13 March, 2023 06:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફેબ્રુઆરી 2023માં છૂટક ફુગાવા (Retail Inflation)ના દરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તે હજુ પણ આરબીઆઈ (RBI)ના ટાર્ગેટ બેન્ડથી ઉપર છે. ફેબ્રુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.44 ટકા રહ્યો છે, જ્યારે જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા હતો.
લોકો મોંઘવારીથી પરેશાન
છૂટક ફુગાવાના દરમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 5.95 ટકા પર આવી ગયો છે, જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 6 ટકા હતો. ફેબ્રુઆરી 2022માં ખાદ્ય ફુગાવાનો દર 5.85 ટકા હતો. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્યાન્ન અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 16.73 ટકા હતો.
દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 9.65 ટકા, મસાલાનો મોંઘવારી દર 20 ટકાથી 20.20 ટકા રહ્યો છે. ફળોનો મોંઘવારી દર 6.38 ટકા, ઈંડાનો મોંઘવારી દર 4.32 ટકા રહ્યો છે. કઠોળનો મોંઘવારી દર 4.09 ટકા રહ્યો છે. પેક્ડ મિલો, નાસ્તા અને મીઠાઈનો મોંઘવારી દર 7.98 ટકા રહ્યો છે. આ સમયગાળામાં શાકભાજી સસ્તી થઈ ગઈ છે. શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 11.61 ટકા થયો છે.
લોન વધુ મોંધી થઈ શકે
છૂટક ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈની 6 ટકાની ઉપલી મર્યાદાથી ઉપર છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં છૂટક ફુગાવાનો દર 6 ટકાથી વધુ રહ્યો છે, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર 2022માં છૂટક મોંઘવારીનો બેન્ડ ઘટીને 6 ટકા પર આવી ગયો હતો. 8 ફેબ્રુઆરી, 2023ના રોજ આરબીઆઈએ રેપો રેટ એક ક્વાર્ટર ટકા વધારીને 6.50 ટકા કર્યો છે.
આ પણ વાંચો: સિલિકૉન વૅલી બૅન્કની નાદારીથી બજારોમાં પૅનિક
હવે ફરી એકવાર છૂટક ફુગાવાનો દર આરબીઆઈના બેન્ડની બહાર પહોંચી ગયો છે, લોન વધુ મોંઘી થવાનું જોખમ ફરી વધી રહ્યું છે. 3થી 6 એપ્રિલ 2023 દરમિયાન આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠક થશે, જેમાં એવું માનવામાં આવે છે કે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. જો આવું થાય તો EMI વધુ મોંઘી થઈ શકે છે.