ધિરાણનીતિમાં રેટ-કટનો વસવસો રહેતાં બજાર ઉપલા મથાળેથી ૮૫૨ પૉઇન્ટ ડૂલ

10 October, 2024 09:28 AM IST  |  Mumbai | Anil Patel

નિફ્ટી ૩૧ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૯૮૨ થયો છે. સ્મૉલકૅપ સવા ટકો, મિડકૅપ એક ટકો અને બ્રૉડર માર્કેટ અડધા ટકા નજીક સારું રહેવાના લીધે માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૭૦૮ શૅર સામે ૮૦૨ જાતો ઘટી છે.

પ્રતીકાત્મક તસવીર

હેલ્થકૅર બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈ, FMCGમાં નબળાઈ:  રોકડું મજબૂત, બૅન્કિંગમાં સાઇડ શૅર સુધારામાં, રિયલ્ટી શૅર તેજીમાં: પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસમાં સુસ્તી, તાતા ઍલેક્સીની આગેકૂચ, જીએમ બ્રુઅરીઝ નરમ: તાતા ગ્રુપની ટ્રેન્ટ નવા શિખરે, ધાની સર્વિસિસ ૨૦ ટકાની તેજી સાથે નવી ટોચે:  સાતમા દિવસની આગેકૂચમાં પાકિસ્તાની શૅરબજાર ૮૬,૦૦૦ની પાર થઈ નવા બેસ્ટ લેવલે બંધ: CDSLમાં આઠ ટકાનો ઉછાળો, MCX ઑલટાઇમ હાઈ થયો

રિઝર્વ બૅન્કે ધિરાણનીતિમાં ભવિષ્યની તારીખ પકડાવી વ્યાજદર યથાવત રાખ્યો છે. રેટ-કટની આશા ઠગારી નીવડી છે. હવે વાત ડિસેમ્બર પર છોડી દેવાઈ છે. સરવાળે સેન્સેક્સ ૮૨,૩૧૯ના ઉપલા મથાળેથી માયૂસીની ચાલમાં ૮૧,૩૪૩ની અંદર જઈ ૮૧,૪૬૭ ગઈ કાલે બંધ થયો છે જે આગલા બંધના મુકાબલે ૧૬૮ પૉઇન્ટ અને ઇન્ટ્રા-ડે હાઈની તુલનામાં ૮૫૨ પૉઇન્ટની નરમાઈ બતાવે છે. નિફ્ટી ૩૧ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૯૮૨ થયો છે. સ્મૉલકૅપ સવા ટકો, મિડકૅપ એક ટકો અને બ્રૉડર માર્કેટ અડધા ટકા નજીક સારું રહેવાના લીધે માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૭૦૮ શૅર સામે ૮૦૨ જાતો ઘટી છે. 

