22 January, 2025 07:18 AM IST | Mumbai | Kanu J Dave
પ્રતીકાત્મક તસવીર
ત્રિમાસિક પરિણામોની મોસમ આગળ વધવા સાથે વધુ કંપનીઓનાં રિઝલ્ટને બજારે યોગ્ય ન્યાય આપ્યો અને ટ્રમ્પની શપથવિધિ પછી કૅનેડા, બ્રાઝિલ પર આવનારી ટૅરિફના સંકેતો મળવા સાથે ચીન અને ભારત પર ટૅરિફના પ્રમાણ વિશેની અટકળો વચ્ચે બજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ૩૨૦ પૉઇન્ટ્સ, 1.37 ટકા ગુમાવી 23,024 થઈ ગયો હતો. ઇન્ટ્રા ડેમાં 23,000 તોડી 22,976 સુધી ગયો હતો. આ ઇન્ડેક્સના 50માંથી 41 શૅરો ડિક્લાઇનિંગ મોડમાં હતા. ઘટવામાં ટ્રેન્ટ 6 ટકા તૂટી 5724 રૂપિયાની સપાટીએ આવી ગયો હતો. સેન્સેક્સ 1235ના ઘસરકાએ 75,838ના લેવલે બંધ હતો. 30માંથી 28 શૅરો ડાઉન હતા એમાં સેન્સેક્સનો નવો સભ્ય ઝોમાટો જાણે વ્હીપિંગ બૉય બની ગયો હોય એમ સેન્સેક્સના સાપ્તાહિક ઑપ્શનની મંગળવારની એક્સપાયરીના દિવસે દસ ટકા તૂટી 214 રૂપિયા થઈ ગયો હતો. બૅન્ક નિફ્ટી દોઢ ટકો ઘટી 48,570, બીએસઈનો બૅન્કેક્સ 1.81 ટકા ગુમાવી 55,020, ફાઇનૅન્શ્યલ સર્વિસ ઇન્ડેક્સ 1.65 ટકાના લોસે 22,548, નિફ્ટી નેક્સ્ટ 50 2.61 ટકાના ગાબડાએ 63,406 અને મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ 2.78 ટકા તૂટી 12,013 બંધ જોવા મળ્યા હતા. બૅન્ક નિફ્ટીના 12માંથી 11 શૅરો ડાઉન હતા. નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 17 શૅરો ઘટ્યા એમાં એમસીએક્સ પોણાનવ ટકા તૂટી 5500 રૂપિયા સુધી આવી ગયો હતો. મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સના 25માંથી 22 શૅરો તૂટ્યા એમાં ટૉપ લુઝર ડિક્સોન ટેક્નૉલૉજી 14 ટકા તૂટી 15,118 રૂપિયાના સ્તરે બંધ હતો. બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવ ઘટતાં એચપીસીએલ પોણાત્રણ ટકા સુધરી 370 રૂપિયા બંધ હતો. વોડાફોન આઇડિયામાં કંપનીએ ગઈ કાલે મોકલાવેલ ખુલાસાના પગલે ભાવ પોણાછ ટકાના ફૉલે 9.36 રૂપિયા અને કોફોર્જ સાડાચાર ટકાના નુકસાને 8279 રૂપિયા બંધ હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સના 50માંથી 49 શૅરો ડાઉન હતા. ઘટવામાં ઝોમાટો ત્રિમાસિક પરિણામો પછી સવાસાત ટકાના સોમવારના ગાબડા પછી મંગળવારે વધુ 10.16 ટકા તૂટી 215 રૂપિયા, જિયો ફાઇનૅન્શ્યલ પોણાછ ટકા ઘટી 259 રૂપિયા, મેક્રોટેક ડેવલપર્સ સવાપાંચ ટકા ઘટી 1146 રૂપિયા બંધ હતા. સેબીમાં AI, IPOના ગ્રે માર્કેટ સોદા માટે નવું પ્લૅટફૉર્મ બનાવવાની વિચારણા ગ્રે માર્કેટ પ્રવૃત્તિને રોકવા માટે સેબી પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગ મિકેનિઝમ પર વિચારણા કરે છે એવું સેબીના ચૅરપર્સન બૂચે જણાવ્યું છે. સેબી ગ્રે માર્કેટ પ્રવૃત્તિને રોકવા માટે IPO લિસ્ટિંગ પહેલાં પ્રીમિયમ કે ગ્રે માર્કેટમાં થતા સોદા નિયમનકારી માળખામાં થાય એવા ટ્રેડિંગને મંજૂરી આપવા વિચારે છે. આ માટે વ્હેન લિસ્ટેડ સિક્યૉરિટીઝ ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર સક્રિયપણે વિચારણા ચાલતી હોવાનું માધબી પુરી બૂચે મંગળવારે જણાવ્યું હતું. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી) પ્રારંભિક જાહેર ઑફર (IPO) બંધ થવા અને તેમના સત્તાવાર લિસ્ટિંગ વચ્ચે શૅર માટે નિયમનકારી ટ્રેડિંગ મિકેનિઝમ રજૂ કરવાનું વિચારે છે. મંગળવારે અસોસિએશન ઑફ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ ઑફ ઇન્ડિયા (AIBI)ના વાર્ષિક સંમેલન, 2024-25માં તેમણે આ અણસાર આપ્યો હતો. આ પ્લૅટફૉર્મ અનિયંત્રિત ગ્રે માર્કેટ પ્રવૃત્તિને અંકુશમાં લેવાનો હેતુ ધરાવે છે. હાલ IPO બંધ થવા અને શૅરના લિસ્ટિંગ વચ્ચે ત્રણ દિવસનો ગેપ હોય છે જે દરમ્યાન અનિયંત્રિત ટ્રેડિંગ થાય છે. આ ગ્રે માર્કેટ પ્રવૃત્તિ વ્યાપક અને અનિયંત્રિત છે અને એમાં બોલાતાં પ્રીમિયમને સાચા માની અરજદારો સંભવિત લિસ્ટિંગ વખતે થનારા લાભની ગણતરી કરતા હોય છે. સેબીનો ઉદ્દેશ આવા સોદાઓ માટે એક પ્લૅટફૉર્મ પૂરું પાડી રોકાણકારોને અનૌપચારિક બજારના બદલે નિયંત્રિત માળખામાં વેપાર કરી શકે એવું પ્લૅટફૉર્મ આપવા વિચારે છે. ભારતના IPO બજારમાં 2024માં 91 કંપનીઓએ 1.6 ટ્રિલ્યન રૂપિયા એકત્ર કર્યા હતા. સેબીના ડેટા મુજબ 2025માં પણ આ ગતિ ચાલુ રહેશે અને 1.8 ટ્રિલ્યન રૂપિયા મૂલ્યનાં જાહેર ભરણાંઓ કર્યાં છે કે મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. માધબી પુરી બૂચે IPO ડિસ્ક્લોઝરમાં પારદર્શિતા વધારવા માટે સેબીના પ્રયત્નો પર પણ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે રોકાણકારો IPOની કિંમત વાજબી છે કે નહીં એનું મૂલ્યાંકન કરી શકે એ માટે પૂરતી માહિતીનો ઍક્સેસ જરૂરી છે કેમ કે સેબી IPOના ભાવ નક્કી કરતું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉદ્દેશ્ય પૂરતો ડેટા મળી રહે અને માહિતીનો ઓવરલોડ પણ ટાળવા વચ્ચે સંતુલન સાધવા આ બાબત પર કમિટી અભ્યાસ કરી રહી છે. સેબી કૉર્પોરેટ ગવર્નન્સનાં ધોરણોને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમાં વાર્ષિક સામાન્ય સભાઓ (AGM) દરમ્યાન પસાર થયેલા ઠરાવોમાં પારદર્શિતા વધારવા અને ઑડિટ સમિતિઓ દ્વારા મંજૂરીઓ સ્પષ્ટ રીતે જણાવવામાં આવે એ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
FIIની નેટ વેચવાલીનો સામનો સ્થાનિક સંસ્થાઓ ન કરી શકી
મંગળવારે FIIની 5920 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 3500 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 2420 કરોડ રૂપિયાની નેટ વેચવાલી જોવા મળી હતી.
