દલાલ સ્ટ્રીટમાં દિવાળી–સેલ જામ્યું, બજાર ૯૩૦ પૉઇન્ટ વધુ ખરડાયું

23 October, 2024 08:30 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ-નિફ્ટી ખાતે એક માત્ર ICICI બૅન્ક પ્લસ, બાકી બધું લાલ: તમામ સેક્ટોરલ માઇનસ, માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ: બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર ડાઉન, પીએસયુ બૅન્ક નિફ્ટી ૪.૩ ટકા લથડ્યો

શેરબજાર

સેન્સેક્સ-નિફ્ટી ખાતે એક માત્ર ICICI બૅન્ક પ્લસ, બાકી બધું લાલ: તમામ સેક્ટોરલ માઇનસ, માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ: બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર ડાઉન, પીએસયુ બૅન્ક નિફ્ટી ૪.૩ ટકા લથડ્યો: પાકિસ્તાની શૅરબજાર ૮૬,૮૪૬ની નવી સર્વોચ્ચ સપાટીએ: અદાણી ગ્રુપના તમામ ૧૧ શૅર ડાઉન, અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીમાં ટૉપ લૂઝર: રિલાયન્સ પોણાબે ટકા ખરડાઈ ૧૦ માસના તળિયે: લિસ્ટિંગમાં હ્યુન્દાઇની હવાહવાઈ વચ્ચે બ્રોકરેજ હાઉસ બુલિશ વ્યુ જારી કરી બકરા ફસાવવાની વેતરણમાં: રોકાણકારોના ૯.૨૦ લાખ કરોડ સ્વાહા થયા

મંગળવારે સેન્સેક્સ ફ્લૅટ ઓપનિંગ બાદ પ્રારંભિક સુધારામાં ૮૧,૫૦૪ થયો અને ત્યાંથી સીધો રેડ ઝોનમાં સરકી ક્રમશઃ નીચે ઊતરતો ગયો હતો જેમાં ઉપલા મથાળેથી ૧૩૫૫ પૉઇન્ટના ધબડકામાં ૮૦,૧૪૯ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. શૅર આંક છેવટે ૯૩૦ પૉઇન્ટ ખરડાઈ ૮૦,૨૨૧ની અંદર બંધ આવ્યો છે. માર્કેટકૅપની રીતે રોકાણકારોના ૯.૨૦ લાખ કરોડ સાફ થઈ ગયા છે. નિફ્ટી સવા ટકો કે ૩૦૯ પૉઇન્ટના ધોવાણમાં ૨૪,૪૭૨ થયો છે. ઑલરાઉન્ડ વેચવાલીમાં ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી માત્ર એક તો નિફ્ટીના ૫૦માંથી ફક્ત એક શૅર પ્લસ હતો. ICICI બૅન્ક સર્વાધિક પોણા ટકા જેવો સુધરી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બન્યો છે. બીજો ઇન્ફોસિસ સેન્સેક્સમાં ફ્લૅટ કે યથાવત્ તો નિફ્ટી ખાતે સવા રૂપિયો નરમ હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ નેગેટિવ ઝોનમાં બંધ થયા છે. ઑટો, ટેલિકૉમ, એનર્જી, રિયલ્ટી, પાવર, ઑઇલ-ગૅસ, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કૅપિટલ ગુડ્સ, યુટિલિટી, સ્મૉલકૅપ, નિફ્ટી મીડિયા જેવા સેક્ટોરલ સવાબેથી સાડાત્રણ ટકા નજીક તો પીએસયુ બૅન્ક નિફ્ટી સવાચાર ટકા ધોવાયો છે. ફાઇનૅન્સ તથા હેલ્થકૅર બેન્ચમાર્ક પોણાબે ટકા ડૂલ હતા. બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૭૦૫ પૉઇન્ટ ડાઉન હતો પણ અત્રે ૧૨માંથી માત્ર ICICI બૅન્ક સુધર્યો છે. કુલ ૪૧ બૅન્કોમાંથી ૩૯ બૅન્કો માઇનસ થઈ છે. યસ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, IDBI, બંધન બૅન્ક, ધનલક્ષ્મી, જેકે બૅન્ક, IDFC ફર્સ્ટ બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, યુકો બૅન્ક, કૅનેરા બૅન્ક, આઇઓબી, પીએનબી, સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ સિંધ બૅન્ક, એયુ બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, સૂર્યોદય બૅન્ક ત્રણથી સાત ટકા ગગડી છે. જન સ્મૉલ બૅન્ક પોણાદસ ટકા તૂટી છે. માર્કેટ બ્રેડ્થમાં ભારે બગાડ હતો. NSEમાં વધેલા ૩૩૧ શૅર સામે આઠેક ગણા, ૨૫૦૭ શૅર માઇનસ હતા.

