11 December, 2024 08:27 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ચાઇનાએ નાક દબાવ્યું, અમેરિકાએ બાયોસિક્યૉર ઍક્ટ પડતો મૂક્યો: બાયોસિક્યૉર ઍક્ટનો ડ્રામા ભારતીય CDMO કંપનીઓને કઠશે: રિઝર્વ બૅન્કના ગવર્નરપદે સંજય મલ્હોત્રાની વરણીને બજારનો ઠંડો પ્રતિસાદ: HCL ટેક્નૉલૉજીઝ તથા વિપ્રોમાં નવાં બેસ્ટ લેવલ, રિલાયન્સની નરમાઈ વધીઃ પ્રીમિયમની આવકમાં વધ-ઘટ પાછળ એલઆઇસી ખરડાઈ, ICICI પ્રુડેન્શિયલ સુધરી: ઉપલી સર્કિટની હારમાળા સાથે ૬૩ મૂન્સમાં નવી મલ્ટિયર ટૉપ: પ્રથમ દિવસે જ ટૉસ ધ કૉઇન ૯૧ ગણો અને જંગલ કૅમ્પસનો ઇશ્યુ ૩૬ ગણો છલકાયો: ખોટ કરતી મોબિક્વિકમાં ગ્રે માર્કેટમાં ૧૩૧નું પ્રીમિયમ
મંગળવારે યુરોપિયન શૅરબજારો રનિંગમાં સામાન્યથી અડધા ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં ત્યારે મોટા ભાગનાં એશિયન બજાર સુધારામાં બંધ થયાં હતાં. સાઉથ કોરિયા સવાબે ટકાથી વધુ તો જપાન, સિંગાપોર અને ચાઇના અડધા ટકા જેવું પ્લસ હતું. તાઇવાન તથા હૉન્ગકૉન્ગ ખાતે અડધા ટકાની નરમાઈ હતી. થાઇલૅન્ડ રજામાં હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૧૧,૭૫૯ની નવી ઑલટાઇમ હાઈ નોંધાવી રનિંગમાં પોણો ટકો કે ૮૯૬ પૉઇન્ટની નબળાઈમાં ૧,૦૯,૦૭૪ દેખાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકૉઇન ૧,૦૦,૩૮૭ ડૉલર થયા બાદ રનિંગમાં દોઢેક ટકાના ઘટાડે ૯૭,૪૦૯ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ નજીવા ઘટાડે ૭૨.૭૦ ડૉલર નીચે રહ્યું છે.
દરમ્યાન એક રસપ્રદ ઘટનાક્રમમાં અમેરિકાએ બાયોસિક્યૉર ઍક્ટને પડતો મૂકવાની જાહેરાત કરી છે. એમાં ચાઇના સામે ટૅરિફ-વૉર માટે થનગની રહેલા ટ્રમ્પ અને તેમના સમર્થકોની ચાઇના સામેની લાચારી છતી થઈ ગઈ છે. પડદા પાછળની વાત જાણવા જેવી છે. ચાઇના તરફથી ટ્રમ્પના સંભવિત ટૅરિફ-વૉર સામે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિના ભાગરૂપ તાજેતરમાં વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતાં કેટલાંક મટીરિયલ્સની નિકાસ પર અંકુશ લગાવાયો છે જેમાં ગેલિયમ અને જર્મેનિયમ પણ સામેલ છે. સેમિકન્ડક્ટર્સ, ઍરોસ્પેસ ઇત્યાદીમાં આ આઇટમનો વ્યાપક વપરાશ થાય છે અને આનું લગભગ ૭૦થી ૯૦ ટકા ઉત્પાદન ચાઇના કરે છે. ચીને આ મટીરિયલ્સની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં જ અમેરિકા ઢીલું પડી ગયું અને બાયોસિક્યૉર ઍક્ટ લાવવાનો ઇરાદો પડતો મૂકી દીધો હોવાનું કહેવાય છે. ટૅરિફ-વૉર શરૂ થાય એ પહેલાં જ ડ્રામા થઈ ગયો તો ટ્રમ્પ આવશે પછી શું થશે? આવા ઘણા ડ્રામા ફુલ ફ્લેજ્ડ જોવા મળશે એ વાત નક્કી. બાય ધ વે, બાયોસિક્યૉર ઍક્ટને પડતો મૂકવાનું અમેરિકાનું પગલું CDMO સેક્ટર અર્થાત ફાર્મા તથા હેલ્થકૅર ક્ષેત્રે કૉન્ટ્રૅક્ટ ડેવલપમેન્ટ અને મૅન્યુફૅક્ચરિંગ બિઝનેસ પર નભતી ભારતીય કંપનીઓ માટે ખરાબ સમાચાર છે. આગામી સમયમાં સંબંધિત સેક્ટરના શૅરો ભીંસમાં રહેવાની શક્યતા છે.
