29 March, 2024 09:39 AM IST | Mumbai | Jayesh Chitalia
શૅરબજાર માટે અદ્ભુત અને અભૂતપૂર્વ વર્ષ
શૅરબજારનું કંઈ કહેવાય નહીં, શૅરબજારનો ભરોસો કેટલો કરાય? શૅરબજાર ક્યારે ઊછળે, ક્યારે તૂટે, ક્યારે તારી દે અને ક્યારે ડુબાડી દે એ વિશે કંઈ કહી શકાય નહીં. શૅરબજાર એટલે જોખમ અને માત્ર જોખમ એવી બધી વાતો-માન્યતા સાચી, છતાં ૨૦૨૩-’૨૪નું નાણાકીય વર્ષ રોકાણકારો માટે એકંદરે અદ્ભુત અને અભૂતપૂર્વ રહ્યું એમ કહી શકાય. આ વર્ષનો માર્કેટની દૃષ્ટિએ ગુરુવારે અંતિમ દિવસ હતો અને મુંબઈ શૅરબજાર પર લિસ્ટેડ શૅરોમાં આ વર્ષે રોકાણકારોની મૂડીમાં ૧૨૮ લાખ કરોડની વૃદ્ધિ થઈ છે. અર્થાત્ રોકાણકારો આટલી રકમ કમાયા. આ કમાણી ક્યાંક વાસ્તવિક અને ક્યાંક કાગળ પર હોઈ શકે, પરંતુ રોકાણકારો વીતેલા નાણાકીય વર્ષમાં આટલું કમાયા એમ ચોક્કસ કહી શકાય. મજાની વાત એ છે કે બધેબધું જ વધ્યું છે, સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ તેમ જ મહત્તમ સેક્ટર્સના સ્ટૉક્સમાં વધારો જોવા મળ્યો છે. માર્કેટ અને ઇન્વેસ્ટર્સ માટે આ યાદગાર વર્ષ કહી શકાય. આ એક જ વર્ષમાં માર્કેટે સતત એકધારી તેજી સાથે નવી-નવી ઊંચાઈના રેકૉર્ડ કર્યા છે.
નિફ્ટીએ ૨૭ ટકા સાથે ડબલ ડિજિટ વળતર આપ્યું, જ્યારે છેલ્લા અમુક દિવસોમાં જેમાં ચિક્કાર ધોવાણ થયું, જેને માટે ભય ઊભા થયા હતા એ સ્મૉલકૅપ સ્ટૉક્સ તરફથી ૬૩ ટકા વળતર આપ્યું હોવાનું નોંધાયું છે. નિફ્ટી-250 સ્મૉલકૅપ ઇન્ડેક્સે નિફ્ટી કરતાં પણ ડબલથી વધુ એવું ૬૩ ટકા વળતર આપ્યું છે.
૨૦૨૩-’૨૪ આટલું અદ્ભુત વર્ષ રહેવાનાં કારણો શું? આ કારણો એક નહીં, અનેક છે. સરકારની આર્થિક નીતિઓ, અર્થતંત્રના વિકાસની ઝડપ, કૉર્પોરેટ્સની કમાણીમાં નોંધપાત્ર વૃદ્ધિ, સરકાર તરફથી ઊંચો મૂડીખર્ચ, સ્થાનિક ગ્રોથની સાતત્યપૂર્ણ ગતિ, વિદેશી રોકાણ ઉપરાંત સ્થાનિક રોકાણપ્રવાહનો ધોધ મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત અને રીટેલ રોકાણકારો મારફત પણ આવતો રહ્યો, જેણે આ વર્ષને સૌથી વધુ શુકનવંતું બનાવ્યું કહી શકાય. એમાં વળી ચૂંટણીનો માહોલ; એમાં ઉમેરાયો મજબૂત રાજકીય વિજયનો સંકેત, વિશ્વાસ. ગ્લોબલ રેટિંગ એજન્સીઓના ભારતીય આર્થિક વિકાસ માટેના સતત વધેલા ઊંચા આશાવાદ વગેરે જેવાં પરિબળો પણ છવાતાં રહ્યાં, જેની અસર નવા નાણાકીય વર્ષ પર ચાલુ રહેશે એવી આશા અવશ્ય રાખી શકાય.
નવું વર્ષ લાર્જ કૅપ સ્ટૉક્સનું રહેશે, કેમ કે...
૨૦૨૩-’૨૪માં ભલે સ્મૉલ-મિડકૅપ સ્ટૉક્સ વૃદ્ધિમાં આગળ રહ્યા, પરંતુ ૨૦૨૪-’૨૫નું વર્ષ લાર્જકૅપ સ્ટૉક્સનું રહેશે, કારણ કે આ વર્ષની તેજીમાં સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સના ઉછાળા સાથે ઘણા ગંભીર સંકેત પણ બહાર આવ્યા હતા, જોખમો દર્શાવવામાં આવ્યાં હતાં, સેબીએ પણ ચેતવણી આપી હતી, મ્યુચ્યુઅલ ફન્ડ્સના આવા સ્ટૉક્સના રોકાણની સ્ટ્રેસ-ટેસ્ટ કરવામાં આવી હતી, તેમના પર પરોક્ષ અંકુશ મુકાયા હતા. ક્યાંક ઑપરેટર્સની રમતની શંકાઓ પણ વ્યક્ત થઈ હતી. આમ સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં સાવચેત રહેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એમ આર્થિક વિકાસનાં ફળ લાર્જકૅપ સ્ટૉક્સના ભાગે વધુ આવવાની આશાએ નવું નાણાકીય વર્ષ લાર્જકૅપના સ્ટૉક્સનું રહે એવી શક્યતા ઊંચી રહેશે.