સેન્સેક્સમાં મહિન્દ્ર પોણાચાર ટકા અને નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝ ચારેક ટકાની ખરાબીમાં ટૉપ લૂઝર હતા. રિલાયન્સ ૧.૯ ટકા ગગડી ૨૬૮૭ના બંધમાં બજારને સર્વાધિક ૧૪૯ પૉઇન્ટ નડ્યો છે. આ શૅર લગભગ ૧૦ માસના તળિયે આવી ગયો છે. HDFC બૅન્ક પોણા ટકા પ્લસની નબળાઈમાં બજારને ૯૬ પૉઇન્ટ નડ્યો છે. મોટા ભાગની એશિયાઈ બજાર ઘટી છે. ચાઇના અડધો ટકો સુધર્યું છે. જપાન, સાઉથ કોરિયા અને થાઇલૅન્ડ સવા-દોઢ ટકો તો સિંગાપોર પોણો ટકો નરમ હતું. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો નીચે દેખાયું છે. અવળી ચાલમાં પાકિસ્તાની શૅરબજાર ૮૬,૮૪૬ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી ૫૧૧ પૉઇન્ટ વધી ૮૬,૫૬૮ થયું છે. બિટકૉઇન રનિંગમાં પોણાબે ટકા ઘટી ૬૭,૧૫૩ ડૉલર હતો.

મુંબઈના ફોર્ટની ગોદાવરી બાયોરિફાઇનરી આજે મૂડીબજારમાં

મુંબઈ, ફોર્ટની ફન્ડામેન્ટલ્સ વિહોણી ગોદાવરી બાયોરિફાઇનરીઝ ૧૦ના શૅરદીઠ ૩૫૨ની અપર બૅન્ડમાં આશરે ૫૫૫ કરોડનો ઇશ્યુ બુધવારે કરવાની છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ નથી. શાપુરજી પાલનજી ગ્રુપની એફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦ના શૅરદીઠ ૪૬૩ની અપર બૅન્ડ સાથે ૫૪૩૦ કરોડનું ભરણું પચીસમીએ કરશે. પ્રીમિયમ ૪૫ જેવું ચાલે છે. અમદાવાદી લક્ષ્ય પાવર ટેકનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો SME IPO બુધવારે લિસ્ટેડ થશે. પ્રીમિયમ ઉપર ટકેલું છે. વારિ એનર્જીસનું ભરણું અત્યાર સુધીમાં કુલ ૯.૨ ગણું અને દીપક બિલ્ડર્સનો ઇશ્યુ ૧૨ ગણો ભરાઈ ચૂક્યો છે. વારિમાં ૧૩૭૫ અને દીપકમાં ૬૧ પ્રીમિયમ ક્વોટ થાય છે.

