13 June, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રદીપ પંડ્યા
દેશમાં શૅરબજારોની નિયમનકારી સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ મંગળવારે CNBC આવાઝના ભૂતપૂર્વ માર્કેટ્સ એડિટર પ્રદીપ પંડ્યા અને ટેક્નિકલ ઍનલિસ્ટ અલ્પેશ વસનજી ફુરિયાને કપટપૂર્વકના ટ્રેડિંગ-વ્યવહારો માટે એક-એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ બે ઉપરાંત બીજી છ એન્ટિટીને શૅરબજારમાં પાંચ વર્ષ સુધી કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ છ એન્ટિટીમાં અલ્પેશ ફુરિયા (HUF), અલ્પા ફુરિયા, મનીષ ફુરિયા, મનીષ ફુરિયા (HUF), મહાન ઇન્વેસ્ટમેન્ટ અને તોશી ટ્રેડનો સમાવેશ છે. આ તમામને ૧૦-૧૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
SEBI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘અલ્પેશ ગ્રુપની એન્ટિટીઝ CNBC આવાઝ પર પ્રદીપ પંડ્યા અથવા અલ્પેશ ફુરિયા દ્વારા આપવામાં આવતી શૅરબજારને લગતી ભલામણો સાથે એકબીજાના સહકારમાં કપટપૂર્ણ બિઝનેસ કરતી હતી અને આવી માહિતી જાહેર થાય એ પહેલાં પોતાનો ફાયદો કરી લેતી હતી. તેમની આવી વર્તણૂક ઇનસાઇડર ઇન્ફર્મેશન દ્વારા પોતાનો લાભ કાઢી લેવા માટે સીમિત રહેતી હતી. આ કેસ ક્લાસિકલ ફ્રન્ટ રનિંગ કેસ જેવો છે, જેમાં શૅરબજારમાં એક ટ્રેડર આંતરિક માહિતીથી તેનો લાભ આસાનીથી મેળવી લેતો હોય છે. ’
SEBIના જણાવ્યા મુજબ આ કેસમાં ફુરિયા અને તેને લગતી એન્ટિટીઝને તપાસના સમયગાળાના અંતથી વચગાળાના આદેશની તારીખ સુધી ગણવામાં આવે એ રીતે ૧૨ ટકાના વ્યાજે ૨.૪ કરોડ રૂપિયા છૂટા કરવા કહેવામાં આવ્યું છે. અલ્પેશ ફુરિયા ગ્રુપ પાસેથી ૮.૪ કરોડ રૂપિયા પહેલાં જ જપ્ત કરવામાં આવ્યા છે જે તેમણે ગેરકાયદે મેળવેલા લાભના ૧૦.૮ કરોડ રૂપિયામાંથી જપ્ત કરાયા છે.