ઘરઆંગણે રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે દાસને એક્સ્ટેન્શન મળ્યું નથી. સંજય મલ્હોત્રા નવા ગવર્નર બનશે. આના પગલે હવે ફેબ્રુઆરી પૉલિસી મીટિંગમાં રેપો કટ આવશે એવી હવા શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી સાધારણ કે ૧૭૦ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો વધ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૧ શૅર પ્લસ તો બે જાતો યથાવત હતી. ઉત્કર્ષ બૅન્ક સાડાછ ટકા, CSB બૅન્ક પોણાસાત ટકા, RBL બૅન્ક સવાચાર ટકા મજબૂત હતી. સેન્સેક્સ બે બાજુની સાંકડી વધ-ઘટ દાખવી છેવટે દોઢ પૉઇન્ટના સુધારામાં ૮૧,૫૧૦ના લેવલે સપાટ બંધ થયો છે. નિફ્ટી સામે ૯ પૉઇન્ટની નજીવી પીછેહઠમાં ૨૪,૬૧૦ હતો. ૮૧,૫૦૮ના આગલા બંધ સામે શૅર આંક ઉપરમાં ૮૧,૭૨૬ તથા નીચામાં ૮૧,૧૮૩ થયો હતો. માર્કેટકૅપ ૨૭,૦૦૦ કરોડ વધી ૪૫૯.૬૧ લાખ કરોડ થયું છે. રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૩૮ શૅર સામે ૧૩૬૭ જાતો નરમ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો પ્લસ તો ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકા નજીક નરમ હતો. આઇટી બેન્ચમાર્ક પોણા ટકા જેવો સુધર્યો છે. ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલે ગયો છે.
અંબુજા સિમેન્ટ સિવાય અદાણીના બાકીના ૧૦ શૅર માઇનસ
ફાઇનૅન્સ સેક્ટરની શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા વધીને નિફ્ટીમાં તો બજાજ ફીનસર્વ દોઢેક ટકા વધી સેન્સેક્સ ખાતે બેસ્ટ ગેઇનર બન્યા છે. બજાજ ફાઇનૅન્સ એક ટકો પ્લસ હતો. HCL ટેક્નૉ ૧૯૪૨ની ટોચે જઈ સવા ટકો વધી ૧૯૩૪, વિપ્રો ૩૧૦ના શિખરે જઈ સવા ટકો વધી ૩૦૮ તથા ઇન્ફી સવા ટકો વધી ૧૯૪૯ બંધ થયા છે. ટીસીએસ સાધારણ ઘટ્યો હતો. સ્ટેટ બૅન્ક તથા અપોલો હૉસ્પિટલ્સ એકાદ ટકા આસપાસ સુધર્યા છે. ભારતી ઍરટેલ દોઢ ટકાની નરમાઈમાં ૧૫૭૯ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા, HDFC લાઇફ ૧.૩ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ અને અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૨ ટકા, ટ્રેન્ટ, ગ્રાસિમ અને સિપ્લા એક ટકાની આજુબાજુ માઇનસ થયા છે. રિલાયન્સ પોણા ટકા વધુ ઢીલો પડી ૧૨૮૫ અંદર હતો. અદાણી પાવર દોઢ ટકા, અદાણી એનર્જી સવાબે ટકા, અદાણી ગ્રીન સવાત્રણ ટકા, અદાણી ટોટલ પોણાબે ટકા, અદાણી વિલ્મર સવા ટકો, NDTV ૦.૯ ટકા, સાંધી ઇન્ડ અડધો ટકો અને એસીસી સામાન્ય ઘટ્યા છે. ગ્રુપની એક માત્ર અંબુજા સિમેન્ટ અડધો ટકો પ્લસ હતી.
