. બ્રિટનમાં સત્તાપલટા પછી લંડન ફુત્સી સાધારણ સુધારો દાખવતો હતો. બ્રિટન ખાતે ૧૪ વર્ષ બાદ લેબર પાર્ટી ઐતિહાસિક બહુમતી સાથે વિજયી થઈ છે. રિશી સુનકના નેજા હેઠળ સતાધારી પક્ષ સૌથી ખરાબ રીતે ધોવાઈ ગયો છે. સપ્ટેમ્બર ૧૯૬૨મા જન્મેલા ૬૧ વર્ષના કૅર સ્ટાર્મર બ્રિટનના નવા વડા પ્રધાન બનશે. ભારત સાથે સંબંધ સારા રહેશે એવી વાતો થવા માંડી છે, પરંતુ તે વ્યવસાયે હ્યુમન રાઇટ્સ બૅરિસ્ટર છે, જે મોદી સરકારને ગમે એવી વાત નથી.

બીટકૉઇન સતત ચોથા દિવસે ખરડાઈ ૫૩૮૯૮ ડૉલરનું ચાર મહિનાનું બૉટમ બનાવી રનિંગમાં ૫૪૩૪૯ રહ્યો છે. બીજી જુલાઈએ ભાવ ૬૨૮૨૦ ડૉલર જેવો હતો. ઇથર ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનુ માર્કેટકૅપ સવાસાત ટકાના ધોવાણમાં ૧.૯૮ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે. બજેટ માથે છે, કૉર્પોરેટ રિઝલ્ટની મોસમ શરૂ થવામાં છે. સ્ટૉક સ્પેસિફિક મૂવમેન્ટ અને મોમેન્ટમ સાથે બજાર એકંદર સુધારાતરફી રહેશે એમ લાગે છે. આખો દિવસ રેડ ઝોનમાં રહેલું બજાર છેલ્લા અડધા કલાકમાં ૭૯૫૫૦ ઉપરથી સીધું ઊછળીને ૮૦૧૫૦ની ઇન્ટ્રાડે ટોચે પહોંચી ગયું છે એ બતાવે છે કે બાજી પૂરેપૂરી તેજીવાળાના હાથમાં છે. નાણાકોથળી મજબૂત છે. 

નેફ્રોકૅરનું લિસ્ટિંગ ગ્રેમાર્કેટની ધારણાથી નબળું નીવડ્યું

કલકત્તાની નેફ્રોકૅર શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટના ૧૭૫ના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ૧૭૧ ખુલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૦ નજીક બંધ થતાં અહીં ૯૯ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. HDFC ફેમ દીપક પારેખના બૅન્કિંગવાળો ૪૧૨૬ લાખનો આ ઇશ્યુ કુલ ૭૧૬ ગણો છલકાયો હતો એ જોતાં ભાવ આગળ વધશે એમ લાગે છે ગુજરાતણ નમિતા થાપરની એમક્યૉરનો ૧૦ના શૅરદીઠ ૧૦૦૮ની અપર બૅન્ડવાળો ૧૯૫૨ કરોડનો ઇશ્યુ ગઈ કાલે આખા દિવસસમાં કુલ ૬૮ ગણો છલકાઈને પુરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધતું રહી ૩૬૦ થયું છે. બંસલ વાયર ઇન્ડનો પાંચના શૅરદીઠ ૨૫૬ની અપરબૅન્ડ સાથે ૭૪૫ કરોડનો ઇશ્યુ પણ કુલ ૬૩ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધી ૭૫ બોલાય છે. આ બન્નેનાં લિસ્ટિંગ ૧૦મીએ થવાનાં છે.

પટેલ પરિવારની અમદાવાદી ગણેશ ગ્રીન ભારત ૧૦ના શૅરદીઠ ૧૯૦ની મારફાડ પ્રાઇસથી ૧૨૫ કરોડનો SME ઇશ્યુ શુક્રવારે લાવી છે. ભરણું પ્રથમ દિવસે જ ૧૨ ગણું ભરાઈ ગયું છે. પ્રીમિયમ ૨૦૫ જેવું સંભળાય છે. એફવા ઇન્ફ્રાનો ૧૦ના શૅરદીઠ ૮૨ની અપરબૅન્ડવાળો ૫૧૨૭ લાખનો SME IPO પ્રથમ દિવસે કુલ ૧૭ ગણો છલકાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૯૦ બોલાવા માંડ્યું છે. અમ્બે લૅબોરેટરીઝનો શૅરદીઠ ૬૮ના ભાવનો ૪૪૬૮ લાખનો SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૨ ગણો ભરાયો છે. પ્રીમિયમ સુધરીને ૪૪ ઉપર આવી ગયું છે. સોલરની તેજીનો લાભ ખાટવા બ્રહ્મભટ્ટ ફૅમિલીની અમદાવાદી કંપની સહજ સોલર ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપરબૅન્ડમાં ૫૨૫૬ લાખનો SME IPO ૧૧મીએ કરવાની છે. હાલ ગ્રેમાર્કેટમાં કોઈ સોદા નથી. 

રિલાયન્સ જિયો ૫૫૫૦૦ કરોડનો મહાકાય પબ્લિક ઇશ્યુ લાવશે?

મુકેશ અંબાણીની રિલાયન્સ રીટેલ તેમ જ ટેલિકૉમ બિઝનેસને ડીમર્જ કરી પબ્લિક ઇશ્યુ લાવશે એની ઘણા મહિનાથી રાહ જોવાય છે. હવે વહેતા થયેલા અહેવાલ પ્રમાણે રિલાયન્સની જિયો ટેલિકૉમનો ઇશ્યુ પહેલો આવશે. આ ઇશ્યુનું કદ ૫૫૫૦૦ કરોડ રૂપિયાનું હશે એવી વાયકા છે. દેશના કૉર્પોરેટ ઇતિસાહમાં LIC સૌથી મોટો ૨૧૦૦૦ કરોડનો પબ્લિક ઇશ્યુ લાવી હતી. રિલાયન્સ આ વિક્રમ તોડી નાખશે, પણ સવાલ છે ભરણું ક્યારે આવશે? આ વર્ષાંતે અગર તો આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇશ્યુ આવવાની વાત છે. જોકે ભરણું લાવતાં પહેલાં રિલાયન્સે એના ટેલિકૉમ બિઝનેસનું ડીમર્જર કરવું પડશે, જેના ભાગરૂપ જિયો ફાઇનૅન્સની જેમ રિલાયન્સના શૅરધારકોને જિયો ટેલિકૉમના શૅર પણ બદલામાં મળશે. ગઈ કાલે રિલાયન્સ ઇન્ડનો શૅર કોઈ દેખીતા કારણ વગર બમણા વૉલ્યુમે ૩૧૯૮ નજીક ઑલટાઇમ હાઈ બનાવી ૨.૩ ટકા કે ૭૨ રૂપિયાના ઉછાળે ૩૧૮૦ બંધ થયો એની પાછળ મેગા ઇશ્યુની આ હવા કામ કરી ગઈ લાગે છે. 

રિલાયન્સ ઑલટાઇમ હાઈ, યસ બૅન્કમાં તગડો ઉછાળો

જૂન ક્વૉર્ટરમાં ધિરાણ અને થાપણ વૃદ્ધિનો દર ઢીલો આવતાં HDFC બૅન્ક લગભગ બમણા વૉલ્યુમે ૪.૬ ટકા ગગડી ૧૬૪૮ બંધ થતાં સેન્સેક્સને ગઈ કાલે ૫૧૭ પૉઇન્ટનો માર પડ્યો છે. સામે રિલાયન્સ દોઢા કામકાજે ૩૧૯૩ની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૩ ટકા વધી ૩૧૮૦ બંધ આપી બજારને ૨૧૩ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટીમાં ONGC ચાર ટકાના ઉછાળે ૨૮૮ બંધ આપી મોખરે હતો. સ્ટેટ બૅન્ક, હિન્દુ યુનિલીવર, એનટીપીસી, લાર્સન, બ્રિટાનિયા, સિપ્લા, બજાજ ઑટો, ડિવીઝ લૅબ, અપોલો હૉસ્પિટલ્સ દોઢથી અઢી ટકા મજબૂત હતા. ટાઇટન બે ટકા તો મહિન્દ્ર, તાતા સ્ટીલ, લાટિમ, તાતા મોટર્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, અલ્ટ્રાટેક અડધો-પોણો ટકો ઘટ્યા છે.

