ઑલટાઇમ હાઈનો ધારો જાળવી રાખતાં સેન્સેક્સ ૮૦,૦૦૦ની ઉપર બંધ, પાકિસ્તાન પણ બુલરનમાં

05 July, 2024 07:02 AM IST  |  Mumbai | Anil Patel

બૅન્ક નિફ્ટી નવા બેસ્ટ લેવલ બાદ ફ્લૅટ, રોકડું અને બ્રૉડર માર્કેટ જોરમાં: શૅરદલાલો બજારમાં ફ્રૉડ અને ગેરરીતિ પકડવા અને રોકવાના નવા ધંધે લાગશે, સેબી શું કરશે? ત્રણેય શિપબિલ્ડિંગ શૅર તગડા ઉછાળે નવી વિક્રમી સપાટીએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બજારમાં તેજીનો ફુગ્ગો વધુ ને વધુ ફુલાતો જાય છે. નવા શિખરનો સિલસિલો આગળ વધી રહ્યો છે. સેન્સેક્સ ગુરુવારે ખાસ્સા પૉઝિટિવ ઓપનિંગ બાદ ૮૦૩૯૩ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી ૬૫ પૉઇન્ટ વધી ૮૦૦૫૨ની ટોચે બંધ થયો છે. નિફ્ટી ૨૪૪૦૧ના બેસ્ટ લેવલને હાંસલ કરી ૧૬ પૉઇન્ટ વધી ૨૪૩૦૨ની વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. માર્કેટકૅપ ૧.૮૭ લાખ કરોડ વધી ૪૪૭.૩૦ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ પ્લસ હતાં. રોકડું અને બ્રૉડર માર્કેટ નવી વિક્રમી સપાટી સાથે અડધા ટકા સુધી વધીને બંધ થયું છે. હેલ્થકૅર બેન્ચમાર્ક નવી ટૉપ સાથે સવા ટકો મજૂબત હતો. આઇટી એક ટકો, ઑટો અને ટેલિકૉમ પોણો ટકો, મેટલ સાધારણ, રિયલ્ટી પોણો ટકો, ટેક્નૉલૉજીઝ એક ટકો, નિફ્ટી ફાર્મા ૧.૪ ટકા વધ્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ નવી ઑલટાઇમ હાઈ સાથે ૦.૩ ટકા પ્લસ રહ્યો છે. બૅન્કિંગ, ફાઇનૅન્સ, એફએમસીજી, નિફ્ટી મીડિયા નેગેટિવ બાયસમાં જોવાયા છે. 
કોઈ ગમે તે કહે, હાલની તેજીને અર્થતંત્રની નક્કર વાસ્તવિકતા કે પ્યૉર ફન્ડામેન્ટલ્સ સાથે કોઈ જ સંબંધ નથી. જેકોઈ કારણ અપાય છે એ બધી વાર્તા છે. તેજી છે એટલે ગમે તે કારણ આપી શકો છો, હઈશો-હઈશોનાં હલેસાં મારી શકો છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીનો અહેવાલ કહે છે. જૂન મહિનામાં દેશમાં બેકારીનો દર વધી સવાનવ ટકાની આઠ મહિનાની ટોચે ગયો છે. દેશમાં ૮૦ કરોડ લોકો મહિને પાંચ કિલો સરકારી અનાજની સખાવત પર નભી રહ્યા છે (એવું નરેન્દ્ર મોદી ખુદ કહે છે) અને સરકારી નીતિ આયોગ દેશમાં ગરીબી ઘટીને ફક્ત પાંચ ટકાએ આવી ગઈ હોવાનાં ઢોલ પીટે છે. કરોડો અબજોના ખર્ચે બનેલા નવા રસ્તા, પુલ, ટનેલ સહિતના અન્ય ઇન્ફ્રા પ્રોજેક્ટ પત્તાંના મહેલની જેમ ધરાશાયી કે વેરવિખેર થઈ રહ્યા છે. એના સમારકામ પાછળ નવો લખલૂટ ખર્ચ થતો રહે છે. સરવાળે જીડીપી ગ્રોથમાં ભળતો વધારો થઈ રહ્યો છે. આંધીમાંય ૧૦૦ વર્ષ જૂનાં ઝાડ નીચે જવાય, પણ ૨૦૧૪ પછી બનેલા પ્રોજેક્ટ પાસે જતાં સંભાળવું પડે એવી હાલત છે આજે. ઍનીવે, પાકિસ્તાનનું શૅરબજાર પણ બુલરનમાં ગઈ કાલે ૮૦૮૮૯ની વિક્રમી સપાટી બનાવી ૮૦૩૩૬ની ટોચે બંધ હતું. કહાની કા સબક: શૅરબજાર અર્થતંત્રનું બેરોમીટર છે એ વાત વાહિયાત છે.