રેટ-કટના વસવસા વચ્ચે પણ રિયલ્ટી ઇન્ડેક્સ સવાબે ટકા મજબૂત હતો. સપ્ટેમ્બર ક્વૉર્ટરના બિઝનેસ આઉટલૂકમાં મેક્રોટેક ડેવલપર્સ, ઑબેરૉય રિયલ્ટી તથા ફિનિક્સ મિલ્સ સાડાત્રણથી સવાચાર ટકાની તેજીમાં હતા. ઑટો બેન્ચમાર્ક પોણો ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણા ટકા નજીક તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ગુડ્સ ઇન્ડેક્સ એક ટકો વધ્યા છે. બૅન્કિંગ અને ફાઇનૅન્સ બેન્ચમાર્ક સાધારણ પ્લસ હતા, પરંતુ અત્રે સાઇડ શૅર લાઇમલાઇટમાં જોવાયા છે. ધાની સર્વિસિસ ૨૦ ટકાના ઉછાળે તગડા વૉલ્યુમે ૬૩.૬૧ની વર્ષની ટોચે તો IIFL સિક્યૉરિટી ૧૧.૭ ટકા, સેન્ટ્રમ કૅપિટલ ૯.૬ ટકા, દૌલત અલ્ગો ૬ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૫.૫ ટકા, ધનલક્ષ્મી બૅન્ક સાડાચાર ટકા ઊંચકાયા હતા. બજારનું માર્કેટકૅપ ૧.૬૩ લાખ કરોડ વધી હવે ૪૬૨.૧૪ લાખ કરોડ રૂપિયા થયું છે. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૪,૮૮૧ની સર્વોચ્ચ સપાટી બનાવી પોણાબે ટકા જેવો વધી ૪૪,૬૯૨ બંધ આવ્યો છે. અત્રે ૯૯માંથી ૭૩ જાતો વધી હતી. ડિવીઝ લૅબ ૬૦૨૯ની નવી ટૉપ બનાવી ૭.૭ ટકા કે ૪૨૬ની તેજીમાં ૫૯૭૩ બંધ આપી મોખરે હતો. જીએસકે ફાર્મા, એફડીસી, સ્ટ્રાઇડ ફાર્મા, ઇપ્કા લૅબ, હેસ્ટર બાયો, વિન્ડલાસ, માર્કસન્સ, વિજ્યા ડાયગ્નોસ્ટિક્સ, એરિસ લૅબ, દિશમાન, મોરપેન લૅબ, નાટકો ફાર્મા, ગ્લૅનમાર્ક જેવાં કાઉન્ટર સાડાત્રણથી પાંચ ટકા મજબૂત હતાં. સામે FMCG ઇન્ડેક્સ ૭૭માંથી ૪૩ શૅર વધવા છતાં હેવીવેઇટ્સના ભારમાં સવા ટકો ડૂલ થયો છે. અત્રે આઇટીસી, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા, કોલગેટ ઇત્યાદી જેવી ફ્રન્ટલાઇન જાતો નરમ હતી. 

સ્ટિમ્યુલસનો અફસોસ ઘેરો બનતાં ચાઇનીઝ માર્કેટ ૭ ટકા તૂટ્યું છે. હૉન્ગકૉન્ગ વધુ દોઢ ટકો ખરડાયું છે. ઇન્ડોનેશિયા પોણો ટકો નરમ હતું. જૅપનીઝ નિક્કી પોણો ટકો અને સિંગાપોર અડધો ટકો સુધર્યાં હતાં. યુરોપ રનિંગમાં પૉઝિટિવ બાયસ બતાવતું હતું. પાકિસ્તાની શૅરબજાર સળંગ સાતમા દિવસની આગેકૂચમાં ૮૬,૪૫૧ની સર્વોચ્ચ સપાટી બનાવી ૭૯ પૉઇન્ટના સુધારામાં ૮૫,૭૪૩ બંધ થયું છે. 

મહારાષ્ટ્રનો ઑર્ડર મળતાં નાગપુરની સેન્સિસ ટેક ૨૦ ટકા ઊછળી 

મલ્ટિ-નૅશનલ SKF ઇન્ડિયાએ એના ઇન્ડસ્ટ્રિયલ બિઝનેસને ડીમર્જ કરવાનું નક્કી કર્યું છે. જોકે આ ડીમર્જરથી અસ્તિત્વમાં આવનારી નવી કંપીનીની ૧૦૦ ટકા માલિકી SKF ઇન્ડિયાની હશે. ઑટોમોટિવ બિઝનેસને ડીમર્જ કરી એ કંપનીનું નૅસ્ડૅક ખાતે લિસ્ટિંગ કરાવાશે. ભાવ ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૫૫૦૦ થયા બાદ ૩.૭ ટકા વધી ૫૩૬૮ બંધ હતો. વેલસ્પન એન્ટરપ્રાઇઝને મુંબઈ મહાનગરપાલિકા તરફથી ૧૯૮૯ કરોડનો ઑર્ડર મળતાં ભાવ ઉપરમાં ૫૬૪ વટાવી અંતે પોણાત્રણ ટકા વધી ૫૫૩ રહ્યો છે. સેન્સિસ ટેક અર્થાત અગાઉની ABCC ઇન્ફોકેડને મહારાષ્ટ્ર સરકારનો ૩૩૨ કરોડનો ઑર્ડર મળતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૪ રૂપિયા ઊછળી ૮૬૪ની વિક્રમી સપાટીએ ગયો છે. નાગપુરની આ કંપની વર્ષે ૨૫૨ કરોડની

