29 April, 2023 02:53 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
જપાને લાંબા સમયથી ચાલી આવતી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખીને ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ જાળવી રાખતાં ડૉલરની મજબૂતીથી સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૪૭ રૂપિયા ઘટ્યાં હતાં.
વિદેશી પ્રવાહ
બૅન્ક ઑફ જપાને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખતાં ડૉલરને મજબૂતી મળી હતી જેને પગલે સોનામાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બૅન્ક ઑફ જપાનના નવા ગવર્નર આવ્યા બાદ લાંબા સમયથી ચાલી આવતી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટમાં પૉલિસી રેટમાં ફેરફાર થવા વિશેની અટકળો ખોટી પડી હતી. વળી અમેરિકાની બૅન્ક ક્રાઇસિસના નવા કોઈ ખરાબ સમાચાર આવ્યા નહોતા જેને કારણે સોનું વધ્યા મથાળેથી ઘટ્યું હતું. સોનું ગુરુવારે વધીને ૨૦૦૪ ડૉલર થયું હતું જે શુક્રવારે ઘટીને ૧૯૭૯ ડૉલર થયા બાદ સાંજે ૧૯૮૩થી ૧૯૮૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં. જોકે પૅલેડિયમ મજબૂત હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ફર્સ્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટના પહેલા ઍડ્વાન્સ એસ્ટિમેટમાં ગ્રોથ ૧.૧ ટકા રહ્યો હતો જે ૨૦૨૨ના છેલ્લા ક્વૉર્ટરમાં ૨.૬ ટકા રહ્યો હતો. આમ અગાઉના ક્વૉર્ટર કરતાં ગ્રોથરેટ અડધા કરતાં ઓછો રહ્યો હતો. ૨૦૨૨નાં પહેલાં બે ક્વૉર્ટરમાં ગ્રોથરેટ નેગેટિવ રહ્યો હતો અને ૨૦૨૩ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ઘટ્યો છે. વળી માર્કેટની ધારણા ફર્સ્ટ ક્વૉર્ટરના ઍડ્વાન્સ ગ્રોથની બે ટકાની હતી. ખાસ કરીને રેસિડેન્શિયલ ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ સતત આઠમા ક્વૉર્ટરમાં ઘટતાં ગ્રોથરેટ નબળો રહ્યો હતો.
અમેરિકાના બેરોજગારી ભથ્થું લેનારા નવા કૅન્ડિડેટની સંખ્યા ૨૨મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૧૬ હજાર ઘટીને ૨.૩૦ લાખે પહોંચી હતી જે માર્કેટની ૨.૪૯ લાખની ધારણા કરતાં ઘણી ઓછી રહી હતી. છેલ્લાં ત્રણ સપ્તાહોમાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા પહેલી વખત ઘટી હતી. સીઝનલી જૂનું બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૩૪૭૮ ઘટીને ૨.૨૫ લાખે પહોંચી હતી.
અમેરિકાના મૉર્ગેજ રેટમાં છેલ્લાં બે સપ્તાહોથી સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે આગળ જતાં મૉર્ગેજ ઍપ્લિકેશનમાં ઘટાડો થઈ શકે છે. ૨૭મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના અંતે ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ વધીને ૬.૪૩ ટકાએ પહોંચ્યો હતો જે અગાઉના સપ્તાહે ૬.૩૯ ટકા હતો. જોકે ૧૫ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ થોડો ઘટીને ૬.૭૧ ટકાએ પહોંચ્યો હતો જે અગાઉના સપ્તાહે ૬.૭૬ ટકા હતો.
