25 September, 2024 07:39 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે નિફ્ટી 26,000 ક્રૉસ કરવા કટિબદ્ધ એવું છપાણું અને મંગળવારે જ નિફ્ટીએ 26,000 ક્રૉસ કરી પણ લીધો. 25,000થી 26,000 સુધી પહોંચતા નિફ્ટીને 38 ટ્રેડિંગ દિવસો લાગ્યા હતા. નિફ્ટીની આ ચાલ પાછળ સપ્ટેમ્બરનું વાયદાનું સેટલમેન્ટ અને ઑક્ટોબરમાં આરબીઆઇ પણ વ્યાજદર ઘટાડશે એવો આશાવાદ જવાબદાર છે. મુખ્ય ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ કરતા તમામ શૅરો એફઍન્ડઓમાં છે જ! આવા સંયોગોમાં સેન્સેક્સે 85,000 અને નિફ્ટીએ 26,000 ક્રૉસ કરી લાર્જકૅપ ફન્ડોમાં અને આ ઇન્ડેક્સના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડોમાં રોકાણ કરનારાઓને રાજીના રેડ કરી દીધા છે. જોકે આ લેવલે ચાર્ટિસ્ટો પાર્શિયલ પ્રૉફિટ બુકિંગની સલાહ આપે છે. સોમવારના 84,928.61ના બંધ સામે સેન્સેક્સે 84,860.73 ખૂલી સ્ટાર્ટિંગમાં જ 84,716.07નું લો બનાવી બપોરે બેથી ત્રણની વચ્ચે 85,163.23નો નવો હાઈ બનાવી અંતે 84,914.04 બંધ રહેવા સાથે 0.02 ટકાનો નહીંવત ઘટાડો નોંધાવ્યો છે. નિફ્ટી પણ 26,011.55નો નવો ઑલટાઇમ હાઈ દેખાડી 25,940.40 (25,939.05)ના સ્તરે વિશેષ ફેરફાર વગર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટી 54,105.80ના પુરોગામી બંધ સામે 54,110.65 ખૂલી વધીને 54,247.70 અને ઘટીને 53,904.65નું બૉટમ બનાવી છેલ્લે પા ટકો ઘટીને 53,968.60 રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ ઇન્ટ્રા-ડેમાં 54,247.70નો નવો ઐતિહાસિક હાઈ કર્યો હતો. બીએસઈ ખાતે બૅન્કેક્સ જોકે સોમવારના 61,451.83ના હાઈ સામે 61,451.52નો દૈનિક હાઈ બનાવતાં નવા હાઈની શ્રૃંખલા જાળવી શક્યો નહોતો અને છેલ્લે 0.30 ટકાના નુકસાને 61,166.36 બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્ક ડિસેમ્બર સુધીમાં એની સબસિડિયરીનો આઇપીઓ લાવશે એવા સમાચાર આવ્યા પછી સતત સુધરતો જાય છે. આ શૅર એના બાવન સપ્તાહના 1794ના હાઈથી હવે માત્ર 26 રૂપિયા જ દૂર છે. આ શૅરની અનેક ઇન્ડેક્સના પ્રતિનિધિ તરીકેની ભૂમિકા અને એનું એ ઇન્ડેક્સમાં વેઇટેજ જોતાં આટલો ભાવવધારો આ બૅન્કિંગ જાયન્ટ માટે આસાન ગણાય. શું એ રેકૉર્ડ બ્રેક કરશે? નિફ્ટી બૅન્કે મંગળવારે બાવન સપ્તાહનો નવો હાઈ બનાવ્યો એની સાથે-સાથે એના પ્રતિનિધિ શૅરોમાંથી એક પણ શૅર નવા હાઈએ પહોંચ્યો નહોતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 69.45 પૉઇન્ટ્સ, 0.28 ટકા ઘટી 24,883.65 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 25,038.20નો ઑલટાઇમ હાઈ ઇન્ટ્રા-ડેમાં કર્યો હતો. એના બે પ્રતિનિધિ શૅર, એક ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સે મંગળવારે 1652નો અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે 795 રૂપિયાના નવા ઐતિહાસિક હાઈ નોંધાવ્યા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 83.50 પૉઇન્ટ્સ, 0.63 ટકા વધી 13,284.10 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 96.30 પૉઇન્ટ્સ, 0.13 ટકાના ગેઇને 76,803.80ના સ્તરે વિરમ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50નો વેદાન્તા મેટલ શૅરોની તેજી વચ્ચે 3.75 ટકા વધી 470.10 રૂપિયા બંધ રહ્યો હતો.