બજારમાં ફ્રૉડ રોકવા-પકડવા શૅરબ્રોકરોને સેબીનો આદેશ

બજાર બંધ થવાના ટાંકણે સેબી તરફથી એક નવો વિવાદાસ્પદ પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે જેના મારફત સેબીએ બજારમાં ફ્રૉડ કે છેતરપિંડી અને અન્ય તમામ પ્રકારની ગેરરીતિ શોધી કાઢે તેમ જ એને અટકાવે એવી યંત્રણા (મેકૅનિઝમ) ઊભી કરવા શૅરદલાલોને ફરમાન કર્યું છે. ક્વૉલિફાઇડ સ્ટૉકબ્રોકરોએ ઑગસ્ટ ૨૦૨૪થી ૫૦,૦૦૦ કરતાં વધુ ઍક્ટિવ ક્લાયન્ટ કોડ ધરાવનાર બ્રોકરોએ જાન્યુઆરી ૨૦૨૫થી અને નાના બ્રોકરોએ એપ્રિલ ૨૦૨૫થી તથા સૌથી નાના દલાલોએ એપ્રિલ ૨૦૨૬થી આનો અમલ કરવાનો છે. સેબીવાળાનનું ખસી ગયું લાગે છે. સ્ટોકબ્રોકિંગ કમ્યુનિટીનું ઇન્સલ્ટ કરવાનો અમારો બિલકુલ ઇરાદો નથી, પરંતુ બજારમાં થતી ગેરરીતિ, ફ્રૉડ કે સ્કૅમમાં બ્રોકર સામેલ ન હોય એવો એક પણ કિસ્સો તમે જોયો છે ખરો? અને આ બધું પકડવાનું, અટકાવવાનું કામ શૅરદલાલો કરશે તો પછી તેઓ ધંધો ક્યારે કરશે? કેવી રીતે કરશે? અને પછી સેબી શું કરશે? બસ ખાલી ફાંકા ફોજદારી? આવું મેકૅનિઝમ ઊભું કરવાનો ખર્ચ કોણ ભોગવશે? અમને લાગે છે કે સેબી પાસેથી પ્રેરણા લઈ સરકારે સમગ્ર પોલીસ દળ વિખેરી નાખવું જોઈએ, પોલીસનું કામ જે-તે વિસ્તારના નામચીન કે નામિયા ગુનેગારોને હવાલે કરી દેવું જોઈએ, તમે શું માનો છો યાર?

દરમ્યાન સ્ટ્રૉન્ગ બિઝનેસ આઉટલૂકની થીમમાં માઝગાવ ડૉક સાડાત્રણ ગણા વૉલ્યુમે ૫૬૨૩ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૯.૫ ટકા કે ૯૧૪ના ઉછાળે ૫૬૦૧ બંધ આપી એ-ગ્રુપમાં મોખરે હતો, એનું માર્કેટ કૅપ ૧.૧૩ લાખ કરોડના શિખરે આવી ગયું છે. એની પાછળ કોચિન શિપયાર્ડ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬૮૪ની ટોચે ગયો છે, ગાર્ડન રિચ પણ ૨૬૯૮ની ટૉપ હાંસલ કરી ૮.૭ ટકા ઊંચકાઈ ૨૬૭૦ થઈ છે. કોટક સિક્યૉરિટી તરફથી ૧૮૦૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે સેલમાંથી બાયનું રેટિંગ આવતાં લુપિન આઠ ટકાના જમ્પમાં ૧૭૬૦ હતો. વૉકહાર્ટ બુલરનમાં ૯૯૩ની ટોચે જઈ સવાપાંચ ટકા વધી ૯૩૪ રહ્યો છે. કાયા લિમિટેડ દ્વારા મારિકો સાથે ડિસ્ટ્રિબ્યુશન કરાર થતાં શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૦૧ બંધ હતો. મારિકો નજીવો જ વધ્યો છે. એસ્ટ્રાઝેનેકા ૭૫૫૦ના શિખરે જઈ ૧૨ ટકા કે ૭૬૧ની તેજીમાં ૭૧૫૦ રહી છે. તાતાની નેલ્કો ૧૧.૫ ટકાના ઉછાળે ૮૮૩ના શિખરે બંધ હતી. કોઠારી પ્રોડક્ટ્સમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ
લાગી હતી. 

