મેટલ અને એફએમસીજીના ભારમાં સેન્સેક્સ ૨૨૧ પૉઇન્ટ ડાઉન, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની

08 February, 2023 02:30 PM IST  |  Mumbai | Anil Patel

ફેરકેમ ઍગ્રો. ત્રણ મહિનામાં જ ૨૪૪૯ના શિખરથી ૯૪૫ના તળિયે આવી ગયો : પેટીએમ અને પૉલિસી બાઝારની આગેકૂચ, બીએફ ઇન્વે. ૧૪ ટકાની તેજીમાં 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રિલાયન્સે ઇન્ટ્રા-ડેમાં ૨૩૦૦નું લેવલ ગુમાવ્યું, તાતા સ્ટીલની પાછળ તાતા ગ્રુપના મેટલ શૅર પણ બગડ્યા : સળંગ આઠ દિવસની ખુવારીમાં ૯.૪૦ લાખ કરોડ રૂપિયાના ધોવાણ બાદ પ્રથમ વાર અદાણી ગ્રુપનું માર્કેટ કૅપ ૧૧,૪૯૬ કરોડ રૂપિયા વધ્યું : અપાર ઇન્ડ. રિઝલ્ટની તેજી આગળ ધપાવતાં ૨૯૪ના ઉછાળે નવા શિખરે : ફેરકેમ ઍગ્રો. ત્રણ મહિનામાં જ ૨૪૪૯ના શિખરથી ૯૪૫ના તળિયે આવી ગયો : પેટીએમ અને પૉલિસી બાઝારની આગેકૂચ, બીએફ ઇન્વે. ૧૪ ટકાની તેજીમાં 

બહુમતી એશિયન બજારો મંગળવારે પૉઝિટિવ ઝોનમાં રહ્યાં છે. ઇન્ડોનેશિયા પોણો ટકો અને સાઉથ કોરિયા અડધો ટકો અપ હતા, અન્યત્ર સુધારો સાંકડો હતો. જપાન તથા થાઇલૅન્ડ મામૂલી ઘટાડે બંધ હતા. યુરોપ રનિંગમાં નહીંવતથી સામાન્ય પ્લસ દેખાયું હતું. ઘરઆંગણે સોમવારે પાંચ દિવસના સુધારાને બ્રેક વાગ્યા પછી સેન્સેક્સ ફ્લૅટ ખૂલી ઉપરમાં ૬૦,૬૬૫ વટાવી માઇનસ ઝોનમાં આવી ગયો હતો, જેમાં ૬૦,૦૬૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. એકાદ વાગ્યા પછી માર્કેટ બહુધા સતત અપવર્ડ ટ્રેન્ડમાં હતું. શૅરઆંક છેલ્લે ૨૨૧ પૉઇન્ટ જેવા ઘટાડામાં ૬૦,૨૮૬ બંધ થયો છે. નિફ્ટી ૪૩ પૉઇન્ટની નરમાઈમાં ૧૭,૭૨૧ હતો. બજારોનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં હતાં. તાતા સ્ટીલની ખુવારીના પગલે બીએસઈનો મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા કે ૩૮૯ પૉઇન્ટ બગડ્યો છે, પરંતુ નિફ્ટી મેટલ માત્ર ૧૫ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. જેનું કારણ અદાણી એન્ટર.નું બાઉન્સ બૅક હતું. ટેલિકૉમ, યુટિલિટી, પાવર તથા એફએમસીજી ઇન્ડેક્સ પોણાથી દોઢ ટકા નરમ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ પોણા ટકાના સુધારે બેસ્ટ ગેઇનર બન્યો છે. આઇટી ટેક્નૉ. નિફ્ટી ફાર્મા, હેલ્થકૅર નહીંવતથી સામાન્ય વધ-ઘટે બંધ હતા. ઑટો ઇન્ડિકેસ ૦.૯ ટકા પાછો પડ્યો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. એનએસઈમાં ૮૪૪ શૅર પ્લસ તો સામે ૧૧૮૭ જાતો માઇનસ હતી. 

એસએમઈ સેગમેન્ટમાં ગાયત્રી રબર્સ ઍન્ડ કેમિ. ૧૦ના શૅરદીઠ ૩૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે ૩૫ ખૂલી ઉપરમાં ૩૭ નજીક જઈને ૨૨ ટકા કે બાવીસ રૂપિયાના લિ​​સ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ રહી છે. હવે ૧૦ના શૅરદીઠ ૪૦ના ભાવે એસએમઈ આઇપીઓ લાવનારી અર્થસ્ટાહલ ઍન્ડ એલૉયઝનું લિ​સ્ટિંગ બુધવારે છે એના ઉપર નજર છે. ૧૨૯૬ લાખ રૂપિયાનો આ ઇશ્યુ ૨૫૫ ગણો છલકાયો હતો. ગ્રે માર્કેટમાં હાલ ૨૦ના પ્રીમિયમ સંભળાય છે. 