રોકાણકારોના સાત લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 421.32 (428.78) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 424.07 (431.60) લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. એનએસઈના 2887 ટ્રેડેડ શૅરોમાંથી 2095 તથા બીએસઈના 4088 ટ્રેડેડ શૅરોમાંથી 2881 ઘટીને બંધ થયા હતા. એનએસઈ ખાતે 26 અને બીએસઈમાં 103 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 58 અને 67 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 91 શૅરો ઉપલી સર્કિટે અને 90 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
સેબીમાં AIથી IPO પ્રોસેસિંગ
સેબી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી બે વર્ષમાં 1000 IPO પ્રોસેસ કરશે અને પ્રસ્તાવિત સિસ્ટમમાં અપવાદ રિપોર્ટિંગ મિકેનિઝમનો સમાવેશ છે જે દસ્તાવેજોને બે ભાગમાં જોવાની મંજૂરી આપશે - પ્રમાણભૂત અને અપવાદરૂપ. એમ પણ સેબી અધ્યક્ષ માધવી પુરી બૂચે જણાવ્યું હતું. સેબી એક પ્રમાણિત IPO ટેમ્પલેટ બનાવવાના ઍડ્વાન્સ્ડ તબક્કામાં છે જેનો હેતુ ઇશ્યુઅર્સ અને મર્ચન્ટ બૅન્કર્સ માટે ફાઇલિંગ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. પ્રમાણભૂત ટેમ્પલેટની બહારની કોઈ પણ વસ્તુને અપવાદ રિપોર્ટિંગ માટે ફ્લૅગ કરવામાં આવશે એવું તેમણે સમજાવ્યું હતું. પ્રમાણભૂત અને અપવાદરૂપ વિભાગોમાં આ વિભાજન દસ્તાવેજની તૈયારી અને નિયમનકારી સમીક્ષા બન્નેને નોંધપાત્ર રીતે સુવ્યવસ્થિત કરશે. આગામી બે વર્ષમાં અંદાજે એક હજાર IPO સાથે, આ પહેલ ઇશ્યુઅર્સ અને સેબી બન્નેની કામગીરી સહેલી બનાવશે. પરિણામે IPO મંજૂરી માટે ઓછો સમય લાગશે. હાલ સેબી AI સાધનોના ઉપયોગ દ્વારા ત્રણ કાર્યો કરે છે (1) દસ્તાવેજ વિશ્લેષણ ઃ AI IPO સબમિશનને સ્કૅન કરે છે જેથી ખાતરી થાય કે તેઓ નિયમનકારી ધોરણોને પૂર્ણ કરે છે, અધિકારીઓની સમીક્ષા માટે પૃષ્ઠ નંબરોને ચિન્હિત કરે છે. (2) બાહ્ય સ્કૅનિંગ ઃ કંપની અને તેના કર્મચારીઓના સંદર્ભો માટે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પર શોધ કરે છે, સંભવિત શંકાસ્પદ અથવા અપ્રગટ સમાચારને ઓળખે છે અને (3) દસ્તાવેજ ગણતરી ઃ AI દસ્તાવેજની સામગ્રીની સમીક્ષા કરે છે અને સુસંગતતા માટે તેમને ક્રૉસ-ચેક કરે છે. આમ અગાઉ અધિકારીઓ દ્વારા મેન્યુઅલી હૅન્ડલ કરવામાં આવતાં કાર્યો આ તક્નિકી છલાંગ દ્વારા કાર્યક્ષમતામાં વધારો કરશે.
ત્રિમાસિક રિઝલ્ટ વન લાઇનર
કેઈઆઇ ઇન્ડસ્ટ્રીઝ ઃ 4 રૂપિયા ડિવિડંડ, નેટ પ્રૉફિટ 9 ટકા વધી 165 કરોડ રૂપિયા (એક્સચેન્જને જાણ કર્યાનો સમય 16.54, બંધ ભાવ 4040 રૂપિયા (-2.61 ટકા))
ઇન્ડિયા સિમેન્ટ ઃ નેટ લોસ વધી 428 કરોડ રૂપિયા (17.59, બંધ ભાવ 348 રૂપિયા (-8.15 ટકા))
દાલમિયા ભારત ઃ નેટ પ્રૉફિટમાં 75 ટકાનું ગાબડું (17.14, બંધ ભાવ 1774 રૂપિયા (+1.31 ટકા))
તાતા ટેક્નૉલૉજીઝ ઃ આવક વધી, નેટ પ્રૉફિટમાં મામૂલી ઘટાડો (16.39, બંધ ભાવ 816 રૂપિયા (+0.44 ટકા)