HDFC બૅન્ક પ્રૉફિટ બુકિંગમાં ગગડી, બજારને ૨૭૫ પૉઇન્ટ નડી

માથે પરિણામને લઈ વધતા આશાવાદમાં આઇટી ડિમાન્ડમાં છે. HCL ટેક્નૉલૉજીઝ ૨.૭ ટકા ઊંચકાઈ ૧૫૨૦ના બંધમાં સેન્સેક્સ નિફ્ટીમાં મોખરે હતો. ઇન્ફી સવા ટકો અને ટીસીએસ ૧.૪ ટકા અપ હતા. આ ત્રણ જાતો બજારને ૧૫૬ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક સરેરાશ કરતાં ૨૦ ટકાના કામકાજે ૧૩૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અઢી ટકા વધી ૧૨૩૨ બંધ થતાં સેન્સેક્સને સર્વાધિક ૧૮૮ પૉઇન્ટનો ફાયદો થયો હતો. દાદરા પ્લાન્ટને લઈ અમેરિકન એફડીએના વાંધાવચકા વચ્ચે પણ સનફાર્મા ૧.૮ ટકા વધ્યો છે. તાતા મોટર્સ ૨.૪ ટકા તો કોટક બૅન્ક સવા ટકો પ્લસ હતી. બજારની તેજીને આગળ વધારવામાં છેલ્લા કેટલાક દિવસથી મહત્ત્વનો ફાળો આપનારી HDFC બૅન્ક પ્રૉફિટ બુકિંગમાં ૨.૪ ટકા ઘટી ૧૭૨૬ના બંધમાં માર્કેટને ૨૭૫ પૉઇન્ટ નડી છે. 
જૂન ક્વૉર્ટરના અંતે નવી લોનમાં વર્ષે ૧૦ ટકા તથા એયુએમમાં ૩૧ ટકાનો વધારો આવતાં પ્રારંભિક ઉત્સાહમાં વધી ૭૩૨૫ થયેલી બજાજ ફાઇનૅન્સ પોણાબે ગણા વૉલ્યુમે નીચામાં ૭૧૦૦ થઈ બે ટકા બગડી ૭૧૦૯ રહી છે. અલ્ટ્રાટેક, લાર્સન, ટેક મહિન્દ્ર, ભારત પેટ્રો, અદાણી એન્ટર, વિપ્રો એકથી દોઢ ટકા ડાઉન હતા. હેવીવેઇટ રિલાયન્સ પ્રારંભિક સુધારામાં ૩૧૩૪ વટાવ્યા બાદ પરચૂરણ સુધારામાં ૩૧૦૮ રહી છે. બૅન્ક નિફ્ટી ૫૩૩૫૮ની સર્વોચ્ચ સપાટી બાદ ૧૪ પૉઇન્ટના નજીવા સુધારામાં ૫૩૧૦૪ રહ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૨ શૅર માઇનસ હતા. HDFC બૅન્ક સેન્સેક્સ નિફ્ટી ઉપરાંત સમગ્ર બૅન્કિંગ સેક્ટરમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ઉત્કર્ષ બૅન્ક પાંચ ટકા ઊછળી હતી. 

ગણેશ ગ્રીન અને એફવા ઇન્ફ્રાના ઇશ્યુ આજે ખૂલશે : પ્રીમિયમ ચગાવી ફૅન્સી જમાવવાની મોટી રમત