બૅન્કિંગના ૪૧માંથી ૧૯ શૅર પ્લસ હતા. થાપણ અને ધિરાણ વૃદ્ધિનો દર જૂન ક્વૉર્ટરમાં સ્ટ્રૉન્ગ રહેતાં યસ બૅન્ક સાતગણા વૉલ્યુમે ૧૧.૩ ટકા ઊછળી ૨૬.૭૦ થઈ છે. ગુરુવારના રીરનમાં HDFC બૅન્ક સેન્સેક્સ નિફ્ટીની સાથે-સાથે બૅન્કિંગ સેક્ટરમાંય ટૉપ લૂઝર બની છે. ફેડરલ બૅન્ક ૨.૯ ટકાની આગેકૂચમાં ૧૮૬ની નવી ટોચે બંધ હતી. ઉત્કર્ષ બૅન્ક સવાત્રણ તો જનસ્મૉલ બૅન્ક સાડાત્રણ ટકા ખરડાઈ છે. માર્કેટ બ્રેડ્થ મજબૂત રહેતાં NSEમાં ૧૩૭૧ શૅર પ્લસ તો ૯૮૨ શૅર નરમ હતા.

કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧૧૪૬ પૉઇન્ટ ઊંચકાયો એમાં લાર્સનનો ફાળો ૩૫૬ પૉઇન્ટ હતો. ડીએમઆર (દિલ્લી મેટ્રો રેલ) સાથેના એમઓયુમાં રેલ વિકાસ નિગમ ૧૭.૪ ટકાની તેજીમાં ૪૯૧ના શિખરે બંધ આપી આ આંકને ૨૩૦ પૉઇન્ટ ફળ્યો હતો. સીજી પાવર સાતેક ટકા, થર્મેક્સ સવાછ ટકા, કીનેસ ટેક્નૉ પોણાછ ટકા, ભારત ડાયનૅમિક્સ પોણાત્રણ ટકા, સુઝલોન ૨.૭ ટકા, માઝગાવ ડૉક દોઢ ટકો વધી નવી સર્વોચ્ચ સપાટીએ બંધ રહી છે. 

રિયલ્ટી બિઝનેસના ડીમર્જરમાં રેમન્ડ સર્વોચ્ચ સપાટીએ

રેમન્ડ તરફથી એના રિયલ્ટી બિઝનેસને રેમન્ડ રિયલ્ટી લિમિટેડ નામની નવી કંપનીમાં ડી-મર્જ કરવાની જાહેરાત થઈ છે. ડીમર્જર બદલ રેમન્ડના શૅરધારકોને શૅરદીઠ નવી કંપનીનો એક શૅર મળશે. રેમન્ડ ગઈ કાલે ૧૦ ગણા વૉલ્યુમે ૩૪૮૪ની વિક્રમી સપાટી નોંધાવી ૯.૭ ટકા કે ૨૮૫ની તેજીમાં ૩૨૨૭ બંધ હતો. રેમેડિયમ લાઇફ શૅરદીઠ ત્રણ બોનસમાં બોનસ બાદ થતાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૧ નજીક ગયો છે, તો કેસી ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ના શૅરના ૧૦માં વિભાજન અને શૅરદીઠ ૪ બોનસમાં એક્સ-બોનસ, એક્સ-સ્પ્લિટ થતાં ઉપલી સર્કિટ આગળ વધારતાં બે ટકા વધી ૧૩૬૫ની ટોચે રહ્યો છે. વેર્ટોઝ ઍડ્વર્ટાઇઝિંગ શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજન અમલી થતાં પાંચ ટકા ઊંચકાઈ ૩૬ વટાવી ગયો છે. ક્લેશ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૪ બોનસમાં સોમવારે બોનસ બાદ થવાની છે. ભાવ સવાપાંચ ટકા તૂટી ૨૩૪ બંધ હતો. રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટમાં સવાત્રણ ટકા ઘટી ૨૦૭ થયો છે. 
અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટર્સને ઍરપોર્ટ ઑથોરિટી તરફથી ૫૭૨ કરોડનો ઑર્ડર મળતાં ભાવ પાંચ ગણા કામકાજે ૧૫૪૦ની ટૉપ બનાવી સવાબાર ટકા ઊછળી ૧૪૬૭ રહ્યો છે. માઝગાવ ડૉકની સાથે પિઅર ગ્રુપમાં કોચીન શિપયાર્ડ ત્રણ ગણા વૉલ્યુમે ૨૯૨૪ની વિક્રમી સપાટી બતાવી સાડાપાંચ ટકાના જમ્પમાં ૨૮૩૫ થયો છે. વર્ષ પૂર્વે ભાવ ૨૮૧ હતો. ગાર્ડન રિચ પણ દોઢ ટકો વધી ૨૭૧૦ની સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યો છે. ભારત અર્થ મૂવર ૫૪૮૯ના બેસ્ટ લેવલ બાદ પોણાનવ ટકા કે ૪૧૨ના ઉછાળે ૫૦૬૬ થયો છે.

business news sensex nifty stock market national stock exchange bombay stock exchange bitcoin