ફરતા માલની ભારે અછતથી આઇટીઆઇમાં ઑપરેટરોને જલસા
ગ્રિવ્સ કૉટન ૧૧ ગણા કામકાજે ૨૫૪ના શિખરે જઈ ગઈ કાલે અઢાર ટકાની તેજીમાં ૨૫૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. ૪ જૂનના રોજ ભાવ ૧૧૨ના તળિયે હતો. રેમન્ડ લિમિટેડ પણ ૨૬ ગણા વૉલ્યુમે ૧૮૩૫ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧૧.૬ ટકા કે ૧૮૬ રૂપિયા ઊચકાઈ ૧૭૯૮ થયો છે. ગત મહિને, બાવીસ નવેમ્બરે ભાવ ૧૪૧૨ના તળિયે ગયો હતો. વેરોક એન્જિનિયરિંગ સરેરાશ ૫૨૬૦ શૅર સામે બુધવારે ૨.૬૬ લાખ શૅરના ભારે કામકાજમાં ૬૦૮ વટાવી છેલ્લે ૯.૪ ટકા ઊછળી ૫૮૫ રહ્યો છે. નિપ્પોન લાઇફ સાત ગણા કામકાજે ૮૧૩ના બેસ્ટ લેવલ બાદ ૯.૭ ટકાના જમ્પમાં ૮૦૬ થયો છે. પિઅર ગ્રુપમાં શ્રીરામ ઍસેટ મૅનેજમેન્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૬૬૧ ઉપર જઈને ત્યાં જ બંધ હતો. રોલેક્સ રિંગ્સ બે દિવસની નબળાઈ બાદ ઉપરમાં ૨૧૭૫ થઈ ૮.૪ ટકા કે ૧૬૬ રૂપિયાના બાઉન્સબૅકમાં ૨૧૫૮ થયો છે.
એમટીએનએલ આગલા દિવસના ઉછાળાને અડધો કરી નાખતાં પાંચ ટકા ઘટી પંચાવન હતો. મૅપ માય ઇન્ડિયા પણ નીચામાં ૧૭૮૮ બતાવી પાંચ ટકા બગડી ૧૮૧૭ રહ્યો છે. નલવા સન્સ આઠ ગણા કામકાજમાં ૧૨.૪ ટકા કે ૯૩૯ રૂપિયા ઊછળી ૮૫૨૦ હતો. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ બે ટકા કે ૪૪૫૯ રૂપિયાની નરમાઈમાં ૨,૧૧,૨૦૦ રહ્યો છે. સીએટ ૫.૪ ટકા કે ૧૮૩ રૂપિયા બગડીને ૩૨૨૧ હતો. અપોલો ટાયર દોઢ ટકા નજીક, જેકે ટાયર દોઢ ટકો નરમ હતા. BSE લિમિટેડ ૫૪૬૬ના આગલા લેવલે તથા CDSL નજીવા સુધારે ૧૯૦૯ બંધ આવ્યા છે. MCX સવાબે ટકાની નરમાઈમાં ૬૬૮૫ હતો. ૬૩ મૂન્સ એક ઓર ઉપલી સર્કિટમાં ૮૭૫ નજીક નવી મલ્ટિયર હાઈ બનાવી પાંચ ટકા વધી ત્યાં જ રહ્યો છે.