ગઈ કાલે ૩ નવાં SME ભરણાં ખુલ્યાં છે. જયપુરી દાનિશ કે ડેનિશ પાવરનો ૧૦ના શૅરદીઠ ૩૮૦ની મારફાડ અપર બૅન્ડ સાથે આશરે ૧૯૮ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૬૫ બોલાય છે. નાશિકની યુનાઇટેડ હીટ ટ્રાન્સફરનો ૧૦ના શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૦ કરોડનો ઇશ્યુ કુલ અઢી ગણો તથા નવી દિલ્હીની OBSC પર્ફેક્શનનો ૧૦૦ના ભાવનો ૬૬ કરોડનો ઇશ્યુ કુલ ૭૫ ટકા ભરાયો છે. યુનાઇટેડ હીટમાં હાલ ૧૪ રૂપિયા તો OBSCમાં ૧૧નું પ્રીમિયમ છે. પ્રીમિયમ પ્લાસ્ટ કુલ ૮.૭ ગણો ભરાયો છે. બુધવારે એ બંધ થશે. પ્રીમિયમ ૧૪ જેવું સંભળાય છે.

પરિણામને અવગણી શૅરોમાં ઘટાડો લગભગ નિયમ બન્યો

પેટીએમ દ્વારા ૩૪ ટકાના વધારામાં ૧૬૫૯ કરોડની આવક પર અગાઉના ૨૯૦ કરોડ સામે આ વખતે ૯૩૦ કરોડનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. નફામાં આટલો જંગી વધારો મુખ્યત્વે ૧૩૪૫ કરોડમાં મૂવી ટીકેટિંગ બિઝનેસ ઝોમેટોને વેચવાથી થયેલા વન-ટાઇમ ગેઇનનું પરિણામ છે. શૅર નીચામાં ૬૭૦ની અંદર જઈ ૫.૩ ટકા તૂટી ૬૮૭ બંધ થયો છે. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ૨૧ ટકાના વધારા સાથે ૫૪૬ કરોડ જેવા ત્રિમાસિક નફામાં પ્રારંભિક સુધારામાં ૧૪૨ વટાવ્યા બાદ અંતે નહીંવત્ ઘટીને ૧૩૬ પ્લસ રહ્યો છે. બજાજ ફીનસર્વ પરિણામની પૂર્વસંધ્યાએ બે ટકા નરમ હતો. મહિન્દ્ર લૉજિસ્ટિક્સની ત્રિમાસિક ખોટ ૧૫૫૦ લાખથી ઘટી ૯૬૦ લાખ રહી છે. શૅર ૫.૩ ટકા ખરડાઈ ૪૬૬ થયો છે. યુનિયન બૅન્કનો નેટ પ્રૉફિટ ૩૪ ટકા વધી ૪૭૨૦ કરોડ થવા છતાં શૅર બે ટકા ઘટીને ૧૦૯ હતો. સામે સિટી યુનિયન બૅન્ક દોઢ ટકાના વધારામાં ૨૮૫ કરોડનો નેટ નફો રળી ઉપરમાં ૧૭૩ થઈ ૧૧.૮ ટકાની તેજીમાં ૧૬૮ બંધ આવ્યો છે. સિએન્ટ DLM સાડાપાંચ ટકાની નફાવૃદ્ધિમાં સવાપાંચ ટકા બગડી ૬૬૨ રહ્યો છે.