એમક્યૉર ફાર્માનો ૧૯૫૨ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ પાંચ ગણો અને બંસલ વાયરનો ૭૪૫ કરોડનો આઇપીઓ ૬.૦૩ ગણો ભરાઈ ગયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ અનુક્રમે ૩૪૫ અને ૫૮ રૂપિયા બોલાય છે. શૅરદીઠ ૯૦ના ભાવવાળી નેફ્રોકૅર આજે શુક્રવારે લિસ્ટિંગમાં જશે. પ્રીમિયમ ઘટીને ૧૭૫ થઈ ગયું છે. અમ્બે લૅબોરેટરીઝનો શૅરદીઠ ૬૮ની અપરબૅન્ડવાળો ૪૪૬૮ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૧૮ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૩૩થી વધીને હાલ ૪૦ની આસપાસ સંભળાય છે. શુક્રવારે અમદાવાદી ગણેશ ગ્રીન ભારત ૧૦ના શૅરદીઠ ૧૯૦ની અપર બૅન્ડમાં ૧૨૫ કરોડ પ્લસનો SME ઇશ્યુ કરવાની છે. વિવિધ સરકારી સંસ્થાઓને ઇલેક્ટ્રિકલ ગુડ્સ તથા સર્વિસિસ સપ્લાય કરવાનો ધંધો કરતી આ કંપનીએ ગયા વર્ષે ત્રણેક ગણો નફો બતાવી બૅલૅન્સશીટનું બ્યુટિફિકેશન કર્યું છે. દેવું આશરે ૫૪ કરોડનું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ઝીરોથી લઈ ફક્ત ૭૫ પૈસા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમનાં કામકાજ ૧૮૦થી શરૂ થયાં હતાં. રેટ ખેંચી હાલ ૨૫૦ ઉપર લઈ જવાયો છે. કંપનીના ત્રણ ડિરેક્ટરોએ અગાઉ વર્ષે કુલ ૧૭૦ લાખનું મહેનતાણું મેળવ્યું હતું. એની સામે આ વર્ષે પ્રત્યેક ડિરેક્ટર મહિને દોઢ કરોડનું રેમ્યુનરેશન લેશે. અર્થાત્ ત્રણ જણના ૫૪ કરોડ થયા. પટેલ-પરિવાર કંપનીને લૂંટી લેવાના મૂડમાં જણાય છે. એક અન્ય કંપની મહારાષ્ટ્રના થાણે ખાતેની એફવા (EFFWA) ઇન્ફ્રા પણ ૧૦ના શૅરદીઠ ૮૨ની અપરબૅન્ડમાં ૫૧૨૭ લાખનો SME IPO આજે કરવાની છે, જેમાંથી ૭૬૮ લાખ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સ ઘરભેગા કરશે. પ્રમોટર્સની શૅરદીઠ ઍવરેજ કૉસ્ટ સવાબે રૂપિયા જેવી છે. ગ્રેમાર્કેટમાં ૬૩થી શરૂ થયેલાં પ્રીમિયમ ઊછળી હાલ ૧૧૫ કરી દેવાયાં છે. 

પ્રમોટર્સની એક્ઝિટની હવામાં ITD સિમેન્ટેશનમાં કડાકો

મુંબઈની રેમેડિયમ લાઇફ કૅર એક શૅરદીઠ ત્રણ બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ૧૦.૬ ટકા તૂટી ૭૦ નીચે રહી છે. મુંબઈની જ એ અન્ય કંપનીમાં એક કેસી ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ના શૅરના ૧૦માં વિભાજન તથા શૅરદીઠ ૪ બોનસમાં એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ આજે શુક્રવારે થવાની છે. ભાવ ગઈ કાલે બે ટકાની ઉપલી સર્કિટે ૬૬૯૩૮ની ટોચે જઈ ત્યાં જ બંધ હતો. તો વર્ટોઝ ઍડ્વર્ટાઇઝિંગ શૅરદીઠ એક બોનસ અને ૧૦ના શૅરના એકમાં વિભાજનની પૂર્વસંધ્યાએ ચાર ટકા ગગડી ૬૭૬ રહી છે. મુંબઈની રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર પાંચેક ટકા ઊછળી ૧૦૭૩ બંધ આવ્યો છે.

જયપુરની નંદાણી ક્રીએશન ૧૦૦ શૅરદીઠ ૨૨૪ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ તથા ગઈ કાલે ૯.૩ ટકા ગગડી ૪૮ બંધ હતી. કંપની ઑક્ટોબર ૨૦૧૬માં ૧૦ના શૅરદીઠ ૨૮ના ભાવે ૪૦૪ લાખનો SME IPO લાવી હતી. માર્ચ ૨૦૧૯માં બે શૅરદીઠ ત્રણ બોનસ આપ્યું હતું.

આઇટીડી સિમેન્ટેશન ૪૬.૬ ટકા હોલ્ડિંગ ધરાવતી પ્રમોટર ઇટાલિયન થાઇ ડેવલપમેન્ટ પબ્લિક કંપની હિસ્સો વેચવા સક્રિય બની હોવાના અહેવાલ શૅર ૪ ગણા વૉલ્યુમે નીચામાં ૪૭૫ થઈ ૧૪ ટકા તૂટી ૪૯૪ બંધ થયો છે. બુધવારે અહીં ૫૯૦ની ઑલટાઇમ હાઈ બની હતી. ફેસવૅલ્યુ એકની છે.

બુક-વૅલ્યુ ૮૭ છે. ભાવ વર્ષ પૂર્વે ૧૬૧ હતો. એફઆઇઆઇ પાસે ૧૬.૮ ટકા માલ છે. કંપની વર્ષેદહાડે ૭૭૦૦ કરોડની આવક તથા ૨૫૬ કરોડનો નેટ પ્રૉફિટ કરે છે.

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange