13 December, 2022 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં રવી પાકોનું વાવેતર સરેરાશ ગયા વર્ષની તુલનાએ ૧૫ ટકા વધ્યું છે, જેમાં ઘઉંના વાવેતરમાં સૌથી વધુ ૨૫ ટકાનો વધારો થયો છે, જ્યારે કઠોળના વાવેતરમાં ત્રણેક ટકા અને તેલીબિયાં પાકોના વાવેતરમાં નવેક ટકાનો વધારો થયો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં નવમી ડિસેમ્બર સુધીમાં કુલ રવી પાકોનું વાવેતર ૫૨૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આજ સમયે ૪૫૮ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૧૫ ટકાનો વધારો થયો છે.
દેશમાં ઘઉંનું વાવેતર ૨૫૫.૭૬ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આજ સમયે ૨૫.૪૩ લાખ હેક્ટરમાં થયું હતું. ઘઉંનું વાવેતર સામાન્ય રીતે ૩૦૦ લાખ હેક્ટર ઉપર થાય છે, જેમાં હવે પચાસેક લાખ હેક્ટરનું વાવેતર બાકી છે, પરંતુ ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર દશેક ટકા વધે એવી ધારણા છે.
દેશમાં ચણાનું વાવેતર ૨.૪૫ ટકા વધીને ૮૯.૪૨ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે તેલીબિયાં પાકોનું વાવેતર ૮.૬ ટકા વધીને ૯૫.૧૯ લાખ હેક્ટરમાં થયું છે. ખાસ કરીને રાયડાનું વાવેતર નવ ટકા વધીને ૮૮ લાખ હેક્ટરે પહોંચ્યું છે.