HFCLની આવક દોઢ ટકો ઘટી છે, નફો સાડાચાર ટકા વધી ૭૩ કરોડ થયો છે. શૅર ૭.૫ ટકા બગડી ૧૧૫ હતો. જન સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કની ગ્રોસ NPA વધી છે. નફો ૨૧ ટકા ઘટી ૯૭ કરોડ આવ્યો છે. શૅર ૯.૭ ટકા તૂટી ૪૬૦ બંધ રહ્યો છે. ૩૬૦ વન વામનો ત્રિમાસિક નફો ૩૩ ટકા વધી ૨૪૭ કરોડ થયો છે અને શૅર સાડાછ ટકા ગગડી ૧૦૩૧ જોવાયો છે. બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ નફામાં ૧૦૭ ટકાના વધારાના પગલે પ્રારંભિક સુધારામાં ૮૭૦ થઈ ભારે પ્રૉફિટ બુકિંગ આવતાં નીચામાં ૭૫૨ થઈ ૭.૮ ટકા ગગડી ૭૬૨ હતો. ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ આવકમાં ૪૯ ટકાના ઘટાડા સાથે ૫૭ ટકાના ગાબડામાં ૮૪૩ કરોડ નેટ પ્રૉફિટ કરતાં ભાવ નીચામાં ૧૬૨૫ થઈ ૧૧.૭ ટકા તૂટી ૧૬૪૭ બંધ હતો.

માઝગાવ ડૉક અને ગાર્ડન રિચમાં કડાકો, ડિફેન્સ શૅરો ડાઉન

દુનિયાભરની બાકીની કંપનીઓ તો જાણે બહારથી કે વિદેશથી માટી મગાવીને ટાઇલ્સ બનાવતી હોય એમ દેશ કી મટ્ટી સે દેશ કી ટાઇલ્સ બનાવવાનો પ્રચાર કરતી કજરિયા સિરામિક્સે ત્રિમાસિક ગાળામાં ૨૩ ટકાના ઘટાડામાં ૮૫ કરોડ રૂપિયા નફો કર્યો છે. માર્જિન અઢી ટકા ઘટ્યું છે. શૅર ૪ ગણા વૉલ્યુમે સવાપાંચેક ટકા તૂટી ૧૨૮૫ બંધ થયો છે. અદાણી એનર્જી સૉલ્યુશનનો નફો ૧૭૨ ટકા વધી ૭૭૩ કરોડ થયો છે. શૅર અડધો ટકો ઘટી ૧૦૧૨ બંધ હતો અદાણી ગ્રીનનો નફો ૩૯ ટકા વધી ૫૧૫ કરોડ થયો છે. શૅર દોઢ ટકો ઘટી ૧૬૮૪ હતો. SRFનો ત્રિમાસિક નફો ૩૩ ટકા ગગડી ૨૦૧ કરોડ આવતાં શૅર સાડાત્રણ ટકા કપાઈ ૨૨૦૦ બંધ હતો.

ઝોમેટોનાં પરિણામ બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં હતાં. કંપનીએ આવકમાં ૬૯ ટકાના વધારા સામે અગાઉના ૩૬ કરોડની તુલનામાં પાંચ ગણો વધુ એવો ૧૭૬ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. કંપનીએ ક્વીપ રૂટ મારફત ૮૫૦૦ કરોડ ઊભા કરવાનું નક્કી કર્યું છે. શૅર સાડાત્રણ ટકા ઘટી ૨૫૬ બંધ રહ્યો છે. માઝગાવ ડૉક દ્વારા ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન તથા શૅરદીઠ ૨૩.૧૯ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કરાયું છે. ડિ‌વિડન્ડની રેકૉર્ડ ડેટ ૩૦ ઑક્ટોબર છે. પરિણામ જાહેર થવાની રાહ જોવાતી હતી. શૅર ગઈ કાલે ૧૦.૮ ટકા કે ૫૦૬ રૂપિયાના કડાકામાં ૪૧૬૦ નજીક બંધ હતો. કોચીન શિપયાર્ડ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૫૪ તો ગાર્ડન રિચ ડિરેટિંગમાં પોણાતેર ટકા કે ૨૨૯ રૂપિયાની ખુવારીમાં ૧૫૭૫ રહ્યો છે. ભારત ડાયનેમિક્સ સવાપાંચ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ પોણાપાંચ ટકા, DCX ઇન્ડિયા ૪.૭ ટકા, BEML ૬ ટકા, પારસ ડિફેન્સ પાંચ ટકા, ઝેન ટેક્નૉલૉજીસ સાડાપાંચ ટકા સાફ થયા હતા.

