જાણો સાઇબર-ઇન્શ્યૉરન્સ પૉલિસીની અગત્યતા

21 February, 2024 07:00 AM IST  |  Mumbai | Nisha Sanghvi

સાઇબર-ઇન્શ્યૉરન્સ એ એક પ્રકારનો ઇન્શ્યૉરન્સ જ છે જે સાઇબર-હુમલા વખતે અથવા ડેટામાં થતી નિષ્ફળતાને કારણે થતા નાણાકીય નુકસાનને આવરી લે છે.

પ્રતીકાત્મક તસવીર

ખરીદી, બૅન્ક ટ્રાન્ઝૅક્શન્સ, મનોરંજન અથવા સંદેશાવ્યવહાર માટે આજે આપણામાંના મોટા ભાગના લોકો ઇન્ટરનેટ પર ખૂબ આધાર રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્તમાનમાં ભારતમાં દેશભરમાં ૭૫ કરોડથી પણ વધુ ઇન્ટરનેટ વપરાશકારો છે. આજના ડિજિટલ યુગમાં જ્યાં બધું જ ઇન્ટરનેટથી જોડાયેલું છે, એવામાં સાઇબર-સિક્યૉરિટી એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઑર્ગેનાઇઝેશ્નલ તેમ જ વ્યક્તિગત સ્તરે સાઇબર-ક્રાઇમ્સમાં ખૂબ જ વધારો થયો છે. આથી આપણે લટકતી તલવાર જેવા આ ભયનો સામનો કેવી રીતે કરવો અને આપણી સાથે ક્યારેક પણ ઘટી શકે એવા સાઇબર-ફ્રૉડની શક્યતાઓને કેવી રીતે ટાળી શકાય એ બાબતે સાવધ રહેવું જોઈએ. એક પ્રોડક્ટ જે સાઇબર-જોખમોને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે એ છે સાઇબર-ઇન્શ્યૉરન્સ.  

સાઇબર-ઇન્શ્યૉરન્સ શું છે ?
સાઇબર-ઇન્શ્યૉરન્સ એ એક પ્રકારનો ઇન્શ્યૉરન્સ જ છે જે સાઇબર-હુમલા વખતે અથવા ડેટામાં થતી નિષ્ફળતાને કારણે થતા નાણાકીય નુકસાનને આવરી લે છે. આ ઇન્શ્યૉરન્સ, સાઇબર હુમલાથી થતા સંભવિત નુકસાનનું સંચાલન કરવામાં અને ઘટાડવામાં મદદ કરવા માટે રચાયેલ છે. સાઇબર-ઇન્શ્યૉરન્સ પૉલિસી વ્યક્તિગત કવરની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં આઇડેન્ટિટી થેફ્ટ (ઓળખ ચોરી થવાનું)નું કવર, સોશ્યલ મીડિયા કવર, સાઇબર-સ્ટૉકિંગ કવર, આઇટી થેફ્ટ લૉસ કવર, માલવેર કવર,  ફિશિંગ કવર,  ઈ-મેઇલ સ્પૂફિંગ કવર, મીડિયા લાયબિલિટી ક્લેમ્સ કવર અને સાઇબર-એક્સટોર્શન કવર સામેલ છે. 

સાઇબર-ઇન્શ્યૉરન્સના ફાયદા
૧) મનની શાંતિ : તમારી પાસે સાઇબર-ઇન્શ્યૉરન્સ હોય તો તમને માનસિક શાંતિ મળે છે અને અસ્વસ્થતા ઘટાડે છે, કારણ કે તમે જાણો છો કે સાઇબર હુમલો થાય એવા સંજોગોમાં તમને બચાવવા માટે તમારી ઇન્શ્યૉરન્સ પૉલિસી તમારી સાથે છે.
૨) નાણાકીય નુકસાન સામે તમારું રક્ષણ કરે છે : સાઇબર-હુમલાને પરિણામે થયેલા નુકસાનથી બચવામાં તમને આ પૉલિસી મદદ કરી શકે છે. વિવિધ કેસમાંના જુદા-જુદા સંજોગોને આધારે આમાં ડેટા રિકવરી, કાનૂની-ફી અને પીડિતોને વળતર-ચુકવણીની કિંમત સામેલ હોઈ શકે છે.
૩) કટોકટીના સમયે સહાય : ડેટાની રિકવરી માટે સહાય મળી શકે, જેમાં ડેટાની પુન:સ્થાપનાની (ડેટા  રિસ્ટોરેશનની) અને ક્ષતિગ્રસ્ત સિસ્ટમોનું સમારકામ કરવા માટેની કિંમત વગેરે સામેલ હોય છે.  