નવેમ્બરમાં પ્રીમિયમની આવક કમજોર રહેતાં એલઆઇસી બે ગણા કામકાજે ચારેક ટકા ઘટી ૯૪૮ હતો. સામે હરીફ ICICI પ્રુડેન્શિયલ પ્રીમિયમની આવક વધવાના ઉત્સાહમાં ૬૯૫ નજીક જઈ છેવટે એક ટકો વધી ૬૭૩ થયો છે. ગત મહિને ટોલ ટૅક્સની વસૂલાત વધીને આવતાં IRB ઇન્ફ્રા પ્રારંભિક સુધારામાં ૬૨ થયા પછી છેવટે એક ટકો ઘટી ૫૯ નીચે રહ્યો છે. મેટ્રોપોલિસ હેલ્થકૅર દ્વારા ૨૪૭ કરોડમાં દિલ્હીની કૉર ડાયગ્નોસ્ટિકને હસ્તગત કરવામાં આવતાં શૅર પોણાબે ટકા સુધરી ૨૨૨૫ હતો. કૅબલ બનાવતી પૅરામાઉન્ટ કમ્યુનિકેશન્સને મધ્ય પ્રદેશ ખાતે નવા પ્લાન્ટ માટે ૩૦ એકર જમીનની ફાળવણીના અહેવાલે ભાવ નવ ટકા ઊછળી ૮૩ બંધ થયો છે. સરકારની ૯૦ ટકા માલિકીની ટેલિકૉમ કંપની આઇટીઆઇ નરમ બજારમાં તેજીની ચાલ આગળ ધપાવતાં ૪૦૪ નજીક ઑલટાઇમ હાઈ બનાવી ૫.૫ ટકા વધી ૩૮૯ રહ્યો છે. પચીસ ઑક્ટોબરે ભાવ ૨૧૦ના વર્ષના તળિયે હતો. કંપની વર્ષોથી ખોટમાં છે. સરકારના ઊંચા હોલ્ડિંગને લઈ બજારમાં ફરતા માલની ભારે અછત છે. સટોડિયાઓ આ શૅરમાં જલસા કરે છે. રેલિગેરમાં બર્મન ફૅમિલીને ઓપન ઑફર મારફત પચીસ ટકાનો હિસ્સો વધારી ૫૧ ટકા કરવાની લીલી ઝંડી મળતાં શૅર ૩૦૪ની વર્ષની ટોચે જઈ પોણાચાર ટકા વધી ૨૮૮ બંધ થયો છે.
સ્વિગીમાં CLSA દ્વારા ૭૦૮ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી થયો છે. શૅર ૫૬૮ નજીક જઈ એક ટકો સુધરી ૫૪૩ હતો. ઓલા અઢી ટકા વધી ૯૪ વટાવી ગયો છે. પૉલિસી બાઝાર પોણાત્રણ ટકા મજબૂત હતો. હ્યુન્દાઇ પાછળ મારુતિ, તાતા મોટર્સ, કીઆ સહિતના કાર ઉત્પાદકોએ જાન્યુઆરીથી ભાવ વધારવાની જાહેરાત કરી છે. ટૂ-વ્હીલર્સવાળાય ટૂંકમાં જાગશે. ગઈ કાલે હ્યુન્દાઇ સાધારણ અને તાતા મોટર્સ નહીંવત સુધર્યા હતા. મારુતિ સુઝુકી અડધા ટકાથી વધુ ઘટી ૧૧,૨૦૩ રહ્યો છે. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર પોણાચાર ટકા બગડ્યો છે. સામે નાયકા ચાર ટકા ઊંચકાઈ ૧૭૩ નજીક સરક્યો હતો. જ્વેલરી શૅરમાં ટીબીઝેડ બે ટકા, સ્કાય ગોલ્ડ ૪ ટકા, થંગમયિલ અડધો ટકો વધ્યો છે. કલ્યાણ જ્વેલર્સ બે ટકા ઝંખવાઈ હતી.
આજે કુલ ૧૧,૬૯૭ કરોડનાં પાંચ ભરણાં મૂડીબજારમાં આવશે
SME સેગમેન્ટમાં ગઈ કાલે બે ભરણાં ખુલ્યાં છે. ચેન્નઈની ટૉસ ધ કૉઇનનો ૧૦ના શૅરદીઠ ૧૯૨ની અપર બૅન્ડમાં ૯૧૭ લાખનો નાનકડો BSE SME IPO પ્રથમ દિવસે ૯૧ ગણો છલકાયો છે. પ્રીમિયમ ૨૦૦ના લેવલે ચાલે છે. નવી દિલ્હીની જંગલ કૅમ્પસ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવનો ૨૯૪૨ લાખનો BSE SME ઇશ્યુ ૩૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૭૫નું છે. ગુજરાતના હિંમતનગરની ધનલક્ષ્મી ક્રૉપ સાયન્સનો ૧૦ના શૅરદીઠ પંચાવનના ભાવનો ૨૩૮૦ લાખનો SME IPO બીજા દિવસના અંતે કુલ ૬૬ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૮ બોલાય છે.
