ભારતમાં વીમા ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉદય

26 April, 2023 03:03 PM IST  |  Mumbai | Priyanka Acharya

હવે ખાનગી કંપનીઓ પણ મોટી સંખ્યામાં આવી ગઈ હોવાથી સ્પર્ધા વધી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ભારતમાં વીમા એજન્ટો મિત્રો-સગાં-સંબંધીઓ અને પરિચિતોનાં ઘરે-ઘરે જઈને વીમા પૉલિસીઓ કઢાવતા આવ્યા છે. જોકે, આજે દેશમાં વીમા ક્ષેત્રે ટેક્નૉલૉજીનો પ્રવેશ થઈ ચૂક્યો છે.
વીમા ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉપયોગ પૉલિસીઓ ખરીદવાથી માંડીને એના સર્વિસિંગ માટે પણ થઈ રહ્યો છે. એક સમયે વીમા ક્ષેત્રે ગણ્યાગાંઠ્યા પ્લાન્સ રહેતા. હવે ખાનગી કંપનીઓ પણ મોટી સંખ્યામાં આવી ગઈ હોવાથી સ્પર્ધા વધી ગઈ છે. હવે પૉલિસીઓ સ્પર્ધાત્મક બની ગઈ છે. એનાં ફીચર્સ તથા પ્રીમિયમ બાબતે ઘણા તફાવતો જોવા મળે છે. 

હવે ગ્રાહકો અલગ-અલગ કંપનીઓની વિવિધ પૉલિસીઓની ખાસિયતો સમજીને પોતાની આવશ્યકતા અનુસાર અને ગજવાને પોષાય એ રીતે પૉલિસીઓ ખરીદી શકે છે. 

વીમા ક્ષેત્રે પૉલિસીઓના વેચાણની વ્યવસ્થા સમજવા જેવી છે. વીમા કંપનીઓ ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઇ)માં રજિસ્ટર્ડ હોય છે. તેમના પોતાના કર્મચારીઓ અને એજન્ટોનું બનેલું ડિસ્ટ્રિબ્યુશનનું માળખું હોય છે. હવે વીમા બ્રોકરોની નવી સિસ્ટમ અમલમાં આવી છે. આ બ્રોકરોએ પરીક્ષા પાસ કરવાની હોય છે. તેઓ અનેક કંપનીઓ સાથે સહકાર સાધીને વિવિધ પ્રકારની પૉલિસીઓનું વેચાણ કરે છે. વીમા બ્રોકર તરીકે આજની તારીખે ૫૫૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે.

આ પણ વાંચો :  જીવન વીમો અને જનરેશન ગૅપ

કંપનીઓ સેલ્સ ટીમ, પૉઇન્ટ ઑફ સેલ પાર્ટનર્સ તથા બીજા અનેક લોકોના માધ્યમથી વીમા પૉલિસીઓનું વેચાણ કરે છે. હવે ટેક્નૉલૉજીનો ઉપયોગ થવા લાગ્યો હોવાથી બ્રોકરો પોતાની વેબસાઇટ્સ, મોબાઇલ ઍપ વગેરે માધ્યમ પર ગ્રાહકોને પૉલિસીઓની તુલના કરીને બતાવી શકે છે. 

આથી હવે ગ્રાહક પોતાની કેટલીક વિગતો અને વીમાને લગતી જરૂરિયાતો દાખલ કરીને સંખ્યાબંધ પૉલિસીઓ અને એનાં ફીચર્સ જોઈ શકે છે. એ બધાં વચ્ચે તુલના પણ જોઈ શકાય છે. આ સુવિધાનો ફાયદો એ છે કે પૉલિસીઓ અને એમનાં ફીચર્સનું તટસ્થ ચિત્ર ઊપસે છે. એ ઉપરાંત દરેક ગ્રાહકની જરૂરિયાતો મુજબનાં ક્વૉટેશન તૈયાર થાય છે. મોટા ભાગના બ્રોકરો ક્લેમ અને આફ્ટર સેલ્સ સપોર્ટ પૂરા પાડે છે. પૉલિસીઓની તુલના ફક્ત પ્રીમિયમની દૃષ્ટિએ નહીં, પણ ફીચર્સના આધારે બતાવવામાં આવે છે. 

ટેક્નૉલૉજી સુવિધા પૂરી પાડે છે એ વાત સાચી, પરંતુ એમાં ગ્રાહકે સાવધાન રહેવું જરૂરી છે. તેમણે એ જોવું જોઈએ કે ફક્ત ઓછું પ્રીમિયમ હોવા માત્રથી કોઈ પૉલિસી સારી થઈ જતી નથી. પૉલિસી ખરીદવાથી પ્રીમિયમ ભરવાની લાંબા ગાળાની જવાબદારી સર્જાતી હોય છે. આથી આ નિર્ણય સમજી-વિચારીને લેવાનો હોય છે. તમે વિગતો ભર્યા બાદ પૉલિસી ખરીદો નહીં તો તમને પૉલિસી ખરીદવાનું સૂચન કરતા ફોન કૉલ વારેઘડીએ આવવાની શક્યતા રહે છે. કોઈ પણ પૉલિસીનાં ફીચર્સ પૂરેપૂરાં સમજી લીધા બાદ જ નિર્ણય લેવો. જાતે સમજ પડે નહીં તો કોઈ જાણકાર કે બ્રોકરની મદદ લેવી.

જીવન વીમા પૉલિસી જીવનભરનો સાથી હોય છે. આથી એની પસંદગી ધ્યાનપૂર્વક કરવી રહી.

business news