આઇટીસી, તાતા સ્ટીલ, મારુતિ બજારને વધુ નડ્યા, રિલાયન્સ નરમ 

મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ૯ અને નિફ્ટીના ૫૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. કોટક મહિન્દ્ર બૅન્ક દોઢ ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકાની આગેકૂચ સાથે સેન્સેક્સ ખાતે વધવામાં મોખરે હતા. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૧૪.૬ ટકા કે ૨૩૦ રૂપિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા અને અદાણી પોર્ટસ ૧.૪ ટકા વધીને આગેવાનીમાં રહ્યા છે. બજાજ ફાઇ, બજાજ ઑટો, ઓએનજીસી, લાર્સન જેવી અન્ય જાતો અડધાથી એકાદ ટકો અપ હતી. રિલાયન્સ છેવટે ૨૩૦૦ના લેવલને તોડી નીચામાં ૨૨૯૩ બતાવી સામાન્ય ઘટાડામાં ૨૩૦૬ બંધ આવ્યો છે. તાતા સ્ટીલ દ્વારા અગાઉના ૯૫૯૮ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૫૦૨ કરોડ રૂપિયા ચોખ્ખી ખોટ દર્શાવી અણધાર્યો આંચકો અપાયો છે. શૅર ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૧૧૦ થઈ ૫.૨ ટકાના કડાકામાં ૧૧૧ બંધ આવી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. હિન્દાલ્કો ચાર ટકાની ખરાબીમાં ૪૨૯ હતો. આઇટીસી ૨.૭ ટકા, મારુતિ સુઝુકી પોણા બે ટકા, એચસીએલ ટેક્નૉ. દોઢ ટકા, તાતા મોટર્સ દોઢ ટકા, સનફાર્મા ૧.૭ ટકા, હિન્દુ. યુનિલીવર સવા ટકા, વિપ્રો એક ટકા, હીરો મોટોકૉર્પ ૧.૭ ટકા, ડિવીઝ લૅબ એક ટકા માઇનસ હતા. અપાર ઇન્ડસ્ટ્રીઝમાં પરિણામની તેજી જારી છે. ભાવ ૨૨૬૬ના શિખરે જઈ ૧૫.૩ ટકા કે ૨૯૪ રૂપિયાની તેજીમાં ૨૨૨૨ બંધ થયો છે. ૧૧ મેના રોજ અહીં ૫૫૯નું બૉટમ બન્યું હતું. ગ્લૅન્ડ ફાર્મા ખરાબીમાં સોમવારે ૧૧૭૦ની અંદર નવા તળિયે ગયા પછી ગઈ કાલે તગડા બાઉન્સ બૅકમાં ૧૩૩૩ વટાવી ૧૧.૫ ટકા કે ૧૩૫ રૂપિયાના જમ્પમાં ૧૩૦૯ રહ્યો છે. જેટ ઇન્ફ્રાવેન્ચર્સમાં ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગેલી હતી. ફેરકેમ ઑર્ગેનિક્સ ૯૪૫નું નવું તળિયું દેખાડી સાડાબાર ટકા કે ૧૩૯ના ધોવાણમાં ૯૭૪ હતો. ૧૦ ઑક્ટો.ના રોજ અહીં ૨૪૪૯ની ઑલટાઇમ હાઈ બની હતી. તાજેતરમાં ૨ ફેબ્રુના રોજ ૧૧૨૩ની ટોચે ગયેલા મોલ્ડટેક પૅકેજિંગ ૧૦ ટકા કે ૧૦૪ રૂપિયા તૂટી ૯૫૮ નીચે બંધ આવ્યો છે. રાજેશ એક્સ પોર્ટ્સ ૬.૯ ટકા ગગડીને ૮૪૩ હતો. 

