06 July, 2024 07:07 AM IST | Mumbai | Mayur Mehta
ચાંદી
બ્રિટન, ફ્રાન્સમાં થયેલું સત્તાપરિવર્તન અને અમેરિકામાં સ્પષ્ટ દેખાતા સત્તાપરિવર્તનથી પૉલિટિકલ બદલાવ વધ્યો છે. ઉપરાંત ઇઝરાયલનું હમાસ-હિઝબુલ્લા સાથેનું યુદ્ધ વકરતાં જિયોપૉલિટિકલ ટેન્શન પણ વધ્યું છે જેને કારણે સોનું-ચાંદી-બન્ને પ્રેસિયસ મેટલ વધી રહ્યાં છે. સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને ૨૩૬૭.૯૦ ડૉલર થયા બાદ શુક્રવારે સાંજે ૨૩૬૩થી ૨૩૬૪ ડૉલરની રેન્જમાં હતું. ચાંદી પણ ૩૦.૭૫ ડૉલર સુધી વધ્યા બાદ શુક્રવારે સાંજે ૩૦.૫૪થી ૩૦.૬૪ ડૉલરની રેન્જમાં હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૯૧ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે વધ્યો હતો અને છેલ્લા ચાર દિવસમાં ચાંદીનો ભાવ ૨૯૦૭ રૂપિયા વધ્યો હતો, જ્યારે સોનાનો ભાવ પણ સતત ત્રીજે દિવસે વધ્યો હતો. સોનાનો ભાવ છેલ્લા ત્રણ દિવસમાં ૯૪૮ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બ્રિટનના જનરલ ઇલેક્શનમાં સત્તાપલટો થયો છે. છેલ્લાં ૧૪ વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીનો પરાજય થયો હતો અને લેબર પાર્ટીએ સત્તાનાં સૂત્રો સંભાળતાં રિશી સુનકની સત્તાનો અંત આવ્યો હતો. ઍનલિસ્ટોના મતે બ્રિટનમાં સત્તાપલટો થતાં ઇકૉનૉમિક સ્ટેબિલિટી આવશે અને બ્રિટનનું સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ્સ વધુ મજબૂત બનશે. સત્તાપલટા બાદ બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે વધીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૧.૨૮ ડૉલર થયો હતો. બ્રિટિશ પાઉન્ડ મજબૂત થતાં તેમ જ અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવવાની ધારણાથી ડૉલર ઇન્ડેક્સ સતત ત્રીજે દિવસે ઘટીને ૧૦૫.૦૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ત્રણ દિવસ અગાઉ ૧૦૫.૮૭ પૉઇન્ટ સુધી વધ્યો હતો.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે જૂનમાં યોજાયેલી મીટિંગમાં પચીસ બેસિસ પૉઇન્ટનો રેટકટ કર્યો હતો. આ મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના મેમ્બરોને ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી પહોંચશે કે કેમ એ વિશે વિશ્વાસ ઓછો હતો છતાં ૨૦૨૫માં ત્રણ વખત રેટકટ આવવાની જાહેરાત કરવામાં આવી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
વર્લ્ડમાં સત્તાપરિવર્તનનો નવો દોર શરૂ થયો છે. બ્રિટનમાં ૧૪ વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીનો ઇલેક્શનમાં પરાજય થતાં સત્તાપલટો થયો છે. ફ્રાન્સમાં પણ જનરલ ઇલેક્શનમાં સત્તાપરિવર્તનની શક્યતા દેખાઈ રહી છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારા પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં બાઇડનની વિદાય અત્યારથી સ્પષ્ટ દેખાવા લાગી છે. ભારતમાં દસ વર્ષથી સત્તામાં રહેલી BJPને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી નથી. આમ એક તરફ ઇકૉનૉમિક મહત્ત્વ ધરાવતાં રાષ્ટ્રોમાં સત્તાપરિવર્તન અને બીજી તરફ જિયોપૉલિટિકલ ટેન્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બન્ને ઘટના સોનાની તેજી માટે ફેવરેબલ હોવાથી આગામી દિવસોમાં આ તમામ ઘટનાક્રમનું પરિણામ સોનાની વધ-ઘટ માટે મહત્ત્વનું બની રહેશે. વર્લ્ડમાં ક્યાંય પણ યુદ્ધ જેવી સ્થિતિ બને ત્યારે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધે છે ત્યારે અત્યારે ઇઝરાયલ બે મોરચે લડી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે નવ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ઇઝરાયલે ઇરાન-લેબૅનનનું સમર્થન ધરાવતા હિઝબુલ્લાના કમાન્ડરને ઠાર કરતાં હિઝબુલ્હાએ ઇઝરાયલ પર વળતો અટૅક કર્યો છે અને બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ થયું છે. આથી હવે સત્તાપરિવર્તન, જિયોપૉલિટિકલ ટેન્શન અને મૉનિટરી શિફ્ટ તમામ બાબતો સોના-ચાંદીની માર્કેટમાં મોટી વધ-ઘટ કરાવશે પણ મોટા ભાગનાં કારણો સોનાની તેજીને સપોર્ટ કરતાં હોવાથી વધ-ઘટ બાદ સોનું સતત વધતું રહેશે.