જે દિવસે ખરીદીનું પેમેન્ટ એ જ દિવસે શૅર ડીમૅટ અકાઉન્ટમાં જમા

10 November, 2024 07:18 AM IST  |  Mumbai | Jayesh Chitalia

આને કારણે રોકાણકારોનાં નાણાં અને શૅર્સની હેરફેર ઝડપી બનશે, પરિણામે પ્રવાહિતા વધશે અને ટર્નઓવર વધવાની શક્યતા પણ વધશે

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ

શૅરબજારમાં જે દિવસે શૅર ખરીદો એ જ દિવસે તમારા ડીમૅટ અકાઉન્ટમાં એ જમા થઈ જાય અને જે દિવસે શૅર વેચો એ દિવસે વેચનારના બૅન્ક-અકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય એવી સુવિધા અમલમાં આવી ગઈ છે. સેમ ડે સેટલમેન્ટ અથવા ટી પ્લસ ઝીરો સેટલમેન્ટ હેઠળ આ સુવિધા ૮ નવેમ્બરથી કાર્યરત થઈ ગઈ છે. લાંબા સમયથી સેબીના આદેશ મુજબ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) એ માટેની તૈયારી કરી રહ્યાં હતાં જે હવે સફળતાની દિશામાં આગળ વધી રહ્યાં છે. આ શૅર ડીમૅટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કાર્ય સ્ટૉક એક્સચેન્જ પોતે જ કરશે. આને કારણે રોકાણકારોનાં નાણાં અને શૅર્સની હેરફેર ઝડપી બનશે, પરિણામે પ્રવાહિતા વધશે અને ટર્નઓવર વધવાની શક્યતા પણ વધશે. શૅરબજારના વિકાસ માટેનું આ મહત્ત્વનું પગલું પૉઝિટિવ પરિણામ આપશે.

અલબત્ત, સમાન દિવસની આ સુવિધા પ્રાપ્ત કરવા ખરીદનાર વ્યક્તિએ ૧૧.૫૯ (રાતે ૧૨ વાગ્યા પહેલાં) વાગ્યા સુધીમાં પેમેન્ટ કરી દીધું હોવું જોઈશે. અગાઉ આવા શૅર્સ કેટલાક બ્રોકરો પોતાના પૂલ અકાઉન્ટમાં રાખતા હતા અને ક્લાયન્ટની પોઝિશન જોઈ ટ્રાન્સફર કરતા હતા. આ સંબંધે ઘણી ફરિયાદો આવતી હતી. હવે આ કાર્ય એક્સચેન્જ પોતે જ કરશે, જેથી એનો ક્યાંય દુરુપયોગ થાય નહીં અને ગ્રાહકોને એના પેમેન્ટ સામે વહેલી તકે ડિલિવરી મળી જાય. જોકે વ્યવહારુ દૃષ્ટિએ આના અમલમાં કેટલી અને કેવી સફળતા મળે છે એ જોવાનું રહેશે. અલબત્ત, ટેક્નૉલૉજી-ઑનલાઇન સુવિધાને પરિણામે આ કાર્ય સફળતાપૂર્વક પાર પડશે એવું જાણકારો કહે છે.

આ ઉપરાંત માર્જિન ફન્ડિંગ સવલતનો ઉપયોગ કરવા માટે અથવા ખરીદેલી સિક્યૉરિટીઝ પર શૅર્સ ગીરવી મૂકવા સંબંધી પ્લેજિંગનું કામકાજ-પ્રોસેસ સમાન દિવસે સાંજે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનાં રહેશે.  

લેટ પેમેન્ટ પર પેનલ્ટી
ખરીદીના પેમેન્ટમાં વિલંબ થશે, અર્થાત્ સમાન દિવસે પેમેન્ટને બદલે લેટ પેમેન્ટ કરાશે તો એના પર પેનલ્ટી લાગશે, જેને ક્લાયન્ટ અનપેઇડ સિક્યૉરિટીઝ પ્લેજ અકાઉન્ટ (CUSPA-કસ્પા) ચાર્જ કહેવાય છે. કસ્પા-ચાર્જ એટલે જે ગ્રાહકે શૅર ખરીદ્યા બાદ એનું સમયસર સમાન દિવસે પેમેન્ટ ન કરતાં ડિપોઝિટરીએ તેના શૅર્સ હોલ્ડ કરવા પડે છે, આ માટે ડિપોઝિટરી દ્વારા નિર્ધારિત કરાયેલા કસ્પા-ચાર્જ લાગશે. ગ્રાહક પર્ચેઝ-પેમેન્ટ કરવામાં નિષ્ફળ જશે તો તેના શૅર્સનું વેચાણ કરી નાણાંની વસૂલી કરવામાં આવશે.  કહેવાય છે કે આ નવી સુવિધાને પગલે શૅરબજારમાં શિસ્ત વધશે અને આર્થિક જોખમનું પ્રમાણ ઘટશે. આમ તો ઘણા અગ્રણી બ્રોકરો આ વિષયમાં શિસ્તબદ્ધ થઈ ગયા છે છતાં ઓવરઑલ નિયમન લાવવા સેબીએ આ ફરજ પાડી છે. આના અમલમાં ક્યાંક વ્યવહારુ તકલીફ પડી શકે, પરંતુ એ પછી એ વધુ નિયમિત અને શિસ્તબદ્ધ થઈ જશે.

business news stock market share market national stock exchange bombay stock exchange