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ શુક્રવારે ૧૦૧.૫ પૉઇન્ટના લેવલે પહોંચ્યો હતો જે સતત બીજે મહિને ઘટાડાતરફી છે. ફેડરલ રિઝર્વ ચાલુ વર્ષે ઇન્ટરેસ્ટ રેટમાં ગમે ત્યારે ઘટાડો શરૂ કરશે એવી સતત વધી રહેલી ચર્ચાને કારણે ડૉલરમાં વેચવાલીનું પ્રેશર વધી રહ્યું છે. ઉપરાંત અનેક દેશો બીજા દેશો સાથે ડૉલરમાં ટ્રેડ કરવાને બદલે એકબીજા દેશોની કરન્સીમાં ટ્રેડ કરવાનું ચાલુ કરી રહ્યા છે. ખાસ કરીને રશિયા પર વેસ્ટર્ન દેશોના પ્રતિબંધના દબાણથી ડૉલર ટ્રેડ વર્લ્ડમાં ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે એનું દબાણ પણ ડૉલર પર વધી રહ્યું છે.
અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં માર્ચમાં ૫.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. વળી માર્કેટની ધારણા હોમસેલ્સમાં ૦.૫ ટકા વધારો થવાની હતી એને બદલે ૫.૨ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. હાલ ઇન્ટરેસ્ટ રેટ ઊંચા હોવાથી માર્ચમાં ૨૮ ટકા એક્ઝિસ્ટિંગ હોમ લિસ્ટ પ્રાઇસથી ઊંચામાં વેચાયા હતા.
બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો. બૅન્ક ઑફ જપાને શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકા અને ટેન યર બૉન્ડ યીલ્ડ ઝીરો ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બૅન્ક ઑફ જપાનના વિદાય લીધેલા ગવર્નર હરુહિકો કુરોડાએ લાંબા સમયથી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. નવા ગવર્નર કાજુઓ ઉડા પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છે, પણ બૅન્કના મેમ્બરોએ આ વખતે ઇઝી મૉનિટરી પૉલિસી વિશે રિવ્યુ કરવાનો નિર્ણય લીધો છે.
જપાનના રીટેલ સેલ્સમાં માર્ચમાં ૭.૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૭.૩ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૫.૮ ટકા વધારાની હતી. જપાનના રીટેલ સેલ્સમાં સતત ૧૩મા મહિને વધારો થયો હતો. ખાસ કરીને ઑટોમોબાઇલ્સ સેલ્સમાં માર્ચમાં ૨૧ ટકાનો જંગી વધારો થયો હતો. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, ક્લોધિંગના સેલ્સમાં પણ વધારો થયો હતો. મન્થ્લી બેઇઝ પર રીટેલ સેલ્સ ૦.૬ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૨.૧ ટકા વધ્યું હતું. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ માર્ચમાં ૦.૮ ટકા વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૪.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં સતત બીજે મહિને વધારો થયો હતો. વાર્ષિક ધોરણે ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ૦.૭ ટકા માર્ચમાં વધ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૦.૫ ટકા ઘટ્યું હતું.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના ઇકૉનૉમિક ડેટામાં વધી રહેલી વૉલાટિલિટીથી સોનાની માર્કેટની નિશ્ચિત દિશા નક્કી કરવી મુશ્કેલ બની રહી છે. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા, બૅન્કિંગ ક્રાઇસિસ અને ડૉલર મૂવમેન્ટમાં આગામી દિવસોમાં ઘણા ઉતાર-ચઢાવ રહેશે. બૅન્કિંગ ક્રાઇસિસ પૂરી થઈ હોવાનો અહેસાસ ખોટો પડ્યો છે અને બૅન્કિંગ ક્રાઇસિસના નવા ડેવલપમેન્ટ જો બૅન્કિંગ સેક્ટરને વધુ ખરાબી તરફ દોરશે તો સોનામાં મોટી તેજીના ચાન્સિસ બનશે એ જ રીતે જો અમેરિકાનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ હવે પછીના બે રીડિંગમાં પણ જો નબળો રહેશે તો ડૉલર વધુ ઘટશે અને સોનામાં વધુ તેજી કરાવશે. આથી સોનામાં તેજી થશે કે નહીં? તેજી કેટલી આગળ વધશે? આ તમામ નિર્ણયો અમેરિકાના ઇકૉનૉમિક ડેટા, બૅન્કિંગ ક્રાઇસિસ અને ડૉલરની મૂવમેન્ટ પરથી નક્કી થશે.