05 January, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિલાયન્સે ગુજરાતની ૧૦૦ વર્ષ જૂની બેવરેજિસ કંપની સોસ્યોને હસ્તગત કરી
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એ રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અને એફએમસીજી શાખા છે. આરઆરવીએલે આજે જાહેરાત કરી હતી કે એ ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતી સોસ્યો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડમાં ૫૦ ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે. આ કંપની ફ્લૅગશિપ બ્રૅન્ડ સોસ્યો હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને એનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની કંપનીના બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે.
સોસ્યો એ કાર્બોનેટેડ સૉફ્ટ ડ્રિંક્સ અને જૂસમાં લગભગ ૧૦૦ વર્ષનો વારસો ધરાવતી હેરિટેજ ભારતીય બ્રૅન્ડ છે. અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી દ્વારા ૧૯૨૩માં સ્થપાયેલી કંપની સ્થાનિક સૉફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં અગ્રણી સ્પર્ધકોમાં સ્થાન ધરાવે છે.
અબ્બાસ હજૂરી અને તેમના પુત્ર અલીઅસગર હજૂરી દ્વારા સંચાલિત કંપનીના પોર્ટફોલિયોમાં સોસ્યો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા સહિત અનેક પીણાની બ્રૅન્ડ્સ ધરાવે છે. કંપનીએ ફૉર્મ્યુલેશન ડેવલપ કરવાની એની મજબૂત કુશળતાના આધારે ૧૦૦થી વધુ ફ્લેવર્સ લૉન્ચ કરી છે. સોસ્યો બ્રૅન્ડ ગુજરાતમાં મજબૂત વફાદાર ગ્રાહક સમૂહનો આધાર ધરાવે છે.
રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું કે આ રોકાણ અમને સ્થાનિક હેરિટેજ બ્રૅન્ડ્સને સશક્ત બનાવવાના અમારા વિઝનને આગળ વધારવામાં અને તેમને નવી વૃદ્ધિની તકો સાથે આગળ આવવામાં મદદ કરે છે.