આજે બુધવારે મેઇન બોર્ડમાં ૩ અને SMEમાં બે એમ કુલ પાંચ નવાં ભરણાં ખૂલવાનાં છે. ગુરુગ્રામ ખાતેની વિશાલ મેગા માર્ટે ૧૦ના શૅરદીઠ ૭૮ની અપર બૅન્ડમાં ૮૦૦૦ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. પ્રીમિયમ ૧૮ જેવું છે. કંપની સતત નફામાં છે. ગત વર્ષે ૮૯૪૫ કરોડની આવક પર ૪૬૨ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS ૮૨ પૈસાની છે. ગત વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૭૫.૭નો પીઇ સૂચવે છે. હૈદરાબાદની સાંઈ લાઇફ સાયન્સ એકના શૅરદીઠ ૬૪૯ની અપર બૅન્ડ સાથે ૩૦૪૨ કરોડનું ભરણું કરવાની છે, એમાંથી ૨૦૯૨ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલના છે. અગાઉનાં બે વર્ષમાં અનુક્રમે ૬ કરોડ અને માંડ ૧૦ કરોડના નફા સામે કંપનીએ ગત વર્ષે લગભગ ૮૩ કરોડનો નફો બતાવી દીધો છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS અઢી રૂપિયાની છે. ચાલુ વર્ષના પ્રથમ છ માસમાં કંપનીએ ૬૯૩ કરોડની આવક પર ૨૮ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. એને ઇશ્યુ પછીની ૨૦૮૦ લાખની ઇક્વિટીના સંદર્ભમાં એન્યુલાઇઝ્ડ કરી ઇશ્યુ ભાવ સાથે સરખાવીએ તો ૨૦૪ પ્લસનો અતિ ઊંચો પીઇ બેસે છે. ગ્રે માર્કેટમાં ૩૧નું પ્રીમિયમ બોલાય છે. રોકાણ જોખમી છે. અગાઉ બે વખત મૂડીબજારમાં આવવા પ્રયાસ કરી ચૂકેલી ગુરુગ્રામની મોબિક્વિક બેના શૅરદીઠ ૨૭૯ની અપર બૅન્ડમાં ૫૭૨ કરોડનો ઇશ્યુ બુધવારે કરશે. કંપનીએ છેલ્લાં ત્રણમાંથી બે વર્ષ નેટ લૉસ કરી હોવાથી QIB પોર્શન ૭૫ ટકા રખાયો છે. અગાઉનાં બે વર્ષમાં ૨૧૨ કરોડની નેટ લૉસ પછી ગત વર્ષે ૮૯૦ કરોડની આવક પર ૧૪ કરોડ નેટ પ્રૉફિટ કરનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ત્રણ માસમાં ૩૪૬ કરોડની આવક પર ૬૬૨ લાખની ચોખ્ખી ખોટ દર્શાવી છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ માઇનસ સાડાસાત રૂપિયાની છે. હાલ ગ્રે માર્કેટમાં ૧૩૧નું પ્રીમિયમ બોલાવી ઇશ્યુમાં ફૅન્સી જમાવાઈ રહી છે. SME સેગમેન્ટમાં પુણેની સુપ્રીમ ફૅસિલિટી મૅનેજમેન્ટ ૧૦ના શૅરદીઠ ૭૬ના ભાવથી ૫૦ કરોડનો NSE SME IPO આજે કરશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માંડ ૧૩ પૈસા છે. ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ સાડાત્રણ રૂપિયા પણ નથી. ગ્રે માર્કેટમાં સોદા શરૂ થયા નથી. નવી દિલ્હીની પર્પલ યુનાઇટેડ સેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૬ની અપર બૅન્ડમાં ૩૨૮૧ લાખનો NSE SME ઇશ્યુ બુધવારે લાવી રહી છે. પ્રીમિયમ ૫૪ જેવું છે. અગાઉનાં બે વર્ષમાં કુલ ૩૨૬ લાખના નફા સામે કંપનીએ ગત વર્ષે ૪૮૧ લાખનો અને ચાલુ વર્ષના છ માસમાં જ ૩૨૯ લાખનો નેટ નફો બતાવી દીધો છે. ત્રણ વર્ષની ઍવરેજ ઈપીએસ સાડાચાર રૂપિયા જેવી છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૯૬૧ લાખ થશે. એની સામે હાલ કંપનીનું દેવું ૩૩૬૭ લાખનું છે. દરમ્યાન મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇ. આજે લિસ્ટેડ થવાની છે. પ્રીમિયમ ૧૦૦ આસપાસ ચાલે છે.