નિફ્ટીનો તાતા સ્ટીલ પણ સાડાચાર ટકા સુધરી 160.65 રૂપિયા ના સ્તરે ટૉપ ગેઇનર હતો. હિન્દાલ્કો 719.70નો નવો હાઈ દેખાડી 4.12 ટકાના ગેઇને 719 રૂપિયા બંધ હતો. ચીનની સેન્ટ્રલ બૅન્કના અર્થતંત્રને ટેકો આપવાના પ્રયાસોની અસર મેટલ શૅરોની તેજીમાં પ્રતિબિંબિત થતી હતી. નિફ્ટીના શૅર એસબીઆઇ લાઇફે ઇન્વેસ્ટર મિટ / કૉન્ફરન્સ-કૉલ રદ કર્યાની જાહેરાત 23મીએ કરી એના વસવસાના લીધે મંગળવારે ભાવ પોણાત્રણ ટકા તૂટી 1866 રૂપિયા થઈ ગયો હતો. આ શૅર સોમવારે 2.66 ટકા વધી 1920 બંધ હતો. એ જ રીતે હેવીવેઇટ હિન્દુસ્તાન યુનિલીવર પણ અઢી ટકા ઘટી 2952 રૂપિયા થયો હતો. આજે બૅન્ક નિફ્ટીનો અને ગુરુવારે નિફ્ટીનો સપ્ટેમ્બર વાયદો પૂરો થશે એથી આ બે દિવસમાં ઇન્ટ્રા-ડે ચંચળતા વધવાની સંભાવના છે. નિફ્ટીના 25 (34) શૅર વધ્યા અને 25 (16) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 21 (39), નિફ્ટી બૅન્કના 12માંથી 2 (10), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્સિસના 20માંથી 4 (19) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 16 (16) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 15 (19) અને બૅન્કેક્સના 10માંથી 3 (7) શૅરો વધ્યા હતા. એનએસઈના 77માંથી 48 (70) ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. એમાં સૌથી વધુ 2.97 ટકા સુધરી નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 9735.40 થયો હતો. આ ઇન્ડેક્સનો નાલ્કો (નૅશનલ ઍલ્યુમિનિયમ) 6.64 ટકા સુધરી 192 રૂપિયાના સ્તરે બંધ હતો. વેલસ્પર્ન કૉર્પ અને એનએમડીસી ચાર-ચાર ટકા તો વેદાન્ત અને એપીએલ અપોલો બન્ને પોણાચાર ટકાના પ્રમાણમાં વધ્યા હતા. હિન્દુસ્તાન કૉપર સાડાત્રણ ટકા અને સેઇલ સવાત્રણ ટકા સુધરીને બંધ રહ્યા હતા. મેટલ ઇન્ડેક્સના તમામ 15 શૅરો વધીને બંધ રહ્યા હતા. એ પછીના ક્રમે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસીસ (સીપીએસઈ) ઇન્ડેક્સ 1.18 ટકાના ગેઇને 7213.50 અને પીએસઈ ઇન્ડેક્સ 1 ટકાના વધારા સાથે 11,053.35ના સ્તરે બંધ રહ્યા હતા. સીપીએસઈનો એનએલસી સાડાચાર ટકા વધી 285 અને પીએસઈનો એનએમડીસી ચાર ટકા વધી 224 રૂપિયાના સ્તરે વિરમ્યા હતા. એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2866 (2907) ટ્રેડેડ શૅરોમાંથી 1355 (1768) વધ્યા, 1441 (1066) ઘટ્યા અને 90 (73) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 166 (176) શૅરોએ અને નવા લો 40 (38) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 138 (155) તો નીચલી સર્કિટે 54 (67) શૅરો ગયા હતા.
એસ્ટ્રાઝેનેકા ફાર્મા 14 ટકા વધ્યો, આઇઈએક્સ 11 ટકા ઘટ્યો
એસ્ટ્રાઝેનેકા ફાર્માને એક દવાની આયાત કરી ભારતમાં એ વેચવા માટેની પરવાનગી સરકાર તરફથી મળવાના પગલે શૅરનો ભાવ 8040ના નવા શિખરે ગયા પછી 14 ટકા ઊછળી 7720 રૂપિયા બંધ વખતે હતો.ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઈએક્સ) મંગળવારે સોમવારની કૉન્ફરન્સ-કૉલની વિગતો આવવાના પગલે 11 ટકાના ગાબડાએ 211 રૂપિયા થઈ
ગયો હતો.એસ. એચ. કેળકરના અત્તરની મહેક બ્રોકરેજના પૉઝિટિવ રિપોર્ટે બજારમાં ફેલાતાં ભાવ 305 રૂપિયાનો 52 સપ્તાહનો નવો હાઈ બનાવ્યા પછી ક્લોઝિંગમાં 16 ટકાના ગેઇને 299 રૂપિયા થઈ ગયો હતો.રહેણાક અને વ્યાપારી પ્રોજેક્ટ્સમાં કાર્યરત અરવિંદ સ્માર્ટ સ્પેસિસ પણ 902ની નવી ઊંચાઈએ જઈ આવી અંતે 16 ટકા ઊછળી 878 રૂપિયાની સપાટીએ વિરમ્યો હતો.
સંસ્થાકીય નેટ લેવાલી
મંગળવારે એફઆઇઆઇની 2784.14 કરોડ રૂપિયાની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની 3868.31 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં એકંદરે 1084.17 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 476.07 (476.04) લાખ કરોડ રૂપિયાના સ્તરે યથાવત રહ્યું ગણાય.