હ્યુન્દાઇ લિસ્ટિંગમાં હવાઈ ગયો, ૧૪૦ની લિસ્ટિંગ લૉસ

હ્યુન્દાઇ મોટરના લિસ્ટિંગમાં અમારી ધારણા મુજબ જોવાયો છે. ૧૦ના શૅરદીઠ ૧૯૬૦ની ઇશ્યુ પ્રાઇસ અને છેલ્લે બોલાતા ૬૨ના પ્રીમિયમ સામે ભાવ ૧૯૩૧ ખૂલી ઉપરમાં ક્ષણિક ૧૯૬૯ થઈ નીચામાં ૧૮૦૭ દેખાયો હતો. છેલ્લે ૧૮૨૦ બંધ રહેતાં એમાં ૭.૧ ટકાની લિસ્ટિંગ લૉસ ગઈ છે. આ શૅર વધઘટે ઝડપથી ૧૫૦૦ નીચે જશે એમ લાગે છે. કંપનીને વિદેશી પ્રમોટર્સે લૂંટાય એટલી લૂંટી લીધી છે. ઇશ્યુ પૂર્વે ડિવિડન્ડ પેટે ૧૩,૩૦૦ કરોડ અને છેલ્લાં બે વર્ષમાં ડિવિડન્ડ તરીકે ૧૭,૯૦૦ કરોડ રૂપિયા ઘરભેગા કર્યા છે. હ્યુન્દાઇ મોટર્સે પાંચ વર્ષમાંય આટલો નફો કર્યો નથી. કંપનીની જેટલી કૅશ રિઝર્વ હતી એનો બે-તૃતીયાંશ કે ૬૭ ટકા હિસ્સો ખાલી કરી નાખ્યો છે. આ ઉપરાંત ૨૭,૮૭૦ કરોડનો જે આઇપીઓ આવ્યો એ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ હોવાથી આ ભંડોળ પણ વિદેશી પ્રમોટર લઈ ગયા છે. રોકાણકારો માટે કે કંપનીના ગ્રોથ માટે ભાગ્યે જ કશું બચ્ચું છે. ન કરે નારાયણ ને બજારમાં મંદીનો દોર શરૂ થાય તો આ શૅર બીજો પેટીએમ પુરવાર થશે.

ઇશ્યુ ટાંકણે ગ્રે માર્કેટમાં ૫૭૦ના પ્રીમિયમ બોલાવી ફેન્સી જમાવવાની રમત થઈ હતી. પ્રીમિયમ જોકે સતત ઘસાતું જઈ ભરણું પૂરું થયું ત્યારે માત્ર ૧૫ રૂપિયા થઈ ગયું હતું અને વળતા દિવસે તો અહીં ૭૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાયું હતું. ત્યાર પછીથી શૉર્ટ કવરિંગના ઓથે લિસ્ટિંગમાં મોટો ધબડકો ટાળવા પ્રીમિયમ ખેંચીને ૯૫ સુધી લઈ જવાયું હતું જે છેલ્લે ૫૦ થઈ ૬૨ ક્વોટ થયું હતું. હ્યુન્દાઇના ઇશ્યુમાં ગ્રે માર્કેટના ઑપરેટરોની પોલ પણ ખૂલી ગઈ છે. હ્યુન્દાઇનો શૅર ફન્ડામેન્ટલી કોઈ પણ સંજોગોમાં ૧૯૬૦ના ભાવને હરગિજ લાયક નથી એ જાણવા છતાં કેટલાક બ્રોકરેજ હાઉસ દ્વારા બુલિશ વ્યુ જારી કરીને બકરા ફસાવવાનો ખેલ શરૂ થયો છે. મોતીલાલ ઓસવાલે અહીં ૨૩૪૫ની, નોમુરા વાળાએ ૨૪૭૨ની, મેક્વાયરે ૨૨૩૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે, બીજા કેટલાક આ પંગતમાં જોડાવાની તૈયારીમાં છે. સામે એમ્કે ગ્લોબલે હ્યુન્દાઇના મુકાબલે મારુતિનો શૅર વધુ સારો ગણાવતાં હ્યુન્દાઇમાં ૧૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવા જણાવ્યું છે.

