09 June, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉનાળુ મગનાં અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા મધ્ય પ્રદેશમાં મગની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)ની ખરીદીનો પ્રારંભ આગામી ૧૫ જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત ચણાની ખરીદી માટેની તારીખ પણ ૧૫ જૂન સુધી લંબાવી દીધી છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે ૧૫ જૂનથી રાજ્યમાં મગની એમએસપીથી ખરીદી શરૂ થશે, જેના માટે ખેડૂતો ૮ જૂનથી ઑનલાઈન નોંધણી કરાવી શકશે.
વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ ઉનાળુ મગની ખરીદીની મંજૂરી મળી હોવાથી તેની ખરીદી તાત્કાલિક શરૂ કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ ઉપરાંત કોરોનાને કારણે ચણાની ખરીદી પણ ૧૫ જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ સરકારની સક્રિય રજૂઆતને પગલે કેન્દ્ર સરકારે ઉનાળુ મગની એમએસપીથી ખરીદીની છૂટ આપી છે, તો ગુજરાત સરકારે પણ રાજ્યના બાજરીના ખેડૂતો માટે આ પ્રકારની ખરીદીની મંજૂરી માગવી જોઈએ.