સ્ટીલમાં મંદી પૂરી : જાન્યુઆરી મહિનાથી ભાવ વધે એવી ધારણા

29 December, 2022 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગની સ્ટીલ કંપનીઓ ટને ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા વધારી શકે : સ્ટીલમાં નિકાસ-વેપારો પણ વધતાં અને ચીનમાં ભાવ વધતાં ભારતને ફાયદો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સ્ટીલ-બજારમાં મંદી હાલપૂરતી પૂરી થઈ ગઈ છે અને જાન્યુઆરી મહિનાથી સ્ટીલના ભાવમાં સુધારો ચાલુ થાય એવી ધારણા છે. બે મોટી કંપનીઓએ તો સ્ટીલમાં ભાવ વધારશે એવા સંકેત પણ આપી દીધા છે.

ભારતીય સ્ટીલ મિલો સુધરેલા વૈશ્વિક સંકેતો અને આંતરરાષ્ટ્રીય ભાવમાં મજબૂતી પાછળ જાન્યુઆરીમાં ભાવવધારા પર નજર રાખી રહી છે. જોકે સ્થાનિક ઑર્ડર ધીમા હોવાથી ભાવવધારો બહુ નહીં આવે. આ સપ્તાહની શરૂઆતમાં ઓછામાં ઓછી બે મોટી મિલોએ ભાવવધારાની જાહેરાત કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સ્ટીલ મિલોએ હૉટ રોલ્ડ કૉઇલ (એચઆરસી) સ્ટીલના ભાવમાં ડિસેમ્બર મહિનામાં માસિક ધોરણે પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો અને ભાવ મુંબઈ ડિલિવરી ૫૩,૪૦૦ રૂપિયાના હતા, જ્યારે કોલ્ડ રોલ્ડના ભાવ ૫૯,૩૦૦ રૂપિયા હતા, જે થોડા સમય પહેલાં જ ૬૨,૫૦૦ રૂપિયાની ઊંચી સપાટી પર હતા. આમ તાજેતરના દિવસોમાં સ્ટીલમાં જે ઘટાડો થવાનો હતો એ થઈ ગયો છે.

સ્ટીલના ભાવમાં વધારો થવાનું કારણ જણાવતાં ટ્રેડરો કહે છે કે કેન્દ્ર સરકારે નવેમ્બરના મધ્યમાં સ્ટીલની નિકાસ-ડ્યુટી નાબૂદ કરી હતી. ડ્યુટી નાબૂદી છતાં નિકાસ ઑર્ડરો ખાસ ન મળતાં ડિસેમ્બરમાં ભાવ ઘટ્યા હતા, પરંતુ હવે ચીનમાં ભાવ વધ્યા હોવાથી ભારતીય નિકાસકારોને ઑર્ડર મળી શકે છે, જેને પગલે જાન્યુઆરીથી ભાવ વધવાની ધારણા છે.

ચીનના સ્ટીલના નિકાસભાવ ૬૦૦ ડૉલરથી વધીને ૬૨૫ ડૉલર થઈ ગયા છે, જ્યારે ભારતીય ભાવ ૫૪૦થી ૫૫૦ ડૉલરથી વધીને ૫૮૬થી ૬૦૦ ડૉલર થઈ ગયા છે. આમ ચીનના ભાવ વધતાં ભારતીય મિલોને નિકાસ પડતર બેસી શકે એવી ધારણા છે. જેને પગલે તેજીનો ટોન દેખાઈ રહ્યો છે

business news china