સાઇબર-ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ
૧) મારે કયા પ્રકારના કવરેજની જરૂર છે ?
વર્તમાનમાં વિવિધ પ્રકારની સાઇબર-સિક્યૉરિટી ઇન્શ્યૉરન્સ પૉલિસીઓ ઉપલબ્ધ છે. દરેકે તેમની પોતાની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય એવી પૉલિસી પસંદ કરવી જોઈએ. કેટલીક પૉલિસીઓમાં ફક્ત આર્થિક નુકસાનને આવરી લેવામાં આવે છે, જ્યારે અન્ય પૉલિસીઓ કાનૂની-ફી અને દંડ પણ આવરી લે છે. આથી પૉલિસી ખરીદતાં પહેલાં એમાં આપેલા નિયમો તેમ જ શરતોને સમજી લેવા ખૂબ જ જરૂરી છે.
૨) પૉલિસીની લિમિટ-મર્યાદા શું છે?
સાઇબર-ફ્રૉડની ઘટના બને તો કેટલી મહત્તમ રકમ ઇન્શ્યૉરન્સ કંપની ચૂકવશે એને પૉલિસી-લિમિટ કે મર્યાદા કહેવાય છે. યોગ્ય તેમ જ પૂરતું રક્ષણ મળી શકે એની ખાતરી કરવા માટે પૂરતી મર્યાદા અને વ્યાપક પેટા-મર્યાદાઓ ધરાવતી પૉલિસીની પસંદગી કરવી. જ્યારે આવી કમનસીબ ઘટના ઘટે ત્યારે ઓછી રકમની પૉલિસી વ્યવહારિક રીતે બહુ કામમાં નહીં આવે. તમને યોગ્ય મર્યાદા પસંદ કરવામાં સહાય કરવા માટે તમે તમારા વીમા-સલાહકાર અથવા વીમા-કંપનીના પ્રતિનિધિની સલાહ લઈ શકો છો.
૩) પૉલિસીની કિંમત કેટલી છે?
સાઇબર-ઇન્શ્યૉરન્સ પૉલિસીની કિંમત કવરેજ અને પૉલિસીની મર્યાદાને આધારે જુદી-જુદી હોય છે. પૉલિસી લેવા ઇચ્છુક વ્યક્તિએ વિવિધ પૉલિસીઓની તુલના કરવી જોઈએ અને જે પૉલિસી શ્રેષ્ઠ કવરેજ આપે એને પસંદ કરવી જોઈએ. 
૪) યોગ્ય ઇન્શ્યૉરન્સ પ્રદાતા કેવી રીતે પસંદ કરવો?
ક્લેમ કરવાના સમયે તમારે વધારે મુશ્કેલીમાંથી પસાર થવું ન પડે એ સુનિશ્ચિત કરવા માટે વિશ્વાસપાત્ર અને પ્રતિષ્ઠિત ઇન્શ્યૉરન્સ પ્રદાતાની પસંદગી નિર્ણાયક છે. ઇન્શ્યૉરન્સ કંપનીના દાવાઓની ચુકવણી કરવાની ક્ષમતા, તેમની પ્રોડક્ટ્સ અને તેઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે ઊંડાણથી સંશોધન કરીને પછી જ ઇન્શ્યૉરન્સ કંપનીનું ચયન કરવું જોઈએ. 

નિષ્કર્ષ
આજના ડિજિટલી જોડાયેલા વિશ્વમાં દરેક માટે સાઇબર-ઇન્શ્યૉરન્સ કવર જરૂરી બન્યું છે. એ સાઇબર-જોખમો અને ડેટાની નિષ્ફળતાથી જોખમાતી વ્યક્તિગત માહિતી, નાણાકીય સંપ​ત્તિ અને પ્રતિષ્ઠાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. હવે જ્યારે તમે સાઇબર-ઇન્શ્યૉરન્સ પૉલિસીનું મહત્ત્વ જાણો છો ત્યારે હું તમને તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને સતતવધતાં સાઇબર-જોખમોથી બચવા માટે યોગ્ય કવરની શોધ કરવા વિનંતી કરું છું, કારણ કે યોગ્ય સાઇબર-ઇન્શ્યૉરન્સ કવર એક ઢાલ તરીકે કામ કરે છે અને ફ્રૉડ થાય ત્યારે એમાંથી થતા નુકસાનમાંથી ઊભરવામાં મદદ મળી શકે છે.

business news share market mutual fund investment