૨૦૨૫માં નવા જમાનાનાં પચીસ સ્ટાર્ટઅપ્સ IPO લઈ આવવાનાં છે

06 January, 2025 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓના IPO આવ્યા બાદ નવા વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઈને પચીસ સુધી પહોંચી જવાની ધારણા છે.

ઝેપ્ટો કંપનીનો લોગો

વર્ષ ૨૦૨૪માં ૧૩ સ્ટાર્ટઅપ કંપનીઓના IPO આવ્યા બાદ નવા વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઈને પચીસ સુધી પહોંચી જવાની ધારણા છે. ફિનટેક, ઈ-કૉમર્સ, લૉજિસ્ટિક્સ અને ઍડટેક એ બધાં નવાં ક્ષેત્રોમાં ઉદ્યમીઓ પોતપોતાનું જોશ બતાવવા થનગની રહ્યા છે. જો સ્ટાર્ટઅપ્સના IPOની સંખ્યા પચીસ થઈ જશે તો એક કૅલેન્ડર વર્ષમાં એમની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે હશે.

એથર એનર્જી, ઍરિસઇન્ફ્રા, અવાન્સ, આય ફાઇનૅન્સ, બોટ, બ્લુસ્ટોન, કારદેખો, કૅપ્ટન ફૅશન, ડેવઍક્સ, ઈકૉમ એક્સપ્રેસ અને ફ્રૅક્ટલ જેવી નવા જમાનાની કંપનીઓ IPO લાવે એવી શક્યતા છે. અન્ય કંપનીઓમાં ઇન્ફ્રા ડૉટ માર્કેટ, ઇનોવિટી, ઇન્ક્રેડ, ઇન્ડિક્યુબ, ઑફબિઝનેસ, ફિઝિક્સવાલા, પેયુ, પાઇન લૅબ્સ, ઉલ્લુ ડિજિટલ, શૅડોફૅક્સ, સ્માર્ટવર્ક્સ, ઝેપફ્રેશ, ઝેપ્ટો અને ઝેટવર્ક પણ આ વર્ષે IPO લાવવા માગે છે.

ગયા વર્ષે કુલ ૧૩ સ્ટાર્ટઅપ્સે એકંદરે ૨૯,૦૦૦ કરોડ રૂપિયા માર્કેટમાંથી પ્રાપ્ત કર્યા હતા. એ કંપનીઓમાં સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક અને ફર્સ્ટક્રાયનો સમાવેશ થતો હતો. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૨માં માત્ર બે અને ૨૦૨૩માં પાંચ સ્ટાર્ટઅપ્સ IPO લઈ આવ્યાં હતાં.

ઝેટવર્ક, ઑફબિઝનેસ અને પાઇન લૅબ્સ એ ત્રણ કંપનીઓ ૧-૧ અબજ ડૉલર એકઠા કરવા માટે ઇશ્યુ લાવવા માગે છે. ઝેપ્ટો, ઇન્ફ્રા ડૉટ માર્કેટ, ફ્રૅક્ટલ અને ફિઝિક્સવાલા આશરે ૫૦૦ મિલ્યન ડૉલરના ઇશ્યુ લાવવાનાં છે. આય ફાઇનૅન્સ અને અવાન્સ ફાઇનૅન્શ્યલ સર્વિસિસે IPOના દસ્તાવેજો જમા કરાવી દીધા છે; જ્યારે પેયુ, પાઇન લૅબ્સ અને ઇન્ક્રેડ વર્ષના પાછલા ભાગમાં લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક છે.

કેટલાકે પ્રી-​ફન્ડિંગ મેળવ્યું છે
ઝેપ્ટો, ફિઝિક્સવાલા, રિબેલ ફૂડ્સ અને ઓયો સહિતની કેટલીક કંપનીઓએ ગયા વર્ષે પ્રી-IPO ફન્ડિંગ પ્રાપ્ત કર્યું હતું. આય ફાઇનૅન્સે નૉર્ધર્ન આર્ક અને એએસકે ફાઇનૅન્શ્યલ પાસેથી ૧૧૦ કરોડ રૂપિયાનું કરજ મેળવ્યું છે. હવે વધુ ૨૦૦ કરોડ રૂપિયાનું કરજ ગોલ્ડમૅન સાક્સ (ઇન્ડિયા) ફાઇનૅન્સ પાસેથી પ્રાપ્ત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ipo finance news zomato business news