આવક પર ૨૩ કરોડ નેટ નફો કરે છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૧૫૧ રૂપિયા ઉપરની છે. ભાવ વર્ષ પહેલાં માંડ અઢીસો હતો. સેન્કો ગોલ્ડનો રીટેલ ગ્રોથ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૭ ટકા રહ્યો હોવાની જાહેરાત થતાં શૅર સવાચાર ટકા ઝળકી ૧૪૧૩ બંધ થયો છે. એબીબી ઇન્ડિયામાં સપ્ટેમ્બર ક્વૉર્ટરનો ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેવાની હવા ચાલતાં ભાવ દોઢા વૉલ્યુમે ૮૫૭૭ થઈ ૪ ટકા કે ૩૨૩ વધી ૮૪૭૫ બંધ આવ્યો છે. સિમેન્સ પણ આવા જ કારણસર બમણા વૉલ્યુમે સાડાચાર ટકા કે ૩૨૭ના જમ્પમાં ૭૭૦૦ થયો છે. આ બન્ને સાથે સૂઝલોન પોણાપાંચ ટકા, ટીમકેન ઇન્ડિયા પાંચ ટકા, એલ્જી ઇક્વિપમેન્ટ પાંચેક ટકા, ભારત ફોર્જ બે ટકા, સીજી પાવર અઢી ટકા, પ્રાજ ઇન્ડ. પોણાત્રણ ટકા, હનીવેલ ઑટો ૨.૯ ટકા કે ૧૩૭૫ રૂપિયા વધતાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૫૦૭ પૉઇન્ટ કે પોણો ટકો પ્લસ થયો હતો. હેવીવેઇટ લાર્સનની સવા ટકાની નરમાઈ અવરોધ બની નહોતી. મેટલ ઇન્ડેક્સ સળંગ ૪ દિવસની નરમાઈ બાદ ગઈ કાલે ૨૭ પૉઇન્ટ મામૂલી ઘટ્યો છે. NMDC સવાબે ટકા સુધરી ૨૨૪ નજીક ગયો હતો. 

પરિણામ વહેલાં આપવાની જાહેરાત છતાં રિલાયન્સ ડાઉન 

માર્કેટલીડર રિલાયન્સે પરિણામ ૧૪મી ને સોમવારે જાહેર કરવાની જાણ કરી છે જેની થોડીક નવાઈ છે. મોટા ભાગે રિલાયન્સનાં ત્રિમાસિક પરિણામ સીઝન શરૂ થયાં પછી આટલાં જલદી ક્યારેય આવતાં નથી. અગ્રણી કંપનીઓમાં ટીસીએસથી રિઝલ્ટની સીઝન શરૂ થાય છે. ત્યાર પછી ઇન્ફીનાં રિઝલ્ટ એકાદ-બે દિવસમાં આવે છે. રિલાયન્સ મોટે ભાગે એ પછી ૧૦-૧૫ દિવસે પરિણામ આપતી આવી છે. આ વખતે જરાક જુદું થયું છે. ઇન્ફીનાં રિઝલ્ટ ટીસીએસ પછી એક સપ્તાહે આવશે અને એમાં વચ્ચે રિલાયન્સ ઘૂસી ગઈ છે.

પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસ સુસ્ત ચાલમાં નજીવો સુધરી ૪૨૫૬ રહ્યો છે. વિશ્લેષકોના મતે કંપની સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૭.૨ ટકાના વધારા સાથે ૬૩,૯૯૩ કરોડની આવક તથા પોણાનવ ટકાના વૃદ્ધિદરથી ૧૨,૩૫૦ કરોડ નેટ પ્રૉફિટ કરે એવી અપેક્ષા છે. તાતા ગ્રુપની તાતા ઍલેક્સીનાં રિઝલ્ટ પણ આજે, ગુરુવારે છે. બીજી તરફ રિઝલ્ટ ડેટની જાહેરાત રિલાયન્સમાં નરમ વલણને બદલવામાં સફળ નીવડી નથી. શૅર સળંગ પાંચ દિવસના ઘટાડા પછી મંગળવારે બે ટકા જેવો વધ્યો હતો, પરંતુ ગઈ કાલે નીચામાં ૨૭૪૪ થઈ દોઢ ટકો ઘટી ૨૭૫૦ બંધ આપી બજારને ૧૩૫ પૉઇન્ટ નડ્યો છે. બજારના પંડિતો કંપની માટે સપ્ટેમ્બર ક્વૉર્ટર પણ નબળું રહેવાની ધારણા મૂકે છે. રિલાયન્સ ગ્રુપની ડેન નેટવર્ક પરિણામની પૂર્વસંધ્યાએ સવા ટકો વધીને બાવન તથા હૅથવે ભવાની કેબલ ૪.૨ ટકા વધીને ૨૧ રહ્યો છે. મુંબઈની જીએમ બ્રુઅરીઝનાં પરિણામ આજે, ગુરુવારે છે. શૅર ગઈ કાલે એક ટકો ઘટી ૮૫૮ હતો. રિલાયન્સની લોટસ ચૉકલેટ પરિણામપૂર્વે પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૯૯૨ બંધ થયો છે. આ સળંગ ૪થા દિવસની આગેકૂચ છે. આનંદ રાઠી વેલ્થ પરિણામની પૂર્વસંધ્યાએ બમણા વૉલ્યુમે ચાર ટકા ઊચકાઈ ૪૧૨૩ બંધ થયો છે. 

ધર્મા પ્રોડક્શનના ટેકઓવરના મામલેસારેગામાનું ગોળગોળ સ્પષ્ટીકરણ 

MCXનાં પરિણામ નજીકમાં ૧૯મીએ છે ત્યારે શૅર ગઈ કાલે સરેરાશ કરતાં સારા કામકાજમાં ૬૧૪૧ની નવી વિક્રમી સપાટી બનાવી બે ટકા કે ૧૨૨ રૂપિયા વધીને ૬૧૨૫ બંધ આવ્યો છે. CDSL આઠ ટકા કે ૧૧૦ના ઉછાળે ૧૪૭૨ થયો છે. BSE લિમિટેડ ૪૩૯૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી દોઢેક ટકાની પીછેહઠમાં ૪૧૮૧ હતો. વર્ષમાં ત્રેવડો વધારો હાંસલ કરનાર તાતાની ટ્રેન્ટ ૮૩૧૮નું નવું બેસ્ટ લેવલ હાંસલ કરી ૧૭૨ રૂપિયા કે ૨.૧ ટકા વધી ૮૨૨૦ રહ્યો છે. 

યુએસએફડીએ તરફથી કંપનીના પ્લાન્ટને ઑલ ઇઝ વેલનું ક્લિયરન્સ મળતાં પ્રારંભિક તેજીમાં ૧૨૯૬ના શિખરે ગયેલી ઍલેમ્બિક ફાર્મા પ્રૉફિટ બુકિંગમાં દોઢ ટકો ઘટી ૧૨૨૯ બંધ આવ્યો છે. પેટીએમ આગલા દિવસના જમ્પ પછી થાકોડામાં ૧.૭ ટકા ઘટ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ૧૦ ટકાની મંગળવારની તેજી આગળ ધપાવતાં સાડાત્રણ ટકા વધીને ૧૫૫ વટાવી ગયો છે. પેઇન્ટ્સ શૅરોમાં એકઝો નોબલ છ ગણા કામકાજે ૪૬૪૯ની ટૉપ બનાવી ૧૧.૨ ટકાના ઉછાળે ૪૩૫૪ હતો. સ્પાઇસજેટ વધુ પોણાપાંચ ટકા ઊંચકાઈ ૬૬ નજીક પહોંચ્યો છે. 
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને હસ્તગત કરવાની રેસમાં રિલાયન્સ જિયો અને અદાણી ગ્રુપ સાથે RPG ગ્રુપની સારેગામા ઇન્ડિયા પણ મેદાનમાં હોવાની વાતો ચાલે છે. સારેગામા તરફથી હાલ એને અનુમોહન આપવાનું ટાળવામાં આવ્યું છે. શૅર દોઢ ટકોઘટીને ૬૨૩ અંદર બંધઆવ્યો છે. 

nifty stock market share market reliance mumbai maharashtra dharma productions business news