અદાણી ગ્રુપમાં આઠ દિવસની સળંગ ખુવારીને બ્રેક લાગી

હિંડનબર્ગ રિપોર્ટની અસરમાં સતત આઠ દિવસની ખુવારીમાં કુલ મળીને ૯.૪૦ કરોડ રૂપિયાના ઐતિહાસિક ધોવાણ પછી ગઈ કાલે અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૧૧૪૯૬ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ગ્રુપના ૧૦માંથી ૬ શૅર વધ્યા છે. ફલૅગશિપ કંપની અદાણી એન્ટર પ્રાઇસિસ ૧૪.૬ ટકા કે ૨૩૦ રૂપિયાના જમ્પમાં ૧૮૦૨ ઉપર બંધ રહી છે. ભાવ ઉપરમાં ૧૯૬૫ થયો હતો. શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં ૧૦૧૭નું દોઢેક વર્ષનું બૉટમ બન્યુ હતું એ સંદર્ભમાં જોઈએ તો શૅર નીચલા મથાળેથી એ જ દિવસમાં ૭૭ ટકા વધી ગયો છે. અદાણી વિલ્મર સળંગ આઠ દિવસથી મંદીની સર્કિટમાં હતો એ ઉપલી સર્કિટે ૫ ટકા વધી ૩૯૯ થયો છે. બાકી એનડીટીવી, અંબુજા સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને એસીસી એક-સવાટકા જેવા સાધારણ સુધારામાં હતા. સામે પક્ષે અદાણી પાવર, અદાણી ગ્રીન, અને અદાણી ટોટલ પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટે બંધ આવ્યો છે. અદાણી ટ્રાન્સ. પોણો ટકા ડાઉન હતો. ઇન્ટ્રા-ડેમાં અદાણી ટ્રાન્સ. પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૧૯૮ના નવા તળિયે જઈ ઉપલી સર્કિટમાં ૧૩૨૪ થયો હતો, છેલ્લે પોણો ટકો ઘટી ૧૨૫૨ નીચે જોવાયો છે. અદાણી ગ્રીન પાંચ ટકાની તેજીની સર્કિટે ૯૩૨ થઈ નીચલી સર્કિટમાં ૯૪૩ના દોઢેક વર્ષની નવી નીચી સપાટીએ તો અદાણી ટોટલ પણ પાંચ ટકાની મંદીની સર્કિટે ૧૪૬૭ના નવા બૉટમે બંધ થયો છે. અદાણી ગ્રુપ સાથે જેનો પરોક્ષ સંબંધ હોવાની વાત છે એ મોનાર્ક ત્રણેક ટકાની મજબૂતીમાં ૨૨૯ અને ​ક્વિન્ટ ડિજિટલ પોણાત્રણ ટકા વધી ૧૦૦ ઉપર બંધ હતા. અદાણી ગ્રુપમાં મંગળવારનો ટ્રેન્ડ જોતાં કેટલાક લોકો કહી રહ્યા છે કે હવે બધું પૂરું થયું, ખરાબી ગઈ. જોકે સે​ન્ટિમેન્ટ હજી પણ ખરડાયેલું છે. વિશ્વાસ હચમચી ગયો છે. એ થાળે પડતાં વાર લાગશે. 

આ પણ વાંચો : શૅરબજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી, અદાણી ગ્રુપમાં ધોવાણનો સિલસિલો જારી

ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ સરકારી બૅન્કોમાં નરમ વલણ 

રિઝર્વબૅન્કની ધિરાણનીતિ બુધવારે છે. ૦.૨૫ ટકાના વ્યાજદરમાં વધારાની ગણતરી છે, પણ એને લઈને મત-મતાંતર છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સુધારામાં ૧૧૬ પૉઇન્ટ જેવો સામાન્ય સુધર્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈ વચ્ચે આઠ પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો. બૅ​ન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૬ શૅર પ્લસ હતા. ડીસીબી બૅન્ક પોણાછ ટકા ઊછળી ૧૧૪ અને એયુ બૅન્ક ત્રણ ટકાની મજબૂતીમાં ૬૫૨ બંધ હતા. એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક, ઍ​ક્સિસ બૅન્ક સાંકડી વધ-ઘટે બંધ થયા છે. ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, યુકો બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, તામિલનાડુ મર્કેન્ટાઇલ દોઢથી સવાબે ટકા ડાઉન હતા. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૬માંથી ૬૬ શૅરના સુધારે ૧૧ પૉઇન્ટ જેવો નહીંવત્ સુધર્યો છે. બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૧૪ ટકાની તેજીમાં ૩૬૬ થયો છે. સરકાર ચાઇનીઝ ઍપ્સ ઉપર વધુ કડક બની છે. ઑનલાઇન નાણાકીય વ્યવહારની સુવિધા આપતી સંખ્યાબંધ ઍપ્સ બૅન કરી છે. આનો લાભ પેટીએમ ખાટશે એવી વાતો છે. વળી એનાં પરિણામ પણ સારાં આવ્યાં છે. શૅર વધુ સાડાપાંચ ટકા ઊછળી બંધ થયો છે. મેક્સ વેન્ચર્સ, પીએનબી હાઉસિંગ, અરમાન ફાઇ, એડલવીસ, પૂનાવાલા ફિનકૉર્પ, પૉલિસી બાઝાર, બજાજ હો​​લ્ડિંગ્સ પોણાત્રણથી પોણાપાંચ ટકા વધ્યા હતા. એલઆઇસી હાઉસિંગ સવાત્રણ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ અઢી ટકા, ન્યુ ઇન્ડિયા એસ્યૉ. પોણાચાર ટકા, એન્જલવન ત્રણ ટકા, એમસીએક્સ સવાબે ટકા ડાઉન હતા. એલઆઇસી અડધો ટકો સુધરી છે. નાયકા એક ટકો અપ હતી. 