પીએનસી ઇન્ફ્રા વર્ષના તળિયે, રિઝલ્ટ પૂર્વે અંબર એન્ટરપ્રાઇઝિસમાં ધબડકો

પીએનસી ઇન્ફ્રાટેકને સરકારે બ્લૅક લિસ્ટમાં મૂકતાં શૅર આગલા દિવસના ૨૦ ટકાના કડાકા પછી ગઈ કાલે ૩૦૧ની વર્ષની બૉટમ બનાવી ૬.૭ ટકા ખરડાઈ ૩૪૨ રહ્યો છે. થાણે ખાતે ઑબેરૉય રિયલ્ટી સવાત્રણથી સવાચાર કરોડની કિંમતવાળા લક્ઝુરિયસ ફ્લૅટના ગ્રીન ગાર્ડન સિટી પ્રોજેક્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે. ત્રણ જ દિવસમાં ૧૩૪૮ કરોડના ફ્લૅટ્સ વેચાઈ ગયા છે. જોકે ઑબેરૉય રિયલ્ટીનો શૅર ૧.૮ ટકા ઘટી ૧૯૫૯ હતો. અદર પુનાવાલાએ ૧૦૦૦ કરોડમાં કરણ જોહરની ધર્મા પ્રોડક્શનનો ૫૦ ટકા હિસ્સો લઈ લીધો છે. તેની પુનાવાલા ફીનકૉર્પના શૅર ઉપર કોઈ પૉઝિટિવ અસર દેખાઈ નથી. ભાવ આગલા દિવસના અડધા ટકાના ઘટાડા બાદ ગઈ કાલે ૩.૭ ટકા ઘટી ૩૬૨ બંધ થયો છે. 

અદાણીની અંબુજા સિમેન્ટ્સ દ્વારા શૅરદીઠ ૩૯૫ના ભાવે ઓરિયેન્ટ સિમેન્ટનો ૪૬.૮ ટકા હિસ્સો ૮૧૦૦ કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરાઈ છે. આના પગલે નિયમ મુજબ ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા આ જ ભાવે ઓપન ઑફર આવશે. ઓરિયેન્ટ સિમેન્ટ ૩૭૯ની નવી ટૉપ બનાવી અઢી ટકા ઘટી ૩૪૩ હતો. જ્યારે અંબુજા સિમેન્ટ્સ ૫૮૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ અઢી ટકા ઘટી ૫૫૮ રહ્યો છે. અદાણીના અન્ય સિમેન્ટ શૅરમાં ACC ૨.૪ ટકા તો સાંધી ઇન્ડ. ૩.૮ ટકા નરમ હતા. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ ૩.૮ ટકા, NDTV ત્રણ ટકા, અદાણી ટોટલ ચાર ટકા, અદાણી વિલ્મર ત્રણેક ટકા, અદાણી પાવર અઢી ટકા, અદાણી ગ્રીન દોઢ ટકા, અદાણી પોર્ટ્સ એકાદ ટકો માઇનસ થયા છે. પરિણામની પૂર્વસંધ્યા એટલે કે સોમવારે ૧૦૮૦ રૂપિયા કે ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ રહેલો અંબર એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે પરિણામ પૂર્વે પોણાચાર ગણા કામકાજે નીચામાં ૫૪૯૩ થઈ ૧૧ ટકા કે ૭૦૪ રૂપિયાના કડાકામાં ૫૬૮૦ બંધ આવ્યો છે.

sensex nifty share market stock market hyundai reliance adani group icici bank business news