14 April, 2023 02:55 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ટીસીએસને સારી કહેવડાવે એવો ખરાબ દેખાવ કર્યો છે. આવક ૧૬ ટકા વધીને ૩૭,૪૪૧ કરોડ તથા નેટ પ્રૉફિટ ૭.૮ ટકા વધીને ૬૧૨૮ કરોડ મેળવ્યો છે. શૅરદીઠ ૧૭.૫૦ રૂપિયાનું આખરી ડિવિડન્ડ : ૨૦૨૨-’૨૩ના વર્ષે ૧૬થી ૧૬.૫ ટકાના રેવન્યુ ગાઇડન્સિસ સામે ખરેખર ગ્રોથ ૧૫.૪ ટકા થયો અને ૨૦૨૩-’૨૪ માટે ૪થી ૭ ટકાના રેવન્યુ ગ્રોથનું ગાઇડન્સિસ
આઇટી સેક્ટરની પ્રથમ હરોળની કંપની ઇન્ફોસિસે બજારની એકંદર અપેક્ષા કરતાં નબળાં પરિણામ અને એની સાથે કમજોર ગાઇડન્સિસ જાહેર કર્યાં છે. બજારની એકંદર ધારણા માર્ચ ક્વૉર્ટરમાં ૩૮,૭૬૯ કરોડ રૂપિયાની આવક તેમ જ ૬૬૧૨ કરોડના નેટ પ્રૉફિટની હતી. એની સામે ઇન્ફીએ ૧૬ ટકાના વધારા સાથે ૩૭,૪૪૧ કરોડની આવક પર ૭.૮ ટકાના વધારામાં ૬૧૨૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આ સાથે ૨૦૨૨-’૨૩ના સમગ્ર વર્ષે કંપનીએ ૨૦.૭ ટકાના વૃદ્ધિદરથી ૧,૪૬,૭૬૭ કરોડની આવક પર ૯ ટકાના વધારામાં ૨૪,૦૯૫ કરોડનો નેટ પ્રૉફિટ મેળવ્યો છે. ડિસેમ્બર ક્વૉર્ટરની તુલનામાં માર્ચ ક્વૉર્ટરમાં કંપનીની આવક સવાબે ટકા અને ચોખ્ખો નફો ૭ ટકા ઘટ્યો છે. કંપનીનો કાર્યકારી નફો કે ઑપરેટિંગ પ્રૉફિટ આ વખતે માર્ચ ક્વૉર્ટરમાં ૧૩ ટકા વધીને ૭૮૭૭ કરોડ થયો છે, પરંતુ ડિસેમ્બર ક્વૉર્ટરમાં આ આંકડો ૮૨૪૨ કરોડનો હતો. ઑપરેટિંગ માર્જિન અડધો ટકો ઘટ્યું છે.
માર્ચ ક્વૉર્ટરના અંતે કંપનીના કર્મચારીઓની સંખ્યા ૩,૪૩,૨૪૩ રહી છે, જે ડિસેમ્બર ક્વૉર્ટરના મુકાબલે ૩૬૧૧નો ચોખ્ખો ઘટાડો સૂચવે છે. જોકે આ ગાળામાં એટ્રિશન રેટ ૨૪.૩ ટકાથી ઘટીને ૨૦.૯ ટકાએ આવી ગયો છે. કંપનીએ શૅરદીઠ સાડાસત્તર રૂપિયાનું આખરી ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેની રેકૉર્ડ ડેટ બીજી જૂન છે.
૨૦૨૨-’૨૩ના વર્ષ માટે કંપનીએ ૧૬થી ૧૬.૫ ટકાના રેવન્યુ ગ્રોથનું ગાઇડન્સિસ આપ્યું હતું, એની સામે વાસ્તવિક ગ્રોથ રેટ ૧૫.૪ ટકા નોંધાયો છે. વાત અહીં અટકતી નથી, ૨૦૨૩-’૨૪ના વર્ષ માટે કંપનીએ ઘણાં નબળાં ગાઇડન્સિસ આપ્યાં છે, જેમાં ૪થી ૭ ટકાનો જ રેવન્યુ ગ્રોથ અપેક્ષિત છે.
પરિણામ બંધ બજારે આવ્યાં હતાં. શૅર પરિણામ પૂર્વે સરેરાશ કરતાં ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૩૮૪ની અંદર જઈ ૨.૮ ટકા ગગડી ૧૩૮૯ નીચેના બંધમાં સેન્સેક્સ-નિફ્ટી આજે ટૉપ લૂઝર બન્યો છે. પરિણામ જેવાં આવ્યાં છે એ જોતાં આ શૅર ૨૬ સપ્ટેમ્બરે બનેલું ૧૩૫૫નું બૉટમ બહુ ઝડપથી તોડશે એમ લાગે છે.