તાતા ગ્રુપના મેટલ શૅર ખરડાયા, રાઇસ એક્સપોર્ટ‍્સ શૅર ડાઉન

તાતા સ્ટીલ પાછળ મેટલ શૅરો ગઈ કાલે બગડતાં આંક ૧.૯ ટકા ઘટ્યો છે નાલ્કો, હિન્દુ. ઝિન્ક, સેઇલ, હિન્દાલ્કો સવા ટકાથી માંડીને ચાર ટકા ડાઉન હતા. હિન્દુ. કૉપર ૧૦૬ના લેવલે જૈસે થે હતો. જિંદાલ સ્ટીલ સવાબે ટકા વધ્યો છે. તાતા સ્ટીલ પાછળ તાતા સ્ટીલ લૉન્ગ પ્રોડક્ટ્સ સાડાપાંચ ટકા તૂટી ૬૫૨, તાતા મેટાલિક્સ ૫.૬ ટકા ગગડી ૭૬૭, ટીન પ્લેટ પાંચ ટકાની ખરાબીમાં ૩૨૨ બંધ રહ્યા છે. મુકંદ પોણાબે ટકા વધી ૧૨૮ નજીક ગયો છે. 

આઇટીસી અને હિન્દુ. યુનિલીવરની સાથે-સાથે ડાબર, મારિકો, બ્રિટાનિયા ઇમામી, નેસ્લે, તાતા કન્ઝ્યુમર જેવી ચલણી જાતો પણ ઘટીને બંધ થતાં એફએમસીજી આંક એક ટકાથી વધુ માઇનસ થયો છે. બહેતર રિઝલ્ટમાં વરુણ બેવરેજિસ સાત ટકાના જમ્પમાં ૧૩૦૬ હતો. રાઇસ એક્સ પોર્ટસ ચમનલાલ સેટિયા ૧૫૭ના બેસ્ટ લેવલે જઈ બે ટકાના ઘટાડે ૧૪૯, કેઆરબીએલ ૪.૭ ટકા ગગડી ૩૭૪ અને એલટી ફૂડ્સ અઢી ટકા ઘટીને ૧૧૧ બંધ હતા. શુગર ઉદ્યોગના ૩૮માંથી ૧૨ શૅર સુધર્યા છે. પોની ઇરોડ ચાર ટકા અને સર શાદીલાલ બે ટકાથી વધુ પ્લસ હતા. બજાજ હિન્દુસ્તાન, રાલવગાંવ, રેણુકા, દ્વારકેશ, કેસર એન્ટર, રીગા શુગર, ધામપુર બાયો, ત્રિવેણી એ​ન્જિ. પોણાબેથી પોણાપાંચ ટકા માઇનસ હતા. 

ઑટોમાં મહિન્દ્ર, ટીવીએસ મોટર, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ, મારુતિ, અશોક લેલૅન્ડ અડધાથી સવાબે ટકા ઘટ્યા છે. ભારતી ટેલિ, ઇન્ડ્સ ટાવર, રાઉટ મોબાઇલ, એચએફસીએલ એકથી સવા ટકો, વોડાફોન ચારેક ટકા, તાતા ટેલિ ૪ ટકા નરમ હતા. ઇન્ફી, એચસીએલ ટેક્નૉ, વિપ્રો, ટેક મહિન્દ્ર, સિએન્ટની પીછેહઠમાં આઇટી ઇન્ડેક્સ અડધા ટકાની નજીક ઘટ્યો છે. ટીસીએસ સાધારણ સુધરીને ૩૪૭૦ હતો.

business news commodity market share market stock market national stock exchange bombay stock exchange sensex nifty