26 March, 2024 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવે થોડા જ દિવસોમાં એપ્રિલ મહિનો (Rules Change From 1 April) શરૂ થવા જઈ રહ્યો છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2024થી શરૂ થશે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), ઈપીએફઓ, ક્રેડિટ કાર્ડ સહિત ઘણા નિયમોમાં પણ ફેરફાર થશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે.
1. ક્રેડિટ કાર્ડ
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને જણાવી દઈએ કે ઘણી બૅન્કો 1 એપ્રિલ (Rules Change From 1 April)થી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) 1 એપ્રિલથી ભાડાની ચુકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ્સ બંધ કરવા જઈ રહી છે. આ સુવિધા SBI કાર્ડ એલિટ, AURUM, SBI કાર્ડ પલ્સ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ અને SimplyCLICK ક્રેડિટ કાર્ડ્સમાં બંધ કરવામાં આવશે. આ નિયમો કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી અને અન્ય પર 15 એપ્રિલથી લાગુ થશે.
ICICI બૅન્ક પણ 1 એપ્રિલ (Rules Change From 1 April)થી તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો ગ્રાહકો 1 એપ્રિલથી એક ત્રિમાસિક ગાળામાં રૂા. 35,000 કરતાં વધુ ખર્ચ કરશે તો તેઓને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળશે. નવા નાણાકીય વર્ષથી, યસ બૅન્ક તેના ગ્રાહકોને એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 10,000 રૂપિયા ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત ઍક્સેસ આપશે.
2. પેન-આધાર લિંકની અંતિમ તારીખ
પેન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. આ પછી જો કોઈ વ્યક્તિ તેના પેનને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો પેન નંબર રદ થઈ જશે. જો આવું થાય, તો તમે ન તો બૅન્ક ખાતું ખોલી શકશો અને ન તો કોઈ મોટો વ્યવહાર કરી શકશો. 31 માર્ચ પછી, તમારે પેનકાર્ડ એક્ટિવેટ કરવા માટે મોડું ફાઈલ કરવા પર 1000 રૂપિયા ચૂકવવા પડશે.
3. ઈપીએફઓ
નવા નાણાકીય વર્ષમાં ઈપીએફઓના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે ક્યાંક કામ કરો છો અને તેને છોડીને બીજે ક્યાંક કામ પર જાઓ છો, તો તમારું જૂનું પીએફ ઓટો મોડમાં ટ્રાન્સફર થઈ જશે. આનો અર્થ એ છે કે હવે તમારે નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર માટે વિનંતી કરવાની જરૂર રહેશે નહીં.
4. એનપીએસ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની સુરક્ષાને વધુ બહેતર બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. PFRDAએ સેન્ટ્રલ રેકૉર્ડકીપિંગ એજન્સી સુધી પહોંચવા માટે બે ફેક્ટર ઑથેન્ટિકેશન પ્રક્રિયા શરૂ કરી છે. આ 1 એપ્રિલથી તમામ ગ્રાહકો માટે લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે એનપીએસ હેઠળ આવતા નવા લોકો અને જૂના ગ્રાહકોને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બે ફેક્ટર ઓથેન્ટિકેશન વિના કોઈને પણ એનપીએસમાં લૉગિન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એનપીએસ સબ્સ્ક્રાઇબર્સને આધાર વેરિફિકેશન અને મોબાઇલ પર મળેલા ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે.
5. નવી કર વ્યવસ્થા
ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે ટેક્સ ભરવાની શ્રેણીમાં આવો છો અને ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરી નથી, તો તમારે નવી કર વ્યવસ્થા હેઠળ આપમેળે ટેક્સ ચૂકવવો પડશે. નવી કર પ્રણાલી હેઠળ 7 લાખ રૂપિયા સુધીનો કરપાત્ર પગાર ધરાવતા લોકોએ આવકવેરો ચૂકવવો પડશે નહીં.
6. ફાસ્ટેગ
જો તમે હજુ સુધી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી બેન્કમાંથી અપડેટ કર્યું નથી, તો જલ્દીથી તેને પૂર્ણ કરો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચ બાદ કેવાયસી વગરના ફાસ્ટેગને બૅન્ક દ્વારા નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે. 1 એપ્રિલથી જો તમારી પાસે ફાસ્ટેગમાં બેલેન્સ હશે તો પણ તમે ચુકવણી કરી શકશો નહીં. એટલું જ નહીં, તમારે ટોલ પર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. NHAI એ આરબીઆઇના નિયમો મુજબ 31 માર્ચ, 2024 સુધીમાં ફાસ્ટેગ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે.
7. ઑલા મની વૉલેટ
ઑલા મની 1 એપ્રિલ, 2024થી તેના વોલેટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ઑલા મની પ્રતિ માસ રૂા. 10,000ની મહત્તમ વૉલેટ લોડ મર્યાદા સાથે સંપૂર્ણપણે નાની પીપીઆઈ (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વૉલેટ સેવાઓ પર સ્વિચ કરી રહ્યું છે. કંપનીએ ગ્રાહકોને એસએમએસ મોકલીને આ અંગે જાણકારી આપી છે.
8. એલપીજી સિલિન્ડર
એલપીજી સિલિન્ડરની કિંમત વર્ષના દરેક મહિનાના પ્રથમ દિવસે નક્કી કરવામાં આવે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. એલપીજી સિલિન્ડરની કિંમતો પણ 1 એપ્રિલ, 2024ના રોજ નક્કી કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના કારણે આચારસંહિતા અમલમાં છે. આવી સ્થિતિમાં, કિંમતમાં ફેરફારની કોઈ અવકાશ નથી.